તુલસી-ક્યારો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
તુલસી-ક્યારો
ઝવેરચંદ મેઘાણી
કોના પ્રારબ્ધનું →
તુલસી-ક્યારો
 
 

પુસ્તક ત્રેવીસમું

સંસ્કાર ગ્રંથાવલી


તુલસી-ક્યારો:લેખક:
ઝવેરચંદ મેઘાણી: પ્ર કા શ ક :
આર. આર. શેઠની કંપની
બુ ક સે લ ર્સ એન્ડ પ બ્લિ શ ર્સ
કેશવબાગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ
 
 

આવૃત્તિ પહેલી
૧ : ૯ : ૧૯૪૦

રૂ. ૨-૮-૦


: મુદ્રક :

: પ્રકાશક :

મનુભાઇ અમૃતલાલ શેઠ

ભુરાલાલ ર. શેઠ

સ્વાધીન મુ દ્ર ણા લ ય

આર. આર. શેઠની કું.

સૌરાષ્ટ્ર રોડ, રાણપુર.

પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ.


 
 અ * ર્પ * ણ
વિ જ યા બ હે ન ને

 
 
નિવેદન

વાર્તા પણ 'વેવિશાળ'ની જેમ, 'વેવિશાળની'ની પછી, 'ફુલછાબ'ની ૧૯૩૯-૪૦ની ચાલુ વાર્તા લેખે પ્રકટ થઈ હતી, ને તેની જ માફક કટકે કટકે લખાઇ હતી. 'વેવિશાળ'માં એક વૈશ્ય કુટુંબનો સંસાર આલેખવાનો યત્ન હતો, ને આમાં એક બ્રાહ્મણ કુટુંબનો.

આ બેઉ વાર્તાઓમાં જે દૃષ્ટિ કામ કરી ગઇ છે તેને વિષે આપણા જાણીતા વિવેચક શ્રી નવલરામ ત્રિવેદી એ એવું લખ્યું છે કે-

"દરેક માણસ જગતની દૃષ્ટિએ મહાજન ન થઈ શકે, પણ નૈતિક જીવનમાં ઉન્ન્તતિ મેળવી સાચી મહત્તા તો પ્રાપ્ત કરી શકે એવું એમની આ નવલકથાઓમાં ખાસ દેખાય છે. 'ભાભુ' (વેવિશાળ) અને 'ભાભી' (તુલસી-ક્યારો) જેવાં પાત્રો બતાવે છે કે ગુજરાતનાં ગામડાંની અભણ સ્ત્રીઓ પણ પોતાના દરરોજના જીવનમાં કેટલી વીરતા ને ઉદારતા તથા ઉચ્ચતા બતાવી શકે તેમ છે. શ્રી મેઘાણીનાં આવાં સ્ત્રીપાત્રો તેમજ 'માસ્તર' જેવાં પુરુષપાત્રો સામાન્ય વાચકોના મનમાં સિદ્ધ થઇ શકે તેવી પ્રશસ્ય મહત્ત્વકાંક્ષાઓના અંકુરો પ્રકટાવે છે........."

આથી વધુ કશું જ મારે મારી આ વાર્તાનાં પાત્રો વિષે ઉમેરવાપણું રહેતું નથી. ' સામાન્ય માનવીમાં રહેલી આંતરિક મહત્તાની સિદ્ધિની શક્યતા' - એ રૂપી તુલસી-ક્યારે જો મેં મારી શક્તિની આ નાનીશી ટબૂડી સીંચી હોય, તો તેને હું મારી જીવનભરની કૃતાર્થતા માનીશ.

આ વાર્તાનો વાચક સમૂહ 'વેવિશાળ'માં જે આત્મીયતા અનુભવી ગયો છે તે જ આત્મીયતા આમાં બતાવી ચુક્યો છે. પણ 'તુલસી-ક્યારો'

 
 

સાથેનો તેમનો તાદાત્મ્યભાવ એક દમ આગળ ચાલ્યો છે. અકસ્માત એવો થયો કે બીજા અંતરાયોને કારાણે 'તુલસી-ક્યારો'નાં છેલ્લાં ચારેક પ્રકરણોનો અંતભાગ મારે મોકૂફ રાખવો પડેલો. એટલે એ સમાપ્તિ હું કેવી રીતે લાવવાનો હોઈશ તે વિષેની પુષ્કળ અકળામણ, કંઈક ધાસ્તી ને કેટલોક સંદેહ અનુભવી રહેલાં વાચક ભાઇઓ-બહેનોએ મને ચેતવણીના કાગળો લખેલા. અમૂક પાત્રને રખે તું અમૂક રીતે બગાડી કે દુઃખી કરી મૂકે ! એવા એવા એ ચેતવણી-સ્વરો પરથી મને લાગ્યું કે વાંચકો પોતે જ આ વાર્તાનો અંત કેવો ઇચ્છે છે ને કલ્પી શકે છે તે તેમની પાસેથી જ જાણી લેવું. નિમંત્રણ દીધું. જવાબો આવ્યા. 'ફૂલછાબમાં એ જવાબો પ્રગટ કર્યા, અને એ જવાબોએ મને ખાત્રી કરાવી કે વાચકો પોતાને પ્રિય થઇ પડેલી સરજાતી વાર્તાને કેવળ વાંચતા જ નથી, પણ તેના સર્જનમાં ય સક્રિય સાથ આપે છે, ને પોતાની ઉકેલ બુદ્ધિથી એ પારકી કૃતિને (એનું પારકાપણું બિલકુલ ભૂલી જઈ) પોતાપણાથી રસી દે છે.

આવા ઉકેલો અનેક આવ્યા. આપણા વાર્તાસાહિત્યના સર્જનની એ નવીન વિશેષતાનો એક ઐતિહાસિક પાના લેખે આંહી ગ્રંથસ્થ કરવાની મારી ઉત્કટ ઇચ્છા હતી, પણ તેમ કરવા જતાં પુસ્તકની કિંમત પોતાને રૂ. ૩ કરવી પડશે. એવી સ્થિતિ આ પુસ્તકના મુલ્યનિર્ણયના મુખત્યાર પ્રકાશકોએ મને લાચારીથી લખી જણાવી, અને અમૂક જ લેખકની વાર્તા ગણીને ખરીદનારો કેટલોક સમૂહ આવા એક 'ઐતિહાસિક પાના'ને ખાતર અરધા રૂપિયાનો વધારો પસંદ નહિ જ કરે એમ લાગતાં વાચકોના એ સુંદર પત્રો મારે છોડી દેવા પડ્યા છે.

મેં આણેલી સમાપ્તિનું બધું જ સુખ સુખ ને સુખ જ નથી વેરી દીધું. કંચન-વીરસુત વચ્ચેનો વિયોગ મૂકવાની ગણતરી તો અગાઉથી જ હતી. લડાઈનો અકસ્માત તો એ નક્કી કરેલ સમાપ્તિને લટકાવવાની ખીંતી જ બનેલ છે. વસ્તુતઃ મારે તો વાર્તાને, કંચનની પ્રસૂતિવાળા ૪૩મા પ્રકરણના છેલ્લા બોલ 'બડકમદાર' સાથે જ થંભાવી દેવી હતી. 'સુખકારી સમાપ્તિ'ની મારી જે કલ્પના છે તે ત્યાં જ બંધ બેસતી થતી હતી.

કોઈ કહેશો ના કે ભદ્રાને કે ભાસ્કરને મારે હજુ આગળ લઈ જવાં જોઈતા હતાં. નહિ, એમ કરવા જતાં મેં વાર્તાનું પ્રધાન દૃષ્ટિબિંદુ જ ગુમાવી

 
 

દીધું હોત. આ વાર્તા ભદ્રાના પુનર્લગ્ન કે ચિરવૈધવ્યનો પ્રશ્ન છણવા માટે લખાઈ જ નથી. કુટુંબ-જીવનના ક્યારામાં 'તુલસી' સમી શોભતી ભદ્રાને, એ ક્યારામાંથી ઉખેડી બીજે કોઈ ઠેકાણે વાવવાનું કશું પ્રયોજન નહોતું. ભદ્રાને તો જે રુપે મેં આલેખી છે એ રૂપે જ એ મારા મનોરાજ્યમાં પરિપૂર્ણપણે જીવતી છે, ને એ રૂપે એનું જીવન મને સભરભર ભાસે છે. જીવનની એ 'સભરભરતા'માં દુઃખ અને સુખ, હાસ્ય અને આંસુ, ઉચ્છવાસ ને નિઃશ્વાસ ભેળાં જ ભર્યાં છે એને પરણાવી દેવા જેવું કે કોઈ દવાખાનાની નર્સ નીમાવી દેવા જેવું બનાવટી જીવન સાફલ્ય બતાવીને શું કરું?

'ભદ્રા જીવતી છે' એમ કહ્યું, તે પરથી રખે કોઈ કલ્પજો કે મેં ભદ્રાને જીવતા કોઈ માનવી સંસારમાંથી ઉઠાવી છે. 'વેવિશાળ'ના વાચકો તેમજ વિવેચકોમાં પણ એ ભ્રમણા રમી ગઈ છે, એ આવાં હુબહુ પાત્રો કોઈક જીવતાં માનવજીવનમાંથી મને જડ્યાં હોવા જોઈએ. આ વિભ્રમ પર લંબાણથી લખવાની જરૂર છતાં અહીં તે શક્ય નથી. પણ ખાત્રી આપું છું કે 'વેવિશાળ' કે 'તુલસી-ક્યારો' માંનું એક પણ પાત્ર આલેખતી વેળા મારી જાણનું કોઈ જીવતું માનવી મારી નજર સામે હતું નહિ. એ બધાં પાત્રો આ બેઉ વાર્તાઓમાં સાવ સ્વતંત્ર પણે જન્મેલાં, જીવેલાં, હસેલાં ને રડેલાં છે. ને મારે મન તો એ સત્ય-જગતનાં માનવીઓ જેવાં જ- બલકે એથી પણ વધારે 'જીવતાં' છે. વાચકની લાગણીમાં પણ એ 'જીવતાં' છે, પણ તેનું કારણ એ નથી કે તેઓ કોઇ જીવતા માનવીની તરસ્વીરો છે. એના વાચનથી આસપાસની દુનિયાનાં અમૂક માનવો યાદ આવે છે એ વાત ખરી-પણ તે તો વાચકે વાચકે જુદાં જુદાં માનવો હોય છે. એ જ બતાવે છે કે અમુક ચોકસ નરનારીઓ પરથી આ આલેખનો થવાં સંભવિત નથી.

વાર્તા લખાઇ ગયા પછી એક અકસ્માત થયાનું યાદ આવ્યું છે. 'નિરંજન'ની જેમ આંહી પણ માસ્તર પિતા ને પ્રોફેસર પુત્ર પેસી ગયા છે. આમ કેમ બન્યું હશે ? હું પણ સમજી શક્યો નથી.

રાણપુર
તા.૨૭-૭-'૪૦
ઝવેરચંદ મેઘાણી
 
 

તુલસી-ક્યારો
 
 
અ નુ ક્ર મ


પ્રકરણ પૃષ્ઠ
કોના પ્રારબ્ધનું
જબરી બા
ભદ્રા ૧૩
સસરો ૧૮
દેરાણી ૨૫
ભાસ્કર ૩૧
જુગલ-જીવન ૪૦
માણી આવ્યાં ૪૭
ભાસ્કરની શક્તિ ૫૩
૧૦ લગ્ન:જૂનું અને નવું ૫૮
૧૧ દેવુનો કાગળ ૬૬
૧૨ નિર્વિકાર ૭૧
૧૩ તુલસી કરમાયાં ૭૯
૧૪ બારણાં ઉઘાડ્યાં ૮૭
૧૫ 'સુકાઈ ગયા છો!' ૯૩
૧૬ સસરાને દીઠા ૧૦૦
૧૭ સમાધાન ૧૦૭
૧૮ પુત્રવધુની શોધમાં ૧૧૫
૧૯ ડોળાયેલાં મન ૧૧૯
૨૦ જગરબિલાડો ૧૨૩
૨૧ કોણ કાવતરાખોર? ૧૩૧
૨૨ જનતાને જોગમાયાં ૧૪૧

પ્રકરણ પૃષ્ઠ
૨૩ દિયરની દુઃખભાગી ૧૪૯
૨૪ માતા સમી મધુર ૧૬૦
૨૫ 'હવે શું વાંધો છે?' ૧૬૬
૨૬ અણધાર્યું પ્રયાણ ૧૭૬
૨૭ 'ચાલો અમદાવાદ' ૧૮૩
૨૮ ક્યાં ગઈ પ્રતિભા! ૧૯૩
૨૯ મરતી માએ સોંપેલો ૨૦૨
૩૦ એ બરડો ૨૧૧
૩૧ ભાસ્કરનો ભૂતકાળ ૨૧૭
૩૨ રૂપેરી પરદો ૨૨૭
૩૩ સિદ્ધાંતને બેવફા ૨૩૪
૩૪ અણનમ ૨૪૧
૩૫ ઘાએ ચડાવેલી ૨૪૭
૩૬ કંચનને હમેલ ! ૨૫૯
૩૭ અસત્ય એ જ સત્ય ૨૬૮
૩૮ 'બામણવાડો છે ભા!' ૨૭૬
૩૯ કેવો નાદાન પ્રશ્ન ! ૨૮૩
૪૦ 'શોધ કરૂં છું' ૨૯૧
૪૧ છૂપી શૂન્યતા ૨૯૮
૪૨ ભાસ્કરનો ભેટો ૩૦૪
૪૩ 'બડકમદાર' ૩૧૯
૪૪ બાકીનું તપ ૩૨૮

 
 
Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૦ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1960 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.
Flag of India.svg