આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવી બાને ઓળખી-અને દેવુનો હાથ ઢીલો પડ્યો. પથ્થર એની હથેળીઆ પરસેવામાં રેબઝેબ બન્યો. ને પછી ધીરે ધીરે એ પથ્થર હાથમાંથી સરી પડી, પૃથ્વીને ખોળે ચાલ્યો ગયો.
આમ કેમ બન્યું ? ખુન્નસ ક્યાં ગયું ? દાઝ કેમ ટક્કર ઝીલી ન શકી?
દેવુએ દીઠી, પોતે કલ્પી હતી તેનાથી સાવ જુદી જ એ સ્ત્રીની મુખાકૃતિ : કલ્પી હતી, બહેકેલી, ફાટેલી, બેશરમ અને નફટાઈના રંગો ઉછાળતી મુખાકૃતિ; પ્રત્યક્ષ દીઠી વેદનાભરી, લજ્જાભરી, શોકાંત અને પરવશ નારી-પ્રતિમા; જાણે એ તો આકુલ અને દિશાશૂન્ય બની ગઇ હતી. સાથીદાર સ્ત્રીઓ એને આમ તેમ ખેંચતી હતી. સાથીદાર પુરુષો પણ એને આગળ થવા ધકાવી રહ્યા હતા. એની અનિચ્છાને સાથીદારો જોરદાર શબ્દોના ચાબુકો લગાવી ઉત્તેજીત કરતા હતા. એની દશા તળાવમાં માછલાંના ઠેલા ખાતા કોઈ નિર્જીવ લાકડાના ટુકડા જેવી, પવનની ઘુમરીમાં ચક્કર ચક્કર ચકડોળે ચડેલા અજીઠ પડીઆ જેવી દેખાઈ.