પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૫૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ આઠમું
માણી આવ્યાં

નસુ યાદ આવતી હતી, એટલે ઊંઘ આવતી નહોતી. પણ ભદ્રાએ મનને મનાવી લીંધું કે ઘરમાં એકલી છું તેથી ઊંઘ નથી આવતી. એકલી વિધવા બધાં બારણાં બંધ કરીને અંદરના ઉંબર પાસે બેઠી હતી, દેર અને દેરાણી બહાર ગયા પછી એ વિમાસી રહી હતી: કે બેય જણાં ઘડીક દુઃખી દેખાય છે ને ઘડીકમાં પાછા સુખની કેવી લહેરે લહેરાઈ રહ્યાં હતાં ! પન બહાર નીકળીને મોટરમાં બેઠાં ત્યારે બાજુ બાજુએ બેસવા માટે કેટલી મીઠી ધમાચકડ મચાવી'તી માડી!

વીરસુત કહે, કંચન, તું જ આગલી સીટ પર એકલી બેસીને હાંક, હું અહીં પાછળ પડ્યો છું.' કંચન કહે કે 'નહિ, મારી પાસે જ બેસવું પડશે. હું એકલી કાંઈ શોભું?'

દેર કહે 'કંચન, તું બાજુમાં શોફરને બેસારીને તારા હાંકવામાં જે કચાશ રહી છે તે કાઢી નાખ.'

દેરાણી કહે ' એને માટે પૂર્ણિમા નહિ બગાડું. પૂર્ણિમાનો પ્રકાશ તો કોઈ બીજું જ ભણતર ભણવા માટે પેટાય છે, ને એ ભણતર તો તમે મને અને હું તમને ભણાવી શકીએ. આવી જાઓ આગળ, ડાહ્યા ડમરા થઇને ચાલ્યા આવો, પેટ દુઃખવાનો પાઠ ભજવો ના, નહિતર હું ઉપાડીને આગળ આણીશ.'