પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઢારમું
પુત્રવધૂની શોધમાં

થોડા દિવસે તમાશાની વૃત્તિ વિરમી ગઈ, શહેરી ઊભરો શમ્યો, મુકર્દમાની લડત માંડી વાળવામાં આવી, વીરસુત એની સ્ત્રીને ખોરાકી પોશાકી પૂરી પાડી ફાવે તે પ્રવૃત્તિમાં પડી જવા દેવા કબૂલ થઈ ગયો. પોતાને તો કંચન હવે ઘરમાં ધોળા ધર્મેય ન ખપે, પણ છૂટાછેડા મેળવવા માટે એણે પ્રયત્ન ન કરવો એ શર્તે જ એના પરનો મુકર્દમો પાછો ખેંચાયો.

પિતા, પુત્ર અને મામા થોડાક દિવસ રોકાયા, પણ વીરસુત તેમની હાજરીને સહી શકતો નહોતો. કેમ જાણે તેમને એહાજરી વીરસુતના છિન્નભિન્ન સંસાર પર દિવસરાત કોઈ છૂપો કટાક્ષ કરી રહી હોય ! તેઓ વીરસુતથી ડરી સંકોડાઈને રહેતા, વીરસુત ઘરમાં આવે કે તૂર્ત ચૂપ થઈ બેસતા, પણ તેમના સવળા આચરણની યે અવળી અસર પડતી,

'હેં દેવુ !' દાદાએ એક દિવસ વીરસુત કોલેજમાં ચાલ્યો ગયો તે પછી ઇચ્છા દર્શાવી : ' બાપુ ભણાવે છે તે કોલેજ તો જોઈએ ! બધા એનું શિક્ષણ બહુ બહુ વખાણે છે, તો આપણે એના ક્લાસની બહાર કમ્પાઉન્ડમાં ઊભા ઊભા સાંભળીશું ? હેં, જશું?'