પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૧૪ : તુલસી-ક્યારો


સવારે આશ્રય-ધામેથી નીકળતી વેળા કંચને જે બે આકારો દીઠા હતા તેમને હવે તેણે ઓળખી પાડ્યા. એ બેઉ-એ સસરો ને એ પુત્ર- પોતાને ઉઠાવી અથવા ભોળવી જવા જ આવેલા હોવા જોઇએ.

'તેં તો ક્યાં નથી વાંચ્યા એ કિસ્સાઓ? જેમાં પોતાની ઇચ્છાથી આડે હાલનાર વહુવારૂઓનાં તો આ ગામડાંના સાસરૈયાં ખૂનો પણ કરાવી નાખે છે.'

એમ કહીને ભાસ્કરે પોતાની યાદદાસ્તમાંથી એક પછી એક બનાવો વર્ણવવા માંડ્યા. એ વર્ણન કોઈ પણ સ્ત્રીને કમ્પાયમાન કરી મૂકે તેવું હતું.

'આવી તમામ સિતમગીરીને તોડવા તું સાચી નારી બની જા. તારૂં સિંહણનું-સ્વરૂપ પ્રકાશ. તું વાઘેશ્વરી દેવી છે. તું સેંકડો કંગાલ સ્ત્રીઓની પ્રેરણામૂર્તિ બન. અબળાઓનાં બેડીબંધનો તૂટીને એનો એક સામટો ઢગલો એક દિવસે તારા ચરણો પાસે થશે. એવો દિવસ નિહાળવા મારાં નેત્રો તલસે છે. હું તો ફક્ત શિલ્પી છું. તારામાંથી આ ઘાટ ઘડવાના મારા કોડ છે.'

એમ બોલી બોલીને એણે એ સેકન્ડ ક્લાસના પ્રવસીશૂન્ય ડબામાં કંચનગૌરીની પીઠ પર થબડાટા કર્યા. થબડાટે થબડાટે કંચનનું ફરી પાછું ફુલાવું શરૂ થયું હતું. પોતે કાંઇક પરાક્રમ કરી દેખાડવાનું મંગળ નિર્માણ લઇને આવી છે એવું એને વારંવાર લાગવા માંડ્યું ને પોતાને ભાસ્કરભાઇ અપહરણ તેમ જ ગુપ્ત હત્યામાંથી બચાવી લાવેલ છે તેવી તેની ખાત્રી થઇ. પરંતુ વારંવાર પોતાના દિલને વિષે સસરાનો દુષ્ટ સંકલ્પ ઠસાવવા મથતી કંચન વારંવાર ફક્ત ચોંકી ઊઠતી હતી એક જ શબ્દના સ્વર-ભણકારાને લીધે : હજુ ય જાણે રેલગાડીનાં પૈડાંને બાઝી પડીને કોઈક બાળ બોલાવતું હતું 'બા!'

એ ક્ષીણ શિશુ-બોલની સુંવાળી ગર્દનને ચીપતો ભાસ્કરનો સૂર ગાજતો હતો 'વીરાંગના!'