લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સમાધાન : ૧૧૩


'ભાસ્કરભાઈ કોઇને પૂછે નહિ, ગાછે નહિ, ને એને બહારગામ ઉપાડી જાય, એ તે કેવી વાત !'

આ સૌ માણસોની વાતો કરવાની છટામાંથી એક ભાવ તો સ્પષ્ટપણે ઉપસી આવતો હતો : કે સૌ કંચનના જીવનને પોતાનું આત્મીય માનતાં હતાં. સૌને કંચને આજે જાણે ફરેબ દીધો હતો. સૌએ પોતાના સમયની તેમજ સજાવટની બરબાદી બદ્દલ કંચનને જ દોષિત ગણી. સૌથી વધુ કષ્ટ તો જે જે નવી પ્રેક્ટીસ માંડનારા જુવાન ધારાશાસ્ત્રીઓ આ મુકર્દમામાં કંચનપક્ષે લડવા થનગની રહ્યા હતા તેમને થતું હતું.

એમ પણ વાત થઈ કે 'એનો સસરો આવેલો છે એવું જાણ્યા પછી એ હિંમત હારી ગઇ. ભાસ્કરભાઇએ તો એને ઉત્તેજિત કરવાની ઘણી મહેનત કરી, પણ એને હોશ આવ્યા જ નહિ.'

કોઇ બોલ્યું 'એબ્સર્ડ.' કોઇએ કહ્યું 'ચાઇલ્ડીશ.'

અદાલતના એ તમાશબીનોને ચીડવતી, વીરસુતની ગળોગળ દાઝને ધૂળ મેળવતી, અને એક વૃદ્ધ તેમ જ એક બાળકને અમદાવાદના ફુટપાથ પર બાઘોલાં જેવી બનાવી મૂકતી, કંચન અને ભાસ્કર વાળી આગગાડી આગળ ને આગળ વધતી હતી. ગુજરાતનાં જોવા લાયક ગામો ઘૂમતી હતી.

'તને ભોળીને શી ખબર પડે?' ભાસ્કર એને સમજ આપતો હતો; ' એ લોકો તારૂં અપહરણ કરીને તને પોતાના ગામની રજવાડી હદમાં ઘસડી જવા આવ્યા હતા, ને કાવત્રું ગોઠવતા હતા. તું ભલી અને નિર્દોષ છે એટલે તેમના વિષે ભલા વિચારો ધરાવે છે.'

આ શબ્દોથી કંચનને પોતાના અપરાધનો ભાર હળવો થયો હોય એવું લાગ્યું. પોતે ભલી અને નિર્દોષ હોવાનો ઠપકો કઇ સ્ત્રીને નથી ગમ્તો?

'તને ખબર છે?' ભાસ્કરે કહ્યું : 'હું ન આવી પહોંચ્યો હોત તો તને ઉપાડી જવ માટે એ ટોળી ત્યાં જ બેઠી હતી!'