તુલસી-ક્યારો/ક્યાં ગઈ પ્રતિભા!

વિકિસ્રોતમાંથી
← 'ચાલો અમદાવાદ' તુલસી-ક્યારો
ક્યાં ગઈ પ્રતિભા!
ઝવેરચંદ મેઘાણી
મરતી માએ સોંપેલો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ અઠ્ઠાવીસમું
ક્યાં ગઈ પ્રતિભા !

તું સીધુ સામો જોઇને તો ચાલ ! આમ ચકળવકળ શું જોયા કરે છે ? આંહીં સ્ટેશન છે એટલું તો ધ્યાન રાખ.'

પણ ભાસ્કરના એ ઠપકાની કશી અસર કંચન પર ન થઈ. અમદાવાદ સ્ટેશન પર એ ઊતરી કે તરત જ એની આંખો ચોમેર શોધાશોધ કરી રહી; ક્યાંઈ વીરસુત છે ? ક્યાંઇ દેવુ છે ? ક્યાંઈ ભદ્રા કે સસરો છે ? શૂન્ય નજરે જોતી એ રઘવાયા જેવી, બાઘોલા જેવી બની રહી.

પ્રેમીજનો ને શત્રુજનો, બન્નેની આવી લાગણી રેલવે-સ્ટેશનો પર એક સમાન હોય છે. તેઓ કશી સંભાવના વગર પણ પોતાનો પ્રેમ વા શત્રુતાનાં પાત્રોને સ્ટેશન પર શોધતાં હોય છે.

દરવાજા પર ટિકીટ આપી દેવાની હતી. ટિકીટોની શોધ માટે કંચને પોતાનાં સ્વેટરનાં ખિસ્સાં, નીચે પોલકાનાં ખિસ્સાં, હાથની બેગ વગેરે ઘાંઘી બનીને તપાસ્યાં, આખરે પોતાની બગલમાંથી નીચે સરી પડેલી ડીટેક્ટીવ નવલક્થાના બેવડમાંથી ટિકીટો બહાર આવી. (હમણાં કંચનને જાસુસી વાર્તાઓ જ બહુ ગમતી.) 'વાહ રે વાહ ઢંગ !' ભાસ્કરે વ્યંગ કર્યો, તે દરવાજે ઊભેલા ત્રણ ચાર ટિકીટ-કલેક્ટરોએ ને પોલીસે સાંભળ્યો.

મોટર કરીને ભાસ્કરના મકાને પહોંચતા સુધીમાં તો ભાસ્કરનો કંટાળો કંઠ સુધી આવી ગયો. એના સ્પષ્ટ મુરબ્બીભાવના ઠપકા સામે કંચન બૂમબરાડા પાડતી થઈ એટલે ઉઘાડા ઠપકાને બદલે મેંણા ટોણાં માર્યાં, પણ એ સર્વના માર્મિક જવાબો આપી ન શકવાથી કંચન વારે વારે આંસુ સારતી થઈ.

પહેલો જ સવાલ કંચનને ક્યાં રહેવું તેનો ઊઠ્યો. ભાસ્કરથી ત્રાસી ગયેલી એ તરુણીએ પોતાની સ્નેહી સંબંધી સ્ત્રીઓમાંની કેટલીએકને ઘેર રહેવાની ઈચ્છા આગળ કરી, પોતાના પ્રત્યે સન્માન ધરાવતા પુરુષ સ્નેહીઓને પણ ઇસારો કરી જોયો, પણ એને પોતાના ઘરમાં આશરો દેનાર કોઈ સ્નેહી કુટુંબ નીક્ળ્યું નહિ.

સ્ત્રીઓએ એકાંતે જવાબ આપ્યો :'શું કરીએ બા ? પુરુષોનો કંઈ ભરોસો નહિ. વખત છે ને તારું અપમાન કે તારી બેઅદબી કરી બેસે તો અમે શું મોં બતાવીએ ?'

પુરુષોએ પોતાની ટોપીઓ ચંચવાળતે ચંચવાળતે જવાબ દીધો કે 'ઘરની સ્ત્રીઓ વહેમીલી ને ઇર્ષાળુ કંઇ ઓછી છે ? જીવનને ઝેર બનાવી દેતાં વાર નહિ લગાડે. બાકી તમારે જે કંઇ મદદ જોશે તે અમે આપીશું, મૂંઝાશો નહિ.'

'તમારા પાડોશમાં કોઈ મકાન ખાલી હોય તો...' કંચને એક કરતાં વધુ સ્નેહીઓને પૂછી જોયું. જવાબમાં એ પ્રત્યેકનું મોં ઝંખવાયું. જવાબો એકંદરે ઉડાઉ મળ્યા. કોઈએ કહ્યું કે મકાનો છે જ નહિ; ને જેમની નજીક મકાનો ખાલી હતાં, તેમણે ઘરમાલિકો કજિયાળા હોવાનું કારણ આપી વાતને તોડી પાડી. આખરે એ ભાસ્કરને ઘેર જ સંઘરાઈ અને ભાસ્કરે પોતાને માટે બીજે રહેવાની ગોઠવણ કરી.

સ્નેહી પુરુષો એને ત્યાં આવીને મળી જતા, ખબર કાઢી જતા, જોતું કરતું આપી પણ જતા; ને રમાનો વર, લલિતાનો વર, મંગળાગૌરીનો વર, નેનીનો વર, પ્રત્યેક ત્યાંથી ઊઠીને જતી વેળા એક વાત 'By the by' કહી લેતા કે 'હું આંહીં આવું છું તે રમાને કહેવાની જરૂર નથી' 'લલિતાને કહેવા જરૂર નથી' 'મંગળાને...' 'નેનીને કહેવા જરૂર નથી.'

આવનારો પ્રત્યેક પરણેલ પુરુષ ફફડતો હતો, કેમ કે કંચનને કશું મદદ કરવાપણું હોય જ નહિ અને હોય તો તે મદદ સ્ત્રીઓએ જ કરવાની હોય એવું એ પ્રત્યેકની પત્ની મક્કમપણે માનતી. એવું એ પત્નીઓ માનતી તેમાં તેમની માન્યતાનો દોષ નહોતો. દોષ હતો કંચનની મુખ-મુદ્રામાં મઢેલી મોહભરી બે આંખોનો. ભાસ્કરે રડાવી રડાવી નીચોવી નાખેલી છતાં પણ એ આંખોમાં ઝલકતું જાદુ અખંડિત હતું. કંચનનું સ્ત્રીત્વ એટલાં ઊંડાં મૂળિયાં વડે એના દેહમાં બાઝેલું હતું કે એના જીવનનો આવો પ્રચંડ પ્રકમ્પ પણ એને ઉખેડી શક્યો નહોતો. પુરુષોનાં કાર્યો કરવા લાગતી સ્ત્રીઓના કંઠ બદલી જાય છે, લાવણ્ય લુછાઇ જાય છે, આંખો પણ નૂર અને નમણાઈ હારી બેસે છે એ ખરૂં, પણ કંચન તો કંચન જ રહી હતી. આઠ દસ મહિનાની ક્રાંતિદશા એના નારીત્વનો નાશ કરી મરદાઇનો એક પણ મરોડ એને આપી શકી નહોતી.

એટલે જ પરણેલી સ્ત્રીઓને પોતાના ઘરસંસારમાં એની હાજરી ચિંતાજનક લાગતી હતી. કંચન એમને ખપ્પરજોગણી જેવી દેખાતી. પુરુષોને ભરખી જવાની ગુપ્ત શક્તિ એ ધરાવતી હતી એમ માનનારી સ્ત્રીઓ, કંચન જ્યારે પોતાને ઘેર આવે ત્યારે પતિઓને કાં નહાવા, કાં ખાવા, કાં બહાર કશુંક ખરીદ કરવા વિદાય કરી દેતી.

પણ કંચનની તો કસ્તુરી-મૃગ જેવી દશા હતી. એને ખબર જ નહોતી કે પોતાની પાસે મોહિની છે. એ મોહનાસ્ત્રથી પરપુરુષોનો વિજય કરવા પણ નીકળી નહોતી. એનો સંગ્રામ જુદો જ હતો. એને વિષે જે મોટી મોટી માન્યતાઓ બાંધવામાં આવી હતી તેને તે સાચી પાડી બતાવી ન શકી. આઠ જ દિવસમાં એણે સ્ત્રીસેવાસંઘે સોંપેલાં સાત કામ બદલ્યાં, એક પણ કામ એને માફક ન આવ્યું ને દરેક કામ પર એ નાની મોટી ભૂલો કરી બેઠી.

'બસ, મને તો ખાનપુરના લતામાં જ નવું બાલમંદિર ખોલી આપો.'

એ કંચનની હઠ હતી અને બાલમંદિર ચલાવવાને માટે પોતાનામાં જે ગુણો છે તેનાથી વધુ લાયકાત હોવી જોઇએ એમ પોતે માનતી નહિ. વાત પણ ખરી હતી. વિધવા હોવું, ત્યક્તા હોવું કે ભાગેડુ હોવું, એ પ્રત્યેક સ્ત્રીને માટે બાલમંદિર ચલાવવાની ગનીમત લાયકાત ગણાતી.

પણ ખાનપુરનું બાલમંદિર તો ખોલી શકાયું નહિ, ને કંચનને છેવટે નિરુપાયે મજૂર-લત્તાની સંસ્થા ઉપર સંચાલક નિમાવું પડ્યું. આ નિમણૂક કરતી વેળા સ્ત્રીસેવાસંઘના સંચાલકો બબડતા તો હતા જ કે 'નહિ ચાલી શકે !' 'કોણ જાણે ક્યાં ચાલી ગઈ એની પ્રતિભા !' 'પોતાને વિષે ઘણું વધુ પડતું માની બેઠેલ છે !' વગેરે.

'એ તો તમારી આખી જાતિનો જ ગુણ છે ને !' એક પુરુષ સંચાલકે ટોંણો મારી લીધો હતો, ને પરિણામે ત્યાં મોટો ટંટો મચી ગયો હતો. આખર એ પુરુષને માફી માગવી પડી હતી. મજૂર બાળકોની શાળા ચલાવવાનું બહાનું કંચનના સંતપ્ત આત્માને ઝાઝા દિવસ ઠેકાણે રાખી શક્યું નહિ. એની બુદ્ધિહીનતા જોતજોતામાં ઉઘાડી પડી ગઈ. એની સાથે કામ કરતો સ્ટાફ એની મશ્કરીઓ કરતો થઇ ગયો. ઘણો ખરો સમય એ ટેલીફોન પર જ કાઢવા લાગી. એ આને ટેલીફોન કરતી ને તેને ટેલીફોન કરતી. એ કોઈ સ્નેહીને 'કાર' લઇને આવવા કહેતી ને કોઇને ટેલીફોનમાં પોતાની અગવડો તેમ જ માનભંગ સ્થિતિનાં રોદણાં સંભળાવતી. એ બધાં રોદણાંનું ધ્રુવપદ આ હતું કે 'જો મને પહેલેથી આવી ખબર હોત તો...'

વાક્ય અધૂરૂં મૂકીને એ ટેલીફોનનું રિસીવર પછાડતી ને કોઇ કોઇ વાર જ્યારે એ વાક્ય અધૂરૂં મૂક્યા પછી રિસીવર કાને ઝાલી રાખતી ત્યારે સામી વ્યક્તિનો બોલ સંભળાતો : 'કેમ જાણે અમારા વાસ્તે જ બાએ ઘર છોડ્યું હોય !...આવી ખબર હોત તો...'

એટલું બોલીને સામી વ્યક્તિ રિસીવર છોડી દેતી ને આંહીં રિસીવર પકડી રાખીને પલભર સ્તબ્ધ બની બેસી રહેતી કંચનની આંખોમાં છલછલ પાણી ઉભરાઇ આવતાં. જલદી જલદી એ આંસુ લૂછી લેતી, કેમ કે પોતાનાં સાથીઓની નજરે એણે પોતાની છેલ્લી નબળાઈ -આ આંસુ- હજુ નહોતી ચડવા દીધી. અત્યાર સુધી એનાં સાથીઓ તથા નોકરો ટેલીફોન પરથી પાછા આવતા એના લાલ લાલ ધગેલા ચહેરાનો ને એની સોઝી ગયેલી આંખોનો જ તમાશો જોવાની રાહ જોઇ બેસતા.

એક દિવસ એણે રિસીવર ઉપાડી નંબરનું ચક્ર ફેરવવા માંડ્યું. પ્રત્યેક આંકડાના ઘુમરડા સાથે આંગળી ઝણેણાટ અનુભવી રહી. છેલ્લો આંકડો ઘૂમી રહ્યો ત્યારે ઝણેણાટ વધ્યો. કાનમાં શબ્દ પડ્યો : 'આ...લા...વ-કોણ છો ? કોનું કામ છે ?' એ અવાજ કૉલેજના બુઢ્ઢા પટાવાળા કરરુણાજીનો હતો. કંચને પૂછ્યું-

'પ્રોફેસર વીરસુત છે કે નહિ કરણાજી !'

'કરણાજી' એ પરિચિત શબ્દ બોલ્યા પછી એને પોતાની ભૂલ જડી. કરણાજી કૉલેજના પટાવાળાઓનો બુઢ્ઢો જમાદાર, જે આઠ મહિના થયાં આ કંઠનો સમાગમ હારી બેઠો હતો, તેને ઓચીંતો આ પરિચિત સ્વરનો સંપર્ક થયો, કરણાજીનું નામ ટેલીફોનમાં બીજું કોઈ પ્રોફેસર-કુટુંબ કદી લેતું નહિ.

'હા બા !' કરણાજીએ ઝટ ઝટ કહ્યું : 'ઊભાં રહો, બોલાવી લાવું છું.'

કરણાજી દોડતો પ્રોફેસરોના ઓરડામાં ગયો. વીરસુત ત્યાં નહોતો. કરણાજી રોજની રસમ છોડીને વીરસુત જે વર્ગ લેતો હતો ત્યાં ધસ્યો. વીરસુતને શ્વાસભેર ધીરે રહીને કહ્યું, 'ટેલીફોન છે.'

'પછી.' વીરસુતે કરડું મોં કરીને કહી દીધું.

'જરૂરી ટેલીફોન છે.' કરણાજીએ તાકીદ કરી.

વીરસુત દોડાદોડ ટેલીફોન પર આવ્યો ને રિસીવર લઇ ઘણું ઘણું 'અલાવ' અલાવ' પુકાર્યું, પણ સામે કોઇએ જવાબ દીધો નહિ.

'કોણ હતું કરણાજી ?' વીરસુત ચિંતાતુર સ્વરે પૂછતો હતો.

'સાહેબ !' કરણાજી સ્પષ્ટ કરવા મથ્યો, 'મારું નામ કોઇ બીજું કદી ટેલીફોનમાં લેતું નથી. કોણ જાણે કેમ થયું. લાઇન કપાઇ ગઈ......પણ સાહેબ હું જૂઠું નથી બોલતો. મેં કાનોકાન સાંભળ્યું; ને મારી આંખે ભલે ઝાંખપ આવી, મારા કાન તો ઠાકરની દયાથી એવા ને એવા સરવા છે.' 'અરે ઘેલા !' પ્રો. વીરસુત હસ્યા : 'તને મેં એ ક્યાં પૂછ્યું છે ? હું તો પૂછું છું કે ફોન કોનો, ઘેરથી કોઈનો હતો ?'

'ઘેરથી જ હતો સાહેબ ! એજ ગળું. મેં ભૂલ નથી ખાધી સાહેબ !'

વીરસુતે પોતાના બંગલાની નજીક એક શેઠ કુટુંબનો ફોન હતો ત્યાં જોડીને ઘેરથી કોઈકને તેડાવવા કહ્યું. દેવુ તો નિશાળે ગયેલો ને દાદજી સૂતેલા એટલે ભદ્રા ભાભી ફોન પર આવ્યાં. કોઇ કોઇ વાર વીરસુત કહાવતો ત્યારે એ આવતી, ને એ આવતી તે બંગલાવાસી સ્ત્રીપુરુષોને ગમતું.

'હાં...કોણ, ભૈ ?' ભદ્રાએ કશી શહેરી છટા વગર, તેમ જ કશી ગ્રામ્ય જડતા કે બનાવટી સંકોચ વગર સ્વાભાવિક લહેકે જ રિસીવર કાને માંડીને જવાબો વાળ્યા.

'ના ભૈ ! અમે કોઇએ તો ફોન કરેલો નથી...ના ભૈ-અંઈ તો કોઈ આજે આવેલું પણ નથી...નારે ના ભૈ ! એવું તે હોય કંઇ ભૈ !...કશું મનમાં ન રાખજો ભૈ ! ...કશું મનમાં ન રાખજો ભૈ ! ...અરે એમ કંઈ હોય ભૈ. અંઇ આવે તો હું ન બેસારું એમ કંઇ બને કે ભૈ !...ના, ના, ના ભૈ ! એવો રોષ ના રાખીએ... ના મારા ભૈ ! પોતાનું ઘર છે, પોતાનો વિસામો છે, ન આવે તો ક્યાં જાય મનુષ્ય ?...સારૂં ભૈ, વેળાસર આવજો !'

રિસીવર પાછું મૂકવાની છટા માણસે માણસે જુદી હોય છે. કોઇ જોરથી પડતું મૂકે છે, કોઇ હીરામાણેકનું ઘરેણું હોય તેવી કાળજીથી મૂકે છે, કોઇ વળી ટેલીફોન કંપની પર ઉપકાર કરતા હોય તેવા તોરથી મૂકે છે, તો કોઇ પ્રણયી કેમ જાણે પોતાનું પ્રેમીજન સામે જોતું હોય તેના દિલ પર સારી છાપ પડે તેવી અદાથી મૂકે છે. મૂકવાની રીત પરથી માણસો વચ્ચે થયેલી વાતચીતનો પ્રકાર ને માણસના મિજાજનાં પરિવર્તનો અનુમાની શકાય છે. ને વાતો ચાલી રહી હોય તે વખતના મોં પરના હાવભાવ ને હાથપગની ચેષ્ટાઓમાં તો માણસનું સ્વરૂપ અવનવી વિચિત્રતાઓ બતાવતું હોય છે.

બંગલાવાસી ટેલીફોન કરતી વખતે ભદ્રાને અજબ રસથી નિહાળી રહ્યા હતા; ને ભદ્રાની મુખમુદ્રા પર સ્થિર ગતિ ને અખંડ ધારે રેલ્યે જતા ભાવ-રંગો એક સ્વસ્થ આત્માની કથા કહી રહ્યા હતા. બંગલાવાસીઓનાં હૃદયોને અકલિત ખેંચાણ કરતી ભદ્રા ઘેર ચાલી ગઇ, કૉલેજના ફોન પરથી ઊઠીને વીરસુત કરણાજી ડોસા સામે કંટાળાની નજર નાખતો વર્ગમાં ચાલ્યો ગયો, ને ભોંઠો પડેલો કરણાજી પોતાનું નામ દઇને બોલાવનાર એ નારી-કંઠના નવા 'કૉલ'ની આશા સેવતો ત્યાં ને ત્યાં ઊભો થઇ રહ્યો.

પણ કંચને આકૂળવ્યાકૂળ બનીને છોડી દીધેલું રિસીવર ફરી વાર તે દિવસે ઉપાડ્યું નહિ. મજૂરશાળાથી ઘોડાગાડી ભાડે કરીને ઘેર જતી કંચન થડક થડક હૈયે કલ્પના કરતી હતી કે વીરસુત સામે ફોનમાં આવ્યો હોત તો શું થાત ! પોતે શું પૂછત ? શું બોલત ? કઇ વાત કરત ? સાડીઓની ને પોલકાંની ? 'મારાં કપડાં ને મારી ચીજો કેમ બગાડવા આપો છો ?' એવા પ્રશ્નના જવાબમાં એને અપમાન સાંભળવું પડત તો ? અપમાન કર્યા વગર એ રહેત ખરો ? અત્યારે તો એની વારી છે ! એનું ઘર ભર્યું છે ! એને હવે કોની પરવા છે ! એને તો ભદ્રા જેવી.....'

એટલા વિચારે એણે ઘોડાગાડીમાં બેઠે બેઠે દાંત ભીંસ્યા ને એના મનમાં ઉચ્ચાર થયો, 'હું તો બધી બાજુથી લટકી પડી.' ને એ વિચારની છેલ્લી કોદાળી વાગતાં જ એના આંસુનો ડાર ભેદાયો. આંખો છલ છલ થતી હતી એટળે ઘોડાગાડીની બાજુમાં સહેજ પાછળ કોઇક સાઈકલ-સવાર છોકરો ગાડીને પકડીને પેડલ હલાવ્યા વગર ચાલતો હતો તે એને કળાયું નહિ. પણ એકાએક એણે 'બા' એવો શબ્દ સાંભળ્યો, તે સાથે જ ઓચીંતો ગાડીએ એક ગલ્લીમાં વળાંક લીધો. સામે એક મોટર ધસી નીકળી. બરાબર ખૂણા પર મોટરગાડી અને ઘોડાગાડી, બેઉની વચ્ચે આવી ગએલી પેલા 'બા' કહેનારની નાનક્ડી બાઈસીકલ ભીંસાઇ અને લોકોની તીણી, કારમી ચીસો પડી; 'ઓ...ઓ...છોકરો મૂવો...અરરર !'