લખાણ પર જાઓ

તુલસી-ક્યારો/'ચાલો અમદાવાદ'

વિકિસ્રોતમાંથી
← અણધાર્યું પ્રયાણ તુલસી-ક્યારો
'ચાલો અમદાવાદ'
ઝવેરચંદ મેઘાણી
ક્યાં ગઈ પ્રતિભા! →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ સત્તાવીશમું
'ચાલો અમદાવાદ'

જે આંહીં સ્ત્રી-જાગૃતિની શાખા ખોલી છે, કાલે ત્યાં સભા રાખી છે, વગેરે વગેરે પ્રકારના સંદેશા છોડતું છોડતું ભાસ્કરભાઇ અને કંચન બહેનનું જોડલું દૂર દૂરનાં શહેરોમાં ઘૂમી રહ્યું હતું અને કંચન ઉપર ભાસ્કરે પોતાની સત્તા એટલી બધી જમાવી દીધી હતી કે કંચનની ટપાલ પણ પહેલી ફોડીને વાંચ્યા પછી જ ભાસ્ક્સર આપતો. શરૂ શરૂમાં થોડો વખત વાંધો લેતી કંચનને એને ખુલાસો કરેલો કે 'તું ન સમજ બાપા ! ન સમજ એમાં. તારા ઉપર કૈક માણસો દુષ્ટ કાગળો લખે, લોહી તપાવનારા કાગળો લખે, તે બધા જો તને આપું તો તો તું ઉશ્કેરાઇને અરધી જ થઇ જા ને!'

'પણ આવું બંધન તો વીરસુતે પણ નહિ રાખેલું.' એક વાર પોતાનો કાગળ ટપાલમાં નાખવા દેતી વખતે જ્યારે ભાસ્કરે વાંચવા માટે ખોલ્યો ત્યારે કંચને લગભગ રડું રડું થઇને કહેલું.

'હવે એ બેવકૂફના વખતની વાત શીદ કરતી હઈશ? મને મારી રીતે તારું શ્રેય કરવા દેને બાઈ!'

એ જવાબ ભાસ્કર તરફથી મળ્યા પછી કંચન વધુ ને વધુ બીતી. ને કયા પ્રકારે ભાસ્કરથી છૂટીને અન્ય સ્નેહીઓનાં ઘર ભેગી થઇ શકાય તેના વિચારો કરતી. પણ ભાસ્કરની ઉઘાડી દુશ્મનાવટ કરવાનું સલામત નહોતું. ભાસ્કર એની ખુશામદ કરે અને એ ભાસ્કરની કરે, એમ પરસ્પર ખુશામદને હલેસે હલેસે જ બેઉની નાવ ઠેલાયે જતી હતી. હવે કોઇ કોઇ વાર કંચનની કલ્પનામાં અણધારી એક તુલના, એક સરખામણી ઊભી થઈ જતી : હું જ્યાં હતી ત્યાં જેટલી દુઃખી હતી, તેથી હવે ઓછી દુઃખી છું કે વધારે ? વીરસુતે અમુક વખતે અમુક પૂરતી સગવડ મને આપી હોત તો શું આટલું બધું પરિવર્તન કરવું પડ્યું હોત ? વીરસુતે મને શાંતિપૂર્વક અમુક પ્રસંગમાં સમજાવી લીધી હોત તો શું મારું મન કૂણું ન રહ્યું હોત?

'ના રે ના, વીરસુત સાથેનો સંસાર તો કદાપિ ન ચાલી શક્યો હોત. મેં કર્યું છે તે તો કર્યા વિના છૂટકો જ નહોતો ત્યારે જ કર્યું: ને હું હવે મુક્ત જ છું : એ તો હું ભાસ્કરભાઇને મારી સ્વેચ્છાથી મારા પર આ સ્નેહાધિકાર આપી રહી છું, નહિતર એ મને ક્યાં મારી નાખે એમ છે. એને તો હું એક સપાટે ઉઘાડા પાડી દઈ પછાડી શકું. હું તો સ્વાધીન છું.'

મનને આવા હાકોટા મારી મારીને કંચન પોતાના જીવન-પરિવર્તનનો બચાવ કર્યે જતી. અને 'આ બધું પોકળ સાંત્વન શીદ લઈ રહી છે? તું તો હતી તેથી સવાઈ ગુલામ છે?' એવી કોઈ આતમવાણી અવાજ ધરીને ઉપર આવે તે પૂર્વે જ કંચન, નાનું બાળક બીજાની સ્લેટના લીંટા ભૂંસી નાખે તેમ ભેજામાંથી એ વાણીને ભૂંસવા મથતી.

એક દિવસ ટપાલ આવી તેમાંનો એક કાગળ વાંચેની મોં મલકાવતા ભાસ્કરે એ કાગળ કંચન તરફ ફેંક્યો, 'લે, લેતી જા ! તારું સામ્રાજ્ય તો બીજાઓએ સર કરી લીધું ! તું રહી ગઇ ! દોડ દોડ જલદી દોડ !' પણ ભાસ્કરની એ વિનોદધારા એ કાગળ વાંચતી કંચનના મોં પર મસળાતા લોહીના લેપને ન ધોઇ શકી. કાગળ એણે ફરી ફરી વાંચ્યો. ઘડીક મોં પર લોહી ધસી આવ્યાં તો ધડી પછી પાછું હતું તે લોહી પણ ઓટનાં પાણી પેઠે પાછું વળી જઇને એના ગાલની વિસ્તીર્ણ રેતાળ ભૂમિને ઉઘાડી કરવા લાગ્યું.

જે કાગળ કંચન વાંચતી હતી તે અમદાવાદથી આવેલો હતો. એક સખીનો હતો. તેમાં લખ્યું હતું કે -

'વીરસુત કંટાળીને નોકરી છોડી નાસી જશે અથવા તને શોધતો આવશે એવી આપણી ધારણા ખોટી પડી છે. કોણ જાણે કઈ રીતે તારો બંગલો તો જીવતો બની ગયો છે. તારા ઘરની પાસે ફરવા જતાં અમે ત્યાં બે ડોસાઓને બેઠા બેઠા ચોગાનમાં તડાકા મારતા જોઇએ છીએ. એક મોટી ઉંમરનો છોકરો એક નાની છોકરીને રમાડ્યા કરે છે. ને બેતો જુવાન બૈરાંઓ ત્યાં નજરે પડે છે. એમને બેઉને સાથે લઇને વીરસુતને કાંકરીઆ તળાવે મોટરમાં આવેલો પણ અમે જોયો હતો. અમને લાગલી જ શંકા ગયેલી કે આ બેમાંની એકે જે સાડી પહેરેલી તે તારી જ હશે. પછી તો અમે તારા ઘરની ચાકરડીને બોલાવીને ખાનગીમાં બધું પૂછી જોતાં જાણી શક્યાં છીએ કે તારાં કબાટો ને ટ્રંકો, તારી બેગો ને પેટીઓ ખોલી ખોલી બધાં કપડાં ઉપાડી જવામાં આવ્યાં છે. વીરસુત પણ કૉલેજના કામકાજમાં ખૂબ ચિત્ત પરોવીને કામ કરે છે તેથી સૌને કશુંક અનિષ્ટ થયું હોવાની શંકા પડી છે. એના વર્ગના છોકરાઓ પણ વાતો કરે છે કે વિજ્ઞાનનો એ પ્રોફેસર વનસ્પતિશાસ્ત્ર વિષે શીખવતો શીખવતો વૃક્ષોનાં કુટુંબ-જીવનની સાથે માનવીના કુટુંબ-જીવનની ઝીણી ઝીણી સરખામણી કરવા માંડે છે. આટલો મોટો આનંદ એ ક્યાંથી મેળવે છે? તારા પરના જુલમોની વાત ઉચ્ચારતં જ એ ખિજાઈ સળવી ઊઠતો તેને બદલે હવે કેમ એ પરવા કર્યા વગર સાંભળી લે છે? કોઈ કહે છે કે એનાં એક વિધવા ભાભી તારા ગયા પછી એ ઘરમાં એકલાં રહ્યાં હતાં, તેની સાથે વીરસુતનો સંબંધ સારો બોલાતો નથી. આ તો સહેજ જ લખ્યું છે. તારે ને આ વાતને શો સંબંધ છે? આનંદ કરજે ને જ્યાં જાય ત્યાં ક્રાંતિ કરજે.'

કાગાળ વાંચી રહ્યા પછી મોંની કરચલીઓનો તંગ ઢીલો કરીને એણે ભાસ્કર પ્રત્યે કાગળ સામો ફગાવ્યો, ભાસ્કરે ટોળ કર્યું"

'કાં...આં ! લેતી જા !'

'મારે એમાં શું લેતા જવાનું બળ્યું છે? મારે એ સાથે શો સંબંધ છે?'

એટલું બોલીને એ પાછી પેન્સીલ લઈ પોતાનો નવો કાર્યક્રમ કાગળ પર ગોઠવવા લાગી. ને ભાસ્કર પોતાની બીજી ટપાલ પર નજર ફેરવતો ફેરવતો સહેજ આટલું બોલી ગયો -

'ને એને એની ભોજાઈ મળી ગઇ તોય શું ખોટું છે? આ જગતનો મોટામાં મોટો પ્રશ્ન જે એકબીજા માણસોએ ગોઠવાઇ જવાનો જ છે. જેઓ સરખાં ગોઠવાઈ શકતાં નથી તેઓ જ સમાજ જીવનને કાયમ માટે સંક્ષુબ્ધ કર્યા કરે છે.'

એ બોલતો હતો ત્યારે કંચન એની સામે તાકી રહી હતી. પણ ભાસ્કરે તો કાગળ-વાચનમાંથી માથું કર્યા વગર જ એ ડહાપણની વાત ચલાવ્યે રાખી -

'સારું થયું. હું તો આ વાંચીને રાજી થયો. વીરસુત જો ઠેકાણે પડી ગયો હશે તો તારો પીછો કે તારા નામની ચૂંથાચૂંથ છોડી દેશે. આપણે એટલાં હળવાફૂલ બની જશું. તારા પર હજુ પણ એનો જે માલિકી-ભાવ રહ્યો છે તે ટળી જશે.' 'એક માલિકના હાથમાંથી છૂટીને...'

એટલા બોલ કંચનથી બોલી જવાયા. પણ એ વાક્ય ભાસ્કરે કાં સાંભળ્યું નહિ ને કાં સૂણ્યું નહિ ને સૂણ્યું અણસૂણ્યું કર્યું. બાકીની ટપાલ એણે વાંચી, જવાબો લખ્યા. વાંચી લીધેલા કાગળો, પોતે જાણે કશુંક રચનાત્મક કાર્ય કરી રહ્યો હોય તેટલી ઠાવકાઇ, સુઘડતા, સફાઇથી સરખે ટુકડે ફાડ્યા, એ ફાડેલા કાગળોની ગુલાબી, વાદળી તેમ જ સફેદ રંગની ઝીણી ઝીણી કચૂંબરનો ઢગલો પોતે એકાગ્ર દૃષ્ટે જોઈ રહ્યો. અને તે દિવસે જેમની જેમની સાથે વાતચીતો કરવાનો પ્રસંગ આવ્યો તે બધાને એણે જાણે કે અજાણે, બીજી ભિન્ન ભિન્ન વાતોમાંથી એક જ વાત પર લીધા, કે 'ભાઈ જીવનમાં મોટામાં મોટો પ્રશ્ન ગોઠવાઈ જવાનો છે, ને જીવનનું જો કોઈ રૌરવ નરક હોય તો તે ગોઠવાઈ ગયા હોવાની ભ્રાંતિમાં પડ્યે પડ્યે વણગોઠવાયેલ દશાની બેહાલી ભોગવ્યે જવામાં છે.'

એકલાં પડ્યાં પછી ભાસ્કરને કંચને કહ્યું, 'તમે કેમ મને દરેક માણસ સાથેની વાતોમાં એનાં એ જ ટોંણા માર્યા કરો છો? મારે એ બાબત સાથે શો સંબંધ છે? મારે ને એ બંગલાને શું...?

'મેં ક્યારે ટોણાં માર્યાં? ને તું પણ કેમ વારંવાર એનું એ પોપટ-વાક્ય પઢ્યા કરે છે?'

'હું ક્યારે પઢી ? મારો એવો ક્યો સંબંધ...'

'જો, જો, બોલી કે નહિ?'

કંચનને તે વખતે તો બહુ ચીડ ચડી. પણ પછી પોતાને ઊંઘ નહોતી આવતી ત્યારે પહેલું ભાન એ થયું કે પોતે જે સંબંધમાંથી મુક્તિ મળી ગઇ માને છે તે સંબંધ જાણે કે એના પગમાં વેલો બનીને અટવાતો થયો છે. રાતે એની આંખો મળી ત્યારે એને એવું સ્વપ્નું આવ્યું કે પોતે પોતાની જેઠાણી ભદ્રાનું ખૂન કરીને ભાગી રહી છે, ને પાછળ એ આખો બંગલો પોતાના બે હાથ લાંબા કરી, હાથમાં ફાંસીનો ગાળીઓ લઈ, એની પાછળ દોડી રહ્યો છે.

'આપણે અમદાવાદમાં બેસીને જ કેમ કામ ન કરીએ?' કંચને વળતા દિવસથી વાદ લીધો. 'ત્યાં કામ કરવાની અનુકૂળતાઓ કેટલી છે ! ત્યાં રહીએ તો કોઇ કશી નબળી સબળી વાતો ન કરી શકે. ત્યાં રહીએ તો ભાસ્કરભાઈ, તમે પણ મને એકને જ સંભાળવાને બદલે બીજાં અનેક કામો સંભાળી શકો.'

'તારી તો વાત જ નાદાની ભરી છે.' ભાસ્કરે કંચનને એક ઝટકે ખતમ કરવા ઈચ્છયું; પોતાના ગામમાં તું તારી છાતી પર આ આખી કર્મ-કથાનો ભાર લઈ શું કામ કરવાની હતી? એ ને એ જ બાબતો, એ જ બંગલો,એ જ બધાં...'

'એ બધાં સાથે મારે કશો સંબંધ નથી.' કંચને ઝટ ઝટ કહી લીધું.

'ત્યારે આપણે આંહી બહારગામ શું દુઃખ છે? દુઃખ હતું - વીરસુત તરફથી માસિક રૂપિયા અનિયમિત મળતા હોવાનું, તે પણ હવે તો ટળ્યું છે. છેલ્લા ત્રણ માસથી તો દર મહિનાની બરાબર દસમીએ મનીઓર્ડર આવીને પડે છે.'

'એ વાત સાથે- '

'એ વાત સાથે આપણે પૂરેપૂરો સંબંધ છે. તેના પૈસા મળે એવું કોર્ટ મારફત તને કરાવી દીધું તો જ આ મુસાફરીઓ થાય છે ને આ સાડીઓ પહેરાય છે.'

કંચન સામો જવાબ ન વાળી શકી કે 'તારાં મુસાફરી ખરચો પણ તેમાંથી જ ઊપડે છે.' પણ કંચનને પહેલી જ વાર આટલું ભાન થયું કે વીરસુતનાં મનીઓર્ડરોની અનિયમિતતા એકાએક મટી જવાનું કશુંક કારણ અમદાવાદના એ બંગલામાં બન્યું હોવું જોઈએ; તે સાથે બીજું પણ એક ભાન ઊઘડતું હતું કે પોતાની આજીવિકા પોતે હજુ રળી લેતી નથી થઈ. ત્રીજું ભાન એ થયું કે પોતાનો રક્ષણહાર ભાસ્કર પણ પરોપજીવી જીવડો જ બનીને પડ્યો છે.

'ચાલો આપણે એકવાર અમદાવાદ જઈ આવીએ.' કંચને વારંવાર વાત મૂકવા માંડી. ને દરેકે વખતે ભાસ્કર 'તું નાદાની કાં કરે છે!' એ જ બોલ બોલવા લાગ્યો. એક વાર તો એણે કહ્યું 'તારા કાકા પાસે આંટો જઇ આવ, જા હું આડો નહિ પડું.'

કાકા પાસે જવાની જે ઝંખના આટલા મહિના સુધી રોજેરોજ ભાસ્કરના શબ્દમાં ચાંભા (ડામ) ખાઈ ખાઈને લોહીલોહાણ પડી હતી, એ ઝંખનાને આજે ભાસ્કરની રજા મળવાની સાથે જ અવસાન મળ્યું. હવે આફ્રિકા નથી જવું, હવે તો જવું છે અમદાવાદ.

'ચાલો અમદાવાદ !' ની આ મોંપાટ ભાસ્કરને અસહ્ય થઈ પડી. 'ચાલો અમદાવાદ !' નો નાદ શા કારણે ઊપડ્યો હતો તે એને સમજાયું. ભાસ્કરને પોતાની ભૂલ માલુમ પડી. કંચનની ટપાલ ઉપર ચોકી રાખનારા ભાસ્કરે એક ગફલતનું ગડથોલું ખાધું. એણે કંચનને જે કાગળ નહોતો દેવો જોઇતો તે વાંચવા દીધો. કંચનને અમદાવાદ જવાની ધૂન પોતાનાં કપડાં લતાં ને દરદાગીના હાથ કરવાની છે એટલું જ પોતે સમજી શક્યો. પોતાને શિરે જ એ કામનો બોજો આવી પડ્યો. કંચન નહોતી સ્પષ્ટ કરતી છતાં સ્વયં-સ્પષ્ટ એ બાબત હતી. અમદાવાદ જતી ટ્રેનમાં બેઠાં બેઠાં એણે કંચનને કહ્યું, 'તું ભલેને છુપાવે, પણ તારો જીવ એ ટ્રંકો કબાટો પર ગયો છે. પણ જોઈ લેજે, ભાસ્કર એ તારાં લૂગડાં ને ઘરેણાં તને જોતજોતામાં અપાવે છે કે નહિ ! માત્ર હું કહું તેમ કરતી આવજે. મારી બાજી બગાડતી નહિ બાપુ!'

કશો જવાબ વાળ્યા વગર ઊઠીને કંચન કમ્પાર્ટમેન્ટની બંધ બારીઓ ઉઘાડવા લાગી. એના શરીરમાં સ્પષ્ટ અકળામણ હતી.

'પણ આ તો શિયાળાનો પવન સૂસવે છે, તું બારી ઉઘાડે છે શામાટે ?' ભાસ્કરે પોતાના મોં આડા હાથ દઇ પવનને રોકતાં રોકતાં ચીડ બતાવી,

'મને ગરમી થાય છે.'

રેલવેના બીજા મુસાફરો આ ઊતરતા પોષમહિનાની ટાઢમાં ગરમી અનુભવતી સ્ત્રીને કૌતુકભર જોઇ રહ્યાં. કંચન બારી ઉપર જ ઊભી થઇ રહી. કમભાગ્યે ઘઉંના લીલા મોલ મોટા થઈ ગયા હતા, ને તેના ક્યારામાં જબ્બર સારસ પંખીઓની જોડીઓ ફરતી ફરતી ચણતી હતી. કંચનની એ વખતની મનોદશાને માટે આ દૃશ્યો અનુકૂળ નહોતાં.

મને તો આશ્ચર્ય થાય છે કંચન!' ભાસ્કર ધીમે અવાજે કહેવા લાગ્યો; 'કે તારો જીવ એ જૂના સંસારની સાડીઓમાં ને દરદાગીનામાં કેમ પરોવાઇ રહ્યો છે ! હજુ તો કાલે જ તું સ્ત્રીઓમાં ભાષણ કરતી હતી કે સ્ત્રીજાતિની ગુલામબુદ્ધિનું કારણ જ આ ઘરેણાં ને લૂગડાંની લાલસા છે.'

ભાસ્કર કશો જવાબ ન મેળવી શક્યો . કંચન જેવી શિક્ષિતા ને પ્રાણવંત સ્ત્રી ઘરેણાં લૂગડાંમાં મોહાઈ રહે એ એનું આશ્ચર્ય જૂઠું જ હતું એ કંચનને ખબર હતી: શણગાર કરીને સાથે બેસતી કંચન ભાસ્કરને ગમતી હતી. ને 'જુઓ, આ કેવું લાગે છે?' એમ પોતે પૂછતી તે ભાસ્કરને બહુ ગમતું. નહોતું ગમતું ફક્ત ત્યારે જ કે જ્યારે કંચન શણગારો કરીને બીજા કોઇ લોકો જોડે ફરવા નીકળતી. ત્યારે ભાસ્કર બોલી ઊઠતો કે ' આ વધુ પડતા ઠાઠમાઠ લોકોની નજરમાં ખૂંચતા હશે હો કંચન !' પણ ભાસ્કરને ખબર હતી કે સભાઓમાં પોણા ભાગનાં લોકો કંચનની વેશભૂષણની છટા પર જ લટુ થઈને આવતાં હતાં. એટલું જ નહિ પણ કેટલાંય ગામોમાં તો કંચન જોડે પરિચિત થઇ જનારાં કુટુંબો કંચનને પોતાનાં ઘરેણાં-વસ્ત્રોથી શણગારવાનો શોખ કરતાં. સારાં શહેરોના 'સ્ટોલ' પર જઇને વસ્તુઓ પસંદ કરી કારવીને તેનાં બંડલો લઈ પગથિયાં ઊતરતી કંચન પોતાની જોડેના કોઇ ને કોઇ સાથીને કહી દેતી કે 'એને જરા પૈસા ચૂક્વી દેજો ને, હું પછી આપી દઈશ.' પછી કોની મગદૂર હતી કે આનાકાની કરી શકે! એથી ઊલટું એ સાથી આવી તક મળવા બદ્દલ પોતાને બડભાગી માની પૈસા ત્યાં ને ત્યાં ચૂકવી દેતો.

થોડાક જ મહિનાના આવા જીવનનો કંચનને થાક લાગ્યો હતો તે સત્ય હતું. ભાસ્કરને એ સત્ય દેખાયું નહિ. ભાસ્કરનો માનેલો સાડીઓનો શોખ નહો પણ બનાવટીપણાનો થાક જ પોતાને અમદાવાદ તરફ લઇ જતો હતો. એમ કંચન માનતી હતી. કંચન અને ભાસ્કર બેઉ જ જૂઠાં હતા. કંચનના હૃદયમાં જે સળગી રહ્યો હતો તે તો વીરસુત પરનો રોષ હતો. વીરસુત 'ગોઠવાઈ ગયો!' એ શબ્દો ભાસ્કરના હતા. એ શબ્દો બોલી ભાસ્કરે કંચનના હૈયામાં ઇર્ષ્યાનો હુતાશન ચેતવ્યો હતો. 'વીરસુત ગોઠવાઈ ગયો! એ ગોઠવાઈ જ કેમ શકે ? એ તો અસહ્ય છે ! અક્ષમ્ય છે ! મારા પ્રત્યે આચરેલા અન્યાયો ઉપરવટની આ તો કિન્નાખોરી છે ! ચોરી માથે શિરજોરી છે. મને બાળી ખાખ કરવાની જ આ તો બાજી છે ! એણે જે આચરણ કર્યું છે તેથી તો લજ્જિત બનીને જગતમાં મોં છુપાવી દેવા જેવું હતું. એને બદલે એણે તો આખા કુટુંબને મારી પીઠ પાછળ બંગલામાં વસાવી લઈ મને ઘા કર્યો છે.વગેરે વગેરે.'

વીરસુત પર લાગેલી એની રોષ-ઝાળો આગળ ચાલીને ભદ્રા પર, ગાંડી યમુના પર, દેવુ પર, સસરા પર, મામા પર, અરે નાનકી અનસુ પર સુદ્ધાં ફરી વળી. બધાં જ લુચ્ચા ! બધાં જ પહોંચેલાં ! ચુપચાપ પેસી ગયાં. રાહ જોઇને જ બેઠાં હશે.