પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ તેરમું
તુલસી કરમાયાં

કાં દેવુ, તારા દાદા છે ને ઘરમાં?' સવારમાં જ એક જ્ઞાતિભાઇ આવે છે, ને દેવુને પૂછે છે.'

'ઠીક નથી, સૂઇ ગયા છે.' દેવુ જવાબ વાળતો વાળતો જુવે છે કે આ જ્ઞાતિભાઇ વરસને વચલે દા'ડે પણ ઘેર કદી ડોકાતા નથી હોતા!

'આ શું આવેલ છે અમદાવાદના છાપાંમાં-' લાકડી હલાવતા એ જ્ઞાતિજન સંજવારી કાઢતા દેવુને એની મરજી વિરુદ્ધ વાતોમાં ખેંચે છે.

'આ શું તારી બા ને તારા બાપુ વચ્ચે કોર્ટમાં કાંઇ કેસ ગયો છે?'

'મને ખબર નથી.' દેવુને બા, બાપુ અને કોર્ટમાં કજીયો, એટલા શબ્દો બિલાડીના નહોર જેવા લાગ્યા.

'તારા દાદાને કહે કહે, કે ઊંઘ શે આવે છે?'

એમ કહી એ એક જણ ચાલ્યો ગયો, બીજો આવ્યો, ત્રણ ચાર આવ્યા, પાછા ચાલ્યા ગયા. દાદાને તાવ હતો.