પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૮૦ : તુલસી-ક્યારો


'તાવ તો ચડે ને ભાઇ !' આવનારાઓ તાવનું કારણ સમજતા હતા તેટલું બસ નહોતું. તેમને એથી વિશેસ સંતોષ લેવો હતો. તેઓ પણ છત્રીઓ, લાકડીઓ અને શાકની ઝોળીઓ હલાવતા હલાવતા પાછા ગયા.

અંદરને ઓરડે સૂતેલા સોમેશ્વર માસ્તરની પથારી પાસે નીચે સવારનું છાપું દબાવેલું પડ્યું છે. બારણું બંધ કરીને એણે માથા પર ઓઢી લીધું છે. બીજી બાજુ ફરીને એ નવું છાપું વાંચે છે, બીજી વાર વાંચે છે, ત્રીજી વાર વાંચે છે. ચોખ્ખું અને મોટા અક્ષરે છપાએલું છે

બંગડીઓના ટુકડે ટુકડા !
પ્રોફેસરે ઉઠીને મારેલો સુશિક્ષિતા
પત્નીને માર
અમદાવાદનાં પ્રજાજનોમાં ફાટી
નીકળેલો પુણ્યપ્રકોપ.

નીચે ઝીણા અક્ષરોમાં વિગતો હતી. નામ, ઠામ ને ઠેકાણું હતાં. કંચનગૌરી નામનાં એ પતિપીડિત બહેનની વહારે વખતસર ધાનાર 'જાણીતા નારીરક્ષક શ્રી ભાસ્કર ઠાકોર'નું પણ નામ હતું.

સોમેશ્વર માસ્તર ફરી ફરી વાંચતા હતા. માથું ચક્કર ચક્કર ફરતું હતું તો પણ વાંચવું પૂરૂં થતું નહોતું, મારા જ પુત્ર વીરસુતની આ વાત છે કે બીજા કોઇ વીરસુતની? આ કંચનગૌરી નામ તો મારી પુત્રવધુનું. હે શિવ ! આ છાપાંનું લખાણ કોઈએ સ્વપ્નમાં તો નથી લખ્યું ને ? આ કોઇ જોડી કાઢેલી વાર્તા તો નથીને?

ગાત્રોમાંથી લોહી જાણે પાણી પાણી બનીને નીતરી જતું હતું. પ્રભારે કોઇક એમને લાલ નિશાની કરીને છાપું આપી ગયું હતું, તેનાં મથાળાં વાંચીને જ પોતે ઓરડામાં પેસી ગયા હતા. ઓઢીને સૂઇ