પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તુલસી કરમાયાં : ૭૭


ગયા હતા. ઘડીક શરીર ગરમ થઈ ધગધગી જતું હતું ને ઘડીક સ્વેદ વળતાં હતાં. 'કોઇને મળવા બેસારીશ નહિ દેવુ,' એમ કહીને પોતે પુરાઇ ગયા હતા. વાંચી વાંચીને એ બનાવ સાથેના પોતાના સંબંધને ભૂંસી નાખવા કલ્પનામાં ઘણી મથામણ કરતા રહ્યા. પણ બનાવ એની ખોપરીમાં બાંકોરૂં પાડીને જાણે પાછળની બોચીમાંથી પેસતો હતો.

ઘરમાં એક ગાંડી હતી, એક યુવાન વિધવા હતી, એક અર્ધ આંધળો, અર્ધ અનાથ ને અર્ધલુચ્ચો સાળો હતો. ઉપરાંત એક નાની અપંગ પૌત્રી અત્યારે માબાપ વગરની થઈને જીવતી હતીએ. માથે સદાનો વિચ્છિન્ન અને બાપે લગભગ તિરસ્કારી ત્યજેલો એક પૌત્ર હતો. છતાં જે ડોસાને તુલસીનો એક લીલો ક્યારો સદાય મસ્તાન રાખતો હતો, તે ડોસાએ છાપામાં વાંચેલ બનાવ પછી તુલસી-ક્યારો કરમાઇ જતો કલ્પ્યો. પોતાનું મોં એને જગતમાં ન બતાવવા જેવું લાગ્યું. એણે કામળો વધુ ને વધુ લપેટી, કામળાની ચારે બાજુની કોર વધુ દબાવી લજ્જાના અંધકારને પોતાની આસપાસ વધુ ને વધુ ઘાટો બનાવ્યો.

સોમેશ્વર માસ્તરનાં ઘરમાં આ બનાવ એટલો તો નવીન હતો કે તુલસી-કયારાની મંજરીઓને પણ ખબર પડી જાય. પ્રભાતે રોજ મોં ધોઇને બે પાંદ મોંમાં મૂકવા ડોસા આવ્યા નહોતા. નવા કૂંડામાં વાવેલ અજમાના છોડને અને અરડૂશીના રોપને નવાં પાંદ ક્યાં ક્યાં ફૂટ્યાં છે તે દેવુને દેખાડવા ડોસા દાતણ કરતા કરતા ફરતા નહોતા તેથી આંગણાની માટી પણ જાણે કંઇક અમંગળ બનાવને કળી ગઈ હતી.

દેવુ તો કળી જ બેઠો હતો, છતાં તે પણ આ રોપાઓ અને આ માટી જેટલો જ મૂંગો બન્યો હતો. પણ મૂંગી નહોતી રહી શકી એક નાની અપંગ અનસુ. દેવુ એને દૂર લઈ જતો હતો