પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૮૨ : તુલસી-ક્યારો


પણ એ દાદાના ઓરડાના દ્વાર પર પગ ઘસડતી આવતી હતી, બારણું ભભડાવતી હતી, ધીમા રૂદનભરપૂર અવાજે બોલાવતી હતી, 'દાદા, ચાલો લમવા, દાદા છું થયું છે? દાદા માલી ચોપલવાની દવા પીઓને ! છાલું થઈ જછે.'

અનસુને ખબર નહોતી કે ચોપડવાની દવામાં ઝેર હોય.

અનસુના આ શબ્દોએ દાદાને ચમકાવ્યા. અંધકારમાં ઊતરી ગયેલા માસ્તર તરફ નાની અનસુએ જાણે કે ખીણને ઊંચે કિનારે ઊભા રહી એક ઊગરવાનું દોરડું ફગાવ્યું : અનસુને ચોળવાની દવા ! હા, હા, એ દવા જ ઠીક છે. આંહીં ઓરડામાં જ છે એ શીશી. એ પી લઉં તો આ નફ્ફટ, નિર્લજ્જ અને કલંકિત સ્થિતિમાંથી ઊગરી જઇશ. આ સ્થિતિ અસહ્ય છે. મારા પુત્રનું નામ ને મારી પુત્રવધૂનું નામ છાપામાં ! એથી તો યમના ચોપડામાં બહેતર છે. મારા ઘરનાં બે જણાંનો કલહ સરકારી અદાલતમાં ! એથી તો મારે માટે ઈશ્વરનો દરબાર જ ભલેરો છે. અનસુ રસ્તો બતાવે છે.

'દાદા ! ઉઘાલો : દાદા, હું નહિ લોઉં : દાદા, અનછુ દવા પી જછે : દાદા, અનછુ તમાલી ડાઇ દીકલી છે : દાદા ન લીછાવ:' એ અવાજો ઓરડાના દ્વાર પર વધુ ને વધુ કરુણ બનતા ચાલ્યા.

'અનસુ!' દેવુ વારે વારે આવીને આ નાની બાલિકાને બારણા પરથી દૂર હટાવી જતો હતો. અને અનસુને કહેતો હતો : 'અનસુ, તું બાફોઇ પાસે ડાહી થઇને બેસી રહીશ? તો હું બા ને તેડી આવું હાં કે? હું અમદાવાદ જઇ બાને લઇ આવું.'

'બા નૈ, દાદા જોઇએ : બા ને છું કલવી છે ? દાદાને ઘોલા કલવા છે. દાદા આપો....' અનસુનું આક્રંદ ઓરડાની અંદર દાદાની અને ઝેરી દવાની શીશી વચ્ચે જાણે કે સ્વરોનો સેતુ બાંધતું