પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૭૮ : તુલસી-ક્યારો


'તું આંહી જ રહેજે કંચન.' એમ કહી ભાસ્કર લડથડતા વીરસુતને હાથ ઝાલી નીચે ઉતારી મોટરમાં નાખી મોટર સહિત ઘેરે મૂકી આવ્યો, ને પાછા આવી એણે કંચનને કહ્યું; ચાલ'

'ક્યાં?'

'પહેલાં દાક્તરની પાસે, ને પછી પોલીસ-કચેરીએ.'

'કેમ?'

'એ ફરિયાદ કરે તે પૂર્વે જ આપણે પાણીઆડે પાળ બાંધીએ.'

કંચનને તો વિચાર કરવાનો સમય નહોતો. સમય હોત તો પણ શક્તિ ક્યાંથી કાઢે? બાવીસ વર્ષની છોકરી, ભણવામાં પ્રકાશેલી ને સેવામાં ઝળકી ઊઠેલી, એટલે વિવેકબુદ્ધિને તો એ બધા ઝળકાટમાં વિકસવાનો અવકાશ જ ક્યાં હતો? એ ઊઠી.

'તારી બંગડીઓના કટકા નીચે પડેલા છે તે લઇ લે. ને જોઉં તારું કાંડું?'

એમ કહી એણે કંચનનો હાથ ઝાલી કાંડા પર નજર કરી, 'હાં, આ રહ્યા ચોખ્ખા આંગળાના આંકા. ને આ સોનાની બંગડી પણ વળી ગઈ છે ને શું ! બસ પુરાવો ચોક્કસ છે. ચાલો.'

'પણ-' કંચન સહેજ આંચકો ખાતી હતી.

'તું સમજી નહિ, કંચન.' ભાસ્કરે આંખો ચમકાવીને કહ્યું : 'ભણેલા પતિઓની જુલ્મગારી ઉઘાડી પાડવાનો આ અવસર છે. તેઓનાં આ જંગલીપણાં તો ઘેર ચાલી રહેલ છે. તેનો ભવાડો કરવામાં પાપ નથી, ધર્મ છે, સેવા છે.'

એમ બોલી, એણે કંચનનું કાંડું કોમળ હાથે ઝાલ્યું, બેઉ બહર નીકળ્યાં.