પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૯૨ : તુલસી-ક્યારો


પણ આવ્યાં, તુળસી માએ સમા દિ' દેખાડ્યા, ને મારો તો કોઠો ઠરી હીમ થ્યો બા ! મલક કંઇની કંઇ વાત કરતું કે મઢ્યમડી વહુ, ને મશલમાનને ગઇ, ને' - ધીમેથી -'છોકરું પડાવ્યું -ને વાતો જ વાતો ! પણ એ તો બધું જ તર્કટ. કંચન તો રૂપાળી અમારા જોડે બેસે છે. અમને અક્કેક રૂપિયાનું પગેપરણું કર્યું, ને અમારી જોડે તારી જેમ જ લાંબા હાથ કરી મધરાત લગી એવા તો તડાકા મારે છે બૈ ! કે અમે તો હસી હસીને ઢગલો ! ને એનું તો ડીલ વળે છે બૈ કંઇ ડીલ વળે છે ! કુવાકાંઠે જાય તો ત્યાંયે સાને હસાવે, શિવાલયે આવે તો ત્યાં સઘળા બામણોની અચરજનો પાર નથી રિયો: ડા'પણનો તો ભંડાર છે બૈ ! હું ન'તી કહેતી તુંને રાંડી ! કે બાપુ, તારી દેરાણીને કાંઇક નડતર હશે, કાં ગોત્રીજ નડતા હશે ને કાં બેચરા માના દોષમાં આવેલ હશે, બાકી કશો જ વાંધો નહિ હોય. વિજુડી કાકી કૈક સાંધા કરતી'તી ને રાંડ જૂઠી પડી, ને હું રાંડ સાચી પડી કે નહિ ? કેવી તો ગામની વાલી થઈ પડી છે તારી નવી દેરાણી ! મન તો બીક જ લાગી કે એ બાપડી માથે મારી મૂઇની ક્યાંય ભારે નજર ન પડે ! એટલે પછી મને થયું કે એક વાર તારી આગળ આવીને કોઠો ઠાલવી જઉં તો પછી મારી દૃષ્ટિનો ભાર નીકળી જાય. એટલા સારુ જાતે થઈને અહીં મારી ભણેજની ખબર કાઢવાને બા'ને નીકળી આવી. લે હાઉં ? હવે મારો આતમો હળવો ફૂલ થઇ ગયો બૈ !'

એવી એવી વાતો કરીને વતનની પડોશણ સગી સરસ્વતી ડોશી જ્યારે 'હવે તું જો આવી પોંચે તો તો પીપળાને ઓટે ખરી ગમ્મત જામે ને શેત્રુંજીમાં ગાગડીઓ ભળે - હે - હે - હે' એવા છેલ્લા બોલ લલકારીને ચાલી ગઈ ત્યારે વીરસુત રસોડા બાજુ નીકળ્યો.

ભદ્રાને ખબર હતી કે દેર ઘરમાં જ હતો, ને 'શરશતી બૈજી'નો