ઘાંટો પણ કોઈ લડાયક દેશના સરમુખત્યારની ઇર્ષ્યા ઊપજાવે તેવો હતો, એટલે દેરે શબ્દેશબ્દ સાંભળ્યો હોવો જ જોઇએ. એટલે ભદ્રા કશું જ ન બોલતાં દેરના જ બોલવાની રાહ જોઈ રહી.
'ભાભી,' વીરસુતે કહ્યું : 'ત્યારે તો મારી જ મતિ ભીંત ભૂલી ને ?'
'કેમ ભૈ ?'
'બામણવાડાની દવે-ખડકીને પીપળા ઓટે જેનું સાચું સ્થાન હતું, તેને મેં અમદાવાદની સડક પર મોટરનું સ્ટીઅરીંગ વ્હીલ પકડાવ્યું હતું.'
ચૂલો ફૂંકીને ભદ્રા એ દેર સામે જોયું. એ તાપે તપેલા હેમ સમા ચહેરા પર પ્રસન્ન અનુમોદનનો ભાવ સૂતો હતો.
'તો આપણે પણ હવે ઘેર જશું ભાભી ?' વીરસુતને અધીરાઈ આવી, પીપળાના ઓટા પર ચાલતી રાત્રિની 'ગમ્મત'ની ઇર્ષ્યા આવી, શિવમંદિરના બામણોને અચરજ પાત્ર થઇ પડેલી કંચન પર મીઠો ગુસ્સો ચડ્યો.
'હવે બાપુજી લખશે ત્યારે જ જવાશે ને ભૈ ! નહિ તો ક્યાંઇક કાચું કપાશે !'
'સાચું ભાભી !'
એટલું જ કહીને વીરસુત પોતાના ખંડમાં ચાલ્યો ગયો અને ત્યાંથી આખી જિંદગીમાં કદી નહિ ગાયેલ એવી હલકે એણે કંઇક ગાયું - ગાયું કહીએ તો વૈજ્ઞાનિકને અપમાન્યો કહેવાય - એણે કંઇક આરડ્યું; જગતનું એક વિનાપરાધે તિરસ્કૃત થયેલું ચોપગું પ્રાણી આરડે છે તેવી જ રીતે અને તેટલું જ લાગણીભેર.