પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૯૪ : તુલસી-ક્યારો


અને એ ચોપગા પ્રાણીની તે વખતની લાગણી હર્ષની હોય છે કે શોકની, તેની તો કોઈને ગમ પડતી નથી, છતાં તેમાં પ્રાણ સમસ્તનું મુક્તકંઠીલું ગર્જન હોય એ. વીરસુતનું ગાન પણ તે પ્રકારનું હતું.

પણ અધીરાઇ અંકુશમાં ન રહી એટલે વીરસુતે ભાભી ન જાણે તેમ ઘેર કાગળ લખ્યો. ટપાલીએ કાગળ પિતાના હાથમાં મૂક્યો. સરનામું 'શ્રીમતી કંચનગૌરી' એ નામનું હતું. પિતાએ પત્ર પોતાની પાસે મૂકી રાખ્યો. વીરસુતે ઘણી રાહ જોયા પછી બીજો, ને બીજાનો જવાબ ન આવ્યો એટલે ત્રીજો, એમ ત્રણ કાગળો લખ્યા. અને એ ત્રણે કાગળોને સંઘરી મૂકનાર પિતા પર ચોથો કાગળ ઠપકાનો લખ્યો, કે મારા ત્રણ ત્રણ કાગળનો જવાબ કેમ કોઇ દેતું નથી ?

પિતાએ એકાંતે બેસીને લમણે હાથ મૂક્યા. ને પછી એણે હસી લીધું. એણે કાગળનો જ્વાબ વાળ્યો : 'ચિ. ભાઇ, તારા ચારે કાગળો મળ્યા છે. પહેલા ત્રણ મેં સાચવી રાખેલ છે. કેમ કે સરનામાવાળું માણસ હજુ મને પૂરેપૂરૂં મળ્યું નથી. હું એની શોધમાં જ છું. એનો પાકો પત્તો લાગશે અને મને ખાતરી થશે કે કોઇ ભળતું માણસ તારા કાગળોનું ધણી નથી બની બેસતું, મને પાકે પાયે જ્ઞાન થશે કે તારા કાગળનું સાચું માલિક પુરવાર થઇ ચૂકેલ છે, ત્યારે હું વિના સંકોચે એને એ કાગળ સુપરત કરીશ.

'કાગળના એવા સાચા ધણીની ગોતણ કરવામાં હજુ કદાચ એકાદ વર્ષ વીતી જશે. તે દરમ્યાન તું ફોગટની લાગણીઓ ન ખરચી નાખે તે ઇચ્છું છું. તને કોઈ તક મળતી હોય ને ભારતવર્ષનાં સારામાં સારાં વિદ્યાલયોમાં, ભવનોમાં, અને વિજ્ઞાનવીરો પાસે આંટો મારી આવ તેને પણ હું ઇષ્ટ ગણીશ. તું તો છેલ્લામાં છેલ્લી ઢબનો વિજ્ઞાનવેત્તા છે, એટલે અનેક વૈજ્ઞાનિક રહસ્યો જાણતો હઈશ.હું તો જૂના જમા-