લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બારમું
નિર્વિકાર !

ભાસ્કરની મેડી નીચે ગાડી ઊભી રાખીને કંચને હોર્ન વગાડ્યું, ઉપરાઉપરી વગાડ્યું. બારીએ કોઈ ડોકાયું નહિ.

મોટરને ચાવી લગાવીને એ ઉપર ગઈ. તેટલામાં તો એને કૈંક વિચારો આવી ગયા; ઘરમાં નહિ હોય ? ક્યાં ગયાં હશે ? લલિતાને ઘેર ? કે માલતીને ઘેર ? એ બેઉ તરફ મારાં કરતાં વિશેષ લક્ષ કેમ આપે છે ? એ બેઉ જણીઓ તો અત્યારે ઘરમાં એકલી હોય છે. જઈને કોણ જાણે શીયે વાતો કરતા હશે ! મારી પણ વાતો કરતા હશે ?

એ એક બે મિનિટોએ તો આ ભણેલી ગણેલી યુવતીના કલ્પના-ચકડોળને કેટલાંય ચક્કર ફેરવી એનાં અંતરમાં નાની શી એક નરક રચી આપી. અને એટલે સુધી મનને ઊકળાવી મૂક્યું કે ભાસ્કર ઘરમાં ન હોય તો એકદમ મારંમાર મોટરે લલિતાને ને માલતીને ઘેર જઈ પહોંચવા મન કુદાકુદ કરી રહ્યું.

પણ ભાસ્કર તો ઘરમાં જ ટેલતો હતો. એને દેખીને કંચને શ્વાસ હેઠો મુક્યો :

'હા......ય !'