પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૭૦ : તુલસી-ક્યારો


કોની કમાઈ ? ધણીની ? ધણી કોનો ? મારો ગર્વ કેટલો કંગાલ ! એણે મને રાતમાં લપાટો મારી છે. એણે મને પ્રભાતે મનાવી પટાવી છે તે તો ભાસ્કરભાઈના ડરથી.

પતિની કમાણીનું અભિમાન ઊતરી ગયું, તેને સ્થાને જાગ્યું બીજું ગુમાન : એ બધાં લટ્ટુ બને છે તે તો કેળવાએલી વહુ દીકરાને વગર મહેનતે મળી ગઈ છે તેને લીધે. તેમને સૌને મારા શિક્ષિતપણાની શોભા જોઈએ છે. આગલી સ્ત્રીને કેમ હડધૂત કરી કરી મારી નાખી !

ને આ દેવુ તો સૌથી વધુ પક્કો લાગે છે. સદ વાર બા-બા-બા- લખ્યું છે. દુત્તો જણાય છે!

જેમ જેમ પોતે કાગળના આવા ઊલટા સુરો બેસારતી ગઈ તેમ તેમ કાગળ એના મન પર વધુ ને વધુ ચોંટતો ગયો. ભદ્રા સગી છોકરીને છોડીને આવી છે તે કાંઈ સ્વાર્થ વગર નથી આવી ! જશે ત્યારે પાંચ સાડલા તો લેતી જ જશે ને ! - એ રીતે જેઠાનીના ઉપકારને ધોઈ નાખવા પણ પોતે પ્રયત્ન કરી જોયો. છતાં તે સૌ જાણે પોતાની પાછળ પડ્યાં હતાં. સૌથી વધુ જોરાવર તો બનતો જતો હતો બા-બા-બા-બા- એ દેવુ નો બોલ.