સ્ત્રી ઘરમાં હતી ત્યારનાં બે વર્ષો દરમિયાન એકેય દિવસ પતિને ઘરના ઓરડા જોવા મન થયું નહોતું. દીવાનખાનું અને શયન-ખંડ એ બે વચ્ચે એના સર્વ ગૃહસ્થજીવનને એને ઠાંસી દીધું. હવે તો એને રોજ રોજ જ નહિ, પણ દિવસમાં પોતે જેટલી વાર ઘરમાં આવે તેટલી વાર પ્રત્યેક ઓરડાઓરડી, ઓસરી, એકઢાળિયાં વગેરેમાં ફરવાની આદત પડી ગઇ, પ્રત્યેક વાર એ કંઇક ને કંઈક નવું નિહાળતો, પ્રત્યેક વાર એને પુનઃરચના જ લાગ્યા કરતી. ગમે ત્યાં રઝળતી પડેલી વેરણ છેરણ તસ્વીરો પણ ધીમે ધીમે દીવાલ ઉપર ચડતી થઇ ગઇ. બાપુજીની જૂની તસ્વીર, બાની, બહેનની, મામાની, કોઇ ગામડિયા પ્રવાસી ફોટોગ્રાફર પાસે ઇસ્વીસન પૂર્વે જેટલા જૂના કાળમાં પડાવેલી એ તસ્વીરો વીરસુતના સામાન ભેગી પિતાજીએ બે વર્ષ પર મોકલેલી. ને એક વાર એ દીવાલો પર ચડેલી પણ ખરી. પરંતુ કંચને તે ઉતારી નાખેલી.
આજે એ તસ્વીરો, બેશક દીવાનખાનામાં નહિ પણ ભદ્રા બેસતી સૂતી તે ઓરડામાં મંડાઈ ગઈ. એ સૌ તસ્વીરો પર ભદ્રાએ રોજેરોજ કરેલા કંકુના ચાંદલા પણ વીરસુતે જોયા.