પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દિયરની દુઃખભાગી : ૧૫૯


દીઠું ને એની દૃષ્ટિ ભાભીના હસ્તાક્ષરો પર ઠરી. અક્ષરો બાયડીશાહી હોવા છતાં તેની જોડણી જરીકે ખંડિત નહોતી.

'ઓહો ભાભી ! આ તો બહુ ઠીક કર્યું.' એ પાટલૂનનાં સસ્પેન્ડરને ખભેથી ઉતારતો ઉતારતો બીજા ઓરડામાં દોડતો જઇને અભિનંદી ઊઠ્યો: 'પણ આ તમને સૂજ્યું શાથી?'

ભદ્રા મોં મલકાવીને શરમીંદી બની નીચે જોઇ ગઈ, જવાબ ન વાળ્યો; વીરસુતે ફરી વાર પૂછ્યું : 'ત્યાં બાપુજીને આવું કરી આપો છો?'

'એટલા બધા ટ્રંકો ને લૂગડાં ત્યાં ક્યાં છે ભૈ?' ભદ્રાએ જવાબ દીધો, પણ ઊંચે જોયા વિના.

'ત્યારે?'

'અનાજના ડબાને અને અથાણાં મરચાંની બરણીઓને...'

એટલા જ જવાબથી એણે સસરા-ઘરના કોઠારમાં રહેતી સુવ્યવસ્થાનો ખ્યાલ આપ્યો. વીરસુત તરત પોતાન કોઠારમાં ગયો. જુએ તો પ્રત્યેક ડબાડૂબી પર લેબલ હતાં.