તુલસી-ક્યારો/ભાસ્કરનો ભેટો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← છૂપી શૂન્યતા તુલસી-ક્યારો
ભાસ્કરનો ભેટો
ઝવેરચંદ મેઘાણી
'બડકમદાર' →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ બેતાલીસમું
ભાસ્કરનો ભેટો


નો ડબો જ્યાં ઊભો રહ્યો તેની સામે જ બે પોલીસની વચ્ચે એક માણસ કેદી વેશ વગર પણ કેદીની દશામાં ઊભો હતો. એ ડબો ઊભો હતો ત્યાં દીવા ઝાંખા હતા. કેદીને લઇને પોલીસે એ જ ડબાનું કે ખાનું રોકી લીધું.

કોઇ નીચે ઊભેલી સ્ત્રી એક બીસ્તર અને એક ખાવાનો ડબો ઊંચો કરીને એ ઊજળાં લાગતાં કપડાંવાળા સંસ્કારી કેદીને કહેતી હતી : (ને એના બોલ પરથી સ્પષ્ટ થતું હતું કે એ બુઢ્ઢી હતી, બોખી પણ હતી;) 'લે ભાઇ, બેટા લઇ લે આ પાથરવાનું ને ભાથું.'

'નહિ બા, જરૂર નથી.' કેદી જવાબ વાળતો હસતો હતો.

ભદ્રાને કાને અવાજ અફળાયો. એનાં આંસુ થંભ્યાં. એનું મોં બારીનો ટેકો ત્યજી ઊંચું થયું.

'પણ બેટા, લાંબી મુસાફરી છે. હાડકાં દુઃખશે.' નીચે ઊભેલી બોખલી બુઢ્ઢી કેદીને ફરી ફરી આગ્રહ કરતી હતી.

'જનેતાઓનો આ જ તો ત્રાસ છે ના !' કેદી પોતાના સાથી સિપાહીને કહી રહ્યો હતો; 'ભોંયમાં ભંડારી દઇએ, ઊપર પાંચ પચીસ વર્ષોની માટી વાળી દઇએ, તો પણ કોણ જાણે ક્યાંથી ધરતી ફાડીને એ નીકળી પડે છે.'

ભદ્રા પોતાની સામી બાજુના છેવાડા ખાનામાં ચલી રહેલ આ વાર્તાલાપ તરફ વધુ ને વધુ ખેંચાતી ગઈ. એને સ્વર કંઇક પરિચિત લાગ્યો. થોડો ફેર પડ્યો હતો, કંઠમાં દુર્બળતા હતી, પણ બોલવાનો ઠસ્સો બદલાયો નહોતો. કોનો હતો આ કંઠ ? સામાન્ય સો સો કંઠથી જુદો પડી રહે તેવો એ ભરેલો હતો.

'લે દીકરા લે ,' બિસ્તરનો ભાર ન સહેવાતાં ઘડીક નીચે મૂકતી ને પાછું ઉપાડી ઊંચું કરતી એ બુઢ્ઢીની ગામડિયણ જેવી ભાષા હતી.

'લઇ લોને યાર !' પોલીસ પોતાના કેદીને કહેતો હતો :'એ ડોકરીનો જીવ રાજી રાખો ને ! એ દુવા દેશે તો તમે છૂટી જશો.'

'નહિ રે ભાઇ, નથી છૂટવું. છૂટીશ એટલે પછી શું હું આ માની સામે ય જોવાનો છું ! એ ક્યાં પડી સડે છે તેની પણ ભાળ લેવા જવાનો છું ! જા બા, મારે તારી આશિષો નથી જોઈતી.'

'લે ભાઇ લે...'

'બાઇ માણસનું માન રાખો ને યાર !' પોલીસનું જીગર દુબળું પડતું હતું.

'ત્યારે તમને ખબર નથી નાયક.' એ કેદી એ રણકો કરતા સ્વરે કહ્યું : 'મેં આખી જુવાની બાઈ માણસોને રાજી રાખ્યા સિવાય બીજું કામ નથી કર્યું. ને હવે પાછો છૂટું તો એ કામ વગરનું બીજું કોઇ કામ મને સૂઝવાનું પણ નથી. પણ એ બાઇઓ આ બાઇથી બધી રીતે જુદી હતી. આ તો બુઢ્ઢી ને બોખલી મા છે. એને હું કદી રાજી રાખી શકું નહિ. એવો દંભ હું ઘડીભર કરું તો આ માને છેતરવા જેવું થાય. ને છેતરવું એ મારા સ્વભાવમાં નથી.' એમ કેતો કહેતો એ તોરમાં ને તોરમાં એક ટૂંકું અંગ્રેજી વાકય બકી ગયો : ‘To thy own self be finally true.’

'લે ભાઈ લે.' ડોશીનું રટણ ચાલુ જ હતું.

ત્યાં તો ગાડી ઊપડી. એ કેદીની કઠોરતામાં કશો ફેર પડ્યો નહિ. બુઢ્ઢીએ બિસ્તર અને ભાતાનો ડબો લઇ ને ચાલતી ટ્રેન સાથે દોડવા માંડ્યું. દોડતી દોડતી એ કરગરતી હતી : 'ઓ ભાઇ ! લેતો જા ઓ બેટા, લેતો જા ઓ ભાસ્કરીઆ - ઓ રડ્યા ! ઓ દન ફરેલા ! ઓ પથ્થર જેવા દીકરા !'

પણ વેગ પકડતી ગાડીના એ ડબાના છેવાડા ખાનામાં બેઠેલો એ કેદી જાણે કોઈ સ્થિતપ્રજ્ઞતાની મૂર્તિ હતો. એણે ગાડીમાંથી ડોકું કાઢીને પાછળ પણ જોયું નહિ. બાજુનાં મુસાફરોમાં જે કટાક્ષયુક્ત ટીકાઓ ચાલુ થઇ તેની પણ કશી અસર એણે મોં પર દેખાડી નહિ. ને વિદ્વત્તાયુક્ત ટીકા ન કરી શકતા પોલીસ નાયકે 'અરે શું તમે તે યાર ! ઇન્સાન છો કે નહિ' એવી જે ગૌરવભરી વાણી ઉચ્ચારી તેનો પણ જવાબ વાળ્યો નહિ. નજર પોતાની સન્મુખ ટેકવીને એ બેસી રહ્યો. મોં છુપાવવાની પણ એણે જરૂર ન માની. એના ચહેરા પર એક જ ભાવ લખાઈ ગયો હતો, કે મેં કશું જ નિંદ્ય કામ કર્યું નથી. મારો આમાં કાંઇ પણ દોષ થયો નથી. હું મારી જાતને વફાદાર એક પ્રામાણિક માણસ છું. હું દલીલો કરવાની જરૂર જોતો નથી.

'લઇ લે રોયા ભાસ્કરીઆ !' એવા એ બુઢીના આક્રંદ-શબ્દો ભદ્રાને કાને પડ્યા કે તરત એ કંઠ પરખાયો. યમુના અને અનસુ બેઉએ ઊંઘવું આદરી દીધેલું તેથી ભદ્રાને એકલીને આ ડબામાં ભાસ્કર હોવાનો તાત્કાલિક તો કશો ભય લાગ્યો નહિ. એકીટશે એ ભાસ્કર સામે જોઇ રહી. પંદરેક દિવસ પૂર્વેની રાતે ભાસ્કર વીરસુતની મોટર પર ચડી બેઠો હતો ને પછી બંગલે આવી જે વાત કહી ગયો હતો તેનું ભદ્રાને સ્મરણ થયું. ભાસ્કર પકડાયો હતો એ વાત ઘરમાં એને કોઇએ કરી નહોતી. દેરને તો ખબર હોવી જ જોઇએ, પણ વીરસુત ભદ્રા પાસે ભાસ્કરની વધુ વાત કરવા ન ઇચ્છે એ દેખીતું હતું. એ તો ઠીક, પણ અમદાવાદમાં મોટો ને મહતવનો ગણાવો જોઈએ તેવો એ બનાવ હતો છતાં અમદાવાદની સંસ્કારપ્રેમી જનતામાંથી કેમ કોઇ કરતાં કોઈ અહીં આ કેદીને કશું આપવા, સાંત્વન દેવા કે વળાવવા હાજર નહોતું ? એને કેમ કોઇ જામીન પર છોડાવનારૂં પણ જડ્યું નહોતું? ભદ્રાને ભારી કૂતુહલ થયું. બિસ્તર દેવા આવેલી તે શું ભાસ્કરની મા જ હતી ! મા ક્યાંથી આવી ચડી ? આને પોલીસ ક્યાં લઇ જાય છે ? ભદ્રાનું કૂતુહલ પ્રબલ બન્યું, પણ ભાસ્કર એ છેવાડા ખાનાંમાં ચૂપ હતો.

વચ્ચેનાં ખાનાંમાં મુસાફરોએ આજના જમાના પર પ્રચંડ મીમાંસા માંડી દીધી હતી. આજના જમાનાના દીકરાઓ પર ફિટકાર તૂટી પડ્યો હતો ને માના ઉદરમાં નવ માસ વેઠાતા ભારવાળા મુદ્દા પર એટલો બધો ભાર મુકાઇ રહ્યો હતો કે ભદ્રાને હસવું આવતું હતું. એનં અંતર છાનું છાનું કહેતું હતું કે 'નવ માસ ભાર વેઠવાની આટલી બધી નવઈ તે શી છે બૈ ! વેઠે એ તો-કૂતરાં ય વેઠે ને બલ્યાડાં ય વેઠે.'

ઉતારૂઓએ જમાનાને નામે બોલીને ભાસ્કરને જેટલી ગાળો દઇ શકાય તેટલી દીધી. ભાસ્કર અબોલ રહ્યો તે પરથી વાતો કરનારાઓએ અટકળ કરી કે આ ઠપકો તેના પર અસર કરી રહ્યો છે. એટલે તો પછી બે પાંચ જણ એની સામે ફરીને 'માને તો આમ રાખીએ ને તેમ સાચવીએ' એવી મતલબની શિખામણો આત્મીયજનોની જેમ દેવા મડી પડ્યાં. 'હવે વધુ કહેવું રહેવા દો.' એક બેસારૂએ કહ્યું : 'એ બાપડો રડી પડશે. કોને ખબર છે બાપડાને પારકી જણીએ જ બગાડ્યો હશે.'

પછી સૌ પરોપકારી લોકો કર્તવ્ય અદા કર્યાના સંતોષે નીતરતી પહેલી નિદ્રાનાં ઝોલાં ખાવા લાગ્યાં અને પોલીસો તથા ભાસ્કર વચ્ચેનો વાર્તાલાપ ત્રુટક ત્રુટક ભદ્રાને કાને પડવા લાગ્યો.

નાયકે કહ્યું : 'બીજું કોઇ તમારો જામીન થવા ના અવ્યું ને આ ડોકરી આવી ! એનો જમાન સરકાર શાની કબૂલે?'

સિપાહીએએ કહ્યું :'અરે યાર, ત્રણ દિવસથી એ ડોકરી જેલને દરવાજે પડી હતી. જામીન કેમ આપવો એની કશી ખબર ન પડે, ને એ તો એક જ જીદ લઇને બેઠી કે મારા દીકરાને બદલે મને કેદમાં રાખો.'

'માણસને બદલે માણસને તો કોણ રાખે ?' નાયકે કહ્યું :'જમાન તો રૂપિયામાં જ જોવે ને ?'

'ડોકરી પાસે કંઇ રૂપિયા રડા કે ઇસ્કામત તો હશે ને ! હેં માસ્તર ?'

'નહિ રે !'

'કેમ, તમે આવું જબરૂં માણસ, અને માને કંઇ મૂડી નહિ રળી દીધી હોય ?'

'એક પૈસો પણ નહિ.'

'ઓ તારીની ! એક પૈસો પણ નહિ ? તાણે મા ગુજારો કેમ કરતી હતી ?'

'દળણાં દળીને.' 'અલ્લા ! અલ્લા !' પોલીસે ઉદ્‍ગાર કાઢ્યો.

'તે આ વળી રાજકોટમાં વળી તમે બીજી શી બલા ખડી કરી છે યાર ? એ નલિની કોણ છે ?' નાયકે પૂછ્યું.

'વકીલની દીકરી છે.' ભાસ્કરે કશા વિલંબ વગર જવાબ આપ્યો.

'એમાં તમે ક્યાંથી સપડાયા ?'

'ભણેલી હશે એટલે સપડાવે જ ને ? પોલીસે અમર સત્ય ઉચ્ચાર્યું.

'મને કોઇ સપડાવી શકે જ નહિ.' ભાસ્કરે ખુલાસો કર્યો. પણ નાયકે પોતાની ધૂનમાં જ બોલવું ચાલુ રાખ્યું -

'એના માથેના તારા કાગલ પકડાયા એ બહુ બૂરી થઇ યાર ! બીજું ચાય તે કરીએ, કાગલ તો કદી જ ન લખીએ. કાગલ જ મોંકાણ કરે છે ને ! મોંની હજાર વાતો કરી હોય તોય કહી શકાય, કે સાલો જાણે છે જ કોણ સુવ્વરનો બચ્ચો ! લેકિન કાગલના ટુકડા પર ચીતરામણ કર્યું કે માર્યા ગયા !'

'અરે યાર ! નાયક સાબ !' સિપાહીએ કહ્યું :'કાગલ તો કૈકના દાટ વાલી દે છે. કાગલ લખવા બેઠો ઇશ્કી, એટલે પછી પૂરપાટ ઘોડો મારી મૂકે હો યાર ! શરાબ જ પીધો જાણે. અગમનીગમની વાતો અડાવે. દિલની તમામ દાઝ કાઢી નાખે કાગલ ઉપર. આટલા વાસ્તે તો હું ખુદાને દુવા દઉં છું કે આપણી જાત ઓછું ભણે છે એ જ બહેતર છે.'

'એ તો ભૈ, હું બધું જાણું છું. રૂબરૂ મલીને વાતો કરી હોય, તોય મારાં બેટાં સવાર ના પડવા દે, બસ, બેસે કાગલ લખવા. પથારીમાં ગોદડું ઓઢીને લખે, બાથરૂમમાં લખે, આગગાડીને ટ્રોલીમાં બેસીને લખે, લખે લખે ને લખે જ. પોતાના હાથે જ પોતાની વિરુદ્ધનો પુરાવો બાળે ! મેં તો એવા કૈંક કાગલો વાંચ્યા છે આપની હાફીસના છૂપા દફ્તરમાં. કેવા કેવા આબરૂદારો, કેવા કેવા ખાદીવાલાઓ, કેવા કેવા આશરમવાલાઓના કાગલો ! અહહહ ખુદા ! ઓ ખુદા ! તોબાહ !' એમ કહેતે કહેતે નાયકે આંખે હાથ દઇ દીધા : 'વાંચીએ તો જીગર કામ ન કરે. આપણે વાંચતાં શરમાઇએ, ને એ બચ્ચાંઓ લખતાં ન લાજે, કેમ ભાસ્કરભાઇ, ખોટું કહું છું ? કહેતો હોઉં તો મારૂં મોં ને તમારી ચંપલ !'

ભાસ્કરે ફક્ત મોં મલકાવ્યું.

'યાર પણ તમે પૂરા પક્કા આદમી આ શી બેવકૂફી કરી બેઠા ?'

છૂપા પ્રેમપત્રોના વ્યવહાર પર નાયક અને સિપાહીના એ હાસ્ય કટાક્ષોનું નિશાની બની ગયેલો ભાસ્કર કશું જ બોલતો નહોતો, કશા ખુલાસા આપતો નહોતો. એની દૃષ્ટિ ડબાની બહાર ઘાટા બનતા જતા અંધકાર તરફ હતી. પોલીસોએ ફાવે તેવું બોલ્યે રાખ્યું. અને ગ્રામ્ય વિધવામાં ભાગ્યે જ સંભવે એવી હામ બીડીને ભદ્રા પોતાની બેઠકેથી ઊઠીને સામી બારી પર જતી, બહાર ડોકું કાઢતી, ને ધીમે ધીમે એક પછી એક બારી વટાવી ભાસ્કરવાળા ખાનાનાની સામેની (રસ્તા પરની) બારી સુધી પહોંચી હતી તેનું આ ત્રણમાંથી કોઇને ધ્યાન ન રહ્યું.

મોં બતાવ્યા વગર ભદ્રા પીઠ ફેરવીને ઊભી ઊભી પોલીસના તડાકા સાંભળતી હતી અને એ એક પછી એક ચકિત કરનારી વાતોની ભાસ્કરના મોં પર શી અસર થાય છે તે ચપળતાથી મોં ફેરવી જોઇ લેતી હતી. ભાસ્કરના ચહેરા પર અપમાન અને બેઇજ્જતીની નિસ્તેજી હતી, પણ એ નિસ્તેજીમાં ય એક પ્રકારની શોભા હતી. ભાસ્કરનો ચહેરો પૂર્વે જોયેલો ત્યારે ખાડાખબડીઆવાળો, ધામીઆંના દાગોથી ખરડાએલો ને ક્યાંઇક ક્યાંઇક ઊપસી આવેલી નસોથી ડુંગરાટેકરાવાળો દીસેલો. પણ એ રાત્રિએ આગગાડીના ડબામાં દીઠેલ ચહેરા પર, બોરડીનાં જાળાં ખોદીને કોઇ ખેડૂએ સમથળ કરેલા ખેતરની સપાટી સમી કુમાશ હતી.

ઘડીભર તો ભદ્રાના મનમાં ગડમથલ ચાલી રહી : 'આ માણસ પારકી બૈરીઓને ફસાવે એવો છે ખરો ? અમારી બૈરીની જાત પણ ઓછી છે કંઇ બઇ?'

વિચાર આવ્યો કે તત્કાળ ભદ્રાએ પડતો મૂકી દીધો. એ વિચારવાટ એને વિકરાળ હિંસ્ર પશુઓથી ભરેલી લાગી. ને એણે પોલીસ નાયકનો નવો ઉદ્‍ગાર સાંભળ્યો : 'ઓરત તો દગલબાજની પૂતળી છે હો માસ્તર ! ઓરતનો કદી ઈતબાર ન કરવો.'

ઘીના રેવેલ ડબામાં કસ્ટમના સિપાહી સોયો ઘોંચે તેવી રીતે ભદ્રાના હૃદયમાં એ શબ્દો ઘોંચાયા. પલભર તો એ સંકોડાઈ ગઈ. પછી એણે તરત ભાસ્કરના મન પર એ શબ્દોની અસર નિહાળવા મોં ફેરવ્યું. ભાસ્કરે પણ એ વખત પહેલી જ વાર પોતાનું મોં બહારના અંધકાર તરફથી ફેરવી લીધું.એનો ચહેરો જોનાર કોઈ પણ કહી શકે કે એ મોં ફેરવવાની ક્રિયામાં કોઇ ચગદાતો કીડો દેહ આમળતો હોય તેવી વ્યથા હતી.

ફરેલી આંખોને એ કોનું દર્શન મળ્યું? અમદાવાદની ઓળખીતી આખી આલમ શું કોઈ એક જ નારીનું સ્વરૂપ ધરીને ખડી થઈ છે ઠપકો ને ધિઃકાર દેવા ? મેણાંટોણાંને પથ્થરો મારવા ? પોલીસની હાંસીમાં શામિલ થવા ? કે કંચન અને યમુનાના જીવન-વિનાશ બદલનું કોઇ નવું તહોમતનામું પોલીસ પાસે દાખલ કરવા ? ભાસ્કર હેબતાયો. એ ભદ્રા હતી. પણ પૂર્વે વીરસુતને ઘેર દીઠેલી તેવી ભદ્રરૂપિણી સૌમ્યા નહોતી. એની આંખો, પોતાની સમસ્ત શીતળતા સાચવીને પણ પોલીસોની આંખોનાં તળિયાં ઉચકાવી રહી. પોલીસનો પરિચય કે પ્રસંગ એને કદાપિ નહોતો પડ્યો. ઘરની ખડકી એણે અમદાવાદ આવ્યા પછી જ, દેવુના દવાખાને જવા પૂરતી વળોટી હતી. પુરુષ જાતિના એક પણ માણસ જોડે એ ઊંચે અવાજે બોલી નહોતી. એવા સંસ્કારોમાં પોષાએલી ભદ્રાનું હૈયું 'કંઈક કહું ! કંઈક કહું!' એવા શબ્દોએ ધબકતું ધબકતું, એક ઉચ્ચાર પણ કરી ન શક્યું.

પોતે કંઇ કહી નથી શકતી એ બાબતનો એને મનમાં આત્મતિરસ્કાર આવ્યો. પણ એને વધુ વેદનાની અગ્નિઝાળો વેઠવી ન પડી. એ આશ્ચર્યચકિત બની. ભાસ્કરને એણે સામે હાથ જોડી શિર નમાવતો જોયો.

ભદ્રા શરમીંદી બની. આવું નમન. પોતાનાથી પણ મોટી વયના પુરુષ પાસેથી પામવાનો આ પહેલો જ બનાવ એને ગૂંગળાવી રહ્યો. એની લજ્જાએ એના મૂડેલ મસ્તકને લાલ લાલ કરી મૂક્યું.

'સારૂં થયું કે તમે આંહીં મળી ગયાં.' ભાસ્કરે ભદ્રાને પ્રસ્તાવનાના સંતાપમાંથી બચાવી લેવાની બુદ્ધિથી આમ પરબારી જ શરૂઆત કરી લીધી; ને સ્તબ્ધ બનેલા, બાઘોલા જેવા પોલીસોને વિચાર કરવાનો પણ સમય આપ્યા વગર એણે ભદ્રાને કહેવા માંડ્યું -

'નલિની નામની એક રાજકોટની વિદ્યાર્થિની અમદાવાદમાં મારા રક્ષણ તળે હતી. એના પિતા પણ નલિની પરની મારી દેખરેખ માગતા હતા. એ પરણી તે પછી તેના પતિએ પણ નલિની સાથે મારો સહવાસ ચાલુ રહેવા ઈચ્છા બતાવી હતી. પછી નલિની પતિને ઘેર ગઇ, ત્યાં જેવું કંચનને વીરસુતના ઘરમાં બન્યું તેવું નલિનીને બન્યું. મારી એણે કાગળ લખીને સલાહ પૂછી. મેં એને પતિનો ત્યાગ કરવાની સલાહ લખી, પણ પતિ પત્ની વચ્ચે મનામણાં થયા. મનામણાં કરવાની રીત રમૂજી હતી.પતિએ કહ્યું કે નલિની ! તું તો નિર્દોષ ને ભોળી નારી છે. તું નિષ્પાપ છે. પણ ભાસ્કરે જ દુષ્ટે તને ફસાવી દીધી. એટલે નલિનીએ સંતુષ્ટ થઇને એના પતિ પાસે મારા કાગળો પ્રકટ કરી દીધા છે. મારા સામે નલિનીને ભગાડી જવાની કોશીશનો કેસ થયો છે. મને ત્યાં લઈ જાય છે. હું તમારા આશીર્વાદ માગું છું.'

'આશીર્વાદ-' ભદ્રાને ગળે થૂંકનો ઘૂંટડો ઊતરી ગયો. એ માંડ બોલી શકી : 'આશિર્વાદ શેના ભૈ ?' એ 'ભૈ' સંબોધનના ઉચ્ચારમાં એનો એ જ થડકાર હતો, એજ રણકો અને કમ્પાયમાન ઝણકાર હતો, જે સગા દેર વીરસુત પ્રત્યેના સંબોધનમાં ગૂંજી ઊઠતાં. ખુદ ભદ્રાએ જ પોતાનો એ બોલ સાંભળ્યો, ને એને પોતાને જ નવાઇ લાગી. વીરસુત સિવાયના કોઇ પ્રત્યે આવો ઝંકાર એના કંઠે કદી કર્યો નહોતો.

'આશિર્વાદ એટલા જ કે મેં જેને મારી સચ્ચાઇ માની છે તેને હું છોડી ન દઉં.'

ભાસ્કરની વાણી ભદ્રાની સમજમાં ઊતરી નહિ. 'સચ્ચાઇ' શબ્દ પારકી સ્ત્રીઓના સંસાર ભંગાવનાર પુરુષના મોંમાં વિચિત્ર જણાયો. ઓછામાં પૂરું પેલા બેઉ પોલીસ ખડખડ દાંત કાઢવા લાગ્યા ને દાંત કાઢતે નાયકનો જૂનો દમ ઊખ્ળી પડ્યો. એની ભયાનક ખાંસીનો એ હુમલો પાંચ મિનિટ સુધી ચાલુ રહ્યો, અને કેમ જાણે કોઇ બાકી રહેલા કામની વચ્ચે વિક્ષેપ પડ્યો હોય, એવી ભ્રાંતિથી ભદ્રા ત્યાં થંભી રહી, પણ નાયકનો દમ સહેજ શમતો હતો ત્યાં તો પોલીસે ફરી હસવું શરૂ કરી 'દેખ લો નાયકસાબ ઇનકી 'સચ્ચઇ !' એમ કહીને નાયકને ફરી વાર બેફામ બનાવ્યો. 'એક વાત સાંભળી લો ભાઇ નાયક ને ભાઇ કોન્સ્ટેબલ !' ભાસ્કરે શાંત શબ્દોમાં પિછાન દીધી : ' આ કોણ છે તે જાણો છો ? લો હું તમને જણાવી દઉં, એટલે તમારે કેટલું હસવું તે નક્કી થઇ શકે. આ એ ઓરત છે કે જેના નામની ગંદી વાત કરનાર માંધાતાને મારે મહાવ્યથા કરવી પડી ને આ કેદમાં આવી તમને સૌને તકલીફ આપવી પડી. મારૂં ચાલે તો હું તમને વધુ તકલીફ દેવા નથી માગતો. તમે ના પાડશો તો હું એની સાથે વાત કરતો અટકી જવા રાજી છું. પણ હું ને એ વાત કરીએ એવી જો તમારી મરજી હોય તો એમની જાતની અદબ પાળવી તમારી ફરજ છે. નહિ તો પછી પછળથી મને એમ કહેવાની વેળા ન લેશો કે અરે યાર, અરે માસ્તર, તમે તે યાર શું બદલી બેઠા ને ધડોધડ બસ અમને લાફા જ લગાવવા લાગી પડ્યા !'

ભાસ્કર સંપૂર્ણ સ્વસ્થતાથી બોલી ગયો. પોલીસો ખસિયાણા પડી સાંભળી રહ્યા. ભાસ્કરની કદાવર કાયા અને લાફાના ધમધમાટા સંભળાવતી એની ટાઢીબોળ વાણી આ બે જણાનો વધુ મશ્કરી કરવાનો ઉત્સાહ ઉતારી નાખવા માટે બસ હતી.

'ના રે યાર ! ખુસીસેં કર લો ને બાતાં. અમારી તો માબેન બરાબર છે. બેસો બેન બેસો !' એમ કહીને પોલીસનાયકે ભદ્રાને જગ્યા કરી દીધી.

'બેસશો ઘડીવાર ?' સત્તાની વાણીમાં બોલવા ટેવાએલ ભાસ્કરે ભાગ્યે જ આવી કાકલૂદી અન્ય કોઈને કરી હશે.

ભદ્રાએ પોતાની સાડી સંકોડી. એક વાર પોતાના ખાનાં ઊંઘતી યમુના અને અનસુ તરફ જોઈ લીધું, તે પછી એ ત્યાં બેઠી. કદી ન અનુભવેલી સંકોચની ને સંક્ષોભની લાગણી ભાસ્કરે તે વખતે અનુભવી. એણે પોતાની બેઠક પર પોતાનાં કપડાં સંકોડ્યાં. ને એણે કહ્યું, 'હું તો કંચનને ઠેકાણે ન પાડી શક્યો. મને લાગે છે કે એ રઝળી રઝળીને પાછી તમારે જ ઘેર આવશે. એને તરછોડશો નહિ.'

'કંચન તો ઘેર ક્યારનાં આવી ગયાં. અમારે ગામ રહે છે મારા સસરા પાસે.' ભદ્રાએ માણસને માર વાગે એવા શબ્દોમાં કહ્યું. શબ્દો તો સાદી વાત કહેનારા હતા, પણ બોલવાનો લહેકો ને બોલતી વેળાનો સીનો ભાસ્કરને ડાંભે તેવાં હતાં.

'તે તો હું અત્યારે જ જાણવા પામું છું. હું જેલમાં હતો ખરોને.'

'ને કંચનગૌરી સભર્ગા છે.' ભદ્રાએ એ કૃત્ય ભાસ્કરનું ગણેલું એટલે આ કોરડો વીંઝવાની તક જતી ન કરી.

'તે તો આનંદના સમાચાર.' ભાસ્કર જે સરલતાથી બોલ્યો તે ભદ્રાને નિષ્પાપ લાગી. ભાસ્કર તો જરીકે થોભ્યા વગર આગળ વધ્યો : 'એ બાપડી એટલી અપંગ છે કે બાળકનો ઉછેર પણ કરવો એને વસમો બની જશે. તમે એની સહાયે જ રહેજો.'

ભદ્રા અંદરખાનેથી ચીડે બળી રહી. આ માણસ નફ્ફટ હશે તેથી શું ચમક્યો નહિ હોય ? કે નિર્દોષ હશે તેથી ? એ તે શું પોતાની બહેન કે દીકરીની ભલામણ કરી રહ્યો છે ? ને કેમ જાણે મારા પર એનો અધિકાર પહોંચતો હોય એવી રીતે ભલામણ કરે છે !

'એ ઘેલીને - એ મૂરખીને મારા સમાચાર તમારે આપવા કે ન આપવા એનો મને વિચાર થાય છે.'

ભાસ્કર ધૃષ્ટતાથી બોલતો હતો. પણ કેટલાક લોકોને ઘૃષ્ટતા કોઇ ગુણ સમી શોભે છે. નમ્રતા જો તેઓ ધારણ કરે તો તેઓનું સ્વરૂપ ઊલટાનું બિહામણું લાગે. ભાસ્કરની ધૃષ્ટતા ભદ્રાને ગમી. 'કંઇ નહિ.' ભાસ્કર બે ઘડી વિચારીને બોલ્યો : 'કહેશો નહિ. અને હું જેલમાં પકડાયો ત્યારે એ મને મળવા પણ ન આવી ? બેવકૂફ છે બેવકૂફ !'

'દેવી બનાવવી'તીને ?' ભદ્રા લાલચોળ થઇને બોલી. પણ બોલ્યા પછી પલમાં જ એ સ્તબ્ધ બની. એનું મન બોલ્યું : આટલી છૂટ આ કોની સાથે ? આ બેઆબરૂ, કેદ પકડાએલા, પરસંસારના ભાંગણહાર ભાસ્કર સાથે ?

'હું તો હજુ ય થાક્યો નથી.' ભાસ્કરે ભદ્રાનો ટોણો સમજ્યા વગર કહ્યું: 'હું તો એનું ઘડતર કરતાં કદી ન થાકત. એ તો એ થાકી ગઈ.'

ભદ્રા ત્યાંથી ઊભી થઇ ગઇ એટલે ભાસ્કરે કહ્યું : 'હા, હવે તો તમે સુખેથી જાઓ. હમણાં વીરમગામ આવી પહોંચશે. આપણી બેઉની ગાડીઓ પણ જુદી પડશે. વીરસુતને કહેજો, કે મેં એને મારેલો એનો બદલો લેવા જેવી શરીર-શક્તિ એ જમાવે તો હું ખૂબ ખુશ બનું. એક વાર એ પણ મને મારી મારી લોથ બનાવે એવો દિવસ કાં ન આવે ! હે- હે- હે !' એ હસ્યો.

'એ તો ગયા સમુદ્રપાર.' ભદ્રાના મનમાં બાકી રહેલો શબ્દ હતો 'તારે પ્રતાપે !' ત્યાં તો ભાસ્કર બોલી ઊઠ્યો :-

'તો તો હું સાચો પડીશ. એ શરીર સુધારીને આવશે, ને હું થોડાં વર્ષોને માટે જીવનપાર જાઉં છું. બહાર નીકળીશ ત્યારે મારૂં શરીર વીરસુતની લાતો અને થપાટો ખાવા જેવું ક્ષીણ તો થઇ જ ગયું હશે એમ કહેજો - અરે લખજો વીરસુતને.'

એટલું કહી એણે ફરીથી વિદાયનું વંદન કર્યું. ઝડપભેર ચાલી ગયેલી ભદ્રાએ યમુનાને અનસુને જગાડી બિસ્તર પાગરણ બાંધતે બાંધતે અંતરમાં ઝણઝણાટી અનુભવી. એ ઝણેણાટ અનુકમ્પાનો હતો, ધિઃકારનો હતો, કે તાજ્જુબીનો હતો ? ભદ્રા ન સમજી શકી. એને આવો જીવનપ્રસંગ કદી સાંપડ્યો નહોતો. આ માનવીની વિચિત્રતા પણ વ્યવસ્થિત હતી. આ પુરુષના માનસિક કુમેળમાં પણ કશોક સુમેળ હતો. આ રોગીને રોગ શું કોઠે પડી ગયો હતો ? એના જીવનમાં શું કોઇ રસતત્ત્વ ખૂટતું હતું જેને પરિણામે આ રોગ થયો હશે ! પાપનો પણ શું પ્રતાપ હોય છે ?

રાતના અગિયાર વાગે ગાડી બદલાવતે બદલાવતે આ ગામડિયણ વિધવાને ભાસ્કરની સમસ્યાએ વ્યથિત કરી મૂકી અને એની જૂની સ્મૃતિ કડીબંધ જાગી ઊઠી. પોતે અમદાવાદ ગઇ તેના પહેલા જ દિવસની રાતે દેરના નિર્જન ઘરમાં ભાસ્કર ઓવરકોટ લેવા ઘૂસેલો ને પોતે ફફડી ઊઠેલી છતાં ભાસ્કર પગલું ય ચાતર્યો નહોતો. ફરી પાછો ઘણા મહિને ભાસ્કર સાંજ ટાણે ઘરમાં આવ્યો, યમુનાએ ચીસો પાડી, ભાસ્કર શાંતિથી ચાલ્યો ગયો, તે પ્રસંગ પણ નજર સામે તરવરી ઊઠ્યો. ભાસ્કરની આંખ બદલી નહોતી. પછી કેદ પકડાવાની રાત્રિએ એણે દેરની મોટરમાં ચડી ઘેર આવવાની ધૄષ્ટતા કરી તે પ્રસંગમાં પણ કોઇ મેલું તત્ત્વ હતું ? ને આજે ટ્રેનમાં થયેલો મેળાપ પણ એટલો બધો સ્વચ્છ હતો !

ત્યારે શું આ માનવી ઘાતકી ને પ્રપંચી નહિ ? પ્રામાણિકતા આટલાં વિલક્ષણ રૂપો ધારણ કરતી હશે ? ને કંચનના સગર્ભાપણાની વાત એણે સાવ સ્વાભાવિક ગણી સ્વીકારી લીધી તે વિચારમાંથી ન ખસી શકે તેવું દૃશ્ય હતું. એ પોતે જો કંચનની આ દશા માટે જવાબદાર હોત, તો ચમકી ન ઊઠત ! વીરસુતનો ત્યાગ કરી બેઠેલી કંચન આ દશાને પામે તેનો સીધો જુમ્મેદાર બીજો ગમે તે હો, પણ તેનો મૂળ જવાબદાર તો પોતે જ છે, એ વિચારે પણ એ કેમ ન ચોંકી ઊઠ્યો ? કે શું કંચનના ગર્ભાધાનની મુદ્દ્તનો હિસાબ જ એના મગજમાં નહોતો? શું એ જડતા હશે ? કે નિર્દોષતા ?

નવી ગાડીમાં ગોઠવાએલી ભદ્રાએ પાછલી રાજકોટ જનાર ગાડીની રાહ જોતા પ્લેટફોર્મ પર ઊભેલા ભાસ્કર તરફ ધીરીધીરીને બારીમાંથી જોયા કર્યું. ભાસ્કર એના તરફ જોતો નહોતો. એક વાર એ જુએ, જોઈને એક વાર પાછો નજીક આવે, તો હજુ એકાદ માર્મિક પ્રહાર કરી લેવાનું ભદ્રાનું દિલ હતું. ચાલતી ગાડી પરથી ગાળ કે ઠપકો દેવાની અથવા પથ્થર લગાવવાની વૃત્તિ ઘણામાં હોય છે. કેમકે એમાં સલામતી છે. ભદ્રાની અંદરનું ગ્રામ્ય સ્ત્રીત્વ એ તક દેખી સળવળી ઊઠ્યું. પણ ગાડી ભદ્રાને લઇ ચાલી નીકળી. ખેપેખેપે હજારો નિગૂઢ માનવ-સમસ્યાઓના બોજ ખેંચી જતી ગાડીને ભદ્રાનો એકનો આજનો અંતર-બોજ ભારી પડ્યો હોય કે નહિ, પણ ભદ્રાને ગાડીનાં પૈડાં માંડ ફરતાં લાગ્યાં. એણે આખી રાત અજંપો અનુભવ્યો. ભાસ્કર જેવા અજાણ્યા, અન્ય પંથે વળેલા, લગાર પણ નિસબત વગરના માનવીનું આ ચિંતન અકારણ હતું છતાં કેમ એ ચિંતન કોઈ રાત્રિકાળે દીવો બળતાં ઘરમાં ભૂલથી આવી પડેલ ચામાચીડિયાની જેમ આમ તેમ ગોથાં ખાતું હતું ! કયા સ્નેહદાવે કે સંબંધદાવે ભાસ્કરે નલિનીના કિસ્સા વિષેનો ખુલાસો મારી પાસે ઠાલવી નાખ્યો ? અથવા મારી નજરે ખાનદાન ને નિર્દોષ ઠરવાની આ વૃત્તિ લોખંડ જેવા ભાસ્કરને કેમ થઇ?

રાત્રિનાં હૈયામાં જેટલાં ચાંદરણાં હતાં તેટલા જ નાનકડા ને અલ્પપ્રકાશીત વિચારો ભદ્રાના અંતરને ભરી રહ્યા. એ બધા મળીને જો કે અંતરના તિમિરપટને અજવાળી ન શક્યા, તો પણ એણે ભદ્રાને રાત્રિ જેવી શાંત, સુંદર ને રહસ્યમય તો જરૂર બનાવી.