લખાણ પર જાઓ

તુલસી-ક્યારો/જનતાને જોગમાયાં

વિકિસ્રોતમાંથી
← જગરબિલાડો તુલસી-ક્યારો
જનતાને જોગમાયાં
ઝવેરચંદ મેઘાણી
દિયરની દુઃખભાગી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ બાવીસમું
જનતા ને જોગમાયા

ટલામાં તો ગામના વ્યાયામ-મંદિરના ઉત્સાહી સંચાલકે પોતાના મંદિરના મેળાવડાની અધિષ્ઠાત્રી 'દેવીજી'ને સભાસ્થાને તેડી જવા હાજર થયા. ને તેમણે આવીને પહેલું જ આ કહ્યું : 'અમારા વાર્ષિક ઉત્સવનાં પહેલાં જ સ્ત્રીઅધ્યક્ષ તમે હોવાથી, ગામલોકોનાં તો ટોળાં વળ્યાં છે. સ્ત્રીઓ તો ક્યાંય માતી નથી. જાગૃતિનું અદ્ભૂત મોજું આજે શહેરમાં આવી ગયું છે. આ ગામ પચીસ વર્ષ પછાત હતું તે આજે સૌ ગામોની જોડાજોડ આવી ગયું છે,'

આવા આવા ઉત્સાહભરપુર શબ્દો શ્વાસપુર ફેંકી રહેલા ગામના અખાડા-સંચાલકો કંચનના નારીદેહની જાણે કે મનોજ-પુષ્પોથી પૂજા કરતા હતા.

'બહેન પણ આવા મેળાવડાનું જ પ્રમુખ સ્થાન લે છે.' ભાસ્કર બોલ્યો : 'કેમ કે એને તો મર્દાનગીનો આદર્શ ઊભો કરવો છે.'

ભાસ્કરના આ શબ્દો કંચનના લેબાસ, પોષાક અને સૌંદર્ય ફરતી ફ્રેમ રૂપ હતા, પણ તેડવા આવેલાઓ ફ્રેમની પરવા કર્યા વગર, હજુ તો ભૂખ્યા ડાંસ જેવા, મૂળ તસ્વીરને, કંચનની દેહ-છટાને જ જોવામાંથી નવરા નહોતા થતા. તેઓને કંચનના દર્શનમાત્રથી મેળાવડાની સોળ આના ફતેહની ખાતરી થઈ ચૂકી હતી. 'અમારે પણ આ પછાત ગામના લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને સ્વાધીન નારીનો આદર્શ બતાવવો હતો, તે ઉમેદ આજે પૂરી થશે.' તેડવા આવેલાઓ પૈકીનો બીજો અંદરખાનેથી પાણી પાણી બનીને બોલી રહ્યો.

પછી સૌ ગાડીમાં બેઠા ત્યારે કંચનની સામેની બેઠક પર બેસવા માટે સંચાલકો પૈકીના બે જણાઓમાં ઘડીભર તો ગુપ્ત એક બાજી રમાઈ ગઈ. પેલો કહે, હું નહિ. બીજો કહે, નહિ , હું નહિ.

'અરે શું હું નહિ હું નહિ કરો છો?' એમ બોલીને કંચને એ બેમાંથી એક બડભાગીને હાથ ઝાલી પોતાની સામે ખેંચી લીધો. પછી સાફળા જ તેને કાંઈક યાદ આવતાં બાજુમાં બેઠેલ ભાસ્કર સામે જોયું. પણ ભાસ્કર જાણે જાણતો જ ન હોય તેમ બીજી દિશામાં જોઈ બેઠો હતો.

ગાડી સભાસ્થાન પર આવી પહોંચી ત્યારે 'ઢરરર...ઢમ! ઢમ: ઢમ: ઢમ: ટી-કી ટી-કી ટી-કી-ઢમ:' એવા સ્વરે વ્યાયામ-બેન્ડે સલામી આપી. પ્રવેશ-દ્વારથી મંચ સુધી યુવાનોએ લાઠીઓની કમાનવાળો માર્ગ રચી દીધો: ને શ્રોતાઓમાં અગાઉ જઈ કોઈએ કહ્યું :'દેવીજી આવે છે: શાંતિ રાખો.'

લાઠીઓની કમાનો વચ્ચે થઈ ને કંચન ગૌરવયુક્ત ગતિએ રંગમંચ તરફ ચાલી ત્યારે પ્રેક્ષકો એને તાકી તાકીને જોઈ રહ્યા. 'આહાહા ! એની તાકાત તો જુઓ.'

'દુઃખી બહુ થઈ લાગે છે બાપડી!'

'સિંહણ જેવી છે ને?'

'જુઓ ક્યાં આ શક્તિ ભવાની, ને ક્યાં આપણાં કચકી ગયેલાં સડેલાં બૈરાં! જુઓને બધી ભાવઠ્યો આ બેઠી.' 'મારી સાળીયું વરસોવરસ છોકરાં જણવા સિવાય બીજો ધંધો જાણતી નથી.'

એવા ચિત્રવિચિત્ર ગણગણાટ વિરમી ગયા, અને રંગમંચ પર ફૂલોના ઢગલે ઢગલા ખડક્યા હોય એવા એક અગ્રણી-વૃંદ વચ્ચીથી સંસ્થાના 'મંત્રીજી' ઊઠ્યા, તેમણે પોતાની કાવ્યમય બાનીમાં 'નૂતન ભારતનાં યુગપૂજક સંતાનો!' એવા શબ્દો વડે શ્રોતાઓ પ્રત્યે સંબોધન કરીને ઓળખાણ આપી : 'આજ પધારેલાં આ દેવીશ્રીનો પરિચય તો હું આપને શું આપું? એ એક વીર-નારી છે. સ્વાધીનતાની મૂર્તિ છે વગેરે વગેરે.'

તાં તો એક ગામના ગૃહસ્થ, નૂતન યુગના સંસ્કારમૂર્તિ બનવા પ્રયત્ન કરતા કરતા વચ્ચે બોલી ઊઠ્યા:

'આપણાં ગામની બાયડીઓને કહીએ કે જુઓ આમ જુઓ આંખ્યો ઊઘાડો!'

એ શબ્દોએ સભાને હાસ્યરસની એક જબરી લહરી પૂરી પાડી, ને કંચન પણ ગાફલ બનીને ખડખડ હસવા લાગી, ત્યાં તો એની નજીક બેઠેલા ભાસ્કરે એની સામે ડોળા ફાડી એને એના સ્થાને યોગ્ય ગૌરવમાં પુનઃપ્રતિષ્ઠિત કરી દીધી.

પછી વ્યાયામ વીરોના ખેલો થવા લાગ્યા, ને દરેક વ્યાયામ-વીર આગળ આવીને શરૂમાં તેમ જ અંતમાં કંચન તરફ જે 'નમસ્તે'નો અભિનય કરતો હતો તેનો ઉન્માદ કંચનના ફાટફાટ થતા કલેજાને ફુલાવી ઢોલ કરતો હતો.

ને એ વખતે સભામંડપની છેલ્લી બે ચાર હારોમાંથી બે ડોસાઓ ને એક બાલક ઊંચા થઈ આ દૃશ્ય જોતા હતા. એક ડોસો હસતો હતો, બીજો ડોસો કોણ જાણે લજ્જાની કે પછી કોણ જાણે આનંદની ઊર્મિથી વારંવાર ડુસ્કાં ખાતો હતો ને છોકરો તો ગોઠણભેર થઈ થઈ આભા જેવો આ તમાશાને જોતો હતો.

કોઈ ન સાંભળે, અથવા સાંભળે. તો પણ ન સમજે, તેવી આવડતથી બેઉ ડોસા પરસ્પર વાતો કરી લેતા હતા:

'હા, હા, જ્યેષ્ઠારામ, હવે આશા નથી. આપણા ઘરમાં હવે શે સમાય?'

'જોઈ ને તો ન્યાલ થઈ લો.'

'પણ હું શું જોઉં ? અરે દીકરી-દીકરી-દીકરી-'

'જોજો સાદ ન ફાટી જાય.'

'આ હા હા ! હજારો લોકોની દેવી, મારા ઘરમાં શે સામે?'

એવી વાતોના ક્ષુદ્ર ગણગણાટ પર મેઘ-ગર્જના છવરાઈ જાય તેવો ભાસ્કરનો ભાષણરવ ગૂંજી ઊઠ્યો:

'શ્રોતાજનો, તમે જાણો છો, તમારી સૌની માતાઓ બહેનોની સ્વાધીનતા પ્રાપ્ત કરવા આ 'દેવી'એ શું શું સહ્યું છે? એના ચહેરા પર દુઃખના હળ હાલેલાં છે, એના આ ચાસ જુઓ છો? ને હું તમને કહું છું ત્યારે ધ્રાશકો પડશે, તમારી છાતી બેસી જશે કે આજે, અત્યારે, આ જ ક્ષણે, આ સભામંડપની અંદર જ એક સ્થળે આ તમારી 'દેવી'નું કાસળ કાઢી નાખવાનું કાવતરૂં ચાલી રહ્યું છે.'

એ થંભ્યો, સભાવૃંદ ખળભળ્યું, ખુદ 'દેવી'નો ચહેરો પણ ચોંકી ઊઠ્યો, ચહેરે ચહેરા એકબીજાની સામે ફર્યા, આંખે આંખને પગ આવ્યા, પ્રત્યેક આંખ શોધવા લાગી કાવતરાંખોરોની જમાતને. 'એ કાસળ કાઢી નાખરાઓ,' ભાસ્કરનો અવાજ એરણ પર ધણના પ્રહાર સમો પડ્યો, 'ચેતી જાય, આંહીંથી ચાલ્યા જાય, નહિતર આખું કાવતરૂં બહાર પડી જશે ને તેમના હાથમાં હાથકડીઓ પડશે.'

થોડી ઘણી ખામોશ ધરીને પછી એ બીજા મુદ્દાઓની ચર્ચામાં આગળ વધ્યો; થોડી વાર ઊંચા નીચા થઈ ને જોવા માંડેલા શ્રોતાઓ ભાસ્કરના શબ્દ પ્રભાવમાં ફરી લુપ્ત થયા. અને શ્રોતા સમૂહને એક છેવાડે ખૂણેથી બે બુઢ્ઢાઓ, એક બાળકને હાથ વડે લપેટતા, ધ્રૂજતા, વિમાસતા, ધીરે ધીરે સરી જઈને બહાર નીકળી ગયા.

ભાસ્કરની ધમકી તેમને ઉદ્દેશીને હતી એ તો સમજી શક્યા હતા. તમ્નો સૌથી મોટો ભય દેવુનો જીવ જોખમાઈ જવાનો હતો. ઉતારે જઇને દેવુને પૂછતાં તેણે પોતાની તે સાંજની, ભાસ્કરસાથેની મુલાકાતનું પૂરું વર્ણન કર્યું. તે સાંભળીબેઉ બુઢ્ઢાના શ્વાસ હાંફી ગયા. છોકરો કોઇ રાક્ષસની ગુફામાંથી હેમખેમ પાછો આવ્યો લાગ્યો. તેમણે બેઉએ મસલત કરી. ભય લાગ્યો કે વહુને લેવા આવતાં ક્યાંઈક છોકરો ખોઈ બેસશું. તેઓએ રાતની ગાડીમાં લાગુ પડી આ ખુવારીનો માર્ગ છોડ્યો.

રસ્તામાં દેવુના દાદા સુનકારની સાક્ષાત્ મૂર્તિ બનીને બેસી રહ્યા. 'પહેલી જ વાર હું હાર્યો આ જીંદગીમાં, જ્યેષ્ઠારામ ! પહેલી વાર - અને છેલ્લી વાર !' એટલું જ એકાદ વાર બોલ્યા. એ એક જ ઉદ્ગાર અંતરમાં ભારી કરીને પોતે પાછા પોતાના વતનમાં સમાઈ ગયા. ગામના સ્ટેશને ધોળા દિવસની ટ્રેનમાં ન ઊતરવું પડે તે માટે રસ્તે એક ગાડી છોડી દીધી, ને મધરાતે પોતાને ગામ ઊતરી ઘરમાં પેસી ગયા. ને જ્યેષ્ઠારામે પણ પાછો પોતાનો અસલી અંધાપો ધારણ કરી લઈ પછવાડેની પરશાળમાં પોતાનું એકલ સ્થાન સંભાળી લીધું. દાદા પોતાનો થીગડાં મારેલો જૂનો કામળો ઓઢીને વહેલી પરોડે બેઠા છે, ત્યાં કોઈકના શબ્દો સંભળાયા: 'અનસુ રડતી નથી: અનસુ ઊંઘે છે: ને તુલસી-ક્યારો લીલો છે-લીલો છમ છે, રોજ દીવો કરતી'તી-કરતી'તી.'

ઓરડાની બહાર ઊભી રહીને બોલતી એ ગાંડી ભત્રિજી યમુના હતી. ઘણા દિવસે ઘેર આવતા ડોસા, વહુને ગુમાવી બેઠાના વલોપાતમાં એ ગાંડીને ભૂલી ગયા હતા. છોકરી અનસુ જાણે એના જગતમાંથી જ ભૂંસાઈ ગઈ હતી. યમુનાએ અનસુને ચૂલામાં બાળી હશે કે ક્યાંક કૂવામાં ફેંકી દીધી હશે, એવી બીક વચ્ચે વચ્ચે લાગેલી, પણ પછી તો વહુને હાથ કરવા જતાં યમુના, અનસુ અને ઘરબારનું ભાન રહ્યું નહોતું.

વહેલી પરોડનાં પંખીના ચિંચિંકાર વચ્ચે ગાંડીનો અવાજ કાને પડ્યો. તુલસી-ક્યારો લીલો છે એ સમાચાર ગાંડીએ શા સારૂ આપ્યા? તુલસી-ક્યારો સુકાયો નથી એટલે શું નવી વહુ પાછી મળવાની આશા રહી છે એમ સમજવું? વહેમી અને શ્રદ્ધાળુ દિલનો કુટુંબપતિ આવા સાદા સમાચારને પણ સાંકેતિક વાણીમાં ઘટાવતો બેસી રહ્યો.

'બેટા !' એણે કામળામાં લપેટાયેલું મોં સહેજ ઊંચું કરીને કહ્યું, 'તુળસી-ક્યારો તેં લીલો રાખ્યો એ જ બતાવે છે કે તારું ડહાપણ લીલું છે, તું ગાંડી નથી.'

'હું ગાંડી નથી. પૂછી જોજો અનસુને. ગાંડી નથી. ગાંડી તો કંચનભાભી. ગાંડી ! ગાંડી ! ખબર છે. તુલસી-ક્યારે આવી નથી. અનસુને રમાડી નથી. ગાંડી ! બાપા, ગાંડી થઈ ગઈ ભાભી.' એમ બોલતી બોલતી યમુના રડી પડી; 'ગાંડી ભાભી.'

ઘરમાં પુરાઇને બેઠેલી આ ગાંડી આશ્રિતાના રુદનમાં કૌટુમ્બિક જીવનની ભૂખના સ્વરો હતો.કંચનને એ આજે ક્યાંય જુએ તો ઓળખી પણ ન શકે; એક વાર લગ્ન પછી કંચન જ્યારે ઘેર આવેલી ત્યારે જ એણે સહેજ જોયેલી; ત્યારે તો યમુના પૂર્ણ ગાંડપણના સપાટામાં પડેલી હતી; તે છતાં જરીક જોયેલી નવી ભાભી કંચનને એણે આજે પોતાના અશ્રુજળના પરદાની આરપાર ઊભેલી નિહાળી; રડતી રડતી ગાંડી એને ઠપકો આપતી હતી કે ' ગાંડી ભાભી ! ભાભી ગાંડી!!'

'તું ના રડતી બાઈ !' થીગડાં મારેલ કામળામાં પોતાનું મોં ફરી વાર લઈ જઈને વૃદ્ધ માંડ માંડ બોલ્યા :' તું શાંતિ ધર.'

'તુલસી-ક્યારે એક વાર પણ ન આવી ગાંડી ભાભી ! તુલસી મા સુખદુઃખ સાંભળત. તુલસી મા ધીરજ આપત.' કહી કહીને યમુના વિશેષ ધ્રુશકાં ભરવા લાગી.

'ચાલ બચ્ચા, આપણે તુલસી-ક્યારે જઇએ; ચાલ, દીવામાં ઘી ને વાટ લેતી આવ.'

પ્રભાતના તેજતિમિરના સંધિકાળે, નાના એવા તુલસી છોડને નમન કરતો, મોટા દેહવાળો ડોસો ઊભો રહ્યો, ગાંડી યમુના ઘીના ચેતાવેલા દીવાને પોતાના બે હાથની છાજલી વચ્ચે ઢાંકીને લઈ આવતી હતી ત્યારે ડોસો નિહાળતો રહ્યો- એ છાજલીમાંથી યમુનાના મોં પર લીંપાતું દીવાનું કંકુવરણું તેજ. યમુનાની આંખોમાં ભરેલી સજળતા પણ સ્પષ્ટ દેખાતી હતી. યમુનાના તાજા રોયેલા મોં પર એક ગુપ્ત ગર્વ તરવરતો હતો કે પોતે તુલસી-ક્યારાને સુકાવા નથી દીધો, અને અનસુને રડવા નથી દીધી.

'તુલસી-મા!' વૃદ્ધે હાથ જોડ્યા. 'તમે મારી યમુનાને ડાહી કરી પણ મને તો ક્યાંક ગાંડો નહિ કરી મૂકો ને!'

તુલસી મા એવું નહિ કરે, કદી ન કરે.' યમુના હસીને બોલતી હતી. 'તું મારા માટે પ્રાર્થના કરીશ યમુના?'

'સૌને માટે - ગાંડી ભાભીને માટે ય.'

ને પછી એ તુલસી-વૃક્ષની સામે હાથ જોડી ઘણું ઘણું બબડી.

અનસુ ઊઠીને બહાર આવી. હવે એ ચાલી પણ શકતી હતી. એણે દાદાને દીઠા : 'દાદા, ઘોલો ઘોલો !' એ એક જ એની માગણી હતી. વૃદ્ધ માસ્તરે બેના ચાર પગ કરી જૂનું પશુત્વ ધારણ કર્યું ત્યારે પછી અનસુને પરવા જ ન રહી કે કંચન કાકી કોણ છે, એનું શું થયું છે, ને પોતાની સગી બા ભદ્રા પણ કેમ ગેરહાજર છે.