મુક્ત બનેલી કંચનને સમાજપીડિત બહેનોની ઉદ્ધારક અને પ્રેરણામૂર્તિ બનાવવા-વીરાંગના બનાવવા માટે ભાસ્કર ગુજરાતનો પ્રવાસ કરાવતો હતો, ઠેકઠેકાણે ભાષણો અપાવતો હતો, સમારંભો વડે સ્વાગત ગોઠવાવતો હતો. ભાસ્કર અને કંચન જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં ઊગતા જુવાનો અને કવિતા કરતા કિશોરો એમની ફરતા વીંટળાતા રહ્યા.
પ્રત્યેક શહેરમાં યુવાનોના સમૂહ પૈકી પાંચ પંદર તો એવા હોય જ છે, કે જેઓ ઘરની માતાઓ; ભાભીઓ ને બહેનોમાંથી જીવનની અદ્ભૂતતાનો સ્પર્શ મેળવી શકતા નથી. એંશી વર્ષના બેવડ વળી ગએલા બરડા પર સાંઠીઓનો તોતીંગ ભારો ઉપાડી બજારમાં તેના વેચાણની અચોક્કસ મુદ્દત સુધી રાહ જોઈ ઊભતી ડોશીના પુરૂષાર્થમાંથી તે યુવકોને રોમાંચક તત્ત્વ જડતું નથી; મરકીએ કેવળ દવાના અભાવે કોળીઓ કરી લીધેલા જુવાન ધણીને હાથે સ્મશાને દેન પાડી પાછળ રહેલાં પાંચ બાળકોની જીવાદોરી બનનારી-ત્રીશ વર્ષોનો અણિશુદ્ધ રંડાપો ખેંચનારી ગ્રામ્ય બામણીના માથાના મુંડામાંથી આ યુવકોને અલૌકિક વીરત્વની આસમાની સાંપડતી નથી. એવા પાંચ દસ કે પંદર વીશ યુવાન કિશોરો, પોતપોતાની કવિતાપોથી,