આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૮: તુલસી-ક્યારો
એને બીક લાગેલી કે મુંઝાએલો 'ભાઇ' કદાચ આપઘાત કરી બેસશે.
સ્ટેશને ગયા પછી સોમેશ્વરે અંધ સાળાને જુદો એકાંતે બોલાવી પૂછ્યું :
'જ્યેષ્ઠારામ ! ઘેર જઈ શું મોં બતાવું !'
'જાત્રા કરતા જવું છે?' જ્યેષ્ઠારામે આંખો બીડી રાખીને કહ્યું : ' તમારૂં મન જરા હળવું થશે. ને અંજળ હશે તો વહુને પણ ગોતી કઢાશે.'
'તારી મદદ છે?' વૃદ્ધનો કંઠ લાગણીવશ બન્યો. જવાબમાં જ્યેષ્ઠારામે પૂરેપુરી આંખો ખોલી. એ આંખોમાં અંધાપો નહોતો. પણ આંખનો, દુષ્ટ લાગે તેવો મિચકારો હતો.
'હે માળા દુષ્ટ !' ડોસા દેખીને હસી પડ્યા.
'લેવા દેવા વગરનું આંખોનું તેજ હું બગાડતો નથી. તેમાં દુષ્ટ શાનો?'
'ઠીક, ચાલ, દેવુને સાથે લેશું ને?'
'હા. હા.'
ત્રણે જણા ડાકોર વગેરે સ્થળોમાં થોડું ભટકી પછી એક ગામમાં આવ્યા. જ્યાં કંચનનો, આશ્રયધામની એક સંચાલિકા લેખે ભાસ્કરની સાથે પડાવ હતો.