લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પુત્રવધૂની શોધમાં : ૧૧૭


સરસ્વતી સંપન્નને શિરે આ દુઃખ ! મારા પુત્રના મોંમાંથી વાગ્દેવી કેવી પ્રસન્નતાથી વહી રહી છે ! આને માથે...!

પણ વીરસુતના અંતરમાં આ કુટુંબીજનોના દૃશ્યે ઊલટી જ લાગણી સળગાવી. એની વાગ્ધારા ખંડિત બની. એનો ચહેરો પડી ગયો. એની જ્ઞાનસમાધિમાં ભંગ પડ્યો.

આનું એક વધુ કારણ હતું : પોતાનાં આ કોલેજનાં વ્યાખ્યાનો સાંભળવા બે વર્ષ પૂર્વે કંચન આવતી તે દિવસો યાદ આવતાં કારમો તફાવત કલ્પના પર ચડી બેઠો. કંચન અહીં બેસતી ત્યારે પોતે સોળે કળાએ ખીલી રહેતો. કંચનના સ્થાને આજે આ ત્રણ સગાં સાંભળે છે ! વિડમ્બનાની અવધિ વળી ગઈ.

ઘેર આવીને એણે પિતાને કહ્યું, 'માર દાઝેલા હ્રદય પર શાને ડામ દઈ રહ્યા છો ! આથી તો ઘેર જાઓને !'

'ભલે ભાઈ !' વૃદ્ધ પુત્રની ઈચ્છા ઝીલી લીધી. એણે પોતાની તૈયારી કરીને પછી પૂછ્યું : 'ભદ્રાને લેતો જાઉં કે અહીં રાખું?'

'લેતા જાઓ, ને આ ઘરને પણ દીવાસળી મૂકતા જાઓ ! હું પણ મારો છૂટકારો ગોતી લઈશ. પછી તમને નિરાંત થશે.'

પિતાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેની નજર સામે બે વીરસુત તરવરતા હતા. એક તો કોલેજમાં બોલતો સરસ્વતીનો વરદાનધારી: ને બીજો આ બકવાદ કરનારો : બેમાંથી કયો સાચો? બેઉ સાચા: એક જ ખોળીઆમાં બેઉ વસનારા : બકવાદી વીરસુતનો કોઈક દિવસ વિલય થઈ જશે, શારદાનો વરદાનધારી પ્રક્ટ થશે : એ આશાએ એણે કહ્યું : 'તો ભલે ભદ્રા આંહી રહેતી ભાઇ!'

એટલું જ કહીને વૃદ્ધે રજા લીધી.