આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એ શું જોતી હતી?
આફ્રિકાનો કિનારો : અગાધ અને અનંત, કાળાં ભમ્મર સાગરજળને સામે પાર એનાં માબાપ બેઠાં નથી.
બનાવટી બહાદૂરી અને ચાવી ચડાવેલી બંડખોરી પર એ વિદેશવાસી મુવેલાં માવતરની સાંભરણે મોટો ઘા માર્યો. બનાવટી બહાદુરીના કોટ કાંગરા ખરવા લાગ્યા.
'આમ મારી સામે જો!' ભાસ્કર બોલ્યો કે તત્કાળ એ ચોંકી , હેબતાઇ, અને જૂની કહેતીમાં કહ્યું છે કે જગરબિલાડો ઊંદરના દર પર જઇને ચીસ નાખે ને જેમ ઊંદર આપોઆપ બહાર નીકળી પડે તે રીતે આ હાક ભેળા તો કંચને અનિચ્છાએ પણ આપોઆપ ભાસ્કરની સામે નેત્રો માંડ્યાં.
માંડતાં જ એનો ભય વધ્યો. જાણે આજ સુધીના પ્રેમાળ ભગિનીબાંધવ, સજાગ રક્ષપાલ, ઉદાર લાલનકાર અને સચિંત શિક્ષાદાતા ભાસ્કરભાઇનું આખું ખોળીઉં જ બદલાઇ જઈને તેને સ્થાને કોઇ બીજું જ ભીષણ માનવી આવી બેસી ગયું.