તે પછી વળતા દિવસે વીરસુતને એકલાને લઈને એક ભાડુતી ગાડી પિતાના ગામમાં ઘરને બારણે આવી ઊભી રહી. દ્વારમાં પેસતાં જ એણે પોતાનું અતડાપણું તોડવાનો યત્ન કર્યો. ભદ્રા ભાભીએ કરેલી છેલ્લી ભલામણ એ જ હતી કે 'જોજો હો ભૈ ! રૂડું આનંદભર્યું મોં રાખીને સૌને મળીએં હો ભૈ !'
કોઇ પણ ઇલાજે મોં હસતું રાખવું જ હતું. ગાંડી યમુના જ બારણું ઉઘાડવા આવી. યમુનાએ પોતાના નાનાભાઈ દીઠા, ઓચીંતા દીઠાં, ને મોં પર મલકાટ ધારણ કરતા દીઠા, એટલે કે યમુનાએ કદી ન કલ્પેલું વિચિત્ર દૃશ્ય દીઠું. અને એણે 'એ-હે-હે-હે ! નાનાભાઇ ! એ-હે-હે-હે આવ્યા છે-એ-હે-હે-હે-હસે છે,' એવા ઉન્મુક્ત ગળાના ગેહકાટ કાઢ્યા, બોલતી બોલતી એ અંદર ગઇ, ને એણે એક નાના બાળકની રીતે આનંદ-ધ્વનિથી ઘર ગજાવી મૂક્યું, જાણે કોઇ ઉત્સવનો ઘંટ બજ્યો. ને નાનાભાઇ યમુનાના મામા પાસે, એટલે કે સોમેશ્વર માસ્તર પાસે જઇ બેઠા ત્યારે યમુનાએ પહેલું કામ ઝટ ઝટ વાટ વણીને દીવો પેટાવી તુલસીમાને ક્યારે મૂકવાનું કર્યું; દીવો મૂકતાં મૂકતાં બોલી : 'હાશ ! માડી ! નાનાભાઇ હસ્યા, મને જોઈને હસ્યા,