તુલસી-ક્યારો/સમાધાન

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← સસરાને દીઠા તુલસી-ક્યારો
સમાધાન
ઝવેરચંદ મેઘાણી
પુત્રવધુની શોધમાં →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ સત્તરમું
સમાધાન

બે જણા ત્યાંથી સારી પેઠે દૂર નીકળી ગયાં ત્યારે ખૂણામાંથી નીકળીને દેવુ નાઠો. પાછળ કદાચ પેલો માણસ આવશે ને પકડી પાડશે એવી બીકે ફડક ફડક થતો એ માંડમાંડ રસ્તો પૂરો કરી શક્યો. આખે માર્ગે એના અંતરમાં ઊર્મિઓની ધુમાધુમ ચાલી. પણ બીજી બધી વાતોને વિસરાવે તેવો ભય એના અંતરમાં ઊઠ્યો. આ નવી બા શું કહેતી હતી ? શું દાદા આવી પહોંચ્યા હશે? તો તો એ મને મારશે. એ તો ઠીક, પણ દાદા કાલે આ નવી બાને નફટાઈથી કોર્ટમાં ઊભેલી જોશે તો એને શું થશે? આ ભાસ્કર એની કેવી દશા કરશે? આ માણસ કોણ છે ? એ નવી બા સાથે આમ કેમ વર્તન કરે છે? ને નવી બા શું દાદાને દેખી શરમાઇને નાઠાં? દાદા પ્રત્યે એને શું વહાલ છે? અદબ અને માન છે? હું જલદી જઇ દાદાને વાત તો કરૂં.

દેવુ ઘર પહોંચ્યો ત્યારે સાચોસાસ એણે દાદાને આવેલા દીઠા. પોતે જે ટ્રેનમાં આવ્યો તે પછીની બીજી જ ગાડીમાં દાદા રવાના થઇને ઉપવાસી મુખે મુસાફરી કરી આવ્યા હતા.

દેવુએ જઇને દાદા કશું બોલે તે પહેલાં જ કહ્યું, 'દાદાજી ! મને હમણાં ન વઢતા. હમણાં મને એક વાત કરી લેવા દો. નહિ તો પછી એ વાત હું કરી નહિ શકું. દાદાજી ! એ વાત મારે તમને એકલાને જ કહેવી છે.'

બાગમાં બેઠેલા એકલવાયા દાદાને દેવુ પર રોષ કરવાના હોશ જ નહોતા રહ્યા. એણે પોતાની સંધ્યા-પૂજામાં 'શેમ ! શેમ !'ના તિરસ્કાર-સ્વરો સાંભળ્યા હતા. એનું મન પુત્રવધૂને એક વાર એકાંતે મળવાનું હતું. એના ઉપર તો એ આવીને ઊભા રહ્યા કે તૂર્ત વીરસુતનો રોષ તૂટી પડ્યો હતો. એ સૂનમૂન એકલા બેઠેલા પુરુષને દેવુએ પહેલો જ બોલ આ કહ્યો: 'દાદાજી, બાને ખબર પડી છે કે તમે આવેલ છો. બા શરમાયાં લાગે છે.'

દેવુની એ આખી અનુભવ કથા સાંભળતાં જ વૃદ્ધની આંખો ચાંદનીનાં કિરણોને ઝીલતી ચમકી ઊઠી.

ઝળકી ઊઠેલી આંખોને આ વૃદ્ધ બ્રાહ્મણે થોડી ઘણી મીંચી રાખી. એના મનમાંથી આર્તનાદ ઊઠ્યો. 'નિરબલ કે બલ રામ !' બિડાયેલી આંખોમાંથી અશ્રુધાર વહી.

દેવુએ પોતાના દાદાજીને રડતા એક જ વાર દીઠા હતા : પોતાની મુવેલી બાને યાદ કરતી વખત. આ પુરુષને વારંવાર આંસુ બગાડવાની આદત નહોતી. દુઃખોની આગથી એ નહોતા ઓગળતા. એને પિગળાવનાર એકજ તત્ત્વ હતું : પોતાની દીકરા-વહુઓના પોતા પ્રત્યે પ્રેમભાવ.

આખી રાત એને નીંદર ન આવી. પાછલા પહોરના અજવાળીઆને લીધે કાગડા બોલ બોલ કરતા અને એ કાગારવ એને સવાર પડી ગયાનો વારંવાર વિભ્રમ કરાવતો. પોતાની પાસે સૂતેલા દેવુના શરીર પર એ વારંવાર હાથ ફેરવતા હતા અને બીજા ઓરડામાં સૂતેલી મોટી વહુ ભદ્રા ઊંઘમાં કશું ક લવતી હતી તે તરફ એ કાન માંડતો હતો. એ સ્વપ્ન-લવારીમાં ભદ્રા બોલતી હતી: 'કંચન ! મારી બેન ! તમને શી ખબર , બાપુજીએ તો એક વાર તમરા જેઠના બરડામાં સીસમની લાકડીનો સોટો ખેંચી કાઢેલો. શા માટે, કહું? તમારા જેઠે મને મારા બાપ સમાણી ગાળ દીધેલી એ બાપુજીને કાને પડી ગઈ હતી તેથી. બાપુજી તો બાપુજી છે બેન ! ચાલ પાછી ઘેરે. તારે તે શું મોટું દુઃખ છે. મને જોતી નથી? મારા માથાને મૂંડવાનો પહેલવેલો દા'ડો આવ્યો તે દિ' બાપુજીએ અન્નજળ નહોતાં લીધાં. નાની બાળ ઉમ્મરનું રાંડીરાંડપણું હું રમતાં રમતાં વેઠું છું તે તો બાપુજીના પ્રેમને બળે. નીકર તો બાઈ, હું તારા કરતાં ય વધુ પોચી છું - ગાભા જેવી છું.'

થોડી વાર લવતી રહી ગયેલી ભદ્રાએ ફરી પછા લવવા માંડ્યું. 'ફડા...ક ! ફડા...ક ! ફડા...ક ! હા-હા-હા-સીસમની ત્રણ લાકડીઓ ખેંચી કાઢી'તી બાપુજીએ તમારા બરડામાં : કેમ, યાદ છે ને વા'લા ! ભૂલી શકો જ કેમ? હેં, ખરૂં કહો તો, મારી સોગન... ફરી વાર દઈ તો જુઓ મને ગાળ.'

વૃદ્ધ સસરો વધુ ન સાંભળી શક્યો. વિધવા પોતાના વિદેહી સ્વામીની સાથે સ્વપ્નમાં વાતો કરી રહી હતી. એ વાતો સાંભળવામાં પોતાને પોરસ ચડતો હતો. છાતી ગજ ગજ ફુલાતી હતી. છતાં એ વાતો પતિ પત્ની વચ્ચેની ખાનગી હતી. એ સાંભળ્યે પાતક લાગે. આવા નીતિશાસ્ત્રને જીવનમાં અનુસરતો સસરો પોતાની પથારી છોડીને બગીચામાં ટહેલી રહ્યો.

સૌ સૂતાં હતાં તે વખતની આકાશી એકાંતમાં ચાંદો જાણે ચુપકીદીથી રૂપાની પાટો ને પાટો ગાળતો હતો. ગાળી ગાળીને નભોમંડળમાં અઢળક ઢોળતો હતો. કૃપણને દિલાવર બનવા પ્રેરે તેવી ચાંદની હતી. ઘુમાઘુમ કરતી કાળી વાદળીઓ આ વૃદ્ધને ચંદ્રના ઘરની વિધવા અને ત્યક્તા પુત્રવધૂઓ શી દેખાતી હતી. સસરાને નેહે નીતરતી એ સૌ જાણે ઘરકામ કરી રહી હતી. આવડા પ્રબલ આકાશી દૃશ્યે આ વૃદ્ધની નસોમાં નવું બળ પૂર્યું. એણે સ્નાન પતાવી, દેવુને જગાડી, પોતાની સાથે લઇ, વહેલા પ્રભાતે આશ્રય-ધામ શોધી કાઢ્યું. થોડા થોડા ભળભાંખળામાં બેઉ જણાએ આશ્રય-ધામને ચાર પાંચ ચક્કર લગાવ્યાં. પણ હજુ અંદર કશો અવર જવર નહોતો.

દાદા અને દેવુ બેઉ આશ્રય-ધામની દીવાલ પાસેની એક પીપર નીચે બેઠા બેઠા રાહ જોવા લાગ્યા.

'જોજે હો દેવુ !' દાદાએ ભલામણ કરી 'બા નીકળે કે તૂર્ત તું મને બતાવજે હો. હું નહિ ઓળકહી શકું. મેં તો એ બાપડીને પૂરી જોઇ પણ ક્યાં છે?'

પ્રભાત થયું ત્યારે પહેલવહેલો જ જે પુરુષ આશ્રય-ધામના દરવાજા પર આવી સાંકળ ખખડાવતો ઊભો તેને દૂરથી દેખીને દેવુનો દેહ ભયની કમ્પારી અનુભવતો અનુભવતો દાદાની નજીક સંકોડાયો.

'કેમ દેવુ ? કેમ બીનો ?' દાદાએ પૂછ્યું.

ત્યાં તો દરવાજો ઊઘડ્યો ને એ માણસ અંદર દાખલ થયો, તે દેખીને હિંમત અનુભવતા દેવુએ જવાબ દીધો : 'એ જ મેં કહ્યો હતો તે-પેલો.'

'કોણ પેલો?'

'જેને ભાસ્કર ભાસ્કર કહે છે તે.'

ભાસ્કરનું નામ સાંભળવું અને ભાસ્કરને નજરોનજર નિહાળવો, એ દેવુના દાદાને માટે સહેલું કામ નહોતું. પુત્રને કન્યા શોધી આપનાર અને પુત્રના સર્વ હિતના રક્ષક બનનાર આ માનવીનું નામ એનાથી અજાણ્યું નહોતું. પુત્રનો ઘર સંસાર પણ કોઇક ભાસ્કરભાઈ ચલાવી આપે છે, પુત્ર અને વહુ વચ્ચેના કજિયાટંટા ને વાંધા તકરારો પણ કોઇક ભાસ્કરભાઈ પતાવી આપે છે, એ સાંભળવાના અનેક પ્રસંગો પોતાને ગામ આવતા હતા. પુત્રને કોલેકજમાં પ્રોફેસરપદ અપાવવા માટે પણ કૈંક રાત્રિઓના ઉજાગરા વેઠીને મુંબઇ વડોદરાની દોડાદોડી ભાસ્કરભાઇએ કરી હતી તે સાંભળ્યું હતું. પણ પુત્રના પિતાને એ બધા સમાચારો અતિ-અતિ વધુ પડતા સારા લાગ્યા હતા.

પુત્રના સંસારમાં લેવાઇ રહેલો આ રસ એ જૂના જમાનાના બાપુને વધુ પડતો લાગતો હતો. કોઈ અમદાવાદ જઈ આવેલું સ્વજન ઘણી વાર જ્યારે જ્યારે એને આવીને જાણ કરતું કે 'ભાઇબંધીની તો બલિહારી છે ભાઇ! દુનિયામાં ભાઇબંધ શું નથી કરતો?' ત્યારે ત્યારે બુઢ્ઢા બાપને નાકે કશીક ન કળાય ને ન પરખાય તેવી ખાટી સોડમ આવતી હતી.

બેટા કે બેટીને, ભાઇને કે ભાઇબંધને ફક્ત પરણાવી ઘર ચાલુ કરાવી દેવા સુધીની જ વાતને સ્વધર્મની છેલ્લી સીમા સમજનાર આ જૂના જમાનાનો ભણેલો બ્રાહ્મણ તે પછીની તમામ વાતને પેશકદમી જ માનતો હતો. ભાસ્કર નામથી એણે પોતાની સન્મુખ બીજો એક બ્રાહ્મણ જોયો : બ્રાહ્મણ જ હોવો જોઇએ : એને પૂછવું જોઇએ, અલ્યા કહે તો વારૂ, તારા મિત્રધર્મની સરહદ ક્યાં સુધી જઇને થંભે છે?

એટલો વિચાર કરે છે ત્યાં તો દરવાજાની બારી ફરી વાર ઊઘડી. પહેલી એક યુવતી નીકળી ને તેની પીઠે મજબૂત હાથનો ધક્કો દેતો એનો એ જ પુરુષ પાછો નીકળ્યો. દેવુ પોતાના દાદાને ' એ જ મારી બા' એટલું કહી શકે તે પૂર્વે તો એ આનાકાની કરતી યુવતીને ધકેલવા જેવી સ્થિતિ કરતો પુરુષ સામે ઊભેલી મોટર-કાર સુધી લઈ ગયો, બેઉને લઇને કાર ઉપડી અને માત્ર ઊપડતી મોટરે એ સ્ત્રી, હજુય પ્રભાતના સહેજ સંક્રાંતિકાળમાં અર્ધઅદૃશ્ય રહેલા એવા બે જણાને પીપરની ઘટા હેઠે જોતી ગઈ.

તે પછી પાકી ખાતરી કરવા માટે પિતા બાળકને લઈ આશ્રય-ધામની ઓફિસે ગયા. પૂછ્યું : 'અમારે કંચનગૌરી મળવું છે.'

'શું થાય તમારે?'

'સગાંની દીકરી થાય.'

'બહાર ગયેલ છે.'

ઘણી લાંબી વેળા ત્યાં બેઠા પછી. પ્રભાતનાં અનેકવિધ ગૃહકાર્યોમાં મચી જવાના એ સમયે ત્યાં આશરો લઇ રહેલી પચાસેક નાની મોટી સ્ત્રીઓની પરસ્પર વાદાવાદ અને રીસ બબડાટ કરતી જોય પછી નિરાશ દાદા દસ વાગે બહાર નીકળ્યા અને ઘેર ગયા વગર બારોબાર અદાલતમાં પહોંચ્યા. ત્યાં એણે સાંભળ્યું કે ફરિયાદી બાઇ કંચનગૌરીના વકીલે, પોતાની અસીલની તબિયત એકાએક ગંભીર થઇ જવાથી ને તે કારણે તેને બહારગામ ચાલ્યા જવું પડેલું હોવાથી, અચોકસ મુદ્દતને માટે મુકર્દમો મુલતવી રાખવાની અરજી ન્યાયાધીશને કરી છે.

આ રસગંભીર મુકર્દમામાં હાજરી આપવા આવેલાં બસોક સ્ત્રીપુરુષ શ્રોતાઓ પાછાં વિખરાતાં હતાં. તેમનાં વદનો પર નિરાશા ને ખિન્નતા જ નહિ, પણ ચીડ અને ઠપકો પણ હતો. તેઓ અંદર અંદર વાતો કરતા હતાં કે-

'એકાએક તબિયત શાની લથડી ગઇ? વખતસર કોઇ દાક્તરને તો બતાવવું હતું !'

'આમાં તો નબળાઇ જ ગણવાની.' 'ભાસ્કરભાઈ કોઇને પૂછે નહિ, ગાછે નહિ, ને એને બહારગામ ઉપાડી જાય, એ તે કેવી વાત !'

આ સૌ માણસોની વાતો કરવાની છટામાંથી એક ભાવ તો સ્પષ્ટપણે ઉપસી આવતો હતો : કે સૌ કંચનના જીવનને પોતાનું આત્મીય માનતાં હતાં. સૌને કંચને આજે જાણે ફરેબ દીધો હતો. સૌએ પોતાના સમયની તેમજ સજાવટની બરબાદી બદ્દલ કંચનને જ દોષિત ગણી. સૌથી વધુ કષ્ટ તો જે જે નવી પ્રેક્ટીસ માંડનારા જુવાન ધારાશાસ્ત્રીઓ આ મુકર્દમામાં કંચનપક્ષે લડવા થનગની રહ્યા હતા તેમને થતું હતું.

એમ પણ વાત થઈ કે 'એનો સસરો આવેલો છે એવું જાણ્યા પછી એ હિંમત હારી ગઇ. ભાસ્કરભાઇએ તો એને ઉત્તેજિત કરવાની ઘણી મહેનત કરી, પણ એને હોશ આવ્યા જ નહિ.'

કોઇ બોલ્યું 'એબ્સર્ડ.' કોઇએ કહ્યું 'ચાઇલ્ડીશ.'

અદાલતના એ તમાશબીનોને ચીડવતી, વીરસુતની ગળોગળ દાઝને ધૂળ મેળવતી, અને એક વૃદ્ધ તેમ જ એક બાળકને અમદાવાદના ફુટપાથ પર બાઘોલાં જેવી બનાવી મૂકતી, કંચન અને ભાસ્કર વાળી આગગાડી આગળ ને આગળ વધતી હતી. ગુજરાતનાં જોવા લાયક ગામો ઘૂમતી હતી.

'તને ભોળીને શી ખબર પડે?' ભાસ્કર એને સમજ આપતો હતો; ' એ લોકો તારૂં અપહરણ કરીને તને પોતાના ગામની રજવાડી હદમાં ઘસડી જવા આવ્યા હતા, ને કાવત્રું ગોઠવતા હતા. તું ભલી અને નિર્દોષ છે એટલે તેમના વિષે ભલા વિચારો ધરાવે છે.'

આ શબ્દોથી કંચનને પોતાના અપરાધનો ભાર હળવો થયો હોય એવું લાગ્યું. પોતે ભલી અને નિર્દોષ હોવાનો ઠપકો કઇ સ્ત્રીને નથી ગમ્તો?

'તને ખબર છે?' ભાસ્કરે કહ્યું : 'હું ન આવી પહોંચ્યો હોત તો તને ઉપાડી જવ માટે એ ટોળી ત્યાં જ બેઠી હતી!' સવારે આશ્રય-ધામેથી નીકળતી વેળા કંચને જે બે આકારો દીઠા હતા તેમને હવે તેણે ઓળખી પાડ્યા. એ બેઉ-એ સસરો ને એ પુત્ર- પોતાને ઉઠાવી અથવા ભોળવી જવા જ આવેલા હોવા જોઇએ.

'તેં તો ક્યાં નથી વાંચ્યા એ કિસ્સાઓ? જેમાં પોતાની ઇચ્છાથી આડે હાલનાર વહુવારૂઓનાં તો આ ગામડાંના સાસરૈયાં ખૂનો પણ કરાવી નાખે છે.'

એમ કહીને ભાસ્કરે પોતાની યાદદાસ્તમાંથી એક પછી એક બનાવો વર્ણવવા માંડ્યા. એ વર્ણન કોઈ પણ સ્ત્રીને કમ્પાયમાન કરી મૂકે તેવું હતું.

'આવી તમામ સિતમગીરીને તોડવા તું સાચી નારી બની જા. તારૂં સિંહણનું-સ્વરૂપ પ્રકાશ. તું વાઘેશ્વરી દેવી છે. તું સેંકડો કંગાલ સ્ત્રીઓની પ્રેરણામૂર્તિ બન. અબળાઓનાં બેડીબંધનો તૂટીને એનો એક સામટો ઢગલો એક દિવસે તારા ચરણો પાસે થશે. એવો દિવસ નિહાળવા મારાં નેત્રો તલસે છે. હું તો ફક્ત શિલ્પી છું. તારામાંથી આ ઘાટ ઘડવાના મારા કોડ છે.'

એમ બોલી બોલીને એણે એ સેકન્ડ ક્લાસના પ્રવસીશૂન્ય ડબામાં કંચનગૌરીની પીઠ પર થબડાટા કર્યા. થબડાટે થબડાટે કંચનનું ફરી પાછું ફુલાવું શરૂ થયું હતું. પોતે કાંઇક પરાક્રમ કરી દેખાડવાનું મંગળ નિર્માણ લઇને આવી છે એવું એને વારંવાર લાગવા માંડ્યું ને પોતાને ભાસ્કરભાઇ અપહરણ તેમ જ ગુપ્ત હત્યામાંથી બચાવી લાવેલ છે તેવી તેની ખાત્રી થઇ. પરંતુ વારંવાર પોતાના દિલને વિષે સસરાનો દુષ્ટ સંકલ્પ ઠસાવવા મથતી કંચન વારંવાર ફક્ત ચોંકી ઊઠતી હતી એક જ શબ્દના સ્વર-ભણકારાને લીધે : હજુ ય જાણે રેલગાડીનાં પૈડાંને બાઝી પડીને કોઈક બાળ બોલાવતું હતું 'બા!'

એ ક્ષીણ શિશુ-બોલની સુંવાળી ગર્દનને ચીપતો ભાસ્કરનો સૂર ગાજતો હતો 'વીરાંગના!'