લખાણ પર જાઓ

તુલસી-ક્યારો/ભાસ્કર

વિકિસ્રોતમાંથી
← દેરાણી તુલસી-ક્યારો
ભાસ્કર
ઝવેરચંદ મેઘાણી
જુગલ-જીવન →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ છઠ્ઠું
ભાસ્કર

હા તૈયાર કરી ભદ્રા જ્યારે કંચનગૌરીને બોલાવવા ચાલી ત્યારે એણે દિયરના બેઠકખાનામાં પ્રવેશ કરતાં સંકોચ અનુભવ્યો. પોતે ગમે તેમ તોય વિધવા હતી, જેઠાણી હતી, ઈશ્વર જાણે દેર દેરાણી કેવીય છૂટથી ભેળાં બેઠાં હોય, ના બૈ ! ના જઇએ. એ ભોંઠા પડે, ને મારું રાંડીરાંડનું ભુષણ શું !'

પણ દેર દેરાણી જ્યાં બેઠા હતાં તે પાછલા બેઠકખાનામાં એક ત્રીજોય અવાજ ઉઠતો હતો. અવાજ અજાણ્યો હતો, તેમાં સત્તાવાહી સ્વરો હતો. અવાજ કહેતો હતો : ' મેં કદી નહોતું ધાર્યું કે તું કંચનને આ રીતે મૂંઝવીશ. નહિતર...'

પછી શબ્દો ત્રુટક બન્યા. પછી પાછા સંધાયા : 'હું હજુય તને કહું છું, કે એને લઇને ચાલ્યો જઇશ.'

માડી રે ! ! ! કોને લઇને !

ભદ્રાનો શ્વાસ ઊંચો ચડ્યો. એને બ્હીક લાગી કે કોઈક જોઈ જશે તો માનશે કે રાંડીરાંડ કોણ જાણે ક્યારૂકની ઊભી ઊભી પારકી ગુપ્ત વાત સાંભળતી હશે ! ને કંચન પણ જે કહેતી હતી તે ય ભદ્રાએ પગ ઊંચા કરીને સાંભળ્યું: 'હું ય તે તમારે જ વિશ્વાસે આંહી ફસાઇ પડીને ! નહિતર...'

શાની વાત? શામાં ફસાઇ પડવાની? કોના વિશ્વાસે ? કોણ જાણે શી યે વાત થતી હશે. એમ વિચારીને એ ફક્ત અંગૂઠા ઉપર ચાલતી ચાલતી બેઠકખાનાથી દૂર ખસી ગઈ. ને છેકે રસોડાને બારણે ઊભી ઊભી બોલવા લાગી : 'કંચનગૌરી ! ચાલજો. ચા થઈ ગઈ છે.'

'શું છે? નથી જવું. કોણ બોલાવે છે?' બેઠકખાનામાં આ શબ્દો પણ, પોતાના દિયરનો અવાજ નહિ પણ પેલો સત્તાવાહી અવાજ જ ઉચ્ચરતો હતો એમ ભદ્રાને ભાસી ગયું.

કંચનના ભાઈ કે બાપા તો છે નહિ. ત્યારે એને કોઈ પણ વાતમાં 'નથી જવું' કહેવાનો હક્ક તો મારા દિયરને હોય ને કાં તો મારા સસરાને. ત્યારે આ ત્રીજું માણસ કોણ હશે?

ગામડાંની રાંડીરાંડો સાંભળવે બહુ સરવી હોય છે. ભદ્રાએ કાન માંડી જ રાખ્યા હતા. કંચન જાણે કે એ સત્તાવાહી અવાજને કાલાવાલા કરી સમજાવતી હતી: 'હમણાં જ જઈને ચાલી આવું. મારાં જેઠાણી આવેલ છે. એકલાં ચા પીતાં નથી. નહિ જાઉં તો પાછી હજાર વાતો આ નામદારના પિતાજી પાસે પહોંચશે.'

'આ નામદાર' શબ્દથી સૂચવાએલ તો પોતાના દેર જ હશે ને?

ભદ્રાને તો અમદાવાદની આ ગુજરાતી ભાષા જ વિસ્મયકારી ભાસવા લાગી.

'મેં ક્યારેય કશું કાન પર લીધું છે? પૂછો તમે તમારે, આ રહી કંચન.' એ સુર તો દિયરના જ પરખાયા. દિયર પણ શું પેલા ત્રીજા માણસથી કશી બીક રાખી રહ્યા હતા? માણસ પણ લાગે છે કોઈક જબરો !

'પણ તને કોણ લાકડી લઇને મારવા આવેલ છે, વીરસુત ! તે તું આટલો બધો નિર્દોષ બનવા પ્રયત્ન કરી રહેલ છે?'

એ અવાજ પેલા કોઈ સત્તાવાહીનો ! તલવારની ધાર ફરતી હોય તેવો અવાજ. ભદ્રાનું હૃદય બોલ્યું -

'સારી વાત માડી ! દેરદેરાણીને માથે પારકા પ્રદેશમાં કોકનો અંકુશ તો જોવે જ ના? આવો કોઇક ખખડાવનાર હોય તેજ સારું.'

આવી રીતે મન વાળતી ભદ્રા, કંચનના પગની ચંપલો બેઠકખાનામાંથી ઉપડ્યાનો ખખડાટ થયો કે તત્કાળ પાછી રસોડામાં પેસી ગઈ. એના મનને એણે ફરીવાર ટપાર્યું : 'ના રે બૈ ! રંડવાળ્ય બૈરૂં કોકની વાતો સાંભળવા ઊભું રે' એમાં કાંઈ આબરૂ ? ભાળશે તો કહેશે, રાંડી કોણ જાણે ક્યારથી ઊભી ઊભી સાંભળતી હશે !'

'લાવોને બાપુ ! લાવો હવે, છૂટકો પતાવો.' એવા બોલ બોલતી કંચન મોં પર થોડો આદર ઉલ્લાસને હળવોફૂલ ભાવ બતાવવા મથતી મથતી જેઠાણી પાસે આવીને ઊભી ઊભી જ ચહાનો પ્યાલો મોંયે લગાડવા ગઈ.

'બેશીને પીઓ ને! પેટમાં આંકડી પડે બૈ ! લો આ પાટલો દઉં.'

કંચને ડોકું હલાવીને ના કહી.

'નૈ?' ભદ્રાએ ઓશિયાળું મોં કર્યું.

'મોડું થશે.'

'શાનું?' 'હાં લો, તમને કહેતાં તો હું ભૂલી ગઈ. રસોઈ તમારા એકના માટે જ કરજો. અમે બેઉ તો બહાર જમવાનાં છીએ.'

'ભલે હાં ! જજોને બાપુ, ખુશીથી જજો. - મારી ચંત્યામાત્ર કરશો મા. મારોં તો આ ઘર છે. મારી સાટુ થઈને કોઈનાં રાંધ્યા રઝળાવશો મા બૈ !'

'આહાહા !' ચહાને પહેલે જ ઘૂંટડે કંચને ઉદ્ગાર કાઢ્યો.

'કેમ? ખરાબ થઇ છે?'

'અરે આ તો બહુ સરસ. વધુ છે?'

'આ મારો પવાલો ભર્યો છે ને ! લઈ જાવ, મારા દેરને પાવી છે ને? અણ અરેરે મુઈ હું તો ! કોઈક મેમાન બેઠા છે ને? હવે? શું થાય ? જરીક રહો, હું નવી કરી આપું. અબસાત. વાર નૈ લાગે.'

'ના, એમને નહિ, મહેમાનને જ દેવી છે. એમને તો ચાલશે. કાલે બનાવી દેજો. એ તો ઘેર જ છે ને?'

કંચન જેઠાણીનો કપ લઈને ગઈ બેઠકખાનામાં, ને ત્યાં પહોંચીને એણે હર્ષનો લલકાર કર્યો, 'ભાસ્કરભાઇ, તમારે તો આ ચહા પીવી જ પડશે. છો તમે પાંચ વાર પી ચૂક્યા હો. આ ચહા પીધા વગર છૂટકો જ નથી.'

'પીઉં રે પીઉં, હું ક્યાં ના કહું છું ? તને ક્યારે ના કહી છે?'

'ઘણી સરસ છે.'

'દેવો હોય તો કદડો ય કાં નથી દેતી? પણ આ નામદારને માટે?' ભાસ્કર નામના એ સત્તાવાહી પુરૂષે વીરસુત વિષે પૂછ્યું. 'એને હું મારામાંથી દઉં છું.'

'ના, મને તારામાંથી આપ. એને આ આખો કપ દે.' ભાસ્કરે ભદ્રાનો કપ પકડ્યો.

'પણ મારો કપ મેં બોટેલો છે.'

'માટે તો વિશેષ ચાલશે, ડાહીલી નહિ તો!'

શું તાલ મચેલ છે, પોતાની ચહા ઉપર કેવી ટીકા થાય છે, તે જાણવા ઉત્સુક વિધવા ભદ્રા અંગૂઠાભર બહાર નીકળી. ત્રીજી વાર એ પોતાના હૈયાને ટપારી ચૂકી હતી. એટલે હવે તો સાંભળવાનું સાંભળી લઈ પછી મનને ઠપકો દઈ દેવો, એ જ એને ગમી ગયું હતું.'

એણે કાનોકાન સાંભળ્યું કે કંચનની બોટેલી ચહાની કશી સુગ ન રાખનાર એ અવાજ પેલા એના એજ માનવીનો હતો. બાઈ માણસનું, અરે મુઈ, પોતાની નહિ ને પારકી બાઈ માણસનું બોટેલું તે કોઈ પીતું હશે ! પોતાની સ્ત્રીનું બોટેલ તો કોઈક કોઈકને વળી મીઠું લાગતું ય હોય. આ મારા પંડના જ (પતિ) નો'તા એવા શોખીન ! મારા મોંમાંથી મારૂં ચાવેલું પાન પરભારૂં પોતાના મોંમાં જ લેતા ખરા ને ! એ તો ઠીક, છાનાંછપનાં અમે ગમે તે કરતાં ત્રીજાની નજરે થોડું ચડાવતા!'

એ મીઠી સાંભરણનાં જૂનાં દ્વાર ઊઘડું ઊઘડું થઈ રહ્યાં હતાં. અંદરથી જાણે કોઈક જોર કરી ધકેલી રહેલ છે. ભદ્રાએ પોતાનું તમામ જોર તેની સામે વાપરીને એ સુહાગી સંસારની સ્મૃતિઓ પર બારણ બંધ કરી દીધાં. બંધ કરવાનું તાળું માત્ર એનું એ જ જૂનું જ હતું. 'ના રે બૈ! રંડવાળ્યથી કંઈ એવું યાદ કરાતું હશે!'

'કેવી લાગે છે ભાસ્કરભાઈ?' બેઠકખાનામાં કંચન પૂછતી હતી. લાગે છે તો સારી,' એ સત્તાધારી પુરૂષ કહેતો હતો; 'પણ...'

'પણ શું?'

'હું મૂંઝવણ અનુભવી રહ્યો છું : કે ચહા સારી લાગે છે તે ખરેખરે જ સારીતૈયાર થઈ છે તેથી, કે તારી એઠી થઈ છે તેથી?'

ભદ્રાના સરવા કાન પર આ વાક્ય ઝીલાયું ભલે, પણ એ બોલાતી વેળાના બોલનારના હાવભાવ આ ઉદ્ગાર બાબતમાં વધુ મહત્ત્વના હતા. એ હાવભાવ કશા જ હાવભાવથી રહિત હતા. ભાસ્કરભાઈ નામના એ સત્તાધારી પુરૂષે ચહાના પ્યાલા ઉપર જ પોતાની દૃષ્ટિ આ વાક્ય બોલતી વખતે સ્થિર રાખી હતી.

કંચનની આંખો ભાસ્કરના બોલતાં મોં સામે તેમજ બોલી લીધા પછીના મોં સામે બે મિનિટ સુધી ચોંટી રહી. ભાસ્કરે એની સામે પોતાની દૃષ્ટિ ઉચકી જ નહિ. એણે તો વધુ કશું જ લક્ષ કંચન તરફ આપ્યા વગર વીરસુતની સાથે જ વાતનો ત્રાગ સાંધી દીધો:

'તારાથી માંદા પડાય જ કેમ ? તારૂં શરીર તંદુરસ્ત રાખવાની જવાબદારી ફક્ત તારી પોતાની જાત પ્રત્યે જ નથી. કંચન પ્રત્યે એ જવાબદારી મુખ્ય છે. એ આવીને મારી પાસે રડે છે. તું બિમાર પડે છે એટલે એની પ્રગતિ પર છીણી જ મૂકાઈ જાય છે કે બીજું કંઈ ? તારી સાથે એ પણ ઘરની કેદી ને એ પણ મનથી માંદી : રો રો જ કર્યા કરે. ઘરમાં તને તાવ ભર્યો ભાળે એટલે પોતે રાંધીને ય ન ખાય. બહાર વળી મને જ્યારે ખબર પડે ત્યારે હું થાળી પહોંચાડું.'

'ને એને પૂછો તો ખરા.' કંચન બોલી ઊઠી, 'એની ઊલટી કેવી ગંધાય છે? પાસે ઊભું ય રહી શકાય છે?' બોલતે બોલતે એ ગદ્ગદ્ થતી હતી. 'જેને ઉપાડવી પડે એને કેવું થતું હશે?' 'તું ઉપાડે છે?'

'ત્યારે કોણ ઉપાડે? કામવાળી બાઈ તો એકવાર ઉપાડવી પડી એટલે પગાર પણ લેવા ન રોકાઈ. 'કામ જાય ચૂલામાં' એમ બીજી જોડે કહી મોકલાવ્યું.

'એ તો જુલમ.' ભાસ્કર ઊંડા વિચારમાં પડી ગયો.

'મેં બીજી કામવાળી બોલાવી આપી.' વીરસુતે વચ્ચે ફક્ત આટલું જ સ્પષ્ટીકરણ કર્યું; 'પછી શો જુલમ?'

'કામવાળી ન હોય તેને હું જુલમ નથી કહેતો વીરસુત ! તું સમજી શકતો નથી એમ તો હું ન માનું, પણ મને એમ જ થયા કરે છે કે તું સમજવા માગતો નથી. મારા મત પ્રમાણે જુલમ તો તારી ઊલટી કંચનને ઉપાડાવી પડે તે છે.'

'તો પછી કોણ...' વીરસુત થોથરાયો. ભાસ્કરની નજર એને વીંધી રહી.

'આ તારો સંસ્કાર કે!' આટલું બોલ્યા પછી ભાસ્કરનાં ભવાં નીચાં ઢળી ગયાં. બીજાઓ ઉશ્કેરાય ત્યારે ભવાં ચઢાવે છે. ભાસ્કરનો ઉશ્કેરાટ ભવાં નીચે ઢાળતો. 'તું તારા મનથી શું ખરેખર એમ માને છે કે કંચન ચાકરડીથી પણ બેદ ગુલામડી છે?'

'પણ હું ક્યાં એમ કહું છું?'

'તારી ઊલટી કંચને ચાટી જવી જોઈએ એટલું તું નથી કહેતો તે જ ઘણું છે!'

એમ બોલીને ભાસ્કર ખડાખડાટ હસ્યો. આવું સખ્ત હાસ્ય એ કોઈક જ વાર, જ્યારે ઘણો મોટો માનસિક આઘાત લાગે ત્યારે જ કરતો. 'ત્યારે શું કરવું?' એટલો નાનો પ્રશ્ન પૂછતાં ય વીરસુતને બે વાર ખાંસી આવી.

'ભલો થઈને હવે એ પ્રશ્ન જ છોડ ને ભાઈ ! તું મારી વાત નહિ જ સમજે.'

પોતે આ કોયડાનો ઉકેલ નથી આપી શકતા માટે વીરસુતને આમ ચુપ કરવાની ભાસ્કારની આવડત હતી, એમ તો કોઈક બહુ વિચક્ષણ માણસ હોય તો જ કહી શકે. સામાન્યોને તો ભાસ્કરની મનોવેદનાનું જ આ મંથન ભાસે.

'ના, હું કાંઈ એમ નથી કહેતી કે મારે ઊલટી ઉપાડવી પડે છે તેનું મને દુઃખ છે.' તૂર્ત કંચન ભાસ્કરની વ્હાર કરવા દોડી આવતી લાગી : 'હું તો એમની જ માંદા પડવાની બેપરવાઈની વાત કરતી હતી. તમે નાહક આ પોંઈન્ટ કાઢ્યો ભાસ્કરભાઈ, કેમકે એમને તો મારા પરજ ઓછું આવશે. મારૂં ભાગ્ય જ આવું છે, મને યશ જ નથી, કોઈ દિવસ નથી.'

'પણ મેં ક્યારે...' વીરસુતે વળી ફરીવાર એ વાક્ય કાઢ્યું કે તૂર્ત ભાસ્કર બોલી ઉઠ્યો:

'બ...સ! જોયું ના ! તું સાદી એવી વાતમાં પણ કેટલો છેડાઈ પડે છે ! પેલી સીધું કહેવા લાગી, તો પણ તને વાંકું જ પડે છે.'

વળી ફરીવાર ભાસ્કરનું વ્યંગભર્યું હાસ્ય ખખડ્યું. ને એણે ટોપી હાથમાં લેતે લેતે કહ્યું, 'ઠીક ચાલશું ત્યારે, માફ કરજે ભાઈ, કંઈ વધુ ઘટુ કહેવાયું હોય તો.'

'પણ હું ક્યાં કહું છું......' વીરસુત લગભગ ચીસ પાડી ઊઠ્યો. 'જો, જો, જો, જોયું ને ? -હા-હા-હા-હા-' કરતો ભાસ્કર ઘર બહાર નીકળતો નીકળતો, ઊભા થવા જતા વીરસુતને કહી ગયો: ' તારે લેવાય તેટલો આરામ જ લેવો. વિવેક શિષ્ટાચારનો ક્યાં આ સંબંધ છે? પોતે એવી ઝાઝી જંજાળો રાખીએ જ નહિ. પડે બધો શિષ્ટાચાર સાબરમતીમાં. તેમ છતાં ય એ બધું સંભાળનારી તો આ છે ને !'

'એમ કહીને વિદાય દેવા મારે આવવું એમ માગી લો છો ને?' કંચન હસીને એની પાછળ પાછળ ચાલી ગઈ.

વીરસુત બેસી રહ્યો.