તુલસી-ક્યારો/બારણાં ઉઘાડ્યાં

વિકિસ્રોતમાંથી
← તુલસી કરમાયાં તુલસી-ક્યારો
બારણાં ઉઘાડ્યાં
ઝવેરચંદ મેઘાણી
'સુકાઈ ગયા છો!' →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ચૌદમું
બારણાં ઉધાડ્યાં

આંધળા મામાજીએ સ્ટેશનની ટિકિટ-બારી પર ટિકિટો કઢાવી, તે અમદાવાદની નહોતી, નજીકના જ સ્ટેશનની હતી. એણે રૂપિયો વટાવી પૈસા પાછા ગણી લીધા ત્યારે એના અંધાપાએ દેવુને ચક્તિ કર્યો. એણે ગાડી-ડબાની ભીડાભીડ ભેદી બેઠક લીધી ત્યારે એની આંખો બે હોવાને બદલે જાણે ચાર બની ગઈ. એણે મીંચેલી આંખે જ બધું કામ લીધું. એના હાથ જ્યાં બૈરીઓ બેઠી હતી ત્યાં જ લાંબા થયા, અને 'મેર રે મેર મ'રા રોયા આંધળા !' એવું બોલતી સ્ત્રીઓ છેટે ખસી ગઈ. 'હશે બાપા ! આંધળો મુવો છું બેન !' એમ બોલી બોલી એણે સલામતીથી બેઠક મેળવી.

માર્ગમાં ટિકિટ તપાસનારો મળ્યો. આંધળા મામાજીએ ચડાપ ચડાપ ટિકિટો બતાવી. 'તમારે ક્યાં જવું છે સુરદાસજી ?' એવું પૂછનાર ટિકિટ-એક્ઝામીનરને એણે તડાક તડાક જવાબ દીધો 'અમદાવાદ જ તો.'

'આટિકિટ અમદાવાદની નથી.'

'ન હોય કેમ સાહેબ ? મેં રૂǀ. ચાર રોકડા આપ્યા છે.'

'એ તમે જાણો ને તમારા ગામનો ટિકિટ-માસ્તર જાણે. આ ટિકિટો તો ક્યારની પૂરી થઈ ગઈ.' રેલવે-નોકરના એટલા જ કહેવા સામે આંધળા મામાજીએ આખો ડબો ગજાવ્યો. એણે ભેંકડા તાણી તાણીને રડવા માંડ્યું. તેના આક્રંદે આખા ડબાની અનુકમ્પા જગાવી-

'મારા આંધળાના પૈસા ખાઈ ગયો ! હું હવે ક્યાં જઈશ? હું ગરીબ બામણ છું. બેય આંખે અધારૂં ઘોર છે. મેં પંદર દા'ડા સુધી ભીખી ભીખીને પૈસો પૈસો ભેગો કર્યો હતો. આ મા વગરનો નાનો છોકરો.... હે પ્રભુ ! જેણે મારા પૈસા ખાધા તેનું ભલું કરજે ! હું ગરીબ બરામણ ! હું શરાપ દેતો નથી. એનું સારૂં થજો. મારો જુવાન દીકરો અમદાવાદ મરણપથારીએ છે. હવે હું શું કરીશ ? ક્યાં જઈશ ?

એ વિલાપથી તો દેવુ પણ રડવા જેવો થઈ ગયો. મામાજીને આવો વિલાપ કરી દયા જગાડવાની આવડત હતી તે તો દેવુ પણ જાણતો હતો. ઘરમાં કોઈ કોઈ આવા પ્રસંગો બની જતા, ત્યારે મામજી ગળું અને આંખો વહેતાં મૂકતા. એ વિલાપ કરવાની કળાએ જ મામાજીને માટે દેવુના ઘરમાં કાયમી સ્થાન કરાવેલું. એ જ વિલાપે આ મુસાફરોની અમદાવાદ સુધીની મફતીઆ મુસાફરી મોકળી કરી આપી.

'હોશિયારીથી કામ લેવું જોઈએ દેવુ ! અ તો પારકો પરદેશ કહેવાય.' મામાજીએ દેવુના ડંખતા હ્રદયને દિલાસો દીધો.

દેવુ મામાજીની આંખો સામે તાકી રહેતો. એ આંખો અધબિડાયેલી જ રહી હતી. છતાં અમદાવાદની બજારમાં જાણે મામાજીને કપાળે નવી આંખો ઊઘડી હતી.

'છતે અંધાપે હું તારી સાથે શા માટે આવ્યો છું દેવુ, તું જાણે છે?' મામાજીએ વાત ચલાવી : 'તારા બાપને તું એક જ બચાવી શકશે એટલા માટે. અમે કોઇ આમાંથી રસ્તો નથી કાઢી શકવાના.' દેવુનું હૈયું અંદરથી હોંકારો કરી ઊઠ્યું. પોતે કઈ રીતે બાપના સત્યાનાશ પામતા જીવતરને ઉગારી શકશે તેની એને ગમ નહોતી પણ પોતે આવ્યો હતો તો કાંઈક કરી જ બતાવવા એટલી એને સાન હતી.

અંધા મામાજીએ દેવુના શરીરે હાથ ફેરવતાં દેવુના ગજવા પર એનો હાથ ગયો.

'અલ્યા, આ શું ભર્યું છે ગજવામાં ?' એણે ચોંકીને દેવુને પૂછ્યું.

'પથરા' દેવુના અવાજમાં દબાયેલો મિજાજ હતો.

'શા માટે?'

દેવુએ જવાબ ન દીધો. પણ એની ઇચ્છા એના મનમાં વધુ વધુ ઘૂંટાતી હતી. એ મનમાં મનમાં કહેતો હતો : એ દુષ્ટા નવી બાને દૂરથી દેખું એટલી જ વાર છે. આ પથ્થરે પથ્થરે એનું કપાળ ફોડી નાખું. ને એને કાનોકાન ગાળો સંભળાવું કે 'તું દુષ્ટા છે, તું નઠારી છે, તું મારી મુવેલી બાની જગ્યાએ કદી જ ન આવી શકે તેવી છે. અમારા દાદાજીના તુલસી-ક્યારાનાં પાંદ સૂકાય છે તેનું કારણ કે તું દુષ્ટા છે.' આટલી ગાળો દઇને હું દોડી જઈશ. એ મને પકડવા આવશે તે પહેલાં તો હું ઘરમાં પહોંચી જઈશ. અમારા ઘરનાં તુલસી કંઈ અમસ્થાં કરમાતાં હશે ! દાદાએ જ છેલ્લા ચાર દિવસથી કહેલું કે દેવુ, તુલસીમા દુભાયાં છે. એ કાંઈ ખોટું ના હોય.

દેવુ અને અંધા મામાજી જ્યારે વીરસુતને ઘેર પહોંચ્યા ત્યારે ભદ્રાબા રસોડામાં બેસી માળા ફેરવતાં હતાં. એના મોં પર દુર્બળતા હતી. એણે ચાર દિવસથી અન્ન લીધું નહોતું. એ ફક્ત બેટંક ચહા પીને જ જીવતી હતી, એણે ઘરમાં ઘીનો દીવો અખંડ બળતો જ રાખ્યો હતો. પિતાના ઘરમાં દેવુ ચોરની જેમ પેઠો. અંધ મામાજી બહાર જ ઊભા રહ્યા. ભણેલો ગણેલો ભાણેજ, કોલેજનો મોટો પ્રોફેસર, પોતાના જૂના, અંધા અને પરોપજીવી સગાને કેવાં આદરમાન દેશે તેની એને ધાસ્તી હતી. એણે દેવુને કહ્યું હતું કે તારા બાપુને પૂછી જોજે, મામા અંદર આવે? જો ના કહેશે તો હું કોઈ ધર્મશાળામાં ચાલ્યો જઈશ.

દેવુ એકલો પણ બીતો બીતો જ અંદર પેઠો. ભદ્રાબા એને દેખી દડ દડ આંસુડે રડવા લાગ્યાં. દેવ જાણે દસ બાર વર્ષે દેશાવરથી ઘેર પાછો વળતો હોય એવા ભાવથી એણે દુઃખડા લીધાં.

'દાદાજીને કેમ છે?' ભદ્રાએ પહેલા ખબર પોતાની પુત્રી અનસુના નહિ પણ સસરાના પૂછ્યા.

'ઠીક છે. ને અનસુ પણ સારી પેઠે છે. એ ક્યાં છે?' દેવુ એટલું પણ ન બોલી શક્યો કે 'મારા પિતા ક્યાં છે.'

'તારા બાપુ આ અંદર સૂતા. તારાં બા આંહી નથી. એ તો એમના પિયરના કોઇ સગાંને ગામ ગયાં છે. હું આવી છું એટલે બે પાંચ દા'ડા વિસામો ખાવા મેં જ આગ્રહ કરીને મોકલેલ છે.'

ભદ્રાને ખબર નહોતી કે છાપાંનાં કાગળીઆં, એના જેવી ગામડિયણ બાઈની જેમ મોટાં નાનાં વચ્ચે ભેદ પાડ્યા વગર, અને નિસ્બત ધરવતાં ન ધરાવતાં લોકોની વચ્ચે કશો વિવેક કર્યા વગર, સૌને, સરખા નિખાલસ જે નિઃસંકોચ ભાવે જ અલક મલકના સમાચારો આપી વળે છે.

'ભદ્રા બા !' દેવુએ કહ્યું : 'દીવા આગળ બેસીને જૂઠું બોલો છો? મને જલદી કહો, એ નઠારી નવી બા ક્યાં છે? હું અને મામાજી બેઉ એને જોઇ લઇશું.' 'મામાજી ?'

'હા, ઓ બહાર ઊભા. મારી સંગાથે આવેલ છે.'

થોડી ઘણી લાજ કાઢીને ભદ્રા બહાર ગઈ. એણે આ અંધ ડોસાને એક લાકડીભર ઊભેલો જોયો. એની બંધ આંખો આકાશ તરફ હતી. એ તો પગલાં પારખી ગયો. એણે ભદ્રાની બાજુએ જોયા વગર જ તૂર્ત પૂછ્યું : ' કેમ છો બેટા ? દેવુએ કજિયો કર્યો કે અમદાવાદ જોવા જવું છે. એટલે હું સાથે આવેલ છું.'

'દેવુ, કહે મામાજીને, અંદર આવે.'

ભદ્રા પોતાના દિયરની પ્રકૃતિથી બીતી બીતી પણ એ અંધ ડોસાને અંદર લઈ આવી. ડોસો એક પાછલો ખૂણો શોધીને લપાઈ બેસી ગયો. પૃથ્વીમાં પોતાને કૂતરાને લપાવા જેટલી પણ જગ્યા જડી જાય તો યે પૃથ્વીનો હરદમ ઉપકાર ગાયા કરે એવા પ્રકારના માનવીઓ આ વિશ્વમાં ઘણા છે. અંધા મામાજી અંદરખાનેથી એવો આભારભાવ અનુભવતા બેઠા. પોતે જોઇએ તેથી વિશેષ તો એક તસુ પણ જગ્યા નથી રોકતો ને, તેની તેણે સંકોડાઇને ખાતરી કરી લીધી.

પિતાના ઓરડામાં પ્રવેશવાની હિંમત દેવુ ન કરી શક્યો. બાપ પોતાને કોઈ છે જ નહિ, પુત્ર તરીકેનો એનો દાવો કુદરતે જ જાણે રદ્દ કરેલ છે, પોતાની મૂવેલી બા કશોક એવો ગુનો કરીને ચાલી ગઇ છે કે જેની શિક્ષા પોતાને પિતૃહીન બનીને ભોગવવાની છે, આવી આવી લાગણીએ દેવુના અણસમજુ હૃદયમાં પણ વાસ કરી લીધો હતો.

'આ લે દેવુ,' ભદ્રાએ કહ્યું : 'તારા બાપુને જો તું આ ચાનો પ્યાલો પાઇ આવે ને, તો હું તને બહાદુર કહું.' ભદ્રાબાએ દેવુને ચહા કરીને દીધી. 'બાપુજી !' વીરસુતના ખંડને બંધ બારણે દેવુનો સ્વર સંભળાયો.

વીરસુત તે વખતે થોકબંધ કાગળોમાંથી ઉતારા કરી રહ્યો હતો. એ કાગળો કંચનના લખેલા, જૂના વખતના હતા. એમાં કંચને જે પ્રેમના ઊભરા ઢોળ્યા હતા તે બે ઉપરાંત ત્રીજા કોઈ માનવીની આંખે ન પડી શકે તેટલા પવિત્ર ગણાય. પણ એ જ કાગળો આવતી કાલે અદાલતમાં રજૂ થઇ અખબારોમાં પિરસાવાના હતા. પ્રેમના અનવધિ ઉમળકાના ઘૂંટડા ભરતે ભરતે વાંચેલા એના એ જ પ્રેમપત્રોની અંદરથી વીરસુત અત્યારે વૈર વાળવાના પુરાવા વીણતો હતો. એ વીણવામાં પોતે એટલો મશગૂલ હતો કે એના ખંડની બારીના વાછટીઆ પર બેસીએને ગાતા એક નાના પક્ષીને પણ એ દાંત ભીંસી ભીંસી વારંવાર ઉડાડતો હતો.

આ 'બાપુજી!' જેવો નવો બોલ પ્રથમ તો એને અસહ્ય લાગ્યો. 'બાપુજી' શબ્દ એણે પારખ્યો જ નહિ. ફક્ત કોઇક બોલે છે, ને એ બોલનાર જો ભદ્રા હોય તો એને સાંજની ગાડીમાં ઘેર ચાલ્યા જવા કહી દેવું જોઈએ, ને નોકર હોય તો કાલથી ન આવવા કહી દેવું જોઈએ, એમ વિચારી એણે ભડોભડ, ગુસ્સાના આવેશમાં બારણા ઉઘાડ્યાં.