લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકતાલીસમું
છૂપી શૂન્યતા

પ્રવાસે જતા દેરને વળામણાં દઇને ભદ્રા યમુના અને અનસુ સાથે કાઠિયાવાડ ચાલી. આટલા મહિનાથી સાચવેલું દેરનું ઘર એને આખી વાટ યાદ આવ્યા કર્યું. પોતે દેરના ઘરનો કયો કયો સામાન ઠેકાણે પાડવામાં ભૂલ કરી હતી, કઈ કઈ ચીજો બંધ ઘરમાં સાચવીને મૂકતાં ચૂકી હતી, તે ઉપરાઉપરી યાદ આવવા લાગ્યું. જે કપડાં એને પોતને કદી પહેરવાનાં નહોતાં, તેની પેટીઓમાં ને કબાટોમાં ડામરની ગોળીઓ નાખવી રહી ગઇ તેથી ભદ્રા પરિતાપ પામી. કંચનને વાપરવા જેવી ચીજો પોતે સાથે લીધી હતી તેમાં પણ અમુક શણગાર ત્યાં ભુલાઈ ગયા હતા. 'મૂઇ રે હું તો હૈયાફૂટી !' એમ બોલીને મનમાં મનમાં બળ્યા કરી. 'હૈયું જ કોણ જાણે કેમ ફૂટી ગયું રાંડીનું ! દેરનો સામાન પેક કર્યો તેમાં ખમીસનાં બટન મુકાયાં કે વીસરી ગઇ ? દેરનાં બીજી જોડ ચશ્માં બહાર તો નહિ પડ્યાં રહ્યાં હોય ! દેરને રસ્તે તાવ માથું કંઇ થાય નહિ અને દેરનું સર્વ પ્રકારે ક્ષેમકુશળ રહે તે માટે તુળસીમાની બાધાનો મેં દોરો કરાવેલો તે તો દેરને આપવાને બદલે મારી પાસે નથી રહી ગયો ને !'