સંભારી સંભારીને શંકા પડતાં ભદ્રાએ રેલ ગાડીમાં પોતાની ટ્રંક પીંખી, બીસ્તર ફેંદ્યું, પોતાના કબજાનાં ગજવાં પાંચ વાર ફરી ફરીને, અને છઠ્ઠી વાર અવળાં કરીને તપાસ્યાં. દોરો ક્યાંઇ ન મળે. એક કલાક ખુવાર મળી. સામે બેઠી યમુના દાંત કાઢ્યા કરે પણ એને ગાંડીને ક્યાં ખબર હશે એવું તો હૈયે ક્યાંથી જ ચઢે ? છતાં છેવટે ભદ્રાએ અનસુને પૂછ્યું, 'અનસુડી તેં તો ક્યાંઇ નો'તો મૂકી દીધોને દોરો ? એ પછી યમુનાને પણ પૂછ્યું, 'યમુની ! તને કંઈ ભાન છે દોરાનું !'
આવી તોછડાઇથી ભદ્રા નાની અનસુને ને ગાંડી યમુનાને કોઇક જ વાર બોલાવતી. એવી તોછડાઇ ભદ્રાના મોંમાંથી નીકળે ત્યારે એમ સમજાય કે આજે ભદ્રાબાની માનસિક અકળામણનો કોઇ પાર ન રહ્યો હોવો જોઇએ. આટલી તોછડાઇ સિવાય ભદ્રાના સંતાપને માપવાનું કોઇ પણ ચિહ્ન નજરે પડતું નહિ. કારણ કે એ બરાડો કદી પાડતી નહિ, આંખો તે એની છૂપી રીતે રડી હોય ત્યારે જ લાલ બનતી, ને હાથ તો એ કોઇ પર ઉપાડતી નહિ.
'બોલ તો ખરી ઓ ગાંડી ! ઓ જમની !' મૂંગી યમૂનાને ભદ્રા એ એમ કહેતે કહેતે જરી હાથ અડકાડ્યો.
'કેમ મારો છો વળી !'
યમુનાએ ગાડીનો ડબો ગજવવાની તૈયારી કરી હોય તેવી બનાવટ ધારણ કરી. એણે તો એક સપાટે મોં ર્રડવા જેવું કરી નાખ્યું.
'બાપુ ! મારો દોરો...' ભદ્રા ઢીલી પડી ગઇ.
'મને ગળે ફાંસો દેવો છે શું દોરો લઇને ?' યમુના હસવા લાગી.
'શીનો દોરો ?'