પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ બાવીસમું
જનતા ને જોગમાયા

ટલામાં તો ગામના વ્યાયામ-મંદિરના ઉત્સાહી સંચાલકે પોતાના મંદિરના મેળાવડાની અધિષ્ઠાત્રી 'દેવીજી'ને સભાસ્થાને તેડી જવા હાજર થયા. ને તેમણે આવીને પહેલું જ આ કહ્યું : 'અમારા વાર્ષિક ઉત્સવનાં પહેલાં જ સ્ત્રીઅધ્યક્ષ તમે હોવાથી, ગામલોકોનાં તો ટોળાં વળ્યાં છે. સ્ત્રીઓ તો ક્યાંય માતી નથી. જાગૃતિનું અદ્ભૂત મોજું આજે શહેરમાં આવી ગયું છે. આ ગામ પચીસ વર્ષ પછાત હતું તે આજે સૌ ગામોની જોડાજોડ આવી ગયું છે,'

આવા આવા ઉત્સાહભરપુર શબ્દો શ્વાસપુર ફેંકી રહેલા ગામના અખાડા-સંચાલકો કંચનના નારીદેહની જાણે કે મનોજ-પુષ્પોથી પૂજા કરતા હતા.

'બહેન પણ આવા મેળાવડાનું જ પ્રમુખ સ્થાન લે છે.' ભાસ્કર બોલ્યો : 'કેમ કે એને તો મર્દાનગીનો આદર્શ ઊભો કરવો છે.'

ભાસ્કરના આ શબ્દો કંચનના લેબાસ, પોષાક અને સૌંદર્ય ફરતી ફ્રેમ રૂપ હતા, પણ તેડવા આવેલાઓ ફ્રેમની પરવા કર્યા વગર, હજુ તો ભૂખ્યા ડાંસ જેવા, મૂળ તસ્વીરને, કંચનની દેહ-છટાને જ જોવામાંથી નવરા નહોતા થતા. તેઓને કંચનના દર્શનમાત્રથી મેળાવડાની સોળ આના ફતેહની ખાતરી થઈ ચૂકી હતી.