ઘાશીરામ કોટવાલ
| ઘાશીરામ કોટવાલ દિવાન સાકરરામ દલપતરામ |
વાત ૧. → |
♣
"ગુજરાતી" પ્રિંટિંગ પ્રેસ - મુંબઈ.
શાકેરરામ દલપતરામ
( આવૃત્તિ ૨ જી )
કિંમત રૂ. ૦-૮-૦
PRINTED AND PUBLISHING
BY I. S. DESAI
GUJARATI PRINTING PRESS
SASSOON BUILDINGS - FORT,
BOMBAY.
સાહેબ,
આ પુસ્તક આપને અર્પણ કરી મેં આપનું નામ પ્રગટ કર્યું છે. તે પરથી તમારા મનમાં મારું મોટું સાહસિકપણું દેખાશે. જો કે મારી તમારી એક બે વખત મુલાકાત થઇ છે, તો પણ હું એમ નથી કહી શકતો કે, મારે તમારી સાથે મિત્રાચારીનો દાવો છે. એ છતાં આપની વર્ત્તણુક પહેલાંથી જ જે લોકોના જોવામાં આવી છે, તેમાંનો હું પણ એક છું ને તે ઉપરથી આપની લાયકી વિષે ઘણે ઉંચા વિચાર રાખું છું. હિંદુ લોકોમાં સુધારો અને સ્વતંત્રપણું દાખલ કરવાના વિચારથી જે લોકોએ આગેવાન થઈ બુદ્ધિવર્ધક સભા સ્થાપી, તેમાં તમે પણ સામેલ હતા. આ સભાના કારભારનું કામ એક વખતે આપને હાથ આવ્યું હતું, તે આપે કેટલાક વર્ષ સુધી ઘણી ખુશીથી બજાવ્યું. પોતાની મોટી મતલબ પાર પાડવાને એ સભાએ જે જે યત્નો કીધા, તેમાં આપે આગેવાની કરી છે. એ સભાની સ્થાપેલી નિશાળનું ઉપરીપણું તમોએ લાંબી મુદત સુધી ચલાવ્યું છે. તેનાં ચેાપાનિયાનાં અધિપતિનું કામ કર્યું છે અને એ સભા જ્યારે ભેળી થતી ત્યારે તેમાં સારા રસીલા રસાલા વાંચ્યા છે. વ્યાપારનું કામ શરુ કર્યાથી એ સભાના કામમાં કેટલેક દરજ્જે તમારાથી આગેવાની કરી શકાઈ નહિ ખરી, તો પણ એનું કલ્યાણ કરવાની જે તમારી ઇચ્છા, તે ક્ષણમાત્ર પણ કમી થઈ નહોતી. સલાહ અને પૈસાના કામથી આપ એ સભાને મદત કરતા રહ્યા છો. કેળવણી અને મુખ્ય કરી સ્ત્રી કેળવણીને તમારી તરફથી ઘણો સારો ટેકો મળ્યો છે. એ ખાતાંને તમે જે જૂદી જૂદી રીતે મદત કરી છે, ને તેનો ફેલાવો કરવાને જે હોંસ બતલાવી છે, તે ઉપરથી સાફ માલુમ પડી આવે છે કે, એ વિષય આપને ઘણો પ્યારો છે. હિંદુસ્થાનની દેશી સ્ત્રીઓમાં સુધારાનો ફેલાવ કરવાનો તથા તેએાની સ્થિતિ સુધારવાને જે યત્ન થાય છે, તેના ઉપર તમારી સારી દૃષ્ટિ છે, અને તેને તમે ઘણા સખી દિલથી ટેકો આપ્યો છે. ખરેખરું જોઈએ તો આપનું દિલ આ વિષય કરતાં કોઈપણ બીજા વિષય ઉપર વધારે હોય એમ જણાતું નથી. હિંદુઓની નીચ અને ધિક્કારવા જોગ સંસારી હાલત, ને તેથી પણ વધારે ધિક્કારવા જોગ તેઓના વહેમ અને અનીતિ મશહુર છે. તમે પહેલાંથી જ આ દુર્ગુણની સામે થયા છો. અને એ દુર્ગુણ નાબુદ કરવાને તમે જે જે કીધું છે, તે હું બધું લખું તો
ઘણું લંબાણ થઈ જાય; માટે મારે એટલું જ કહી સંતોષ પામવું જોઇએ. કે, સંસારી હાલતના સુધારાનો નીતિનો અને સ્વતંત્રપણાનો આપના કરતાં કોઈ પણ બીજો મોટો મિત્ર નથી. એ કારણસર તમને જે જે ખમવું પડ્યું છે, તેનો દશમો ભાગ પણ કદાચ બહારના લોકો જાણતા નહીં હોય. પણ શેઠજી, તમારી ઘણીએક ગુપ્ત સખાવત તથા ગરીબ મિત્રોને વખતસર આપેલી મુદત અને એ શિવાય એવાં બીજાં કામો વિષે બોલવાને મને વખત નથી. આ બધું ધ્યાનમાં લેતાં આપણી યુનિવર્સિટીની વાર્ષિક ગઈ સભામાં આપણો નામદાર ગવર્નર જે બોલ્યો છે, તે ઘણું યોગ્ય અને યથાર્થ માલુમ પડે છેઃ ગવર્નર સાહેબે કહ્યું કે, “મિસ્તર કરસનદાસ માધવદાસે લાંબી મુદત સુધી પોતાની જાતને ખરચે હિંદુસ્થાનના સુધારા, જ્ઞાન અને સત્યતાની સાથે પોતાનું નામ ચુસ્ત રીતે જોડ્યું છે.” દરેક માણસ જેણે તમારી જાહેર વર્ત્તણુક નિષ્પક્ષપાત રીતે જોઈ હશે, તે સર બાર્ટલ ફ્રિયરે જે આવી સુંદર રીતે વિચાર આપ્યા, તેની સાથે ઘણી ખુશીથી એક મત થયા, વગર રહેશે નહીં. હવે શેઠજી એક જ બોલમાં કહેવાની રજા લઉં છઉં કે, તમારું નામ આ રીતે આલમની આગળ મૂકવામાં મારું મુખ્ય કારણ એ છે કે, આપનો દાખલો બીજા ધારણ કરે. અમારે તમારા જેવા મિત્રોની જરૂર છે, અને હું આશા રાખું છું કે, હિંદુ શેઠિયાઓમાંથી ઘણાક તમારી ચાલનો દાખલો લઈ તમે જેમ દેશને લાભકારી થયા છો, તેમ તેએા પણ થાય. સર્વશક્તિમાન્ ઈશ્વર તમારી આયુષ્યવૃદ્ધિ કરે અને સર્વ પ્રકારનાં સુખ તમોને બખશે, એવી મારી પ્રાર્થના છે.
સુરત, તા૦ ૧૭ જુલાઈ, ૧૮૬૫.
To
&c. &c. &c .
Sir,
You may think it very presumptuous in me to drag your name before the public by dedicating the following pages to you . Although I have had the pleasure of meeting you on one or two occasions, yet I can hardly claim personal acquaintance with you. I am, however, one of those who have watched your career from the very First , and who in consequence have formed a high estimate of your Character. You were one of the leading persons who have founded the Budhi-Vardhak Sabha, whose main object was to introduce light and liberty into our Hindu community. The Secretaryship of the Sabha at one time devolved upon you, and you cheerfully discharged its duties for several years. In every measure the Sabha took for carrying out its great object, you took an active part. You superintended regularly for a long time its school– edited its pamphlet – and prepared papers for its periodical meeting. On entering upon mercantile business, you were obliged to a certain extent to cease taking an active part in the affairs of the Sabha, but your interest in it flagged not for a moment. By your advice and purse, you helped on its operations. The cause of education, especially of females, has ever been warmly supported by you. The various ways in which you have aided this cause, and the interest you have manifested in its progress, have clearly shown how dear it is to your heart, The efforts making for the enlightenment and elevation of the women of India, have met with your cordial sympathy ; and yon have seconded them most liberally. In fact, there seems to be no object upon which your heart is so much set as upon this. The depressed and degrading state of social life among the Hindus; and the still more
graceful superstition and immorality permeating this community, are notorious. You have from the very first set your face against these evils; and were I to mention all that you have done to root them out, it would take up much greater space than at my command. I shall therefore simply content myself by saying that the cause of social reform and progress, and of liberty and morality, has not a greater friend than yourself. Perhaps the outside world does not know the one tenth of the sacrifices you have made in its behalf. But, Sir, time will fail me to speak of your numerous but unostensible charities, the timely aid given to poor friends, and many of her acts of a similar nature. In view of all this, the words of our worthy Governor in the meeting of the last Convocation of the University appear most just and appropriate. His Excellency said, ““Mr. Karsandas Mahadhavdas has by a long and consistent course of self secrifice inseparably connected his name with the cause of truth, enlightenment, and civilization in India.” Every person who has watched your public career with an impartial eye, will heartly endorse the opinion so elegantly expressed by Sir Bartle Frere.
And now, Sir, permit me to say in a single word that my chief reason in thus bringing forward your name before the public is that your example may be followed by others. We need friends like you, and I pray that many among the Hindu Shetts will catch your spirit, and make themselves useful to their countrymen as you have done. That the Almighty may spare you long, and bless you with every blessing is the ardent prayer of
Surat, 27th July, 1865.
સંક્ષિપ્ત જીવનવૃત્ત.
ગુજરાતી ગદ્યસાહિત્યના વિકાશના પ્રારંભ કાલમાં જેઓએ ગદ્યસાહિત્યમાં પોતાનો વિભાગ આપ્યો છે, તેમાંના એક આ ગ્રંથના ભાષાંતરકર્તા દિવાન સાકરરામ, તે મુંબઈના એક જાણીતા નાગરિક, સંસાર સુધારક, લેખક, તથા લોકપ્રિય ડા. ધીરજરામના વડીલ બંધુ હતા. એમનો જન્મ ઈ. સ. ૧૮૨૫, સંવત ૧૮૮૧ ના આષાડ વદ પ મે સુરત નગરમાં થયો હતો. એઓ જ્ઞાતે વાલ્મિક કાયસ્થ હતા. એમના પિતાનું નામ દલપતરામ અને માતુશ્રીનું નામ શોભાગવરી હતું. શોભાગવરીને ત્રણ પુત્ર અને બે પુત્રીઓ હતાં: વડીલ સાકરરામ, વચલા ડા. ધીરજરામ, અને નાના ગીરધરલાલ. એમના પિતા, સાકરરામની ૧૬ વરસની નાની ઉંમર હતી ત્યારે મરણ પામ્યા હતા, તેથી શાળામાં જઈ વિદ્યા સંપાદન કરવાના માર્ગમાંથી ખસી, સુરતના નાજરને ત્યાં પોતાના પિતાની હરરાજી કારકુનની જગ્યા લઈ ઉદર પોષણાર્થે ભાગ્યોદયનું પ્રથમ સાધન હસ્તગત કર્યું. ડા. ધીરજરામે, જ્યારે ધર્મચુસ્ત હિંદુઓમાં વૈદક જ્ઞાન સંપાદન કરવાને મેડીકલ કોલેજમાં જઈ 'હાફકાસ્ટ' થવાનો માટે બાધ ગણાતો હતો ત્યારે, તે કોલેજમાં દાખલ થઈ જી. જી. એમ. સી. ની પદવી સંપાદન કરી હતી. દિ. સાકરરામને કલેક્ટરી ખાતામાંથી વધતા વધતા ઠાસરાના મામલતદારનો એાદ્ધો મળ્યો, પણ દુર્ભાગ્યે ત્યાંનાં હવા પાણી અનુકુલ ન પડવાથી સુરત બદલી કરાવી, પોલીસ સુપ્રીન્ટેન્ડંટ મી૦ બારના હાથ નિચે સીરસ્તદારી કબુલ કરી. જાતી મહેનતના બળે અને તીવ્ર બુદ્ધિના યોગે, સરકારી ખાતામાં એમની કદર પીછાણવામાં આવી. એઓ ખેડા તથા નડીયાદના ફોજદાર તરીકે આગળ વધ્યા; અને ત્યાંથી પણ આગળ વધી વડોદરાના દેશી રાજ્યમાં દાખલ થયા, અને શ્રીમાન ગાયકવાડ ખંડેરાવના મરણ પર્યંત તેમના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ બજાવ્યું હતું. ખંડેરાવના મરણ પછી રાધનપુરના સર ન્યાયાધીશ તરીકે નોકરી લીધી, અને આ નોકરી તેમની છેલ્લી નોકરી હતી. પવિત્ર મનથી ને પ્રામાણિકપણાથી ઉપરીઓને પૂર્ણ સંતોષ આપી બજાવેલી આ સર્વ નોકરીના અનેક પ્રમાણપત્રો એમના પુત્ર ડા. વજેરામ પાસે હૈયાત છે. તે ઉપરથી જણાય છે કે તેઓ પોતાના કાર્યમાં કુશળ તથા નીતિના એક દૃષ્ટાંતરૂપ હતા.
એક પછી એક ચ્હડતી પદવીની નોકરી કરવા સાથે એઓ વિદ્યાના ઉત્તમ વ્યસની હતા. ગુજરાતી સાહિત્યની બાલ્યાવસ્થામાં, તેમજ આડંબર કરનારા સાક્ષરોના જન્મ પૂર્વે, વિદ્યા સંપાદન કરવાની પોતાની રુચીને તૃપ્તિ પમાડવા એમણે મોટે ભાગે મરાઠી, ફારસી, તથા હિંદુસ્તાની ગ્રંથોનું બહુ સારું અવલોકન કરેલું જણાય છે. તેના ફલરૂપ “ઘાસીરામ કોટવાલ” નામનું આ નાનું રમુજી પુસ્તક પ્રથમ ઈ. સ. ૧૮૬૫ માં પ્રગટ થયું હતું, અને તે વખતે એ પુસ્તક લોકોમાં એટલું બધું પ્રિય થઈ પડ્યું હતું કે ઘાસીરામની રમુજી વાત આબાળવૃદ્ધ સ્ત્રીપુરુષ સર્વે હોંશેહોંશે વાંચતાં હતાં. ઘાસીરામ કોટવાલના લોકોમાં પ્રસાર થવાથી અને પ્રિય થવાથી એઓ વિશેષ લખવાને ઉત્તેજીત બન્યા. 'બાગે બાહર અથવા ચાર દરવેશનો કીસ્સો,' અને જાતી અવલોકન તથા અંગ્રેજી પુસ્તકોના આધારે “મુંબઈનો ભેામીઓ,” એ નામનાં પુસ્તક બહાર પાડ્યાં. ગુજરાતમાં જ્યારે મુંબઈ એક દેવતાઈ નગરી તરીકે પ્રસિદ્ધ હતું ત્યારે એ ભેામીઓ બાહરગામથી આવનારાઓને ભેામીઆરૂ૫ થઈ પડતો. એમનો ચેાથો પ્રસિદ્ધ કરેલો ગ્રંથ "સિંહાસન બત્રીસી” ની વાર્તાનો છે. એ ચારે ગ્રંથો એમના સમયમાં જ લોકમાં સારા સત્કારને પામ્યા હતા. એક બીજા કાયસ્થ વિદ્વાન ગૃહસ્થ મી. વકીલના તંત્રીપણા નિચે “મેલાવડો” નામનું એક માસિક પત્ર પ્રગટ થતું હતું, જેના સાકરરામ મુખ્ય લેખક હતા. નવીન ગુજરાતી ગદ્યલેખનના ઉદયકાળમાં જે ઉત્સાહી પુરુષોએ પોતાનો ફાળો આપ્યો છે, તેમાં સ્વર્ગવાસી એક હતા, એમ કહેવામાં જરાએ હરકત નથી. એમની ભાષાશૈલી બહારની ટાપટીપ વગરની, તાલમેલીઆ ઠાઠ માઠ વગરની, સ્વચ્છ અને સાહજિક છે.
એમનું મરણ ઈ. સ. ૧૮૯૧ ના મહાવદ ૧૪ ને દિને ૬૫ વરસે થયું હતું.
એમની કુટુંબકથામાં ડા. ધીરજરામે મહારાજ લાયબલ કેસમાં યાદગાર સાક્ષી આપી છે; અને સુધારામાં બહુ આગળ પડતો ભાગ લીધો હતો. સાહિત્યસેવામાં તેમના બનાવેલા (૧) ગુજરાતી કેમીસ્ટ્રી અને એનેટોમી, (૨) સંસ્કૃત વ્યાકરણ, (૩) સર્વોપયોગી સૂચના, અને છેલ્લું (૪) સ્ત્રી ઉપયોગી સૂચનાના બે ભાગ છે. ઉપરાંત જાહેર છાપામાં ઘણા લેખો આપ્યા છે, તેમજ જાહેર સભામાં ભાષણો પણ આપ્યાં છે. સ્ત્રી ઉપયોગી સૂચના અને સર્વોપયોગી સૂચના એ પુસ્તકો આજે મલતાં નથી, તોપણ બહુ ઉપયોગી છે. એમના સૌથી નાનાભાઈનું નામ ગીરધરલાલ હતું. જેમના પુત્ર રા. ઉમેદરામ હાલમાં એલફીન્સ્ટન હાઈસ્કુલમાં શિક્ષક છે.
બાઈશોભાગવરીની બે પુત્રીમાંની એક સુરતના મીઠારામ દિવાનજીના કુટુંબમાં આપી હતી, અને બીજી રતનલાલ દફતરીને વરી હતી, એ સ્ત્રીને પેટે ડા. ગીરધરલાલ તથા સોલીસીટર કીશનલાલનો જન્મ થયો છે. ડા. ગીરધરલાલ ઈન્ડિયન મેડીકલ સરવીસમાં પ્રથમ ગુજરાતી તરીકે પાસ થયા છે, અને તેઓ હાલમાં વિલાયતમાં વસે છે. રા. કીશનલાલ દફતરી એક જાણીતા સોલીસીટર અને સંસારસુધારક તરીકે પ્રસિદ્ધ છે.
આ પુસ્તકના કર્તા રા. સાકરરામને બે પુત્ર અને બે પુત્રી હતાં. વડા પુત્ર રા. ઠાકોરદાસ, અને બીજા ડા. વજેરામ છે. ડા. વજેરામ આજ ૨૪ વરસ થયાં મુંબઈમાં એક પ્રખ્યાત ડાક્ટર તરીકે પોતાનો ધંધો ચલાવે છે. એક સુધારક તરીકે રા. સાકરરામે પોતાની એક પુત્રીને એલેક્ઝાન્ડ્રા ગર્લ્સ સ્કૂલમાં ઉચ્ચું જ્ઞાન સંપાદન કરવાને મુકી હતી, જે તે કાળમાં મહત્વને બનાવ હતો.
ડા. ધીરજરામને કંઈ સંતાન હતું નહિ, તેઓ અપ્રજ ગુજરી ગયા છે.
ડા. વજેરામે પોતાના પિતાની છબી આપવાની મેહેરબાની કીધી છે, જે મૃખપૃષ્ઠની સામે અત્રે આપવામાં આવી છે, અને તેને માટે તેમનો આભાર માનીએ છીએ.
इति शुभम्
--:×♠×♠×♠:--
--¤¤¤¤--
આ ગ્રંથ આપણા ટાપુની સ્મોલ કોઝ કોરટના ત્રીજા આફટીંગ જડ્જ રાવ બહાદુર મી૦ મોરુબા કાહનોબાજીએ મરાઠી ભાષામાં પહેલવહલો રચ્યો. એ ગ્રંથ ઘણો રમુજ ભરેલો છે એટલું જ નહીં પણ એમાં બીજી ખુબીઓ ઘણી છે. એમાં વહેમોને તોડી નીતિ સમજાવવામાં જે ગોઠવણ કરવામાં જે બુદ્ધિ ગ્રંથકર્તાએ વાપરી છે, તે ખરેખર ઘણી જ વખાણવા યોગ્ય છે. મુંબઈમાં આવ્યા બાદ મને મરાઠી પુસ્તકો વાંચવાનો સોખ થયો. આગળ મને મરાઠી ભાષાનું કાંઇ જ્ઞાન ન હતું; પણ મારો સોખ તે ભાષા જાણવાનો અત્યંત થયાથી મેં પહેલવહેલાં મરાઠી ભાષાના નાના નાના ગ્રંથો વાંચવા શરુ કીધા. એ ભાષાના અધ્યયનથી મને રસ પડ્યો અને તેથી કરીને તેના અભ્યાસ પાછળ મારું દીલ સર્વકાળ લાગ્યું. એક મિત્રની કૃપાથી મને મરાઠી ભાષામાં મહેરબાન મેારુબાજીનો ગ્રંથ હાથ લાગ્યો. એ ગ્રંથ વાંચી મારું દીલ એ માંહેલી રસીક અને મનહર રચનાથી ઘણું પ્રસન્ન થયું અને વિચાર કરતાં એવું જણાયું કે, આવા ઉત્તમ ગ્રંથને મારી પોતાની ગુજરાતી ભાષામાં કરવાથી એ લીપીના વાંચનારોને ઘણો ફાયદો પ્રાપ્ત થશે, માટે મેં મહેરબાન મોરુબાજી કાહનોબાજીને એ ગ્રંથને ગુજરાતીમાં તરજુમો કરવા બાબદ એક પત્ર પુને લખી મોકલી તે સાહેબની રજા મંગાવી. મને મરાઠી ભાષાનું થોડું જ્ઞાન હોવાથી આવા ઉત્તમ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કરવું પહેલવહેલું ગભરાટ ભરેલું દેખાયું, તો પણ મેં તે હીંમતથી માથે લીધું. મેં જે ભાષાંતર કીધું છે, તે ખરેખરું જોતાં કંઇ બરોબર વાક્યે વાક્યનો તરજુમો નથી. મારી નજરમાં તેમ કરવાથી મારી સ્વભાષાની ખુબીમાં વિરોધ પડે, એટલા માટે તેમ ન કરતાં મેં મરાઠી લખાણની મતલબ ગુજરાતી ભાષામાં જેમ બન્યું તેમ સલીસ ઇબારતમાં લખવાને બનતી કોશીશ લઇ આ ગ્રંથ તૈયાર કરી ખાસેાઆમની રુબરુમાં મૂક્યો છે અને ઉમેદ છે કે, વાંચનારાઓએ મારા મરાઠી ભાષાના અલ્પ જ્ઞાનને લીધે આ ગ્રંથમાં રહેલા દોષ પર નજર ન રાખતાં કૃપા કરી મને જોઇતો આશરો આપવાના હેતુથી આ ગ્રંથ સ્વીકારવો.
આ ગ્રંથમાં નીચે લખેલા લખાણ ઉપરથી એ ગ્રંથ જે નામથી ઓળખાય છે, તેની પેદાશ તથા તેના ચાતુર્યનો સહજ ખ્યાલ આવશે.
“હિંદુસ્થાનનો રહેનારો ઘાશીરામ સામળદાસ નામનો એક કનોજીઓ બ્રાહ્મણ, પેશવાઇ શહેર પુનામાં રોજગાર કરવા સારુ આવી રહ્યો હતો. તે પ્રથમ કેટલાક દિવસ સરકાર દરબારમાં જઇ મુત્સદ્દીઓની તાબેદારી ઉઠાવી ઉમેદવારી કરી ગુજરાન કરતો હતો. તેને એક છોકરી ઘણી ખુબસુરત હતી. બાલાજી જનાર્દન ભાનુ ઉર્ફે નાનાફર્દનવીશ તે છોકરીપર ઘણો આશક થયો હતો. તેણે પોતાની બુરી મતલબ પાર પાડવાને ઇરાદે ઘાશીરામને એ શહેરની કોટવાલી બક્ષી. ઘાશીરામે કોટવાલીના હોદ્દાનું કામ ચઉદ પંદર વર્ષ સુધી કર્યું, પણ તે કાંઇ તારીફ લાયક બજાવ્યું, એવું કહેવાને અમને કાંઇ પણ આધાર નથી. કોટવાલીના અમલના જોરથી માત્ર રૈયત ઉપર જુલમ કર્યો અને લાંચ રુસ્વત લઈ દ્રવ્ય એકઠું કર્યું. જો નાનાફર્દનવીશની, એની ઉપર મહેરબાની નહીં હોત તો આટલી લાંબી મુદત સુધી એવા સખસની પાસે કોટવાલી રહેત નહીં. કોટવાલ સાહેબ તો દિન પરદિન વધારે જુલમ કરવા લાગ્યા. એક દિવસે કેટલાક તૈલંગી બ્રાહ્મણોને એક નાની કોટડીમાં જોર જુલમથી ગડબી દીધા ને તેથી તેમાંના કેટલાકનો જીવ ગયો. આ માઠા બનાવની ખબર માનાજી શિંદે જે માનાજી ફાંકડાને નામે એાળખાતા હતા, તેને કાને પડવાથી તેણે માધવરાવ નારાયણપંત ઉર્ફે સવાઇ માધવરાવ પ્રધાનને જાહેર કરી. આ વાતથી તે ઘણા ગુસ્સામાં આવ્યા ને પોતાના મનમાં એવો ઠરાવ કર્યો કે, ઘાશીરામને સજા કર્યા સિવાય અન્ન પાણી લેવું નહીં. ઘાશીરામને તાબડતોબ પકડી લાવવાનો હુકમ કર્યો. આ વાતની ઘાશીરામને ખબર પડવાથી તે નાહાસીને નાના ફર્દનવીશના મહેલમાં જઈ સંતાઇ રહ્યો. તેનો જીવ બચાવવાની નાના સાહેબે ઘણી કોશેશ કરી; પણ સવાઇ માધવરાવના દબદબા આગળ તેનો કાંઇ ઇલાજ ચાલ્યો નહીં ને ઘાશીરામને આખરે સરકારને સોંપવો પડ્યો. તે વખત ઘાશીરામનો પગ સાંકળથી હાથીના પગ સાથે બાંધી શહેરમાં ફેરવવાનો સરકારે હુકમ કીધો. ઘાશીરામને હાથીના પગ સાથે બાંધ્યેા, તેથી તેના માથા તથા શરીરના ચૂરેચૂરા થઈ ગયા. આ પ્રમાણે તેની આખેરી શકે ૧૭૧૪ મુતાબીકે ઈસ્વીસન ૧૭૯૨ માં થઈ. તે વખતે તેની ઉંમર આસરે પચાસ વર્ષની હતી. આ કોટવાલની કાર્કીર્દી રમુજી જાણી લોકોનાં દિલ ખુશ થાય, તેમ જ વળી તેથી ઉપદેશ પ્રાપ્ત થાય, એ વાસ્તે આ ગ્રંથ લખ્યો છે. એમાંથી દરેક વાતના તાત્પર્ય (મતલબ) ઉપર ધ્યાન રાખીને આ ગ્રંથ વાંચવો અને તે ઉપરથી તે કાળના કોટવાલના રાજમાં કેટલું અંધેરું ચાલતું હતું તે તથા તે વખતના લોક મોટા ડાહ્યા અને વિદ્વાન્ કહેવડાવતા હતા
તથા તેઓમાં દેહાભિમાન તથા જાતિ અભિમાન કેટલું બધું હતું; તે છતાં પણ તેની નીતિ કેટલી અશુદ્ધ ને સાધારણ હતી, ને તેઓ કેવા વિષયી અને અજ્ઞાની હતા, તે સઘળાનો ખ્યાલ સહેજ થશે.”
આ ગ્રંથ તૈયાર કરવામાં મારા નાનપણના મિત્ર અને સર જમશેદજી જીજીભાઈ બેરોનેટની છોકરીઓની નિશાળના સુપરીન્ટેન્ડટ મી૦ ચીમનલાલ નંદલાલ તથા વેદશાસ્ત્ર સંપન્ન રાજેશ્રી કેશવ શાસ્ત્રી જોગ તથા કવિ હરિદાસ હીરાચંદ એઓએ જે મદદ કીધી છે, તેથી હું તેમનો ઘણે આભારી થયો છું.
મુંબઈ તા૦ ૨૮ મી જુન સને ૧૮૬૫.
--¤¤¤¤¤¤¤¤--
| વિષય | પૃષ્ઠ |
ઘાશીરામનો સસરો મોટો મહાન્ પુરુષ હતો. તે પોતાની છોકરીને મળવાને હિદુસ્થાનથી પુને આવ્યો, તે સમય ઘાશીરામના ઘરમાં કુકણી બ્રાહ્મણનો છોકરો શાગરીદ હતા, તેણે અજ્ઞાનપણાને લીધે ચેષ્ટા કરવાથી તે છોકરાની, તેના માબાપની તથા દાદાની દુર્દશા થવાને પ્રસંગ આવ્યો. |
૧-૪ |
એક છોકરા વિષે બે બઈરીઓનો વાદ – તેમાં કોટવાલના નીતિ જ્ઞાનનો તર્ક તથા પ્રમાણની તુલના કરવાની રીત કેવી હતી તે જણાવી છે. |
૪-૬ |
કોટવાલ અંગ્રેજ સરકાર તરફથી પુનામાં રહેનારા રેસીડેંટને મળવા ગયા ત્યાં થયેલી મજકુર. |
૬ - ૮ |
અબીલ ચોરાયું તે તજવીજથી પકડાયું. તે યુક્તિનો ઘાશીરામે ઉપહાસ કરીને જે લોકોપર ચોરીનું આળ હતું, તેમને તવાપર ઉભા કરવાની યુક્તિ કહી. |
૯-૧૦ |
ઘાશીરામની કન્યા વૃદ્ધ ધણીને આપેલી તેને છેકરાં થાય નહીં, માટે માબાપના કહેવાથી ભજન પૂજન તથા નેમનિષ્ઠા તથા દેહનું કષ્ટ તેણે કર્યું. |
૧૦-૧૨ |
૧ પ્રાચીન કાળના પુષ્પોનો છંદ. ૨ જોળીઆ છોકરાની વાત. ૩ કઠણ તથા હલકા પદાર્થ મોટા શ્રમે તથા ઘણે ખરચે કરીને તૈયાર કરેલા. ૪ બીજા ચાર્લસના દરબારમાં એક ખોજો હતો તેનો વૃત્તાંત. પ ઘણું ખાનારા. |
૧૨-૧૮ |
બેલબાગમાં જન્માષ્ટમીના ઉત્સવની અંતે તમાશો થયો, તેમાં ઘાશીરામને આત્મસ્તુતિ ઘણી પ્યારી હતી પણ તે બાયલો હતો તથા શહેરની રખવાળીનો બંદોબસ્ત એનાથી રખાતો નહીં હતો, તે વિષે જણાવ્યું છે. |
૧૮-૨૧ |
| વિષય | પૃષ્ઠ |
ઘાશીરામની મા મરી ગઈ, તે વખતે બ્રાહ્મણ લોકોએ ગપ હાંકી ઠગવાની યુક્તિઓ ચલાવેલી. |
૨૧-૨૫ |
ઘાશીરામને કીમીઆનો છંદ હોવાના સબબથી કેટલાએક લોકોએ સાધુપણું બતાવી તેને ફસાવ્યો. |
૨૫-૩૦ |
૧ આગ્રા શહેરના ઇતિહાસનો સાર તેમાં જાહાંગીરશા પાદશાહનો જન્મ કેમ થયો તથા તે શહેરમાં તાજ મહેલ તથા એતમાદુદ્ ઔલાની દરઘા છે તેનું વૃત્તાંત. ૨ ઘાશીરામને એક અફગાન મારતેા હતો, તે ઉપરથી રામશાસ્ત્રી પ્રભુંણે આગળ ફરીયાદ થઈ, તેનો તેણે ખુલાસો કર્યો તે. |
૩૦-૩૫ |
ઉંઘમાંથી ઉઠી ફરનાર લોકોની વાત. ૨ એક ગ્રંથ વેચનાર સાથે ઘાશીરામે કરેલો કરાર તોડ્યો તથા તેના કારખાનાના લોકોની લાંચ રુશવત તથા દગલબાજી કરવાની રીત તથા ચોપડી વેચનારે પોતાના પૈસા લેવાને કીધેલી યુક્તિ વિષે. |
૩૪-૪૧ |
૧ ગારુડી હાથ ચાલાકી તથા બીજી ઠગવાની ક્રિયા કેમ થાય છે, તે વિષે. ૨ ચપુ ગળનારની વાત. ૩ માણસના શરીરમાં કેવી રચના છે તે જેઓ પોતાને વૈદ કહેવડાવે છે, તેમને માલમ નથી તેનો પ્રકાર. |
૪૧-૪૪ |
૧ બોલતાં શિખવેલા પક્ષીની વાત. ૨ બોલતા પક્ષી ઘાશીરામને વહાલા હોવાને લીધે એક કસબણે સંધાન જોઈને ઘાશીરામે જુલમ કર્યા એમ બહાનું કરીને તેની પાસેથી પુષ્કળ દ્રવ્ય લીધું. |
૪૪-૪૮ |
મલાક્કા પ્રાંતના પાટણી નામના શહેરમાંના પુરુષ મહેલનું વૃત્તાંત અને તેમાં જઈ રહેવાની ઘાશીરામને ઉત્કંઠા થઈ તે વિષે. |
૪૮-૫૦ |
હાથીના શાહાણપણાની વાત. |
૫૦-૫૫ |
| વિષય | પૃષ્ઠ |
સૃષ્ટિ ઉત્પન્ન થવા વિષે ખ્રિસ્તી, બ્રાહ્મણ, મુસલમાન તથા પારસી એ ચાર ધર્મના મત પ્રમાણે નિર નિરાળા વૃત્તાંત. |
૫૫-૬૭ |
ધૂમકેતુ ઉગવાથી પ્રલય થવા વિષે બ્રાહ્મણ લોકોનો તર્ક તથા પૈસા કહડાવવાની ઠગવિદ્યા. પ્રાચીન લોકોને ધૂમકેતુ ઉગવાથી ભય ઉત્પન્ન થતું તે વિષે. |
૬૭-૭૧ |
અળંદીની વાર્ષિકયાત્રા તથા જ્ઞાનેશ્વર મહારાજ એમનું વૃત્તાંત તથા તેઓએ કરેલા અદ્ભુત ચમત્કાર તથા રામદાસ સ્વામીનો કંઈ વૃત્તાંત તથા એ બધાના સંપ્રદાયમાં ભેદ. |
૭૧-૭૭ |
રાજાપુર આગળની ગંગા ક્યાંથી કેમ નિકળે છે તથા નિયમિત કાળે વેહનાર ઝરાઓના દાખલા |
૭૭-૮૦ |
૧ પશ્ચિમ હિંદુસ્થાનના ડુંગરોમાંની ગુફાઓ. ૨ યુરોપખંડની તથા બીજા ઠેકાણાની ગુફાઓ તથા ફિંગાલની ગુફા. |
૮૧-૮૩ |
૧ જ્વાળામુખીનું વૃત્તાંત તથા તે વિષે બ્રહ્માણોનો તર્ક. ૨ ખોટા અગ્નિ તથા પિશાચનો રાજા વેતાળની અગ્નિનું સાદૃશ્ય. ૩ બાર્બરા અાર્સલીન નામની સ્ત્રીનું લગ્ન થયલું, તેના સર્વ શરીરપર ગુચ્છા વળેલા પીળા બાલ હતા તથા તેને કમર પટા સૂધી પહોંચે એટલી લાંબી દાઢી હતી. |
૮૩-૮૬ |
૧ સમુદ્રમાં ફવારા તથા જમીનપર વંટોળીઆ શાથી ઉત્પન્ન થાય છે તથા એ ઉત્પત્તિઓ વિષે હિંદુસ્તાનના લોકોનું તર્ક. ૨ ક્રાંતિ વૃત્તમાંની બારે રાશિઓ તથા તે વિષે મરાઠી જોશીનો ખેાટો તર્ક. |
૮૬-૮૯ |
૧ બ્રાઝિલ તથા ગોવળકોંડાની હિરાની ખાણો. ૨ કોહીનૂર એ નામના હિરાનું તથા રાજધાનીમાંના મોટા હિરાનું વૃત્તાંત. |
૮૯-૯૧ |
વિજાપૂરનો ઇતિહાસ તથા ત્યાંની જુમા મસીદ, ગોળ ધુમટ તથા માલીકા મેદાનનું વૃત્તાંત. |
૯૧-૯૩ |
| વિષય | પૃષ્ઠ |
શિકંદરા શહેર પાસે પોંપીનો સ્તંભ છે તેનું વૃત્તાંત. |
૯૩-૯૪ |
લંડન શહેરમાંના સેંટપાઉલ દેવલનું વૃત્તાંત. |
૯૪-૯૫ |
૧ પથ્થર ખાનાર માણસની વાત. ૨ માંત્રીક લોકો સાધુપણું તથા ઈશ્વરી સાક્ષત્કાર જણાવીને ઠગબાજી કરે છે તે. ૩ રૂપાના સિક્કા તથા પ્યાલા મંત્રવિદ્યાથી ચાલે છે એવું કહેવાય છે, તે કેમ ચાલે છે તેનો પ્રકાર. ૪ ભૂત, પ્રેત, પિશાચ તથા ચુડેલ એ વિષેની વાતો તથા ચુડેલપર ન્યાયાધીશ આગળ ફરીઆદ થયલી તેની ચોકશી કરી ચુડેલને શિક્ષા આપેલી તે વિષેનો મજકુર. ૫ દેવ, ઋષિ તથા બીજા ઠગારાની ઠગવિદ્યા તથા લુચ્ચાઈ ૬ માયારૂપી છાયા. |
૯૫-૧૦૧ |
૧ અગ્નિ ખાનારા મનુષ્ય. ર તાબુતના તહેવારમાં મુસલમાન લોકો ઢોંગ તથા ઠગબાજી કરે છે તે. ૩ શરીરબળથી કરેલાં પરાક્રમ. ૪ વૃક્ષ તથા મનુષ્ય કેટલાં વર્ષ જીવે છે તેનો વૃત્તાંત. |
૧૦૨-૧૦૪ |