ઘાશીરામ કોટવાલ/વાત ૧૯.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વાત ૧૮. ઘાશીરામ કોટવાલ
વાત ૧૯.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૨૦. →


વાત ૧૯.

રત્નાગિરી પાસે દરીઆ કિનારા ઉપર રાજાપુર નામનું બંદર છે. ત્યાં ભાગીરથી પ્રગટ થઈ, એવા પુના શહેરના કેટલાક લોકો ઉપર કાગળ આવ્યાથી ઘણાક ભાવિક લોકો ગંગા દશન કરવા ગયા; ને દરરોજ બીજા નવા નવા લેાક જાય છે, એવી ખખર ઘાશીરામને થવાથી, તે વિષેની વાતચિત તેને ઘેર બ્રાહ્મણો આવતા હતા, તેની સાથે ચાલતી હતી. તે પ્રમાણે એક દિવસે રુદ્રાપાવાણી રાજાપુરકર તથા મહમદઅલી મુનશી વગેરે મંડળી બેઠી હતી તે સમયે વાતચિત થઈ તે:–

ઘા૦— અરે રુદ્રાપાનાયક ! તમારા જોવામાં રાજાપુરની ગંગા આવી છે ?

રુ૦— હા મહારાજ; મેં ઘણી વખતે તે જોયલી છે. તેનો ચમત્કાર અદ્દભુત છે. એક ડુંગરના તળિયા આગળ ગાયનું મુખ છે, તેમાંથી એ ગંગા અકસ્માત ભર ઉનાળામાં વહ્યા કરે છે કોઈ અભડાયલો કે મોટો પાતકી દર્શન કરવા આવ્યો, કે તે જ વખત પાણી વહેતું બંધ થઈ જાય છે. મુ૦— એમાં કાંઈ ચમત્કાર નથી. કોટવાલ સાહેબ ! બાળકૃષ્ણ તથા વાસુદેવની કારીગર લોકોએ બનાવેલી મૂર્તિઓ આપના જોવામાં આવી જ હશે, તેમાં વાસુદેવની મૂર્તિ પ્યાલામાં ઉભી કરી છે, ને કૃષ્ણની મૂર્તિ તે વાસુદેવના માથા ઉપર મૂકેલી છે. તે પ્યાલાને તળિયે એક છિદ્ર છે; ને વાસુદેવના માથા ઉપર બાળકૃષ્ણને એક પગ થોડોક નીચે ઝુલતો છે; ને તે પગનો અંગુઠો વાસુદેવના મોહોડાની બરાબર ઉંચાઈમાં આવેલો છે. પ્યાલામાં પાણી ઘાલીએ, અને તે પાણી વાસુદેવના મોહો સૂધી ચહડે, એટલે પ્યાલામાંનું સઘળું પાણી છિદ્રમાંથી બહાર નીકળી જઈને પ્યાલો કોરો થાય છે. તે પ્રમાણે ડુંગરમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થયલો રાજાપુરની ગંગાનો યંત્ર છે.

રુ— વ્યંત્ર તંત્ર વિષે તમારા મુસલમાનનું બોલવું અમને સાચું લાગતું નથી. હજારો લોકે તે ગંગા જોયલી છે. તેના જોવામાં કદી યંત્ર આવ્યો નથી, ત્યારે મુનશીની જોયલી વાત હસવાની કે રડવાની છે?

ઘા— બાળકૃષ્ણ તથા વાસુદેવની મૂર્તિ સઘળા કારીગરોને હાથે તૈઆર થાય છે, એમ નથી. એક કંસારાને કોઈ મહાપુરુષે પ્રસન્ન થઈને વરદાન આપ્યું છે, તેના હાથથી તેવી મૂર્તિઓ થાય છે; અથવા તેનો જે કોઈ શાગીર્દ થયો હોય છે, તે માત્ર તૈઆર કરે છે, તે મૂર્તિનો ચમત્કાર કૃષ્ણના જન્મ વખતે યમુનામાં થયલા ચમત્કાર જેવો છે.

મુ૦— (જરા હસીને )કોટવાલ સાહેબ ! એ સઘળો ઢોંગ છે. જો મને થોડું મીણ લાવી આપો તે હમણા જ તે યંત્ર કરી બતાવું. આ પ્રમાણે તકરાર થવા ઉપરથી, કોટવાલે એક મીણનો ગોળો મંગાવીને મહમદઅલી મુન્શીને આપ્યો. તે લઈને તેની એક નળી મુનશીએ બનાવી; ને તે નળીને લાંબી કરીને ચીનાઈ માટીના વાસણમાં મૂકી. આ પ્રમાણે તૈયાર કરીને મુનશીએ પ્યાલામાં પાણી રેડ્યું.

મુ૦— આ મીણની નળી મેં કીધી છે, તે પ્રમાણે ધાતુની નળી વાસુદેવના પેટમાં હશે. તે કારણથી પાણી પ્યાલામાંથી બહાર નીકળી જાય છે.

રુ— પ્યાલાનો મજકુર તમે બરાબર મેળવી આપ્યો; હવે તે વિષે કાંઈ અમારે બોલવાનું રહ્યું નથી; પણ તેને ને રાજાપુરની ગંગાને શું સબંધ છે ?

ઘા— વાહવા ! વાહવા ! આપે ખુબ પેચ કહાડ્યો છે ! અમે સમજતા હતા કે, ઘરડાં માણસને સભામાં બેાલવાનું કાંઈ જ જ્ઞાન નથી; પણ આજે તેની બરાબર પરીક્ષા થઈ. રુ— કોટવાલ સાહેબ ! આપની કૃપાથી ચાર વિદ્વાન લોકો સાથે મળવું થાય છે, ને તેઓ સાથે બોલવાનો પ્રસંગ પણ આવે છે; તે માટે કાંઈ સંગ્રહ પાસે રાખવો જોઈએ.

મુ૦— અરે આપા, એટલામાં ફુલાઈ જાઓ નહીં; પ્યાલાને ને રાજાપુરની ગંગાને સંબંધ કેટલો છે, તે હું સિદ્ધ કરી આપું છું. જમીનમાં તથા દરીઆમાં તથા આકાશમાં જે ચમત્કાર થાએ છે, તે વિષેના ગ્રંથો જોવાનો મને માટે શોખ છે. તે કારણથી મેં અંગ્રેજી, ફારસી તથા હિંદુસ્થાની ભાષાના કેટલાક ગ્રંથો એકઠા કર્યા છે; તે ઉપરથી માલુમ પડે છે કે, પર્વત તથા ટેકરા વગેરેમાં પોલાણ હોય છે, ને તે પોલાણમાં પાણી ભરાઈ રહે છે. કેટલાંક પોલાણમાંથી પાણીને નિકલી જવાના કેટલાક રસ્તા હોય છે. તેમાં વાસુદેવની મૂર્તિના પેટમાંની નલીની પેઠે જે ડુંગરનાં પોલાણમાં રસ્તો હશે, તે પોલાણમાંથી અનિયમિત પાણી બહાર પડતું હશે. કારણ કે વરસાદ શાલ દરશાલ એક સરખો પડતો નથી; તે માટે જમીનની શિરાને રસ્તે પાણી જઈને તે પોલાણ ભરાવાને કમી જાસતી દિવસ લાગે છે; સબબ પોલાણમાંના પાણીને નીકળવાનો મુકરર વખત નથી.

રુ— હવે તો આ મુનશીએ છેક અનર્થ કરવા માંડ્યો ને ગમે તેમ બકવા લાગ્યો.

મુ૦— વાણી દાદા, એટલી ઉતાવલ શા માટે કરો છે ? મારું બેાલવું સઘળું સાંભળો; ને મેં મારે ઘેર મારા ચાકરને મોકલ્યો છે; તે કેટલાક યંત્ર લાવે છે તે જુવો. પછી જે બોલવું હોય તે બોલો. યુરોપખંડમાં તથા બીજે ઠેકાણે રાજાપુરની ગંગા જેવી બીજી ઘણી ગંગાઓ છે. તેને “અનિયત કાલવાહીઝરા” એમ કહે છે. આગલના વખતમાં તે ઝરાના કારણથી ઠગ લોકોએ ભોળા અને અજ્ઞાની લોક પાસેથી ઘણું દ્રવ્ય ધુતી લીધું છે. તે ઠગે કાંઈ વિદ્વાન હતા, અને કયા ગામમાં કેટલો વરસાદ બાર મહીનામાં પડ્યો, તેનો હિસાબ કરતાં આવડતો હતો. તે કારણથી “અનિયત કાળવાહીઝરા”ની આસપાસ વરસાદ કેટલો થયો, તેનું ગણિત કરીને, તે ઝરાના મૂળમાં જે પોલાણ છે, તે ભરાઈને કઈ વખતે વહેવા લાગશે, તેને નિશ્ચય તે કરતા હતા. પછી બીજા લોકોને, અમને સ્વપ્ન થયું છે કે ફલાણી ઠેકાણેનો ઝરો ફલાણે દિવસે વહેવા માંડશે, એવી બડાઈ મારતા ને તે પ્રમાણે તે ઝરો તે દિવસે વહેવા લાગતો; તેથી ઠગ લોકો મોટા સિદ્ધ પુરુષ છે, એવું બીજા લોકો સમજીને તેઓની સેવા કરતા હતા.

આટલે સૂધી બોલવું થયું, એટલામાં મુનશીનો નોકર એક નાહાની પેટી લઈ આવ્યો; તે પેટી મુનશીએ ઉઘાડીને તેમાંથી કાચનો યંત્ર કહાડીને, કોટવાલ આગળ મૂક્યો. પછી એક વાસણમાં પાણી લઈને મુનશીએ પ્રયેાગ કરી બતાવ્યો.

ઘા— મુનશીજી, ફરી એકવાર પાણી ભરો.

મુ૦— એકવાર તો શું પણ દશવાર ભરી બતાવું. એમ બોલી તેણે ઘણી વખત વાસણમાં પાણી ભરી બતાવ્યું.

રુ— મુનશી, તમે જાદુગરની વિદ્યા સારી શિખ્યા છો. પણ આ કાચના વાસણને ને રાજાપુરની ગંગાને શું સંબંધ છે, તે હજી સુધી મારી સમજણમાં આવ્યું નથી.

મુ૦— મેં આગળ કહેલું છે કે ડુંગરમાં પોલાણ હોય છે; તે પ્રમાણે રાજાપુરના ડુંગરમાં આ યંત્રની આકૃતિ જેવી મોટી પોલાણ હશે. તેમાં જમીનની શિરાને રસ્તે પાણી પેસીને જોઈએ તેટલું ભરાય, એટલે તમારા ગૌમુખમાંથી પાણી વહેવા લાગે. પોલાણમાં એકઠું થયેલું પાણી પૂરું થાય કે ગૌમુખમાંથી નિકળવું બંધ પડે.

રુ— તમારા જેવા બધા પંડિત હોય તો અમારે હમણા જ મસીદમાં જવું પડે, ડુંગરમાંની પોલાણ તમે પેસીને જોઈ છે ?

મુ૦— ફકત પેટ ભરનાર લોકોની સલાહ પ્રમાણે ન ચાલતાં તમે પોતાની અક્કલથી વિચાર કરો તો, ખરા ખોટાનો ભેદ તમને તરત જણાઈ આવે. અમે ડુંગરમાં પેઠા નથી એ વાત ખરી છે; પણ કારલ્યા નજદીક તથા બીજે ઘણે ઠેકાણે ડુંગર કોતરીને મોટા મહેલો બનાવ્યા છે; તે પ્રમાણે કોઈ પરાક્રમી માણસ રાજાપુરનો ડુંગર ખોદાવે તો, હું કહું છઉં તેવી પોલી જગા તથા તેમાંથી પાણી બહાર પડવાનો રસ્તો છે, એ સધળું ચાર પાંચ મહીનામાં નજરે જોવામાં આવે.

આટલું બોલવું થયા પછી કોટવાલે મુનશીને યંત્ર આટોપવાનું કહ્યું, ને હવે બસ કરો, એ વિષે કોઈ વેળા વિચાર કરશું; એવું બોલીને રુદ્રાપા તથા મુનશીને રુખશત કર્યા.

--¤¤¤¤¤¤¤¤--