લખાણ પર જાઓ

ઘાશીરામ કોટવાલ/વાત ૭.

વિકિસ્રોતમાંથી
← વાત ૬. ઘાશીરામ કોટવાલ
વાત ૭.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૮. →


વાત ૭.

શ્રાવણ મહીનામાં બેલબાગમાં જનમાષ્ટમીને દિવસે મોટો ઉત્સવ થાય છે. તે રાત્રે વેશ નિકળે છે. તેનો બંદોબસ્ત રાખવાનું નાના ફર્દનિવીશે ઘાશીરામને કહ્યું હતું. વેશ કાઢનારા ઘણી જાતના લોક હતા. એ તમાસો જોવા સારુ ત્યાંહાં ઘણાં લોકો ભેળાં થયાં હતાં. એ તમાસામાં એક વખત ઘાશીરામ તથા તેના હાથ નીચેનો મુખ્ય જમાદાર જાનરાવ પવાર ગયા હતા. ઘાશીરામની સ્વારી આવ્યા પછી વેશ આવવાનો આરંભ થયો. કેટલાક વેશ આવી ગયા પછી ભાટનો વેશ આવ્યો. તે ભાટે સવાઇ માધવરાવ તથા નાના ફર્દનવીશની તારીફ કરી. પછી ઘાશીરામની સામે આવીને ખુશામતના બેાલ બોલવા લાગ્યો :-

અરે સરદાર ! આપ અમારા શહેરમાં છો તો વાઘ અને બકરી એક ઓવારે પાણી પીએ છે. ઓરતોએ બદફેલી કરવી છોડી દીધી છે. આપનું ધૈર્ય એવું છે કે, કોઈ વખત પર્વત હાલે; પણ કોઈ પ્રસંગ આવે તો આપ જરા ડગમગો નહીં.

આ વાત સાંભળી કોટવાલ સાહેબે જવાબ દીધો કે “તેણે મારી ખુબ પારખ કરી; તેરે જેસા કદરદાન મેરે દેખને મે આયા નહીં. તેરા સચ બચન સુન કરકે મેરી આત્મા સુપ્રસન્ન ભઈ. મેરે ધામકોં તું પ્રભાતકોં આવેગા તો તેરે તંઈ સેલા પગડી બખશીશ કરુંગા.” આટલું બોલવું થયું, એટલામાં બીજો વેષ જૈન લોકોના ગોરજીનો આવ્યો. તેણે પોતાના મોહોડા ઉપર કડકો બાંધ્યો હતો. માત્ર નસકોરાં તથા ખાંખ એટલું જ ખુલ્લું રાખ્યું હતું. એ વેષ આવતાં જ ભાટ એક બાજુ પર થઈ ગયો. પછી તેણે તથા ગોરજીએ ખેલ શરુ કીધો.

જતી— સર્વ લોકોનો ઉદ્ધાર કરવા શ્રી આબુજી પર્વત ઉપર જૈન ધર્મ પ્રગટ થયો. ત્યાં મહાપ્રભુજી શ્રીપારશનાથજી અદ્યાપિ બિરાજે છે. તેનાં મંદિર જેવાં ઉંચાં તથા પવિત્ર સ્થલ ચારે દિશામાં બીજે કશે નથી. ત્યાંથી પૃથ્વીની ચારે દિશા દેખાય છે. અમારો ધર્મ પ્રગટ થયો, તે વખતે સઘળી જાતના લોકો એકઠા થયા હતા. તેમાં મરેઠા, મુસલમાન તથા ફરંગી માત્ર નહોતા. કારણ કે એ લોકો રસ્તો ચૂકી ગયા. તેમાં મુસલમાન મક્કા તરફ ગયા. મરેઠા કાશી તથા રામેશ્વરમાં અટકી ગયા ને ફિરંગી ક્યાં નાશી ગયા, તેનું કાંઇ ઠેકાણું લાગ્યું નહીં. તેથી કરીને આ ત્રણે વર્ણ અજ્ઞાનપણામાં રહી છે.

ભાટ— ખરી વાત ! આ ખરી વાત છે ! આ મહાપુરુષના પગ પકડો, એટલે તમે નરકની પેલી તરફ જશો. જતીજી ! આપે કયા કયા દેશો જોયેલા છે ?

જતી— આ પૃથ્વી ઉપરની કોઈ જગ્યા મારા જોયા વગરની રહી નથી.

ભાટ— કાશીવિશ્વેશર તથા રામેશ્વર ગયા હતા?

જતી— તમે એ નામો લીધાં તો અમે એક ક્ષણ ત્યાં ઉભા રહેનાર નથી. એ બંને રસ્તા નરકમાં જવાના છે.

ભાટ— શ્રોતાઓ ! તમે ધ્યાન રાખીને સાંભળો, તમે ધ્યાન રાખીને સાંભળો ! પારસનાથ સિવાય બીજો દેવ કામનો નથી.

જતી— અહિંસા કરવી નહીં, સાધુએ કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં, એ અમારો મુખ્ય ધર્મ છે.

ભાટ— પરસ્પર ચાલે છે ને ચાકરો તો હોય જ છે.

જતી— અમારે સેવકોને ઘેર દર્શન આપવા ફરવું પડે છે, તેથી થાકી જાઇએ છઇએ; વાસ્તે રાત્રે પગ ચાંપવા સારુ એક બે છોકરા રાખવા પડે છે.

ભાટ— (માથું હલાવીને) ખરી વાત છે ખરી વાત ! મને માલુમ નથી. હશે, તમે આ કચેરીની મંડળીને એાળખો છો ? જતી— આ ઘાશીરામ કોટવાલ, એના બાપને અમે ઓળખીયે છયે. આ જાનરાવ પોવાર એની તો સાત પેઢીની હકીકત કહી બતાવું. એને અમે નાગા ઉઘાડા ફરતા જોયા છે. એની સાસુ સાથે અમારે ઘણી વખત એકાંત બેસવું થતું હતું. એની સ્ત્રી ગોપિકા બાઇને અમે માળે લઈ ગયેલા, અને તેણે અમારા મોહોમાં ને અમે તેના મોહોમાં પાનનાં બીડાં ખવડાવેલાં હતાં. વળી એની ખૂણાની વાતો પણ અમારા જાણ્યામાં છે. તે એ કે એની વહુની ડુંટીની આસપાસ ગોલ ભીલામાનો મોટો ડામ છે.

આ પ્રમાણે બોલતાં જ સઘળી મંડળી હસી પડી ને જાનરાવ પોવાર તરફ જોવા લાગી. તેથી જમાદારને ઘણો ગુસ્સો આવ્યો. “તેરી ભેનકા જતી * *” એવી ગાળો દઈ તરવાર મ્યાનમાંથી કહાડી જતીની વાંસે દોડ્યો. તેવો જ જતી હાયરે કરીને નાસવા લાગ્યો. તેથી ચોતરફ ગડબડ થઇને હાહાકાર થઇ રહ્યો. ને લોકો નાસવા લાગ્યા તેથી ધક્કા મુક્કી થવાથી દીવો ગુલ થઈ ગયો. તે વેળા ઘાશીરામ ગભરાઇને ગરદીમાંથી નાસવા લાગ્યો; તેવું તેનું સેલું પગમાં ભરાવાથી ઉંધો પડી ગયો ને પાગડી દૂર ઉડી ગઈ ને ગુંઠણ છોલાઈ ગયા, ને મોહાડામાં વાગ્યું; તે પણ તેવો જ ઉઠીને નાસતો નાસતો શુકરવારની ચાવડીપર ગયો ; અને “દોડો રે દોડો” એવી બુમો પાડી. ચાવડી ઉપર જુવે છે તો એક સિપાઈ હાજર ન હોતો. તે સઘળા તમાસો જોવા ગયા હતા. તેથી તે જ ચાવડીના ઓટલાપર બેઠો. પછી બેલબાગમાં ગડબડ થોડી કમી થઇ એવું જોઇને હળવે હળવે બેલબાગ તરફ આવવા લાગ્યો. રસ્તામાં રણસીંગાવાળો મળ્યો. તેણે કહ્યું કે, “અમે આપને જ શોધીએ છૈયે; આપ હ્યાં ક્યાંથી આવ્યા? હવે સઘળું સમાધાન થયું. વેશધારી લોકો આપની વાટ જુવે છે.” તે ઉપરથી ઘાશીરામે તેને રણસીંગું ફુંકવાનું કહ્યું ને પોતે મોટા દબદબાથી બેલબાગ તરફ ગયો. માથે પાગડી ન હતી, તેનું કાંઈ ભાન હતું નહીં; ને તમાસામાં જઈને બેઠો ત્યાં ભાટનો વેશ ઉભો હતો. તે ભાટ મોહોડા આગળ આવી બોલવા લાગ્યો.

ભાટ— આપે એટલો શ્રમ શા માટે લીધો ? અને સેલું પાગડી ક્યાં ગયાં?

કો૦— (જરાક ચમક્યો; પણ પાછો ઠેકાણે આવી બોલવા લાગ્યો કે ) સરકારની ચાકરી બજાવતાં જીવ જાય તો ફિકર નહીં, એવો અસલથી અમારો નિશ્ચય છે. અગર ગરદીને વિખેરી નાખતાં મરી જાત તો, તને સેલું પાગડી બક્ષીસ આપવા કહ્યું હતું તે રહી જાત. તેથી કરીને ઉતાવળમાં તારી પાસે સેલું પાગડી નાંખી હું તરવાર શોધવા ગયો હતો.

ભાટ— મહારાજ ! બક્ષીસ તો ભરીપૂરીને પામ્યો, પરંતુ ગરદી શાની ? તે જતી તો જાનબા પોવારનો સસરો હતો. આપનો હજુરી બાલોજી સીતો૯યા, આપે તેને એાળખ્યો નહીં શું ? તે જ જતી હતો. સસરા જમાઈની તે ગરદી શાની ? અમે જમાદારને તે જ વખત બથાવી રાખ્યો હતો, અને આપનું સેલું તથા પાગડી એક ચોર બગલમાં મારી નાસતો હતો, તેને પકડી ચાવડી ઉપર રવાને કર્યો છે. આ વાત સાંભળી ઘાશીરામને ઘણી જ લાજ આવી, તેથી તથા ઘુંટણ ને મોઢામાં વાગવાથી તે દુખતાં હતાં, તેથી અમારે હવે રોન ફરવા જવું જોઇએ, એવું બાનું કરી તમાસામાંથી ઉઠી ચાલ્યો ગયો.

--¤¤¤¤¤¤¤¤--