લખાણ પર જાઓ

ઘાશીરામ કોટવાલ/વાત ૮.

વિકિસ્રોતમાંથી
← વાત ૭. ઘાશીરામ કોટવાલ
વાત ૮.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૯. →


વાત ૮.

ઘાશીરામની મા વૃદ્ધ થઇને મરી ગઈ. તેને ધારા પ્રમાણે દહન દીધા પછી, ઘાશીરામે પોતાના દેશનો એક પંડિત બોલાવી, તેની પાસે ગરુડ પુરાણ વંચાવવાનો આરંભ કર્યો. પંડિતજીએ પુરાણ વાંચી અર્થ સમજાવ્યો. તે પુરાણમાં એવું લખ્યું હતું કે, પ્રેત (મરનાર)નો સંતાપ દૂર થવાને તથા તેની નવી દેહ પ્રાપ્ત થવાને નવ દહાડા સુધી નિત્ય તર્પણ કરવું અને એક પિંડ આપવો. દશમે દિવસે પ્રેતનો અરધા અંગુઠા જેટલો લિંગદેહ ઉત્પન્ન થાય છે; માટે તેને ભુખ તરસને વાસ્તે પિંડ આપવા પડે છે, તેથી તે દિવસે દશ પિંડ કરવા પડે છે. બાદ અગિયારમા, બારમા, ને તેરમાને દિવસ શ્રાદ્ધ કરવું પડે છે. તેમ જ માસીસા તથા વરસીને દિને શ્રાદ્ધ કરવું પડે છે. પ્રેતને ધર્મરાજ પાસે લઈ જાય છે. તે વખત રસ્તામાં તેને દુ:ખ ન થાય, તે સારુ શ્રાદ્ધ સમયે જરૂર ગાય, પથારી, જોડા, છત્ર, પંખો, કુંભ (ઘડો), શેરડીની હોડી તથા દીવી; એટલી વસ્તુનું દાન કરવું. બળદ છોડાવવા, ને જો એટલું ન થાય તો પ્રેતને પિશાચયોની પ્રાપ્ત થાય છે, ને તેનો મોક્ષ થતો નથી. સર્વ કાળ તૃષાની પીડાથી મોટું દુ:ખ પામે છે; કારણ કે પ્રેતના ગળાનું છિદ્ર સોયના નાકા જેવું બારીક છે, ને પીપળાનાં પાંદડાં ઉપર વરસાદ તથા ઝાકળનાં ટીપાં પડે છે, તે જમીન પર પડતાં પહેલાં ઝીલી લે તેટલું જ માત્ર પિશાચના પીવાના કામમાં આવે છે. બીજે સઘળે ઠેકાણે જ્યાં જ્યાં પાણી છે, ત્યાં વરુણ દેવતાએ પોતાના દૂતો મૂકી ભૂતોને પાણી લેવાની બંધી કરી છે. તે કારણસર પિશાચનું રહેવું હમેશ પીપળા ઉપર થાય છે. આ પ્રમાણે પંડિતજીએ ખુલાસેથી અર્થ સમજાવ્યો. પછી ઘાશીરામે પંડિતજીને એકાંતમાં લઈ જઈ વાતચિત કરી તે:-

ઘા૦— હવે હું મહારી માનું કારજ વિધિપૂર્વક કરીશ. આપ આજ્ઞા કરશો તેથી બમણું દાન આપીશ. મારા બાપ મરી ગયા ત્યારે મને ગરુડ પુરાણમાંની કાંઈ પણ વાત કોઈએ સમજાવેલી નહીં, તેથી મેં તેમની વાટ ખરચીની તજવીજ કરેલી નહીં. હવે શું કરું? તેમને પિશાચયોનીમાં દુઃખ પડતું હશે.

પં૦— આપે મનમાં ખોટુ લાવવું નહીં; મને તેનો ઇલાજ માલુમ છે.

ઘા૦— ત્યારે કહો મહારાજ કહો ! હું આપનો દાસ થઇને આપની આજ્ઞા પ્રમાણે કરીશ.

પં૦— આપના બાપને મુવાને જેટલાં વર્ષ થયાં હોય, તેટલાં કુંભ એટલે ઘડા તૈયાર કરવા; તેમાં એક રુપાનો ને બાકીના સઘળા ત્રાંબાના કરાવવા. જે દહાડે તેની મરણતિથિ હોય, તે દહાડે શ્રાદ્ધ કરીને સઘળા ઘડા દૂધે ભરીને કનોજીયા જાતના બ્રાહ્મણોને આપવા; એટલે તમારા બાપનું સર્વ દુ:ખ દૂર થઇ તેનો મોક્ષ થશે.

ઘા૦— મારા બાપને મરવાને બાર વર્ષ થયાં છે, તેથી બાર કુંભ કરાવવા પડશે. તે સઘળા કુંભોમાંનું દૂધ તેને કોણ પહોંચાડશે?

પં૦— બ્રાહ્મણો તે દુધ વરુણને પહોંચાડશે, વરુણ શ્રીકૃષ્ણ પાસે લઇ જશે. બાદ ત્યાંથી સૂર્યનારાયણ પાસે આવશે ને ત્યાંથી તમારા બાપને મળશે.

ઘા૦— એટલે દૂર સૂધી જતાં દૂધ બગડશે નહીં વારુ ? ને એકદમ બાર મણ દૂધ પીવાથી મારા બાપને મોરચી થઈ તો પછી શું કરશું?

પં૦— મંત્રના જોરથી દૂધ બગડશે નહીં ને આપના બાપ સાથે બીજા પિતૃઓ છે તેથી કરીને તમારા બાપને ભાગે દૂધ ઘણું થોડું આવશે.

ઘા૦— ઘણું સારું, માનું તેરમું જે દીને છે તેને બીજે દીવસે બાપની સમચરી છે; વાસ્તે આપે ચાંદીનો ઘડો લેવા આવવું તથા બીજા આ૫ની જાતના ૧૧ બ્રાહ્મણ લાવવા જોઇએ.

પં૦— મેં એવું દાન કદી લીધું નથી ને લેનાર પણ નહીં; કારણ કે એવું દાન લીધા પછી પ્રેતનું સઘળું પાપ દાન લેનારને માથે આવે છે.

ઘા૦— નહીં મહારાજ, આ૫ એવાં વચન શું બોલો છો ? આપ ઈશ્વરને સેવો છો; પછી આપને ભય શાનો ? મારી ખાતર સારું એટલી તસ્દી લેવી જ જોઇએ. પં૦— આપના આગ્રહને લીધે હું કબુલ કરું છું, પરંતુ એવું દાન લીધા પછી મારે તથા મારી સાથેના બ્રાહ્મણોને પ્રાયશ્ચિત્ત કરવું પડશે ને તે પ્રાયશ્ચિત્ત કરતાં ઘણો ખરચ લાગશે.

ઘા૦— હરેકને કેટલો ખરચ થશે ?

પં૦— થેાડામાં થેાડા સવાસો રૂપીઆ ખર્ચ લાગશે.

ઘા૦— કાંઇ ફીકર નહીં; એક કુંભ પાછળ સવાસો રૂપીઆ દક્ષણા આપીશ, એટલે બસ થશે.

આ પ્રમાણે એકાંત વાતચિત થયા પછી પંડિતજી પોતાને ઘેર ગયા. બાદ ઘાશીરામે એક કુંભ રૂપાનો ને ૧૧ કુંભ ત્રાંબાના તૈયાર કરાવ્યા. બાપની સમચરીને દિવસે પંડિતજીને બોલાવા મોકલ્યું. ત્યારે પંડિતજી પોતાના મોટા ભાઈ, એક પીતરાઈ ભાઈ બે ભાણેજ, પેાતે મણિયાર જાતની પરદેશણ રાખેલી હતી તેના બે છોકરા, ને રાખેલી એારતના બાપ તથા બે ભાઈ, તથા પોતાના ભાઇની રાખેલી કુંભારણનો એક છોકરો; એ સર્વને કપાળે પોતાની પેઠે વિભૂતિ લગડાવી તથા ચંદનના ટીલાં કરાવી, એ ૧૧ જણને લઇ કોટવાલને ધેર આવ્યા. પછી રુપાના તથા ત્રાંબાના ઘડાઓનું દક્ષિણા સહિત દાન લઇને, ખીર પુરી સારી પેઠે જમીને તથા પાનના બીડાં ખાઇને ઘેર ગયા. પછી મણિયારણ તથા કુંભારણના છોકરાંએાનાં ટીલાં ભુંસાવી નાંખીને માથે ફેંટા બંધાવી, બારે કુંભમાંનું દૂધ એક બીજા વાસણમાં ભરાવી બજારમાં વેચી નખાવ્યું. બે ત્રણ દહાડા પછી પંડિતજી પોતે દાઢી મુછ મુંડાવી કોટવાલને મળવા ગયા. તેની સાથે “ઈકડુન ટીકડુન”ની વાતો કરી કોટવાલ પંડિતજીનો હાથ પકડીને કોટડીમાં લઈ ગયા. તે જગે આ પ્રમાણે બોલવું થયું.

ઘા૦— પંડિતજી, આપને મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડ્યું, એ વાત ખરી છે; પણ અમારા બાપનો નરકયોનિમાંથી છૂટકો થયો.

પં૦— હા, થયો ખરો, પણ થોડી વાત રહેલી છે, તેનો દાખલો ગઈ રાત્રે સ્વપ્નમાં અમને માલુમ પડ્યો છે, તે આપને કહેવાને આવ્યો છું.

ઘા૦— કૈ વાત રહી ગઈ છે, ને સ્વપ્નામાં શું માલુમ પડ્યું છે ?

પં૦— એવું માલુમ પડ્યું કે, આજ સુધી સધળું તો બરાબર થયું; પણ માબાપને અન્ન પાણીની તજવીજ અદ્યાપિ સુધી કાંઈ થઈ નથી.

ઘા૦— તેને સારું શું તજવીજ કરવાની છે ? મારું વેતન સરકારમાં ઘણું થોડું છે ખરું; તો પણ આપની મહેરબાનીથી ખરચ કરવાને કાંઇ કમી નથી. પં૦— હવે એવું કરો કે, દરરોજ સવારમાં બે શીધાં, નિર્મળ પાણીએ ભરેલી બે ગોળી; એ રીતે એક પવિત્ર બ્રાહ્મણના દંપતીની (ધણી ધણીયાણી) પૂજા કરીને તેને આપવા, એટલે માબાપને સઘળું પહોંચ્યું.

ઘા૦— આપ એક દંપતીને શોધી કહાડી દરરોજ સવારે મોકલ્યા કરજો. ઘણું સારું, એમ કહી કોટવાલને આશીર્વાદ દઇ પંડિતજી પોતાને ઘેર આવ્યા. ઘરમાં પરણેલી સ્ત્રી કોઇને નહોતી, તેથી પોતાના મોટાભાઇ, તથા તેની રાખેલી કુંભારણ, એ બંને દંપતી કોટવાલ પાસે મોકલવાનો બેત કર્યો. પોતાનો ભાઇ તથા કુંભારણ ઘાશીરામને ઘેર શીધું તથા કુંભ લેવા જતાં હતાં; ને ત્યાં જતી વખત કુંભારણ બ્રાહ્મણીનો પહેરવેશ વગેરે કરતી હતી. પાછાં ઘેર આવ્યા પછી કુંભારણ ઘડા બજારમાં વેચી આવી પૈસા લાવતી; ને તે શીધું તથા દક્ષણા ઉપર પંડિતજી તથા તેના ભાઇઓ, પોતાનો નિર્વાહ બીજી આમદાનીની ગરજ શિવાય સારી પેઠે કરવા લાગ્યા. પંડિતજી કોઈ કોઈ વાર તિથિ પર્વણી હોય ત્યારે જાતે ઘાશીરામને ઘેર જતા આવતા. આવી રીતે પાંચ છ મહીના ગુજર્યા. એક દિવસે કોટવાલે પંડિતજીને બોલાવી એકાંત લઈ જઈ વાતચિત કરી તેઃ–

ઘા૦— પંડિતજી! ગઇ રાત્રે માબાપ સ્વપ્નમાં આવ્યાં, ને પાણી, પાણી, પાણી ! એવા શબ્દ બોલ્યાં, તેનું કારણ શું છે ?

પં૦— આજ ત્રણ દિવસ થયા આપને ઘેરથી જે ઘડા મળ્યા છે, તે ત્રણે ઘડા કાચા હતા, તે સબબથી દંપતીને ઘેર પહોંચતાં પહેલાં ફૂટી ગયા હતા; સબબ ત્રણ દિવસ સુધી માબાપને પાણી પહોંચતાં હરકત થઇ. આ વાતની આપને સૂચના કરવાની શંકા થઇ હતી; પણ હું આપને કહેવા આવ્યો નહીં.

ઘા૦— પંડિતજી ! અહીં ભીડ શાની છે ? તમારે મારી સાથે કાંઇ પડદો રાખવો નહીં, પાણી રાખવાની કાંઇ બીજી તજવીજ કરો.

પં૦— ચીનાઇ માટીના સફેત રંગના ઘડા મળે છે. તે મંગાવીને નિત્યે દંપતીને આપતા જાઓ; અને અમાસને દહાડે એક ત્રાંબાનો હાંડો ભરીને આપવો; તેથી કરીને એવું થશે કે, માટીનું વાસણ કાંઇ કારણથી કદાચ ફૂટી ગયું તો હાંડામાંના પાણીથી પિતૃઓની તરસ બૂઝશે.

આ વાત સાંભળી કોટવાલે કહ્યું કે, એ ઘણી સારી વાત છે. પછી પંડિતજીને તેને ઘેર જવાની રજા આપી ને ત્યારથી ચીનાઇ માટીના કુંભ મગાવી આપવા માંડ્યા. મહીનો પૂરો થાય, એટલે એક ત્રાંબાનો હાંડો આપવા માંડ્યો. પંડિતજીના ભાઇ જે ચીનાઇ માટીના ઘડા લાવતા હતા, તે પંડિતજીની રાખેલી મણિયારણની દુકાન હતી, ત્યાં વેચવા સારુ, લઈ જઈને મૂકતા હતા. જ્યારે ઘાશીરામના નોકરને ચીનાઇ માટીના ઘડા બીજે ઠેકાણે ન મળતા ત્યારે તેઓ એ જ દુકાનેથી વેચાતા લાવતા હતા. આ પ્રમાણે પંડિતજી તથા તેના ભાઇ તથા તેની રાખેલીઓનો રોજગાર ઘણા દિવસ ચાલ્યો. પછી તે રોજગાર ક્યારે બંધ થયો, તેની શોધ વાંચનારાઓની મરજી હોય તો તેઓએ જાતે કરી લેવો.