લખાણ પર જાઓ

ઘાશીરામ કોટવાલ/વાત ૧૨.

વિકિસ્રોતમાંથી
← વાત ૧૧. ઘાશીરામ કોટવાલ
વાત ૧૨.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૧૩. →


વાત ૧૨.

દશેરાને દિવસે ઘાશીરામ પોતાના માળ ઉપર બેસીને ત્યાંથી બારણા આગળ બાજીગરની રમત થતી હતી તે જોતો હતો. તે બાજીગરે હસ્તક્રિયા તથા બીજાને ઠગવાના તરેહતરેહના ખેલ કીધા. તેમાં એક છુરીનું પાનું નવ તસુ લાંબુ તથા પોણો તસુ પોહોળું પોતાના ગળામાં ઘાલી પાછું ઓકી કહાડ્યું. પાનું ગળામાં ઘાલતાં તથા બહાર કહાડતાં પોતાનો જીવ આકુળ વ્યાકુળ થયો એમ તેણે બતાવ્યું, તે ઉપરથી તે બાજીગરને કોટવાલે બક્ષીસ આપી રમત પૂરી કરાવી. તે વખતે કોટવાલની પાસે ઇટાલિયન સામાનના કારખાનામાંથી આવેલો હતો, તેની સાથે કોટવાલને વાતચિત થઈ તેઃ–

ઘા૦— જુવો એણે કેવો મોટો ચમત્કાર કરી બતાવ્યો.

ઇટાલિયન— તેણે આપને ઠગ્યા. તેણે છુરીનું પાનું મોહોડામાં પેસાડી દીધું એવું આપને દેખાડ્યું ખરું; પણ તે પાનું તેના ગળામાં બિલકુલ ગયેલું નહીં. છુરીની મુઠ પોલી છે, તે કારણથી પાનું ગળામાં પેસી ગયા જેવું આપને દેખાતું હતું; પણ તે પાનાની અણી માત્ર દાંતમાં તેણે પકડી હતી ને પાનું છુરીના હાથામાં પેસી ગયું હતું, તેથી મુઠ મોહોડે વળગી રહી હતી. એવા લોકો અમારા દેશમાં ઘણા છે ને તેઓ ઘણી ચાલાકીથી ખેલેા કરી બતાવે છે.

ઘા૦— એમ શું બોલો છો? એ જાદુગરની વિદ્યા છે. તે વિદ્યાના જોરથી એ જાદુગરને એવા અદ્ભુત ચમત્કાર કરી બતાવતાં આવડે છે.

ઇ૦— આપને મારાપર ભરોંસો નથી તો તેણે મોહોડામાં ઘાલેલી છુરી મંગાવીને જુવો. ઇટાલિયનના આગ્રહ ઉપરથી કોટવાલે સીપાઇ મોકલી તે બાજીગરને પોતાની પાસે તેડાવ્યો, ને કહ્યું કે જે છુરી ગળામાં પેસાડી દીધી હતી, તે જોવાને આપ. જાદુગરે છુરી ન બતાવતાં તે મંત્રેલી છે, બીજો હાથ અડકાડે તો તે જ વેળા મરી જાય; વાસ્તે આપે તેને હાથમાં લેવાનો ભરોંસો રાખવો નહીં, એવો જવાબ દીધો. તે ઉપરથી ઇટાલિયન માળ ઉપરથી નીચે આવીને જાદુગરને કહેવા લાગ્યો કે હું મરીશ તો ફીકર નહીં, મારા હાથમાં તે છુરી આપ. તે વખત મંત્રેલી જીનસ બીજા કોઇના હાથમાં આપવી નહીં એવા અમારા ગુરુનો હુકમ છે; વાસ્તે તમે મારો જીવ લ્યો તો પણ છુરી તમારા હાથમાં આપનાર નહીં, એવો જવાબ દઈ તે બાજીગર ચાલ્યો ગયો. તે ઉપરથી ઇટાલિયન કોટવાલ પાસે પાછો ઉપર આવ્યો. તે વખત તેઓનું બોલવું થયું તે:—

ઘા૦— તમે કહો છો તે અમને હવે ખરું લાગે છે.

ઇ૦— છુરી તથા ચકુ ખરેખર ગળી ગયાના કેટલાક દાખલા અમારા દેશમાં થયેલા છે. તેમાં ચક્કુનાં પાનાં ઉઘડાય ભીડાય એવાં હોય છે; તેવાં પચીસ ચક્કુ એક જાન કમિંગ્સ નામનો અમેરિકન દરીઆ કીનારા ઉપર રહેનાર હતો, તેણે અનેક વેળા ગળેલ છે. તે સિવાય એક દિવસમાં ચૌદ ગળ્યા હતા. બાદ તે એવું કરવાના સબબથી રોગી થઈ મરી ગયો. વિલિયમ ડેમ્સટીર નામનો એક બાજીગર કાર્લૈલ શહેરમાં તમાસો કરતો હતો. તેણે હાથમાં એક છુરી લઇને એ ગળી જાઉછું એવું આસપાસના લોકોને કહીને મોહોડામાં ઘાલી. તે વખત પોતાની કોણીને કોઇ હાથ લગાવે છે એવું તેને માલુમ પડવાથી ગભરાયો. તે કારણથી તે છુરી હાથમાંથી સરી ગઈ ને ગળામાં ઉતરી પેટમાં ગઈ. તે વખતે એ ઘણો બીધો. બાદ ઓસડ કરવા સારુ તેને ગરીબ લોકોને મુફ્ત દવા આપવાનું દવાખાનું હતું ત્યાં લઇ ગયા. ત્યાં ઘણી તરેહના ઉપાયો કર્યા. આખરે પેટ કાપી છુરી બહાર કહાડવા શિવાય સારું થનાર નથી એવો વૈદોએ સભા કરીને ઠરાવ કર્યો, ને પેટ કાપવાની તૈયારી કરી, પણ વિલિયમે તેમ કરવા દીધું નહીં, તે કારણથી તે મરણ પામ્યો. તેની ઉમર સુમારે ૨૮ વર્ષની હતી, ને જે છરી પેટમાં ઉતારી હતી તે નવ તસુ લાંબી ને એક તસુ પહોળી હતી. તેને હાથીદાંતનો હાથો હતા, ને તે છુરી ગળ્યા પછી તે બે મહીના સુધી જીવ્યો હતો. સન ૧૬૩૬ ના વર્ષમાં પૃશિયા દેશમાં એવી જ રીતે એક બાજીગરના હાથમાંથી છુરી ફૂટી પડવાથી ગળામાં ઉતરી પડી હતી. તે તેનું પેટ કાપી વૈદ લોકોએ કહાડી હતી. બાદ તેનો જખમ રુઝાઈ તે સારો થયો હતો. ઘા૦— આટલા ઉપાય શા વાસ્તે કરવા જોઇએ? તમારા દેશના વૈદમાં અક્કલ નહીં, તથા વૈદક શાસ્ત્રની બરાબર સમજ પણ નહીં એવું ખુલ્લું જણાય છે. એક જણ કદાપિ તેના સપાટામાંથી જીવતો રહ્યો તો તે ગરીબનું મોટું ભાગ્ય સમજવું. અમારા યુનાની હકીમ તથા દક્ષણી વૈદ ઘણા હોંશિયાર હોય છે. એક માણસના પેટમાં પાણી પીતા ચાર હાથ લાંબો સાપ ગળી જવાયેા હતો, તે વખતે તેને શ્રીપંત વૈદે એક માત્રા આપી, તે સાપ જીવતો પેટમાંથી કહાડ્યો. તે પકડી અમને પ્રત્યક્ષ દેખાડવા સારુ તે લાવ્યા હતા ને તે બદલ તેને સરકારમાંથી એક ગામ ઇનામમાં મળ્યું હતું.

ઇ૦— જેના પેટમાં તે સાપ પેસી ગયો હતો તે કોણ હતો ? તે સાપ ગળી જતાં કોઇએ દીઠું હતું કે નહીં?

ઘા૦— તે હમારા કારખાનાનો કારકુન હતો ને શ્રીપંત વૈદની જાતનો બ્રાહ્મણ હતો. તેણે સાપ અંધારામાં પાણી સાથે તેના પેટમાં પેસી જવાની હકીકત કહી હતી. તમારી મરજી હોય તો તેને બોલાવી પૂછું.

ઇ૦— તેને બોલાવવાની કંઈ જરૂર નથી. માણસના ગળાનો છેદ, ચાર હાથ લાંબા સાપનું જે જાડાપણુ છે તે બિલકુલ માનવા જોગ નથી. વાસ્તે જે પદાર્થ મોહોડાને રસ્તે પેટમાં જાય છે, તે ધાતુ, પથ્થર અથવા બીજી કાંઈ કઠણ ચીજ હોતી નથી; ત્યારે જે સ્થિતિમાં ગઈ તે જ સ્થિતિમાં બીજા દ્વારથી બહાર નિકળતી નથી, તેવું જો એકાદ પેટમાં ગયું, તો પછી આંતરડાની નળી છે, તેમાંથી ઉતર્યા શિવાય સફરાને રસ્તે નિકળનાર નથી; અને જે મનુષ્યની જેટલી ઉંચાઈ, તેથી છ ગણી લાંબી આંતરડાની નળી તેના પેટમાં હોય છે. વાસ્તે સાપ જીવતો ગયો તેવો જીવતો બહાર નિકળ્યો, એ વાત કાંઈ સંભવતી નથી. આપને તથા સરકારને શ્રીપંત વૈદ તથા આપના કારકુન એ બંનોએ એક સંપ થઇને ઠગ્યા, એ ખચીત છે.

ઘા૦— તમારા લોકોની સમજ ખોટી છે. પેટમાં જીવજંતુ પડે છે કે નહીં? અને હાથી કોઠ ગળે છે, તે તો તેવું બહાર નિકળે છે. મેં નજરે નજર જોયું છે.

ઈ૦— જીવજંત તથા કોઠ એ બંનેનો પ્રકાર નિરાળો છે.

ઘા૦— તે શી રીતે કહો વારુ?

ઈ૦— જંતુ મૂળથી જ પેટમાંના પેટમાં જ ઉત્પન્ન થઈ તેનું ત્યાં જ પોષણ થાય છે; ને તે આંતરડામાં ફરે છે, તે કારણથી તેમાંનો કોઈ જીવ મોહોડાવાટે અથવા ઝાડાને રસ્તે બહાર નિકળે છે; પછી બહારની હવા લાગી એટલે મરી જાય છે. હાથીના પેટમાં આંતરડાંની નળી કોઠ કરતાં વધારે મેાટી છે, ને તે ફળનાં કાચલાં લાકડાં પ્રમાણે કઠણ છે. તે કારણથી તે પેટમાં એાગળી જતાં નથી; તો પણ તે કોઠના ઉપર ઘણા બારીક છેદ હોય છે; તેમાંથી જઠરાગ્નિ તે કોઠમાંનો રસ ચુસી લે છે. બાદ માત્ર પેલું કોઠ બહાર નિકળે છે. જો આપ કોઠ ફોડીને જોશો તો સહેજ આપને માલમ પડશે.

ઘા૦— તમારા તર્ક ઘણા લાંબા ચાલ્યા. તમારી સાથે વાદ કરવાથી કાંઇ ફળ નહીં. અમે પ્રત્યક્ષ સાપ જોયો તે ખોટું ને તમારી ખોટી ફુકરાજી ખરી એ કેમ થાય ?

ઈ૦— મરેલાં માણસ તથા કાપેલાં જાનવર અમારા જોવામાં ઘણી વાર આવ્યાં છે, તેથી પેટની અંદરની રચનાની અમને ખબર છે.

ઘા૦— હવે બસ કરો – બસ કરો ! જંગલી લોકમાં તથા પશુમાં કાંઈ અંતર નહીં. તેથી તમારા બોલવાનો ગુસ્સો અમને નથી. જાઓ, હવે વખત થયો. રેસિડેંટ સાહેબ શહેરમાં તોપખાતાની કવાયત જોવા આવનાર છે, તે વખત તમારી હુંશિયારી બતાવવી.

ઈ૦— એ જેમ હશે તેમ – એવું કહી ચાલ્યો ગયો.