ઘાશીરામ કોટવાલ/વાત ૨૭.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વાત ૨૬. ઘાશીરામ કોટવાલ
વાત ૨૭.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૨૮. →


વાત ૨૭.

ઘા૦— અરે મુનશી સાહેબ, તમે મ્હોટા મહાભારતી દેખાઓ છો. તમારી પાસે ઘણો જ સંગ્રહ છે, તેમાંથી કાંઈ ચમત્કારિક વાત તો કહો. મુ૦— ફ્રાન્સ દેશમાં આવીગનન કરીને એક ઠેકાણું છે ત્યાં એક પથ્થર ખાનારને લાવ્યા હતા. તે દોઢ તસુ લાંબો, એક તસુ પહોળો, ને અરધો તસુ જાડો, એવો પથ્થરનો કડકો ખાઈ જતો હતો. તે પથ્થરનો કડકો મ્હોડામાં નાંખીને ચાવીને ભૂકા કરી ગળી જતો હતો. 'એ ખાવું તેને સારું લાગતું હતું. તેનું ગળું ઘણું મ્હોટું ને દાંત ઘણાં મજબૂત હતા. તેનો કોઠો બીજાં માણસોના જેવો જ હતો. આ સખસ એક બેટ ઉપરથી હાથ આવ્યો હતો. તે પથ્થરની સાથે કાચું માંસ ખાતો હતો. તેને ભાખરી આપતા તો તે ખાતો નહીં ને મધ તથા પાણી ઘણી હોંશથી પીતો. જમીન ઉપર બેઠે ઝોલાં ખાધા કરતો. તેની ફસ ખોલીને લેાહી કાઢ્યું હતું. તે થોડી વારમાં થીજીને પરવાળા જેવું થઈ ગયું. તે બે ત્રણ શબ્દ બોલતો હતો.

ઘા૦— કેટલાક સાધુ બાવાને મ્હોડામાંથી સાળિગ્રામ ને સોનું કહાડતાં અમે જોયા છે તે શું હશે ?

મુ૦— તે સઘળો ઢોંગ છે. તેમાં મંત્ર તંત્ર કાંઈ નથી. હળવે હળવે અભ્યાસ કરી ટેવ પાડી, એટલે કાંઈ પણ ન્હાનો પથ્થર ગળીને તે બહાર કહાડતાં માણસ શીખી શકે છે.

ઘા૦— (રધુનાથ ભટજી નજદીક, હતા, તેની તરફ જોઈને) માંત્રિક બાવા, આ મુનશી શું કહે છે?

ભ૦— એ મુસલમાન લોકોને આપણાં શાસ્ત્રની ખબર નહીં. તે કારણથી ખેાટી ખેટી કલ્પના કરે છે. જ્યારે સઘળો ઢોંગ છે, ત્યારે અમે મંત્રો કરીને સોનાની પુતળી ચલાવીએ છઈએ; રૂપાની વાડકી ચલાવીએ છઈએ. પિશાચથી બેશુદ્ધ થએલા માણસને સાવધ કરીએ છઈએ તે કેમ ?

મુ૦— એ સઘળી ઠગવાની વાતો છે. હમણા દિવસની વખતે અજવાળામાં સોનાની પુતળી અથવા રૂપાની વાડકી મંત્રથી ચલાવી આપો તો વધારે તો શું; પણ આપના પગ આગળ સવાસો મ્હોર નજર કરું.

ઘા૦— માંત્રિકબાવા, ઠીક છે, ચાલો તમારું પરાક્રમ મુનશીને બતાવી ખાતરી કરી આપો.

ભટજી— સૂર્ય આથમ્યા પહેલાં એવાં અઘોર કામ કરી બતાવવાની અમારા ગુરુની આજ્ઞા નથી. વળી મુસલમાન લોકોની રુબરુ અમારાથી મંત્રનો જપ થાય નહીં.

મુ૦— (મોટેથી હસીને) કોટવાલ સાહેબ, ભટજી બાવાએ મેાટી હરકત બતાવી ! પૈસા, રૂપિઆ તથા વાડકીઓ રાતની વખત ચલાવવાની કૃતિ કરનાર ફક્ત બ્રાહ્મણ જ છે એમ નથી. કેટલાક મ્હાર, ઢેડા ને મુસલમાન સુદ્ધાં એવી ઠગબાજી કરીને લોક પાસેથી પૈસા ધુતી લે છે.

કો૦— એ શી રીતે કરે છે, તે તમારા જાણવામાં છે ?

મુ૦— હા, મને ખબર છે. મરજી હોય તો કરી બતાવું એમ કહીને મુનશી બહાર જઈ ઘોડાની પુછડીના પાંચ દશ બાલ લાવ્યો, ને તે એક બીજાને યુક્તિથી બાંધવા લાગ્યો; તે જોઈને માંત્રિક બાવા કાંઈ બહાનું કરીને ઉઠવા લાગ્યા. તે વખત કોટવાલે તેને બેસવાનો ઘણો આગ્રહ કર્યો; પણ તે ન સાંભળતાં ભટજી ચાલ્યા ગયા. બાદ મુનશીએ તે બાલનો એક છેડો એક રૂપાની વાડકીને ગુંદરથી ચોટાડ્યો, ને બીજે છેડો પોતાના હાથમાં રાખીને કોટવાલ તથા બીજા કેટલાક લોકોને ઘરમાં એક કોટડીમાં લઈ ગયા, ને તે કોટડીની સઘળી બારીઓ બંધ કરી અંધારું કર્યું ને એક દીવો ત્યાં કર્યો. પછી એક હાથમાં અડદના દાણા ને એક હાથમાં બાલ રાખી, વાડકા - આગળ મૂકીને તે ઉપર અડદ છાંટી “ચલ બે” “ચલ બે” એમ કહી પોતે ઉઠીને હળવે હળવે ફરવા માંડ્યું. તે વખત તેની પાછળ વાડકી ચાલવા લાગી. બાદ નીમાળાને છેડે પાઘડીના તોરાએ, પગે તથા અંગરખા વગેરે ઠેકાણે બાંધીને વાડકીને બેસાડી, સુવાડી, તથા આગળ હઠાવી બતાવી. આ સઘળો પ્રકાર કરી બતાવ્યો; પણ ઘોડાની પુછડીનો વાળ કાળો હતો, તે કારણથી તે કોટડીમાં અંધારું કર્યા બાદ કોઈના જોવામાં આવ્યો નહીં. પછી એ પ્રમાણે જ યુક્તિ કરીને પૈસા તથા રૂપીઆને મીણ ચોંટાડી તે મીણની નીચે બગાઈ વગેરે ન્હાનો જીવડો ચોટાડી ચલાવે છે, તે વાત સમઝાવી દીધી. તે વખત કોટવાલની પક્કી ખાત્રી થઈ. પછી કોટડીની બારીઓ ઉઘાડી નાંખીને બોલવું થયું તે:—

કો૦— મુનસી સાહેબ, તમે ખુબ કરી ! હવે પિશાચ નડે છે ને તેથી માણસ તરેહવાર ચમત્કાર કરે છે તે શું છે તે કહો.

મુ૦— સઘળાનાં ધર્મ પુસ્તકમાં ફિરસ્તા, રાક્ષસ તથા દેવદૂત છે, એવું કહેલું છે, ને તેની અનેક જાતિ છે. તેમાં કેટલાંક સારા સ્વભાવનાં ને કેટલાંક નઠારા સ્વભાવનાં છે. તેમાં બીજી પદવીનાં ભૂતને દેહ હોય છે, એવો પણ કોઈનો મત છે. તેએાની કદાચ પરમેશ્વરે એવી યોની ઉત્પન્ન કરી હોય તો તે ભૂત તમારા મારા ઘરમાં આવીને પીડા કરે છે, એ સમજણ ખેાટી છે; કારણ કે માણસના શરીરની રચના ઘડિયાળની અંદરના યંત્ર જેવી છે; ને તે ઘડિયાળમાંના યંત્રને હવા તથા પાણી લાગવા ન દેતાં તથા ધકકા અથવા ઠોકઠાક ન કરતાં એમને એમ સંભાળી રાખી વખતસર કુંચી આપીએ, ને જે જગે તેલ લગાડવાનું હોય ત્યાં પ્રમાણસર બરાબર વખતે લગાવીએ તો તે યંત્ર ઘણાં વર્ષ સુધી બગડે નહીં; ને તે જ પ્રમાણે માણસના શરીરની તજવીજ રાખી હોય ને ખાવા પીવાનો નિયમ બરાબર રાખ્યો હોય તો તે આરોગ્ય રહે, એવું જૂનાં વૈદકશાસ્ત્ર લખનારાઓ કહી ગયા છે ને તે પ્રમાણના દાખલા શુદ્ધ કરી બતાવેલા છે. તેથી જો તમારા ભૂત તથા પ્રેતને દેહ છે, ત્યારે તે દેહથી તમારા અમારા મ્હોમાં, નાકમાં અથવા કાનમાં પેશી જાય છે એ વાત માનવા જોગ નથી; પણ કેટલાક રોગ છે, તે વાયુરૂપે શરીરમાં પ્રવેશ કરે છે, અથવા બીજા અનેક કારણથી શરીરમાં ઉત્પન્ન થાય છે; તે થકી માણસ ભ્રાંતિમાં પડી બેશુદ્ધ થાય છે, ને તે બેશુદ્ધપણામાં ગમે તેમ લવે છે ને કામ કરે છે. એ વાતના દાખલાની ઉંઘમાં ઉઠીને ચાલનાર તથા કામ કરનાર માણસેાનાં કાન ઉપરથી ઘણી સાબીતી થાય છે.

ઘા૦— ડાકણ, ચૂડેલ ને સ્મશાનમાંનાં પિશાચની વાતો હમેશ સાંભળવામાં આવે છે તે શું છે ?

મુ૦— પિશાચ તથા ચૂડેલની વાત આ દેશમાં જેવી પ્રસિદ્ધ છે, તેવી આર્બસ્થાન તથા યુરોપખંડના અનેક દેશમાં પ્રસિદ્ધ હતી અને હાલ સુધી પણ અનેક દેશમાં મશહુર છે. કબરસ્થાનમાંથી રાત્રે પ્રેત ઉઠીને ન્હાનાં છોકરાં તથા ખુબસુરત ઓરતોનું લોહી ચૂસી લે છે, એવી સમજ હાલ સુધી છે, ને તે પ્રેતને “વીંપાયર ” એટલે ચુડેલ કહે છે. જે માણસ આપઘાતથી મરે છે તે ભૂત થાય છે; ને આ કારણથી હાલ સુધી ફિરંગીના રાજમાં એવી ચાલ છે કે, કોઈએ હુંશિયારીમાં રહીને આત્મહત્યા કરી તે તેની લાસ દાટતી વખત તે લાસના બદનમાં એક મેખ આરપાર ઠોકી ઘાલે છે, કે તે મેખથી પ્રેત ઉડી શકે નહિ ને લોકોનાં લોહી ચૂસવા તેનાથી જઈ શકાય નહિ. સને ૧૦૦૦ માં ઐસ્લાંડ બેટમાં એવું બન્યું કે, એક ઘરમાં તીસ ચાકર હતા, તેમાંના અઢાર મરી ગયા. તેઓને ભૂતે માર્યા, એમ બીજાઓને લાગવાથી ત્યાં મ્હોટી દેહશત પેદા થઈ. તે વખત ત્યાંના ન્યાયાધીશે સભા કરી, કાયદા પ્રમાણે ચોકસી કરીને આ દુષ્ટ ભૂતને દેશપાર કરવાની સજા ઠરાવી !

ઘા૦— તમે સને ૧૦૦૦ ની વાત કહી, તેને હાલ કેટલાં વર્ષ થયાં ?

મુ૦— તે વાતને હાલ ૭૦૦ વર્ષ થયાં છે; પણ એટલે દૂર શા વાસ્તે જવું પડે? સને ૧૭૩૨ માં આસ્ત્રિયા દેશમાં એવો ચમત્કાર થયો કે, એક ઘાસવાળો ઘાસની ગંજી નીચે દબાઈ મરણ પામ્યો. તે મરતાં વેંત પિશાચ થઈને રાત્રની વખતે લોકના ઘરમાં પેસી તેઓનાં લેાહી ચૂસતો એવી વાત ઉડી ને તેના ઉપદ્રવથી બીજા ચાર જણ ગુજરી ગયા, એમ લોકોના જાણવામાં આવ્યું. તે ઉપરથી તે શહેરના કોટવાલે સરકારી હોદ્દાથી કબરસ્તાનમાં જઈને, તે ઘાસવાળાની કબર તથા તેની પીડાથી મરેલા ચાર જણની, કબર વિધિ પ્રમાણે ખોલાવી, ને તે પાંચે મુડદાનાં આંગમાં મેખો ઠોકાવી તે મુડદાં પાછાં દાટી કબરો પાછી દુરસ્ત કરાવી લીધી; પણ એટલા પરથી લોકોના મનની શાંતિ ન થતાં તે ઘાસવાળો તે જ મુજબ લોકોને પીડા કરે છે ને તેણે જે ઢોરોનાં લોહી સોસી લીધાં તેનું માંસ જેણે થોડું થોડું ખાધું તે મરી ગયાં, એવો મોટો હાહાકાર થયો. તે ઉપરથી સરકારના હુકમ પ્રકાણે સત્તર કબરો ખોલી તેનાં મુડદાં ઉપર ભૂત થયાનું તોહમત મૂકી, તે તેહમત તપાસ કરતાં સાબીત થવાથી તે મુડદાંને શિક્ષા ઠરાવી. તેને બાળી રાખ કરી, ને તે રાખ નદીમાં નાંખી દીધી. તો પણ લોકોના મનનું સમાધાન થયું નહિ. આખરે તે ઘાસવાળાનું મુડદું કબરમાંથી પાછું બહાર કહાડી છ દિવસ સુધી બહાર રાખ્યું. બાદ ફાંસી દેવાના થાંભલા પાસે દાટ્યું. ત્યાંથી પાછું બહાર કહાડીને તેનું માથું તથા હાથ પગ કાપી નાંખી તેનું પેટ ચીરી તેમાંથી તેનું કાળજું બહાર કહાડ્યું. બાદ કાળજું તથા લાસ બાળી રાખ કીધી. તે રાખ કોઈને હાથ ન લાગે વાસ્તે સંભાળીને એક થેલીમાં ભરી, તે થેલી નદીમાં નાંખી દીધી.

ઘા૦— જ્યારે એ સઘળું ખોટું છે, ત્યારે ફલાણા માણસે પિશાચ થયલું નજરે જોયું એવું ઘણા લોક કહે છે, તેનું કારણ શું ?

મુ૦— તમારા લોકો ઘણું કરીને લાસને બાળી રાખ કરે છે; ને અમારા ખ્રિસ્તિ ધર્મના લોક મુડદાને દાટે છે, તેની આખરે ખાક એટલે માટી થઈ જાય છે, એ વાત દુનિઆમાં જાણીતી છે. કોઈ શ્રીમંત લોક મુડદામાં ખુશબો વગેરે મશાલો ભરે છે, પછી લાકડાની પેટી બનાવી તેમાં તેને ઘાલી, પેટી બંધ કરી ધાતુના પત્રાંથી મ્હડાવે છે; તેથી તે લાસ ઘણા વર્ષ સુધી ટકે છે એવી લાસો મિસર દેશમાં એક મ્હોટું ભોંયરું છે તેમાં હજારો વર્ષ ઉપર મૂકેલી હાલમાં હાથ આવે છે. જે વખત માણસ પેદા થાય છે, તે વખત તેનું જેટલું શરીર હોય છે તેટલું જ તેના મરવા સૂધી રહેતું નથી. તેમાં વીસ અથવા ચાળીસ વર્ષનો કોઈ માણસ મરણ પામ્યા હોય, તેના શરીરને અગ્નિએ અથવા જમીને નાશ કર્યો હોય, ત્યાર પછી તે ભૂત થવાનો હોય તો તે કયા રૂપમાં થાય? ને પંચતત્વ જેને તમે પંચમહાભૂત કહો છો, તેમાંથી ભૂમિતત્વ જે પદાર્થમાં નથી, તે પદાર્થનો આકાર બિલકુલ દેખાવાનો જ નહીં, ત્યારે માણસના શરીરનો નાશ તમે અગ્નિથી કર્યો, એટલે ભૂમિ તત્ત્વ તો રહ્યું જ નહિ. પછી તેની તમારા જોવામાં આવે એવી આકૃતિ ક્યાંથી થાય? સ્વપ્નમાં જેમ દૂર દેશની ચીજ, તથા આપણા જોવામાં આવેલું માણસ દેખાય છે, તે પ્રમાણે જાગૃત અવસ્થામાં બુદ્ધિમાં કાંઈ ભ્રાંતિ પડી જવાના કારણથી ખેાટી છાયા દેખાય છે. પછી જેવું જેવું મનમાં આવે, તેવી તેવી તે છાયાની આકૃતિ થાય છે, ને ધુતારાઓ ભોળા લોકોને કપટ કરીને પણ ઘણા ફસાવે છે, તેની અનેક વાતો છે.

કો૦— કેટલાક પંચાક્ષરી તથા મંત્રીઓ હથેલીમાં કાજળ ચોપડીને તેમાં પિશાચ બતાવે છે તે શી રીતે ?

મુ૦— તે સધળું ખોટું છે. હથેલીમાં કાજળ લગાડનાર જે મંત્રી હોય છે, તેનો જ નીમેલો માણસ તે હથેલીમાં જોનાર હોય છે તેને શીખવી રાખ્યો હોય છે, તે પ્રમાણે તે બોલે છે. તેથી ભોળા લોકો ઠગાઈ જાય છે. ધંતર મંતર કરનાર લોક એવું કરે છે કે, કોઈ ભોળો માણસ તેના કબજામાં આવ્યો, ને તેને ઘેર કોઈ બિમારીથી પકડાયો હોય અથવા કાંઈ દુઃખથી ઘેરાયો હોય એવી ખબર તે મંત્રીને થઈ, એટલે માણસની ખોપરી અથવા હાડકું અથવા લીંબુ કાપીને તેમાં સીંદૂર ભરીને અથવા બીજા ઘણા પ્રકારો છે, તેમાંના કાંઈ કરીને, ખોપરી અથવા બીજો પદાર્થ કોઇને હાથે તે ભોળા ગૃહસ્થના ઘરમાં, અથવા પરસાળમાં અથવા ઠીક પડે તે જગે દટાવે છે અથવા સંતાડે છે. બાદ મંત્રી કોઇ મારફત અથવા પોતે જાતે જઇને તે ભોળા માણસને, હું ઇલાજ કરું છું, એમ કહે છે. બાદ તેની પાસે કાંઇ ખરચ કરાવી, ધૂપ, નાળિયેર, ફુલ, પાન તથા મેવા મિઠાઈ મંગાવી, મંડળ ભરી, પેાતે આંખના ડોળા કહાડીને પોતામાં કાંઈ આવેશ આવ્યો હોય એમ અથવા બીજું કાંઇ કરીને બોલવા લાગે છે કે, આ ઘરમાં એક માણસને અવલ દાટેલું છે, તે પિશાચ થઈને નડે છે તેનો ઉપાય છે; પણ તે કરવાને ખરચ લાગશે. બાદ પેલો ભોળો મરદ અથવા સ્ત્રી જે હોય, તે ખરચ કરવાનું કબુલ કરે છે. ત્યારે તે કહે છે કે, ભૂત થયલા માણસની ખોપરી આ ઘરની આસપાસ પાંચ હાથના અંતર ઉપર છે, તે મંત્રથી શોધી કહાડીને તેનું વિસર્જન કરવું અથવા બાળી દેવી જોઇયે ને ભૂત થયલા માણસની ગતિ થવી જોઇયે. બાદ ઓરત અથવા મરદ ઘણું બીહે છે, તેથી મંત્રી ટીપ કરી આપે, તે પ્રમાણે કપડાં, પોશાક તથા ખાવાનો પદાર્થ તૈયાર કરે છે. બાદ બીજે દિવસે અથવા ત્રીજે દિવસે અથવા વગ આવે તે પ્રમાણે, તે મંત્રી પેલા ભોળા માણસને ઘેર ઘણું કરીને રાત્રે આવે છે. પછી મંડળ ભરી ધામધૂમ બતાવી નાચતો કુદતો ઘરની અંદર અથવા પરસાળમાં જઇને કોદાળી અથવા નરાજ લઇને ખોપરી પૂરેલી જગાએ તે દાટનાર માણસના હાથથી ખોદાવે છે. બાદ પોતે તે ખાડામાં હાથ ઘાલી ખોપરી બહાર કહાડી હાય હાય કરી ઉંધો ચત્તો થઇ જમીન ઉપર મૂર્છા આવી હોય તે પ્રમાણે પડે છે. બાદ સાવધ થઇને તે ખોપરી ઉપર મંત્ર બોલ્યા પ્રમાણે કરીને તે ઉપર સીંદુર તથા અડદ વગેરે નાંખીને બધાને દેખાડી પોતાના માણસોને પોતાને ઘેર અથવા બીજી કોઈ જગે લઈ જવાનું કહે છે. બાદ પોતે ઘણો જ થાકી ગયેલો હોય, તે પ્રમાણે કરી મંડળમાં મૂકેલી ચીજોને પોતાને ઘેર લઇ જાય છે. આટલું થવાની સાથે પેલા બિચારા ભોળા માણસની પીડા દૈવયોગે દૂર થઇ તો થઇ, નહિ તો તેને વગર કારણે દંડ થયા જેવું થાય છે. અમે મુસલમાન લોક ભૂતને સેતાન કહીએ છઇએ, તેનો અસલ અર્થ “દુશ્મન" થાય છે. અંગ્રેજ લોક ભૂતને “ઘોસ્ટ” કહે છે, તેનો અર્થ તથા તમે ભૂત કહો છો, તેનો એકજ અર્થ પ્રેતની છાયા થાય છે, એવો અમારો મત છે.

કો૦— ફિરંગીની વિલાતમાં ઢોંગ ધતુરાવાળા લોકો છે કે ?

મુ૦— ઘણા છે. તેમાંની એક વાત તમને કહું છું, તે સાંભળીને તમને આજ મ્હોટી ખુશી થશે. સને ૧૭૦૪ માં લંડન શહેરમાં એક માણસે મ્હોટા ગૃહસ્થનો વેશ લઇને હાથ નીચે પાંચ દસ નોકર રાખી, એક તોફે સામાન સહિત મિજલસી મકાન ભાડે રાખ્યું. તેમાં કેટલાક દિવસ રહ્યા પછી પોતાનો સગો ભાઇ મરી ગયો, એવો બુઠ્ઠો ઉઠાવી તેને સદ્ગતિ થવા સારુ તેની લાસને આપણ મકાન ઉપર લાવવી જોઇયે એમ કહીને, તે મડદું પોતાના મકાનમાં લાવવાની ઘરધણીની રજા લીધી. બાદ પોતાના ભાઇના મુડદાને એક સારી શોભીતી પેટીમાં ઘાલી પોતાને ઘેર લાવી ઘરમાં તે પેટી મૂકી, ને પોતે તથા પોતાના ચાકર દફન કરવાનો સામાન લેવા સારુ ગયા. તે ગૃહસ્થ રાતના બાર વાગ્યા સુધી પાછો આવ્યો નહિ, ત્યારે ઘરધણી તથા છોકરાં માણસો, સઘળાં સુઇ ગયાં. એક દાસી ફકત બારણા ઉઘાડવા સારુ જાગતી હતી. તે રસોઇખાનાની કોટડીમાં ચુલા પાસે એકલી બેઠી હતી; ત્યાં એક ઉંચો માણસ તે કોટડીમાં જઈ તે ઓરતની સામે એક ખુરસી હતી તે ઉપર બેઠો. તેને જોતાં વેંત તે ઓરતે મોહોટેથી ચીસ પાડી ને તીરની પેઠે બીજી બાજુના બારણામાંથી શેઠ તથા શેઠાણીના ઓરડામાં નાસી ગઇ, ને તેએાને જાગૃત કર્યાં, એટલે તે પિશાચ જેવો સખસ આંગ ઉપર કપડું ઓઢેલું ને મોહોડું પ્રેતના જેવું હતું, તે સુવાના ઓરડામાં આવી બારણા પાસે એક ખુરશી ઉપર બેઠો, ને ભયંકર રીતે ડોલા ફેરવીને ચ્હેરો વાંકો ચુંકો કરવા લાગ્યો. તેથી તે એારડામાં સુનારાં તેની સામે જોઇ શક્યાં નહીં; ધણી અને ધણિયાણી બંને ગભરાઇને મ્હોડા ઉપર લુગડું ઓઢી બિછાનામાં સુઇ રહ્યાં ને ચાકરડી પણ તેના પલંગ પાસે બેહોશ થઈને પડી. ઘરમાં ચારે તરફ ગરબડાટ ચાલ્યો, તેથી બધાને ઘણી બ્હીક લાગી. થોડીવાર પછી ગડબડ કમી થઇ ને નિરાંત થયા પછી ઘર ધણીએ માથું ઉંચકીને ખુરશી સામે જોયું તે પિશાચ માલુમ પડ્યો નહીં; તેથી ધીરજ રાખી ઓરડાની બ્હાર આવ્યો ને જોયું તો ઘરમાંનો તમામ સામાન સરંજામ દીઠો નહીં. બાદ એવું માલુમ પડ્યું કે, એક નામાંકિત મ્હોટા ચોર આર્થર ચેમ્બર્સે તે પ્રેતનો વેશ લીધો હતો, ને જે માણસ તે ઘરમાં મુકામ કરીને રહ્યો હતો તે તેનો સોબતી હતો. આ મ્હોટો ચોર આખરે સને ૧૭૦૬ માં ફાંસીએ ગયો.

--¤¤¤¤¤¤¤¤--