ઘાશીરામ કોટવાલ/વાત ૨૨.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વાત ૨૧. ઘાશીરામ કોટવાલ
વાત ૨૨.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૨૩. →


વાત ૨૨.

બીજે ત્રીજે દિવસે મહમદઅલી મુનશી પાછા કોટવાલને ઘેર આવ્યા. તે વખત કોટવાલની પાસે મહીપત જોશી બેઠા હતા. તેની રુબરુ મુનશીના ચિત્રમાંથી એક ચિત્ર હાથમાં લઈને, એ ઝાડ શાનું છે એમ કોટવાલે પૂછવા ઉપરથી બોલવું જારી થયું તે:—

મુ૦— આ દેશમાં તથા બીજા સઘળા દેશમાં જમીન ઉપર વંટોળિયા થાય છે, તે હંમેશ જોવામાં આવે છે. તેમજ રેતીના મેદાનમાં ને જંગલમાં વંટોળિયા થાય છે; ને તે જ પ્રમાણે દરીઆમાં થવાથી પાણી ઉડે છે.

જો૦— આપણે અહીઆં વંટોળિયાથી જમીનપર ધૂળ ઉડે છે, તેમ દરીઆમાંની ધૂળ ઉડીને ક્યાં આવે છે ? ઘા૦— વંટોળિયો એ પિશાચનો ખેલ છે. તેમાં નહાનાં છોકરાં હાથ આવે તો પિશાચ તે છોકરાંઓને આસમાનમાં ઉડાવી લઈ જાય છે; એવી વાત સઘળાના સાંભળવામાં આવી છે. ત્યારે એ પિશાચ દરીઆના તળિયાની માટી કહાડીને ઉપર ઉડાવી ન દે શું ? પિશાચનું જોર જેવું તેવું નથી, તે તો જોશીબાવા, આપ જાણો જ છો.

મુ૦— આપને ઝાડ સરખું જે આ નક્સામાં દેખાય છે તે ધુળ નથી; ને દરીઆના તળિયામાં માટી પણ નથી. તેમાં કદાચ આપના કહ્યા પ્રમાણે પિશાચ ધુળ દરીઆમાંથી ઉડાડવા લાગ્યા, તો તેને તે ઠેકાણે બીલકુલ ધુળ મળવાની નહીં. તેમ જ દરીઆનો વંટોળિયો જમીન ઉપર થઈને હજારો કોશ દૂર જે ઠેકાણે પાણી હોય, ને દરીઆની ભરતી કોઈ કોઈ ઠેકાણે પાંચ માઈલ એટલે અઢીકોશ સૂધી જાય છે; ત્યારે આ ઝાડના જેવી આકૃતિ દરીઆનું પાણી ફુવારા માફક ઉંચું ઉડીને થાય છે.

ઘા૦— દરીઆમાં ફુવારો શી રીતે ઉડે છે તે કહો.

મુ૦— કાળાં વાદળાં થઈ આવવાથી કોઈ વખત સમુદ્ર ઉછળે છે, ને બસો હાથ આસપાસ મોટા વેગથી ચકરભમર ફરે છે; ને તે સઘળી ગતિ ચારે તરફથી એકઠી થઈને મધ્ય ભાગમાં આવે છે. તે થકી વરાળ એકઠી થાય છે. તે વરાળનો આકાર ગાયના પુંછડા જેવો થઈને તેની નાગના જેવી આકૃતિ થાય છે, ને તે વરાળ કાળાં વાદળાંની તરફ જાય છે, ને ઉપરનાં વાદળાં પણ તેમ જ વિખેરાઈને નીચે આવે છે. એ પ્રમાણે બંને તરફની વરાળો હળવે હળવે એક મેકની પાસે આવીને મળી જાય છે. બાદ પવનના જેરથી તે મળી ગયેલો ભાગ ચારે તરફ ફરે છે, ને કદી કદી મોટો અવાજ થઈને ફાટી જાય છે, ને બાફનો સંગમ અંદરથી પોલો હોય છે; ને તેમાંથી દરીઆનું પાણી ઉંચું ચડે છે; તે ઝાઝમાં બેઠેલા લોકોના જોવામાં સ્પષ્ટ આવે છે; ને તે વખત દરિઓ એટલો બધો ઉછળે છે કે એ પાણીના સપાટામાં એકાદ ઝાઝ આવ્યું, તો તેમાંથી મોટી મુશ્કેલાઈથી બચે છે. એ પાણીનો થાંભલો નહાનો નહાનો થઈને આખરે બિલકુલ દેખાતો નથી. આ જાતનો વંટોળિયો દરીઆમાં ન થતાં વરસાદથી પણ ઉત્પન્ન થાય છે; ને તેમાંથી ગંધકના જેવી ગંધ, વીજળી અને પાણી નિકળે છે. ઈસ્વી સન ૧૭૧૮ માં એવો વરસાદમાંથી નિકળેલો વંટોળિયો, ઇંગ્લંડની ઈશાનદિશામાં લાંકેશાયર શહેર છે ત્યાં થયો હતો. તે વખત સુમારે પાંચ કોશ લાંબી તથા સાત ફુટ ઉંડી જમીન ફાટી ગઈ હતી. એવો વંટોળિયાનો ભાગ સાત હજાર ફુટ સૂધી ઉંચે જતો દેખાય છે; ને તેની આકૃતિ તથા રંગ બદલાય છે. દરીઆમાં વંટોળિયાનો વ્યાસ સોથી તે હજાર ફુટ સુધી હોય ત્યારે દેખાય છે, ને તેનો મધ્ય ભાગ બે અથવા ત્રણ ફુટ કરતાં વધારે પહોળો દેખાતો નથી. આ વંટોળિયો ઘણું કરીને અરધા કલાકથી વધારે વાર ટકતો નથી. તેના ફરવાનો કાંઈ નિયમ નથી. કોઈ વખત જલદી ને કોઈ વખત ધીમે ધીમે ફરે છે. વંટોળિયાનો વેગ ઘણો હોય છે ત્યારે તેનાથી મોટાં ઝાડો ભાંગી પડે છે, તોપો ઉથલી પડે છે ને ઘરો ઉપરનાં છાપરાં ઉડી જાય છે. નાના નાના પદાર્થો દશ કોશ સૂધી ઉડી જાય છે. જો કદી તળાવમાં વંટોળિયો થાય છે, તો તેનું પાણી એક ક્ષણમાં જતું રહે છે.

ઘા૦— અરે મુનશી ! તમે તો એક રત્ન છો. તમારી ખુબીની ધારણા થઈ શકતી નથી. આ બીજા ચિત્રોમાં બાર જણાં છે, તે કેવાં છે તે કહો.

મુ૦— તમારા બાર મહીનામાં બાર સંક્રાંતિ આવે છે, તેનું કારણ એવું છે કે, આકાશમાં બાર રાશિઓ છે, તેમાંની દરેક રાશિનો સૂર્ય એક માસ સુધી રહે છે. બારે રાશિની આકૃતિ આ નક્શામાં બતાવી છે.

ઘા૦— આ નકશામાં કહાડ્યા પ્રમાણે રાશિઓની આકૃતિ છે કે નહીં, તે જોશીબાવા, તમે જોઈને કહો.

જો૦— એ મુસલમાનને એવી વાતોની શું ખબર હોય ? અમે જ્યોતિષ શાસ્ત્રનું અધ્યયન કરેલું છે, તેમાં એવા મોઢા, બકરી, કરચલો તથા મચ્છ કચ્છ કોઈ જગે કહાડેલા જોયા નથી.

મુ૦— મારી પાસે એક દુરબીન છે; તેમાંથી જોશીબાવાની મરજી હોય તો, આજ રાત્રે મેંઢા, બકરા તથા કરચલો એ સઘળું તમોને બતાવું.

ઘા— બારે રાશિનાં નક્ષત્ર સ્થિર છે કે ચળ છે ?

મુ૦— તે નક્ષત્ર ચળ નથી. રાશિચક્ર કરીને જે રેખા છે, તે રેખા ઉપર બારે રાશિઓ છે.

જો૦— કોટવાલ સાહેબ, શાસ્ત્રની બાબતમાં એ બિચારા મુસલમાનને શાની ખબર હોય ? એની બુદ્ધિ આપણે લઈએ તે આપણે જનોઈવાળાને બાધ આવે.

મુ૦— અરે જોશીબાવા, તમે માત્ર નામના જોશી જણાઓ છો. તમારા જ જ્યોતિષ ગ્રંથમાં મારા કહ્યા પ્રમાણે બાર રાશિની આકૃતિ બતાવેલી છે. અગર જો તેમ નથી, તે જન્મોત્રીઓનાં મોટાં ભુંગળાં સો બસો રૂપીઆ ખર્ચીને મોટા લોકો કરાવે છે; તેમાં બકરી, મેંઢો, કરચલો, વીંછુ, વગેરેનાં ચિત્રો હોય છે તેનું શું કારણ ?

જો૦— તે ચિત્રો કાંઈ આકાશમાંના છે ?

મુ૦— હા, આકાશનાં છે. અગર તમને માહીત નહીં હોય તો તમારા કરતાં જાસ્તી માહીતગારને પૂછી આવો.

જો૦— સારું પૂછીશ; પણ તમારા બોલવા ઉપર અમને બિલકુલ ભરોસો નથી.

કો૦— હશે, મુનશી, બીજાં ચિત્રો જોવાનાં રહેલાં છે, તે આવો જોઈએ.

--¤¤¤¤¤¤¤¤--