ઘાશીરામ કોટવાલ/વાત ૨૪.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વાત ૨૩. ઘાશીરામ કોટવાલ
વાત ૨૪.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૨૫. →


વાત ૨૪.

ઘા૦— આ બીજા ત્રણ નકશા શાના છે ?

મુ૦— વિજાપુરની સલતનતની જુમામસીદ તથા તેના ગોળ ઘુમટની મોટી ઇમારતનો, તથા મલીકમૈદાન ઉર્ફે મહાકાળી નામની તોપ બનાવેલી છે તેનો આ નકશો છે.

ઘા૦— વીજાપુરનો ઇતિહાસ તમને માલુમ છે ?

મુ૦— થોડો ઘણો માલુમ છે. દક્ષિણ પ્રાંતમાં બ્રાહ્મણોનું રાજ્ય નહીં સરખું થયા પછી અબદુલ મુજાફર, જેને ઈસુફ આદિલશાહ કહે છે, તેણે વિજાપુરની અદલશાઈ સલતનત ઉભી કરી. તે સલતનત સને ૧૪૮૯ ની શાલમાં ભીમા નદીથી વિજાપુર સુધી ચાલતી હતી. બાદ ગોમાંતક દેશ ફિરંગી પાસેથી લઇને અદીલશાહે સમુદ્રના કાંઠાસૂધી પોતાનો અમલ ગેામાંતકથી તે મુંબઈ સુધી પહોંચાડ્યો ને તેણે વિજાપુરનો કોટ બાંધ્યો. બાદ તે સને ૧૫૧૦ માં મરણ પામ્યો. તેના વંશના સાત બાદશાહ ગાદી ઉપર બેઠા; તેમાં છેલ્લા શિકંદર અલીશાહ થયા તેની કારકીર્દીમાં સને ૧૬૮૯ માં અદલશાઈ ગઈ એવી રીતે કે, સને મજકુરમાં ઔરંગજેબે જાતે ચહડાઈ કરીને વીજાપુર હાથ કરી લીધું ને શિકંદર અલીશાહને જીવતા પકડ્યા. ત્યાર બાદ વીજાપુરનું રાજ સને ૧૭૨૪ સૂધી દિલ્લીના બાદશાહના તાબામાં રહ્યું. બાદ નિજામનું રાજ દક્ષિણમાં સ્વતંત્ર થયું. તે વખત તેણે વિજાપુરનું રાજ પણ લીધું ને તેની પાસેથી પેશવાએ સને ૧૭૬૦ માં છીનવી લીધું. તે હાલ આપના તાબામાં છે.

ઘા૦— આ નકશામાં બતાવેલી ઈમારતો તથા તોપો કોણે ને ક્યારે તૈયાર કીધી ?

મુ૦— હમણા હું એક બીજાનું વૃત્તાંત વારા ફરતી કહુંછું. જુમામસીદ બાંધવાની શરુઆત સન ૧પ૬૪ ના વર્ષમાં થઈ. તે વખત અદલશાઈનો માલીક અલીઅદલશાહ પહેલાં એ ગાદી ઉપર હતો. તે સને ૧પ૭૯ માં માર્યા ગયા પછી, તેના તખ્ત ઉપર બેઠેલા બાદશાહે એ મસ્જીદનું કામ આગળ ચલાવ્યું; પણ આખરે પૂરું થયું નહીં. એ ઇમારત ઘણી સાદી બાંધેલી છે, ને તેના સઘળા ભાગો ઘણી સારી રીતે મેળવેલા છે. તેના મેહેરાબ ઉપર સોનાને અક્ષરે અમારા ધર્મ પુસ્તકમાંનું વાક્ય લખેલું છે. ગોળ ધુમટ છે, તે સુલતાન મહમદ આદિલશાહની દરગાહ છે. તે બાંધવાની શરુઆત સને ૧૬૨૯ ના વર્ષમાં તે જ બાદશાહે કરી. તેનું કામ સને ૧૬૬૦ માં તે મરણ પામ્યો ત્યાં સુધી ચાલતું હતું. આ ઇમારતમાં ૧૩૫ ચેારસ ફુટ દીવાનખાનું છે; ને તેની ભીત ઉપર ૬૦ ફુટ ઉંચો ધુમટ વાળી લીધો છે. તે ધુમટનો વ્યાસ આસરે ૧૨૫ ફુટ છે; ને તેને ફરતી ૧૦-૧૧ ફુટની અગાશી છે. ઘુમટની અંદરની ઉંચાઈ સો ફુટ છે ને તેની બહારનો વ્યાસ ૧૩૫ ફુટ છે. એટલો મોટો ઘુમટ પૃથ્વી ઉપર બીજી કોઈ જગે નથી એમ કહે છે. એક એક ખૂણામાં આઠ આઠ બાજુવાળા બુરજ છે; તેને આઠ માળ છે ને તે ઉપર ધુમટ છે. એ ઇમારત ઘણી જ સુંદર છે ને મહારી જોયલી છે. મલીકમૈદાન વિચિત્ર તોપ ઔરંગજેબ બાદશાહે સન ૧૫૪૯ માં અહમદનગરમાં બનાવી હતી. તેનો સાંચો હજી તે જગે છે એમ કહે છે. એ તોપ મહમદ અદીલશાહ સન ૧૫૬૧ માં તાબે કરીને વીજાપુરમાં લાવ્યા ને કોટના બુરજ ઉપજ ચડાવી. તે હજી સુધી ત્યાં છે. બાદ ઔરંગજેબે વીજાપુર તાબે કીધા પછી એ તોપ ઉપર આરબી અક્ષરે ફતેહ થયાનો સને કોતરાવેલો છે. તે હીજરી સન ૧૦૯૭ છે અર્થાત ઈસ્વી સન ૧૬૮૫-૮૬ છે. એ તોપ ૧૫ ફુટ લાંબી છે; ને તેના મોહોડાની અંદરનો વ્યાસ દસ ફુટ ને બે ઇંચ છે. તેને મુસલમાનો મામલીકમૈદાન કહે છે. તેનો અર્થ રણભૂમિનો રાજા એવો છે. ગેરમાહિતગાર લોકો તેને મુલુકમૈદાન કહે છે; ને હીંદુઓ મહાકાળી કહે છે, ને તેની પૂજા કરવા તથા તેને બકરાં તથા મુરગાની આહુતિ આપવા જાય છે. એ તોપ અમે ખસુસ જઇને જોયલી છે.

--¤¤¤¤¤¤¤¤--