લખાણ પર જાઓ

ઘાશીરામ કોટવાલ/વાત ૧૪.

વિકિસ્રોતમાંથી
← વાત ૧૩. ઘાશીરામ કોટવાલ
વાત ૧૪.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૧૫. →


વાત ૧૪.

એક હૈદરાબાદનો રહેનાર સમશેરખાન મુસલમાન, ઘાશીરામને નિજામના વૈભવ વિષેની વાત કહેતો હતો. તેના જનાનખાનામાંની પાંચસો ઉપરાંત ઘણી જાતની ઓરતોની તેણે તારીફ કરી. તે વખત વંગૈર નામનો એક ડચ (વલંદો) ત્યાં હતો. તે બોલ્યો કે તમે ફક્ત જનાનખાનાની જ વાત કહો છો; પરંતુ અમે તો મર્દાનખાનાં જોયાં છે. તે ઉપરથી આગળ બોલવું થયું તે:-

ઘા૦— મર્દાનખાનું એટલે શું ?

વંગૈર— બાદશાહ તથા નવાબ વગેરે જેમ એારતો એકઠી કરી તેએાને એક મહેલમાં રાખે છે, તે પ્રમાણે સ્ત્રીના રાજ્યમાં સ્ત્રીઓ, જવાન તથા સુંદર પુરુષો એકઠા કરી તેઓને એક ઠેકાણે રાખે છે, તેને મર્દાનખાનું કહે છે.

ઘા૦— એવાં મર્દાનખાનાં ક્યાં છે ?

વં૦— ચીનાઈ સમુદ્રમાં મલાકા નામનો એક બેટ છે ત્યાં પાટણ નામે દેશ છે, ત્યાં સ્ત્રી રાજ્ય છે. રાજ્ય ઉપર સ્ત્રીએ બેસવું જોઈએ. ને જે સ્ત્રીનો રાજ્યાભિષેક થાય તેણે સાદી કરવી નહીં એવો ત્યાં ચાલ છે. આ કારણથી ત્યાં રાણી જેટલા જોઈએ તેટલા મર્દ રાખે છે. પોતે મોહોટો વૈભવ ભોગવવા સારુ એક મોટો મહેલ બાંધ્યો છે. ત્યાં પોતાના તથા બીજા દેશોના સુંદર દેખીતા પુરુષ એકઠા કરી રાખે છે. તેઓને અલંકાર, ભૂષણ તથા સારાં કપડાં આપીને, તેઓના ખાવા પીવાની બરદાસ્ત સારી રીતે રાખે છે; ને તેમાંથી જેના ઉપર રાણીની જાસ્તી પ્રીતિ હોય છે, તે ઘણું કરીને રાજ્યનો કારભાર ચલાવે છે.

સમશે૨ખાન— રાણી મરણ પામ્યા પછી ગાદી ઉપર કોણ બેસે છે ?

વં૦— મર્દાનખાનામાં રાખેલા પુરુષથી રાણીને જે સંતતિ થાય છે, તેમાં જે વડીલ કન્યા હોય છે, તે ગાદી પર બેસે છે.

ઘા૦— ત્યારે મર્દાનખાનામાં પુરુષોનું કેમ થાય છે ?

વં૦— તે છોકરી સ્ત્રીપણામાં આવી, એટલે મરદાનખાનામાંના પુરુષોની તે માલીકણ થાય છે.

ઘા૦— મર્દાનખાનામાં ઘણા પુરુષો હોય છે, તે કારણથી રાણીને સંતતિ ઘણી થતી હશે.

વં૦— તે દેશમાં બધી જાતની ઉત્પત્તિ ઘણી થાય છે. ત્યાં બતક અને હંસ છે, તે એક દિવસમાં બેવાર ઇંડાં મૂકે છે; ને કેટલીક ઓરતોને ૩૩ સૂધી છોકરાં થાય છે.

ઘા૦— (પોતાની મુછ ઉપર તાલ દઈને તથા રુમાલથી મોહોડું લુછીને) અમારા જેવા કોઈ ત્યાં જાય તો રાણી પ્રસન્ન થાય કે નહીં?

વં૦— તે મારાથી કહી શકાતું નથી. અાપની તસવીર પ્રથમ ત્યાં મેાકલો, બાદ આપ જાતે જાઓ.

ઘા૦— તસવીર કહાડનાર કોઈ તમારી ઓળખાણવાળા હોય, તેને સવારે તેડી લાવજો.

વં૦— ઠીક છે. લૈ આવીશ. તસવીર કઢાવતાં હજાર રૂપીઆ ખર્ચ લાગશે.

ઘા૦— હજાર રૂપીઆની શી વિસાત છે? એક હજાર રૂપીઅા એક ઘડીમાં પેદા કરું. તસવીર ત્યાં શી તરેહ પહોંચે ? વં૦— અમારા ડચ જાતના લોકો હમેશ ત્યાં જાય આવે છે. તેમાં અમારા ઓળખીતા લોકો ઘણા છે; તેમાંથી કોઈને આપીને અમે તસવીર ત્યાં પહોંચતી કરીશું.

ઘા૦— પાટણ દેશમાં કહી જાતના લેાક રહે છે ?

વં૦— મુસલમાન તથા આપની જાતના હિંદુ મૂર્તિપૂજક લોક રહે છે.

ઘા૦— રાણી કેઈ જાતની છે?

વં૦— તે બુદ્ધ ધર્મની છે; પણ તેનો આચાર વિચાર અહીંઅાંના હિંદુ જેવો નથી.

ઘા૦— તેની કાંઈ અડચણ નથી. અહીંઅાં મોટા મોટા બ્રાહ્મણોએ મુસલમાન જાતની વેશીઆ સુદ્ધાં રાખેલી છે; ને એક વખત એવો બનાવ બન્યો હતો કે, વેદશાસ્ત્રસંપન્ન ગંગાધર પંડીતને ઘેર એક શૂદ્ર કણબણ વર્ષ બે વર્ષ રહી હતી; ને તેને તેના પેટથી એક છોકરી થઈ. બાદ તે કણબણ કોઈ ઠેકાણે બહાર ગઈ હશે, તે વખત બે ત્રણ ઢેડાઓ તેને અડકીને અમારી પોલીસ કચેરીમાં લાવ્યા હતા; અને તેમાંથી એક ઢેડાએ કહ્યું કે, એ ઠકી મારી સાદીની ઓરત છે. તે બુરાનપુરથી ત્રણ વર્ષ ઉપર નાસી આવી છે. તેની શોધ હું, મારા ભાઈ તથા મારો બાપ કરતા ફરીએ છૈએ. અમારા માહાર લોકોના ચાલ પ્રમાણે તેના હાથ તથા છાતી ઉપર છુંદણું છુંદેલાં છે. એનાં માબાપ પણ અમારી સાથે આવેલાં છે, તે વાનવાડીમાં રહેલાં છે. તે ઉપરથી ચોકસી કરતાં તે કણબણ ઢેડી ઠરી, ને તેણે પણ તે વાત કબુલ કરી. બાદ વેદમૂર્તિ ગંગાધર પંડીત પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થયા. તેવી પાટણની રાણી કાંઈ ઢેડીના જેવી નીચ નથી.

વં૦— નહીં, તેવી નીચ નથી. તે તો તીખ્તનશીન છે.

ઘા૦— ઠીક છે ત્યારે, તમે જલદીથી તસવીર કહાડનારને લાવો. તસવીર જલદીથી તૈઆર કરાવીને ત્યાં મોકલવાની તદબીર રખાવવી. ખરચ સામું કાંઈ જોવું નહીં. જે વાત પકડી તે પેશ પહોંચાડવી જોઈએ.

--¤¤¤¤¤¤¤¤--