ઘાશીરામ કોટવાલ/વાત ૧૫.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વાત ૧૪. ઘાશીરામ કોટવાલ
વાત ૧૫.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૧૬. →


વાત ૧૫.

શ્રીમંતના હાથીખાનામાં એક હાથી હતો. તેનું નામ યુદ્ધમલ્લ હતું. તેને ઘણું શિખવીને તૈયાર કર્યો હતો. તે જોવા સારુ ઘાશીરામની સાથે બે ઈંગ્રેજ, એક માલેટ ને બીજો ટામસ, એએા આવ્યા હતા. તે વખતે હાથી પાસે મહાવતે શુંડમાં પાણી લેવડાવીને ફુવારાની માફક વર્તુળાકાર ઉડાવાવ્યું. ત્યાર બાદ હાથીએ શુંડથી એક મોટો ગોળ પથ્થર ઉંચકીને પોતાની પીઠ ઉપર મૂક્યો, ને બે પગે ઉભો રહ્યો. આ પ્રમાણે જોઈને ટામસે કહ્યું કે જનાવરના ખેલો વિષે આ કરતાં વધારે ચમત્કારિક વાતો અમારા જાણવામાં છે. તે ઉપરથી કોટવાલે કહ્યું કે, કેવી તરેહની શી શી વાતો છે તે કહો.

ટા૦— પ્રાચીનકાળમાં રોમન લોકો નાટકશાળામાં હાથીનો તમાશો કરતા હતા. તેમાં પાવાના નાદ તથા તાલ ઉપર હાથી ચાલતા હતા. એક વખત બાર હાથી તૈયાર કરીને નાટકશાળામાં લાવ્યા હતા. તે સુર ઉપરથી ગોળમટોળ ફરતા હતા, ને જૂદાં જૂદાં ટોળાં થઈને પગથી ફુલ ઉરાડી દેતા હતા, ને નાચી રહ્યા પછી પોત પોતાની જગા ઉપર ઉભા રહીને ગાણું થાય તેની તાલ પગથી મેળવતા હતા: બાર હાથીના બાર પલંગ તૈઆર કર્યા હતા, મેજ ઉપર ખાવાનું મૂક્યું હતું, અને છએ હાથણીના જનાની પોશાક, ને છએ ફક્ત મરદાની પોશાક પહેરીને ઈસારો થતાં જ પલંગ ઉપર જઈ સુઈ જતાં હતાં. બાદ ઈસારો થવાની સાથેજ પોત પોતાની શૂંડ કહાડીને મેજ ઉપરથી ખાણું ખાતા હતા ને ન વેરતાં થોડું ખાઈને દારૂના પ્યાલા તેને આપતા તે અદબસર લઈને પીતા હતા.

ઘાશીરામ— અમારો હાથી દડી ઉછાળીને પાછી ઝીલી લે છે.

માલીટ— જર્માનિકસ નામનો એક રોમનો સરદાર હતો, તે તમાશો કરાવતો હતો. તેમાં હાથી બરછી ઉછાળીને પાછી પડતાં શુંડથી ઝીલી લેતો, અને એક બીજા સાથે પટો રમીને નાચ કરતા. તેઓ દોરડા ઉપર નાચતા હતા. બે દોરડાં સામસામાં બાંધતા હતા, ને તે ઉપર ચાર હાથી ચહડીને, એક પાલણામાં પાંચમો હાથી દરદી હોય એ માફક સુતો, તે પાળણું શુંડથી ઉંચકીને તે સુધાં દોરડા ઉપર ચાલતા હતા. તે હાથીઓ ફક્ત સીધાજ ચાલ્યા જતા એટલુંજ નહીં; પણ પાછે પગે તાલ દેતા દેતા પાછા આવતા હતા.

ટામસ— અમારા વિલાયતમાં થોડા કાળ ઉપર નાટકશાળામાં એક હાથણી લાવ્યા હતા. તે દમામથી સજ થઈને આવી અને હાથનો ઈસારો થતાંજ ઘુંટણીએ પડીને બેઠી અને રાજાનો વેશ આવ્યો હતો. તેનાં માથામાં તેણે રાજમુકુટ પહેરાવ્યો.

ઘા૦— અમારા ગ્રંથમાં કથા છે, તેમાં જે વખત જાનકીનો સ્વયંવર થયો. તે રાવણ પગનાં અાંગળાંથી ધનુષ્ય ઉંચકતાં પડી ગયા. તે વખત સીતા હાથી ઉપર બેઠી હતી ને તે હાથીની શુંડમાં માળા આપી હતી. તે માળા તેણે રામચંદ્રજીના ગળામાં નાખી. તેજ પ્રમાણે દ્રૌપદીજીના લગ્ન સમયે અર્જુને નીચે તેલમાં મચ્છનું પ્રતિબિંબ જોઈને ઉપર મચ્છનો ડોળો તીરથી વીંધ્યો હતો. તે વખત હાથીએ અર્જુનના ગળામાં માળા ઘાલી હતી.

ટા૦— એક હાથીને ઝાંઝ વગાડતાં શિખવ્યો હતો. તે ઝાંઝનાં બે પડો બે પગને ઘુંટણે બાંધ્યાં હતાં, ને ત્રીજું પડ હાથીએ શુંડમાં લીધું હતું, અને ગત વગાડતો. તે પ્રમાણે બીજા હાથીઓ આસપાસ ઉભા રહીને નાચતા, તેમાં બે તાળ થતા નહીં.

ઘા૦— અમારા હાથીને શીંગું ફૂંકતાં આવડે છે.

ટા૦— તેમાં કાંઈ મુશ્કેલ નથી. ઈસ્તંબોલ કરીને તુર્કી દેશનું એક શહેર છે. તેમાં એક હાથી હતો, તે દડીએ રમતો હતો. તે માણસની પેઠે દડીને ઈદર તીદર ઉરાડીને શુંડથી ઝીલી લેતો હતો. બીજો એક હાથી બે ત્રણ અક્ષર લખતો હતો. તેને માણસ અક્ષર બતાવતા કે, તે પ્રમાણે પાટી ઉપર અક્ષર કહાડતો.

ઘા૦— અમારો હાથી માત્ર લખતો નથી; બાકી બીજું જે કામ કહીએ તે કરે છે.

ટા૦— કામ કરાવ્યાના પ્રકાર અમારા વાંચવામાં તથા જોવામાં ઘણા આવ્યા છે. સવારના પહોરમાં ઉઠીને સાવરણી લઈને ઝાડું કહાડતાં, તથા નદી ઉપર જઈને પાણી લાવી બારણે છંટકાવ કરતાં હાથીને શિખવે છે. વહાણને જમીન ઉપરથી દરીઆમાં હાથી ઘસડી જાય છે. તેમાં એક હાથીએ એક વહાણને માથાની ટોચ લગાડી એટલું જોર કર્યું કે તેનું માથું તે જ વખત ફૂટીને મરી ગયો. એક વખત એક મજબૂત ભીંત પાડવાને બે હાથી લગાડ્યા હતા. તેઓએ પોતાની શુંડથી અાંટી મારીને ઘણી વાર સૂધી ભીંતને જોરથી આંચકા માર્યા. આખર તે ભીંત પાસેથી નાશીને દૂર ગયા કે ભીંત પડી ગઈ.

ઘા૦— અમારો હાથી મહાવતનાં છોકરાં રમાડે છે.

માલીટ— એવી વાતો ઘણી છે. મહાવતની બાયડી બહાર જવાની હોય છે ત્યારે પોતાનાં બાળકને હાથીને સોંપી જાય છે. છોકરું જ્યાં બેસાડ્યું હોય ત્યાંથી ઘુંટણીઆ ભર હાથીના પગ આગળ જાય છે. તે વખત પગ લાગવા ન દેતાં હાથી તેને ત્યાંથી શુંડવતી લઈને તેજ ઠેકાણે પાછું બેસાડે છે. પાળણામાં છોકરું હોય છે, તે વખત શુંડથી તેના ઉપરથી મછર ઉરાડે છે ને તે છોકરું રડે છે ત્યારે પાળણું હળવે હળવે હલાવીને તે ઉંઘી જાય એમ કરે છે. એવી હાથીની ઘણી વાતો છે.

ઘા૦— હાથી આવા બળવાન થઈને, રાનમાંથી માણસના હાથમાં શી રીતે આવતા હશે ?

ટા૦— હાથી પકડવાની ઘણી તદબીરો છે, તેમાં એક એવી છે કે, જે રાનમાં હાથી હોય છે, ત્યાં એક દિવસે મોટો ખાડો ખોદી તેમાંની માટી ચારે તરફ બીછાવી દઈને હાથીને જે પાલો વધારે પસંદ હોય, તે પાલાથી ખાડો ઢાંકી મૂકે છે; બાદ તે ખાવા આવેથી તેમાં હાથી પડે છે ને કેટલાક દિવસ સુધી ભુખે મરે છે, એટલે તેને ખાડામાંથી બહાર કહાડવાની તજવીજ કરે છે, ને ખાડામાં હાથીને કેટલીક વાર સુધી લાલચ દેખાડે છે એટલે તેની સાથે હળી જાય છે. બાદ બહાર કહાડે છે. બીજી યુક્તિ એવી છે કે, હાથીના શિકાર કરવા સારુ પાળેલી હાથણીઓ લઈને તેના ઉપર શિકારીઓને હાથીનાં રંગનાં કપડાં નાંખી તેમાં છૂપી જઈ પીઠપર પડીને, તે હાથણીને રાનમાં હાથીના ટોળામાં લઈ જાય છે, ને તે ટોળામાં નરની પાસે હાથણી લઈ જઈને તે હાથી સાથે ચેષ્ટા કરે, એટલે બીજી હાથણી પાછળ પગમાં રહી આંટી મારે છે. બાદ શિકારીઓ તે હાથીને કબજ કરી લાવે છે.

મા૦— હાથી પકડવાની ચમત્કારિક યુક્તિ એવી છે કે, રાનમાં એક બીજાને લગતા બે ખાડા કરીને તે બંનેની વચ્ચે બિન હરકતે એક હાથી જાય, એટલી પાળ રાખીને ખાડાએામાં ઝાડની ડાળેા નાંખે છે. પછી પાળેલા તથા શિખવેલા હાથીને તે રાનમાં છોડી દે છે. તે પોતાના ટોળામાં જઈને તેએાની સાથે કેટલાક દિવસ રહે છે. બાદ જે ઠેકાણે ખાડા કરેલા હોય છે, તે રસ્તે પોતાના સોબતીએાને લાવે છે ને પોતે સૌથી આગળ થઈને એ ખાડા વચ્ચેની પાળ ઉપર સહેજ ચાલ્યા જાય છે. તે વખત તેની પાછળ બીજા હાથી આવે છે. બાદ પાળ પૂરી થવા આવી એવા સુમાર જોઈને ચીસ પાડીને નાસવા માંડે છે, તે વખત તેની પાછળ હાથી ખરેખર ગભરાઈને નાસવા લાગે છે. તેમાંથી કોઈ ખાડામાં પડે છે. બાદ પાળેલા હાથી ઘેર આવે છે ને શિકારી લોકો જઈ ખાડામાંથી હાથી પકડી લાવે છે.

ઘા૦— અમારા હાથીની શુંડ ઉપર એક છોકરાએ પથ્થર માર્યો. તે ઉપરથી તે છોકરાના આંગ ઉપર જઈ તેની ટંગડી શુંડથી પકડી તેને ફેંકી દીધો. તે એક ઘરના છાપરા ઉપર જઈને પડ્યો. તેને ઘણું વાગ્યું હતું, તેથી તે મરી ગયો. ટા૦— હાથીને ઉપકાર અપકારની સમજ છે ને તેની યાદ ઘણી દિવસ સૂધી રાખે છે. દિલ્લી શહેરમાં એક દરજી હતો. તેના ઘરની પાસે એક હાથી જઈ પહોંચ્યો, એટલે તેને દરજીએ પાતાની બારીમાંથી કાંઈ ફળ અથવા મીઠાઈ આપી. એક દિવસે દરજી કાંઈ ગુસ્સામાં હતો ને હાથી તેનાં બારણા આગળ જઈ લાગ્યો. તે વખત હમેશની રીત પ્રમાણે હાથીએ પોતાની શુંડ બારીમાં ઘાલી. ત્યારે દરજીએ તેની શુંડમાં શોય ઘોંચીને “જા, જા, મારી પાસે આપવાને કંઈ નથી,” એવું બોલ્યો. તે ઉપરથી હાથીએ કાંઈ ન કરતાં ચાલવા માંડ્યું. આગળ જતાં રસ્તામાં એક ઠેકાણે દુર્ગંધી પાણી ભરાયેલું તેના જોવામાં આવ્યું. તેમાંથી પોતાની શુંડમાં પાણી ભરી લઈને, પાછો દરજીના ઘર પાસે આવીને તેની બારીમાં શુંડથી પાણી નાંખી તમામ જગા તથા કપડાં ખરાબ કર્યા હતાં. પારિસ શહેર ફ્રેંચ લોકોની રાજધાની છે. ત્યાં એક સરકારી હાથી હતો, તેને તમાશગીર લોકો કાંઈ ખાવાનું આપે નહીં તે સારુ તે હાથીની પાસે એક બંધુકદાર સીપાઈ પોહોરો ફરતો હતો. એટલું છતાં પણ એક ઓરત તે પહરેદારની નજર ચૂકવીને હાથીને હંમેશ ભાખરી આપતી હતી. એક દિવસે પહેરેગિરે ભાખરી આપતાં તેને જોઈ તે ઉપરથી તે બાઈ ઉપર ગુસ્સે થયો. તે કારણસર હાથીએ તે પહેરેગિરના મોહોડા ઉપર શુંડથી પાણી છાંટ્યું. તે જોઈને સઘળા તમાશગીર હસવા લાગ્યા. બાદ પહેરેદારે રૂમાલથી મોહોડું લુછ્યું ને તમાશગીર લોકોને તાકીદ કરવા લાગ્યો. તે ઉપરથી હાથીએ તે પહેરેદારના હાથમાંથી બંધુક શુંડથી છીનવી લઈ પગ નીચે દાબી ભાંગી નાંખીને પહેરેદારને પાછી આપી.

ઘા૦— તમારા હાથી જેવા હોય તેવા ખરા; પણ અમારા હાથીના શહાણપણ બરાબર તેનાથી થવાનું નથી. એક દિવસે મુળામુઠા નદીમાં રેલ આવી હતી. તે વખત ઓંકારેશ્વર મહાદેવની પાસે બ્રાહ્મણોની સ્મશાન ભૂમી છે, ત્યાં મહાવત હાથી લઈને ગયો હતો, તે મહાવત નદીમાં તરવા ગયો. તે તરતાં તરતાં નદીના પાણીના જોરથી તણાવા લાગ્યો. તે વખત “ડુબ્યો રે ડુબ્યો,” એવી બુમ મારતો ગળચકાં ખાવા લાગ્યો. તે વખત ત્યાં ઘણા લોક હતા; પણ કોઈ કહાડવા ગયું નહીં. બાદ તેને તણાઈ જતો હાથીએ જોઈને તે ત્યાંથી સપાટાબંધ નદીના કિનારાથી પા કોશ જઈને નદીમાં ડૂબકી મારી મહાવત ખેંચાઈ જતો હતો, તેની સામે આવી તેને શુંડવતી લઈને પોતાને માથે બેસાડ્યો. બાદ હાથી, મહાવત સુદ્ધાં બે ત્રણ કોશ ખેંચાઈ જઈને આગળ કિનારે આવ્યો ત્યાં જઈને પુના શહેરમાં પાછો લઈ આવ્યો.

ટા૦— એ વાત મોટી તારીફ લાયક છે ખરી; પણ એ કરતાં જાસ્તી ચમત્કારિક હાથીના શાહાણપણની વાત અમારા જાણ્યામાં છે તેમાંની એક બે કહુંછું. તમે દક્ષિણ સમુદ્રમાં જે બેટને લંકા કહે છે ત્યાં હાથી ઘણાં છે. ત્યાં એક ગામમાં ચુના તથા ઈંટના બાંધેલા એક મજબૂત કોઠારમાં અન્ન ભરેલું હતું તેના રક્ષણ સારુ કેટલાક શીરબંદીમાંના પેદળ સીપાઈ રહેતા હતા. તેઓને નજદીકના ગામમાં કાંઈ બંડ થયાના શોર ઉપરથી તાબડતોબ જવું પડ્યું. તે વખારને મોટું તાળું મારીને સઘળા સીપાઈઓ ગયા. એવી તક મળવાથી હાથીનું ટોળું વખાર પાસે આવ્યું, ને દાંતના જોરથી ખુબ મહેનત કરીને તે કોઠાર ફાડી, અને વારા ફરતી અંદર જઈને પેટ ભરીને અનાજ ખાધું; અને શીરબંદીના લોકો પાછા ફરીને નજદીક આવ્યા એવું માલુમ પડ્યું કે તુરત સઘળા હાથી નહાસી ગયા. બે હાથીને એક કુવા ઉપર પાણી પાવા સારુ મહાવત લઈ ગયો હતો. તેમાંનો એક હાથી બીજા કરતાં જરા નહાનો હતો. તેના મહાવત પાસે ચામડાની ડાળચી હતી, તે નાહાનો હાથી પોતાની શુંડમાં લઈને તેથી કુવામાંથી પાણી કહાડી પીવા લાગ્યો. તે જોઈને મોટા હાથીએ તે ડાળચી તેની પાસેથી છીનવી લીધી. તે વખતે બને માહાવતોની ગાળા ગાળી ઘણી થઈ, ને મોટા હાથીએ તે ડાળચી પાછી આપી નહીં. બાદ નાહના હાથીમાં વહડવાની કુદરત નહીં, તેથી તે છાનોમાનો ઉભો થઈ રહ્યો. બાદ મોટો હાથી કુવાના કિનારા ઉપર આવી ડાળચી પાણીમાં નાંખી પાણી કહાડી પીવા લાગ્યો. તે જોઈને નાહાનો હાથી ઉભો હતો ત્યાંથી નિકળી જાય છે એવું બતાવી, તે હળવે હળવે મોટા હાથીની પાછલી બાજુએ આવ્યો, ને એકદમ મોટા હાથીને માથાનો ધક્કો મારી કુવામાં ઉથલાવી નાંખ્યો. તે પાણી ઉપર તરવા લાગ્યો; પણ નિકળવાની કાંઈ તદબીર સુજી નહીં. બાદ તેના મહાવતે ત્યાંને ત્યાં રહીને લાકડાની ભારી એક ઉપર એક મુકીને ઢગલા કરવાનું તે હાથીને શિખવ્યું, ને તેની શુંડમાં ભારી આપી. હાથીએ ભારી પોતાના પગ તળે મૂકીને ઢગલો કર્યો ને ઢગલા ઉપર ચહડીને હાથી બહાર નિકળ્યા.

--¤¤¤¤¤¤¤¤--