ઘાશીરામ કોટવાલ/વાત ૧.
ઘાશીરામ કોટવાલ મેારુબા કાહ્નોબાજી (મરાઠી ) ૧૮૬૫ |
ઘાશીરામની સાસુ તથા તેનો સસરો હિંદુસ્થાનથી પોતાના જમાઇને મળવા સારુ એક વખત આવ્યાં હતાં. સસરો દેખીતો ભારે ભયંકાર ને શરીરે અગડબંબ હતો. તેઓ જમાઇને ઘેર આવી ઉતર્યાં, તે વખત જમાઇ તથા છેાકરી બંને આવી મળ્યાં, ને ઘાશીરામ સસરાને હાથ ઝાલીને માળે લઈ ગયો, ને બારી આગળ ગાદી તકિયા નાખ્યા હતા તે ઉપર બેસાડી તેના હાથ પગ ધોવા સારુ પાણી લાવવાને ચાકરને હુકમ કર્યો. ત્યાર પછી પાંડુ નામનો છોકરો કોકણસ્થ બ્રાહ્મણ નોકર હતો, તે બે રૂપાના કળશીઆ પાણીથી ભરીને તથા ખુશબોદાર ઉબટડું લઇને માળ ઉપર આવ્યો. તેને સસરાજીનું શરીર જોઇને હસવું આવ્યું તેથી મશ્કરીમાં હળવે હળવે બોલ્યો કે, “બાપરે ! આ તો એક મોટો રાક્ષસ છે ! એને અહીં જ કંઇ નવું જુનું થયું તો નીચે કેમ લઇ જવાશે !” આ વાત બીજા ખીદમતગારો મારફત ઘાશીરામને કાને પડવાથી તે ઘણો જ ગુસ્સે થયો, ને એક જમાદારને બોલાવી હુકમ કર્યો કે આ નાલાયક છોકરાને મુશ્કે બાંધી બુધવારની ચાવડી પર લઇ જઇ સો ફટકા એની પીઠ પર મારી તે ઉપર નીમકનું પાણી છાંટી સરકારની હદ પાર કરી ફિરંગીની હદમાં મુકી આવો. કોટવાલનો હુકમ થતાંજ સીપાઇયો પાંડુ ને વળગી પડ્યા ને ઉંધો નાખી મુશ્કે બાંધવા લાગ્યા. તે વખતે પાંડુએ પોતાના મ્હોં ઉપર તમાચા મારીને કહ્યું કે, મહારાજ માફ કરો ! ફરી એવું કદી બોલીશ નહીં; મેં જખ મારી, મને છોડાવો, દાદા સાહેબ છોડાવો, બાઇ સાહેબ ! દોડો દોડો, મારો જીવ જાય છે. મારી માને એકવાર મેળવો, પછી મારો જીવ લો. એ પ્રમાણે મોટી બુમો પાડી સઘળું ઘર ગજાવી મુક્યું. ઘાશીરામનો સસરો મરાઠીમાં સમજતો ન હતો તેથી હિંદુસ્થાનીમાં પૂછવા લાગ્યો.
સસરો– ઈસ લડકેને ક્યા કિયા હે ?
ઘાશીરામ– એ બાતકી, સસરાજી આપ પુરછા કીજિયે નહીં.
સ૦- નહીંજી, જરા કહો તો સહી. ઘા૦— એ બખત કહને કા નહીં, આપ ચુપી બેઠો, ઈસ લડકેકે બત્તીસ દાંત એાર જબાં તોડકે નિકાલુંગા; તબ મેરે દિલકા સમાધાન હોયગા, ઈસ વાસ્તે આપ કુછ બોલો મત.
સસરાજી જમાઇનો ગુસ્સો જોઇ ચુપ રહ્યા; પણ ઘાશીરામની ઓરતને પાંડુની દયા આવી, ને તેની મા કાશીબાઇને તુરત બોલવાવી માફી માંગવા મોકલી. તે ઘાશીરામની હજુરમાં જઇ મોટી આજીજીથી બોલવા લાગી:— અરે દાદા સાહેબ ! આપ અમારા અન્નદાતા છો, આજ લગી પાંડુને આપે છોકરા પેઠે પાળ્યો છે. તેની મૂર્ખાઈની વાત આપે મનમાં લાવવી નહીં જોઇએ; કેમકે એતો નાદાન છે. તેને એટલી બધી સમજ ક્યાંથી હોય? જરણ મરણ સઘળાને છે. એટલું બોલી એટલે કોટવાલને ઘેર એક ચુગલખેાર હતો, તે પાછળથી રુબરુમાં આવી બોલવા લાગ્યો કે, આ બાઈ હમણાં આજીજીની વાતો કરે છે; પણ રસ્તામાં તો કહેતી હતી કે સસરાજીની માઠી અવસ્થા કદાચ થઈ તો જમાઈના પંદર કારીગરો છે, તેમાંથી એક બેને બોલાવી એક બારી ખોદી કાહાડી સસરાજીને ગળે દોરડું બાંધી ચોકમાં ઉતારવા શું મુશ્કેલ છે ? પણ પાંડુ છોકરો છે તેથી તેને આ વાત ક્યાંથી સુઝ પડે ? આ હકીકત ચાડિયાના મોહોડાની સાંભળતાં જ કોટવાલ વાઘની માફક બોહતાળો કરી કાશીબાઈના આંગ ઉપર કુદી પડ્યા, ને તેના મ્હો પર એક લપડાક જોરથી મારી, તેથી તે બેહોશ થઈ પડી; તેના ઉપર લાતોનો માર મારવા લાગ્યા. તેનો આજુબાજુના લોકોએ આવી અટકાવ કર્યો; ને તેઓમાંના એક જણે ઠંડું પાણી લાવીને બાઇના મ્હોડા ઉપર તથા બદન ઉપર છાંટ્યું તેથી તે થેાડી હોંશમાં આવી એટલે કોટવાલે જમાદારને બોલાવી હુકમ કર્યો કે, એ રાંડની ઢેડ ફજેતી પાંડુને સાથે રાખીને કાહાડવી; ને એનું માથું મુંડાવી કપાળ પર તથા જીભ ઉપર ડામ દઈ બંનેને મુગલાઈ હદમાં કાહાડી મુકવાં. તે ઉપરથી સીપાઇઓ બંનેને લઈ જવા લાગ્યા; એટલામાં પાંડુનો બાપ તે રસ્તેથી જતો હતો, તેહેને અકસ્માત આ હકીકત માલુમ પડવાથી કોટવાલ પાસે દોડી આવી તેને પગે લાગ્યો, ને ખોળો પાથરી જીવતદાન આપો, એવી આજીજી કરવા લાગ્યો. તે વખત તેનું તથા કોટવાલનું બોલવું થયું તે:—
કોટવાલ— આ હરામખોર છોકરા અને રાંડે શું કર્યું છે તે તને માલુમ છે ?
રામભટ— મહારાજ, શું થયું?
કો૦— તે માહારાથી કહી શકાય નહીં, તું હ્યાંથી જા, જા. રા૦— મેહેરબાની કરી મને થોડું સમજાવો. દાદા સાહેબ, કહો ! હું તમને પગે લાગું છું !
કો૦— અમારા સસરાવિષે તારો છોકરો તથા ઓરત કેવી ખરાબ વાત બોલ્યાં, તે આ હવાલદાર તને કહેશે, મારે મોહોડેથી એ વાત કાહાડી શકાતી નથી: એટલામાં હવાલદાર સામે આવી બોલવા લાગ્યો કે, સાહેબ ! એ રામભટે પણ ક્યાં કસર રાખી છે ? એમ આપ સમજશો નહીં. એ મહા કપટી છે. માળ ઉપર આવવાની અગાઉ આપને ન ઘટે એવી ગાળો દઇ કેહેતો હતો કે, “સસરાજીનો માઠો વખત આવે તો કારીગરો પાસે દીવાનખાનાની બારી તોડીફોડી નખાવવી ને દોરડું લાવવું એટલી તજવીજ કરવી, ને કુહાડી તો ઘરમાંજ છે. તે વતી સસરાજીના હાથ પગ કાપી નાખી જુદા કરવા: એટલે દાદરેથી નીચે લઇ જવા શું મુશ્કેલ છે?
કો૦— બસ બસ! એ બ્રાહ્મણનું ડહાપણ જાણ્યું. એને પકડો ને ધક્કા મારી બાહાર કાહાડો; અને વાનવડીના મેદાનમાં લઇ જઈ એક ઝાડ સાથે બાંધી ઉંધો લટકાવી એક મણ મરચાંની ધુણી દ્યો. અથવા એની ગાંસડી બાંધી સિંહગઢ ઉપરથી ગબડાવી દ્યો એટલે એ દુષ્ટને ઘટતી સજા થઇ.
આ પ્રમાણે હુકમ થયા પછી સિપાઈઓ રામભટને બાંધવા લાગ્યા; એટલામાં તેના બાપ મહાદેવ ભટ ઘરડા ૮૦ વર્ષના થોડા દિવસ પેહેલાં કેાકણથી પુને આવ્યા હતા. તેને પોતાના ઘરના લોકોવિષે ઉપર મુજબ ખબર મળવાથી ઉદાસ થયા; ને એક કાગળ ઉપર અરજી લખીને જીવવાની આશા ન રાખતાં કોટવાલ પાસે જઇ આ અરજી આપવી, એવો દિલ સાથે ઠેરાવ કરી માથે ટોપી ઘાલીને હાથમાં લાકડી લીધી, ને ધ્રુજતે ધ્રુજતે કોટવાલના ઘર આગળ આવ્યો; પણ હિંમત ન ચાલવાથી અરજી ટોપીમાં સંતાડી કોટવાલ પાસે માળ ઉપર ગયેા ને અરજ કરી બોલ્યો કે, એ ત્રણે જણમાં કેટલી અક્કલ છે; તેનો એ લોકોના બોલવા ઉપરથીજ આપે ખ્યાલ કર્યો હશે. પાંડુને તથા રામાને હું શિખવતા શિખવતા થાકી ગયો; પણ એઓને કાંઇજ અસર થઇ નહીં; ને આ બાઈ તો નેશ પગલાની અમારે પાલવે પડી છે; વાસ્તે મારા ઘરડપણ ઉપર નજર રાખી, એ ત્રણેને છોડી દેવાનો હુકમ કરવો જોઇએ. કોટવાલે ફરમાવ્યું કે એમ નહીં થાય. ત્યારે ઘણી આજીજી કરવા લાગ્યો, એટલામાં તેના માથા પરથી ટોપી પડી ગઈ, ને તેમાંથી એક કાગળનો કકડો નિકળી પડ્યો, તેમાં એવું લખેલું હતું કે “આપના સસરાજી માળ ઉપર મરી જાય તો તેમાં આપને કાંઇ ખર્ચ થવાનેા નથી. આપના તાબામાં નોબત, ઢોલ, તાંસાં તથા રણસિંધાં ઘણાં છે, અને स्त्रीयश्चरित्रं पुरुषस्य भाग्यं । देवो न जानाति कुतो मनुष्य:॥ એ કહેવત આપના જાણ્યાંમાં જ છે. સસરાજીને કાંઇ સારું નરસું થયું તો પાછળ સાસુજી કાંઈ પતિવ્રતા ધર્મને બટ્ટો ન લાગે માટે તેને સતી થવું જ જોઇએ. વાસ્તે સસરાજીના શરીરને તથા ઘરને તોડફાડ કરવી; એ કરતાં બારણે વાજાં વગડાવી બ્રાહ્મણોને બેાલાવી વેદ ભણવાનું જારી કરાવી, હવેલીને આગ મુકી બાળી દેવી, એટલે સઘળી ક્રિયા યથાસ્થિત થશે, ને સાસુજીના પતિવ્રતાપણાની વાત ચારે દિશાએ ફેલાશે.” આ કાગળમાં લખેલી હકીકત જોતાં જ કોટવાલને ઘણો ગુસ્સો આવ્યો, ને પોતાના હાથ આગળ પીતળનું કલમદાન હતું તે બુઢ્ઢા ઉપર ફેંક્યું, તે તેના પગના નળામાં લાગવાથી લોહી નિકળવા લાગ્યું ને કળ ચડવાથી જમીન પર પડી તરફડવા લાગ્યો ને ઘાશીરામનાં રુવે રુવાં ખડાં થઈ જવાથી મોટેથી બુમ પાડી હુકમ કર્યો કે, આ કોંકણના માણસો એકથી એક વધારે ડાહ્યાં છે; એએાને જીવતાં રાખવાં ઠીક નથી, અરે જમાદાર! આ ચારેને હાથીના ચારે પગ સાથે મારી રુબરુ બાંધી હાથીને દોડાવો, ને ચાર પોહોર સુધી શેહેરમાં ફેરવો. પછી ચારેને ભાંભુડી પોંહોચાડી દો.
કોટવાલનો હુકમ થતાં જ નોકરો હાથી લાવવા દોડ્યા. એટલામાં એ તમામ હકીકત શનિવારના વાડામાં પેશવા સાહેબના જાણવામાં આવી. તેઓએ બ્રહ્મહત્યા થશે એવું સમજી જનકોજી હજુરીઆને મોકલી પાંડુ, કાશીબાઇ, રામભટ તથા મહાદેવભટને છોડાવી મંગાવ્યાં: અને તેજ વખત કોટવાલપર હુકમ લખી મોકલ્યો કે, બ્રાહ્મણોને હજુરનો હુકમ લીધા શિવાય પરબારી સજા કરવી નહીં.