ઘાશીરામ કોટવાલ/વાત ૫.

વિકિસ્રોતમાંથી
← વાત ૪. ઘાશીરામ કોટવાલ
વાત ૫.
મેારુબા કાહ્નોબાજી (મરાઠી )
૧૮૬૫
વાત ૬. →


વાત ૫.

ઘાશીરામને લલિતાગૌરી નામે એક સુંદર કન્યા હતી. તેની સાદી કાનપુરના એક જમીનદારના છોકરા ભાનુપ્રસાદ સાથે કરી હતી. તે છોકરી સોળ વર્ષની થયા પછી સ્ત્રીના વેશમાં આવી. તે વખત ભાનુપ્રસાદને હિંદુસ્થાનથી બોલાવી પુનામાં ઘરજમાઇ કરીને રાખ્યો. તેની ઉમર ચાળીસ વર્ષ ઉપરાંત હતી. તે ડોળે, રંગે અને ઢંગે બાયલાના જેવો હતો તેથી લોકો તેની મશ્કરી કરતા હતા. આ વાત ઘાશીરામના જાણવામાં આવ્યાથી તેણે નિશ્ચય કર્યો કે છોકરીને સંતાન થવાની બને તેટલી કોશીશ કરવી. પછી જોષિયાને બોલાવી પોતાની છોકરીની જન્મોત્રી દેખાડી. તેઓએ કહ્યું કે લલિતાગૌરીના સંતાનભુવનમાં રાહુ આવી બેઠો છે. તે ગ્રહ ચળ્યા પછી તેને છોકરું થશે. તે ચળિત થવા સારુ રાહુના જપ કરાવો, તથા તે ગ્રહનું દાન બ્રાહ્મણને આપો. તે ઉપરથી ઘાશીરામે માટો ખર્ચ કરી બ્રાહ્મણો પાસે જપ કરાવ્યા તથા દાન પણ આપ્યું. ઘાશીરામ તથા તેની બાયડી પાસે ગામની બાયડીઓ આવતી હતી તેમાં કોઈ નાનાની પેઠમાં તાબુતના ઘોડાને સવામણ રેવડી ચહડાવવાનું, કોઈ ગાર પીરને ચાદર ચહડાવવાનું, કોઇ શઠવાઇને રમકડાં તથા પાળણાં ચહડાવવાનું, કોઈ મેાહોરમમાં પાંચ વર્ષ સુધી છોકરો થાય તેને ફકીરી લેવરાવવાનું, કોઈ પંચમુખી હનુમાનને દર શનિવારે તેલ ચહડાવવાનું, કોઈ બાપદેવને સીંદુર ચહડાવવાનું, કોઈ જેજુરીના ખંડોબાને છોકરું ચહડાવવાનું કેહેતી હતી. વળી કોઇ પીપળાના ઝાડ નીચે બે ઘડી રાત્રે નાગા નાવાની તથા તુળસીની એક લાખ પ્રદક્ષણા કરવાની; વગેરે નાનાપ્રકાર કરવાની વાતો બતાવતી હતી. તે પ્રમાણે માબાપોએ છોકરી પાસે કરાવ્યું. અનેક ફકીર તથા બાવા પાસેથી ભાનુપ્રસાદ વાસ્તે જડી બુટી લીધી ને તેને કપાળે ઘસીને ચોપડાવી, અને છોકરીને પાઇ. માંત્રિક તથા દેવઋષિ પાસે, પિશાચ પીડા કાંઈ છે કે નહીં તેની શોધ કરાવી, ત્યારે ભાનુપ્રસાદની ગુજરી ગયેલી માનું નડતર છે એવું માલુમ પડ્યું. તે ઉપરથી ભાનુપ્રસાદને નાશીક મોકલી તેની માની નારાયણબળી તથા ત્રિપિંડી સરાવી. આ પ્રમાણે સેંકડો રૂપીઆ ખર્ચ કરી લોકોએ જે કહ્યા ને પોતાને સુઝ્યા તેટલા પ્રકાર માબાપે કરાવ્યા. એટલે ચાર પાંચ વર્ષ વીતી ગયાં; પણ લલિતાગૌરીને છોકરું જ થયું નહીં, ને તેની ઉમર એકવીસ વર્ષની થઈ તેવામાં કૃષ્ણશાસ્ત્રી વાઇકર કોટવાલને ઘેર આવતા હતા, તેણે ઘાશીરામને કહ્યું કે, હવે આ સઘળો ઢોંગ ધતુરો કાહડી નાખો, અને સત્સમાગમ કરવાને છોકરીને સાધુઓની સેવામાં રાખો, એટલે હરિ કૃપા કરશે. આ વાત ઘાશીરામના મનમાં આવવાથી છોકરીને પોતાની સ્ત્રી સાથે બેલબાગ તથા તુળસીબાગ નિત્ય દર્શન કરવા તથા કથા, કીર્તન ને પુરાણ સાંભળવા સાંજરે મોકલવા માંડી. ત્યાં ઘણે ઠેકાણે પુરાણ વંચાતાં હતાં. તુળસીબાગની ધર્મશાળામાં એક વેદશાસ્ત્ર સંપન્ન વિષ્ણુભટ વૈશંપાયન નામના પુરાણી ગોરો ગબલા જેવા ૩૦-૩૫ વર્ષની ઉંમરનો અને દેવીભક્ત હતો. તે મહાકાળિની સ્ફટિકમણિની મૂર્તિની મોટા ઠાઠથી પૂજા કરતો હતો. તેને ત્યાં ઘણી ઓરતો દર્શન કરવા આવતી જતી હતી. પુરાણી મોટી રેશમી કોરનો અષ્ટીનો ધોતી જોડો પહેરી કપાળે કેસરી તીલક કરી, ગળામાં અર્ગજાની માળા ઘાલી લીલો શાલજોડો એાઢી પુરાણ વાંચવા બેસતો હતો. તેનો સ્વર સુંદર હતો. ઘાશીરામની બાયડી તથા છોકરી ત્યાં જવા લાગ્યાં. તેઓને બીજી ઓરતોએ કહ્યું કે, વિષ્ણુભટને દેવી પ્રસન્ન છે, તેથી દેવીના પ્રસાદથી કેટલીક વાંઝણીઓને છોકરાં થયાં છે. આ વાત સાંભળીને છોકરીની માને મોટી આશા પેદા થઇ, ને તેણે ઘાશીરામને વિષ્ણુભટની વાત કહી. ત્યારથી તેનો ભાવ પુરાણી બાવાપર બેઠો, ને તેની પાસે ઘાશીરામે આવજાવ કરવા અને દરરોજ મેવા મીઠાઇ ને શીધું સામાન મોકલવા માંડ્યું. પુરાણી બાવા પુરાણ વાંચી રહ્યા પછી સંધ્યાકાળે નાહીને સંધ્યા કરીને દેવીની પૂજાનો આરંભ કરી, આરતી કરી રહ્યા પછી દેવી ઉપાસક મંડળીને પોતાને હાથે પ્રસાદ વહેંચતો હતો, એટલે બંધીની તોપનો વખત થતો હતો, ને સેવકો પોતપોતાને ઘેર જતા હતા. કોઈ કાકડ આરતીનાં દર્શન કરવા સારુ પુરાણી બાવાને ત્યાંહાંજ સુઇ રહેતાં હતાં. ઘાશીરામની ઓરત તથા છોકરી ત્યાં રાતના આરતીને સમે આવવા લાગ્યાં. કોઈ કોઈ વખતે છોકરીને કાકડ આરતી સારુ પુરાણી બાવાને ઘેર મુકીને તેની મા પ્રસાદ લઇ પોતાને ઘેર જતી હતી. આ પ્રમાણે પાંચ છ મહીના ગયા પછી લલિતાગૌરી ગર્ભવતી માલુમ પડવા લાગી એથી તેની મા તથા તેના બાપની ભક્તી પુરાણી બાવા ઉપર વધારે થવા લાગી. લલિતાગૌરીને પુરે માસે અરધી રાત્રે છોકરો અવતર્યો. તેનો ઘાશીરામને ઘણો આનંદ થવાથી, ફુલાઇ ફુલાઇને જોસમાં બેાલવા લાગ્યો, કે આજ લગી જમાઇને જે કલંક લાગેલું તે દેવીએ દૂર કરી દીધું. ઘણું સારું થયું. હવે જે લોકો જમાઇની ચેષ્ટા કરતા હતા, તેની ફજેતી સવારે નાનાસાહેબના વાડામાં જઇને કરું છઉં. પછી ભાનુપ્રસાદને પાસે બોલાવી હર્ષથી કહ્યું કે “જીયો બેટા જીયો ! તેરે દેહકી અબ સ્વાસ્થ ભયે: સબ દુશ્મનોકી મૂછ નીચે ઉતારતા હોં. જા અબ ઇતની બખત અસનાન મત કરો; પણ શાસ્ત્ર પ્રમાણે એક પાષાણકા ટુકડા લેકે કુવામેં ડુબા દો.” તે પ્રમાણે ભાનુપ્રસાદે વાડામાં જઇ કુવામાં પથરો નાખ્યો ને પાછો આવ્યો. પછી ઘાશીરામે સાકર લઇને તેમાંથી એક ચપટી ભરી પોતાના મેાહોમાં નાખી, ને એક ચપટી ભરી ભાનુપ્રસાદના મોહોમાં નાખી. સવારનો પોહોર થતાં જ ઘાશીરામ નોબત, ટકોરા તથા વાજાંવાળાઓને બોલાવી મેાટો દમામ કરવા લાગ્યા. સરકારમાં તથા દરબારી મંડળીવાળા લોકોને ત્યાં થાળ ભરીને સાકર મોકલી; અને પોતે જાતે નાના ફડનવીશના વાડામાં ગયો, ને એક રૂપાની થાળી સાકરથી ભરી નાનાસાહેબના મોહડા આગળ મુકી હાથ જોડી કહેવા લાગ્યો કે સાહેબની મેહેરબાનીથી લલિતાબાઈને રત્ન સરખો દીકરો અવતર્યો છે. જે લોકો આજ સુધી તેહના ધણીની મશ્કરી કરતા હતા તેનાં મોઢાં આજ કાળાં થયાં. આ બોલવું સાંભળી ત્યાં મંડળી બેઠેલી હતી તેમાંથી એક હિંમતવાન ગૃહસ્થે હસતાં હસતાં કહ્યું કે નાના સાહેબ ! અમારું બોલવું ભાનુપ્રસાદવિષે હતું; લલિતા બાઇના સામર્થ્યવિષે અમને કાંઇ ભ્રાંતિ નહોતી.