જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વ્યક્તિત્વ અને વાઙ્‌મય
નટુભાઈ ઠક્કર
જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન →


જયભિખ્ખુ : વ્યક્તિત્વ
અને વાઙ્‌મયનટુભાઈ ઠક્કર
શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી,
જયભિખ્ખુ માર્ગ
પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭

આરંભે થોડીક વાત


કબર પર સૂનારો એક માનવી.
છાપાનો એક ફેરિયો.
એક શિક્ષક.
એક અધ્યાપક
એક કૉલેજ-આચાર્ય
સાથે બન્યો.... જીવ્યો એ પત્રકાર.
છાપાં વેચનારના લેખો છાપામાં છપાતા થયા.

છેલ્લાં ત્રીસેક વર્ષથી સાહિત્ય, શિક્ષણ અને સંસ્કારપ્રવૃત્તિ સાથે પત્રકારત્વના ક્ષેત્રમાં કામ કરવાનું થયું છે. ગુજરાતનાં વિવિધ વર્તમાનપત્રોમાં ‘મીણ, માટી ને માનવી’, ‘સતની બાંધી ભોમકા’, ‘ફૂલ અને અંગારા’, ‘મોગરે મહેક્યાં ફૂલ’, ‘પંક, પરાગ ને પોયણાં’, ‘વિદ્યા, વિદ્યાર્થી ને વિદ્યાલય’ જેવી મારી કૉલમો વિવિધ વર્તમાનપત્રોમાં ચાલતી રહી હતી. એમાં છેલ્લા બારેક વર્ષથી ‘સંદેશ’માં દર ગુરુવારે આવતી મારી કૉલમ ‘લીમડાની એક ડાળ મીઠી’એ તો મને અનેકધા સમૃદ્ધ કર્યો છે. સામાન્ય વાચકથી માંડીને પ્રગલ્ભ વિવેચકો સુધીના સૌએ એની પ્રશંસા કરીને મને ઋણી બનાવ્યો છે. આપણા સમ્માન્ય વિવેચક શ્રી ધીરુભાઈ ઠાકર એકવાર કહે - તમારાં કથાનકો, ભાષાશૈલી અને ઘટનાનો વણાટ અમારા બાલાભાઈ (જયભિખ્ખુ) જેવો આવે છે..... બસ.... આટલી ચિનગારી.

ચિનગારીએ ચેતના જન્માવી.

એક તેજલિસોટો આગવી રીતે ફેલાતો ગયો.

સ્વાભાવિક રીતે જ ‘જયભિખ્ખુ’માં વિશેષ રસ જાગ્યો. જયભિખ્ખનું હાથે ચડ્યું એ બધું સાહિત્ય વંચાતું ગયું. મનમાં જયભિખ્ખુ વિષે અહોભાવ પેદા થતો ગયો. પછી થયું - આ તો એક અભ્યાસપાત્ર સર્જક છે. વિવેચનગ્રંથોમાં એમના સાહિત્ય વિષે જોઈએ એટલું લખાયું નથી... મનમાં સંકલ્પ થયો કે મારે કામ કરવું છે, મને આમાં વિશેષ મજા પડશે... એ આછાપાતળા સંકલ્પનું નક્કર પરિણામ હવે પછીના પૃષ્ઠોમાં દેખાશે.

કોઈપણ સર્જકને વાંચવો એ એક વાત.

વાંચીને માણવો એ બીજી વાત.

એના સર્જનનો અભ્યાસ કરી, સંશોધન-પદ્ધતિએ વિચારસ્થાપના કરવી એ ત્રીજી મહત્ત્વની – વૈજ્ઞાનિક ચલણ-વલણ સાધતી વાત છે. નાનાં-મોટાં ૩૦૦ જેટલાં પુસ્તકો સાથે કામ પાડવાનું થયું. જયભિખ્ખુએ ખેડેલા વિવિધ પ્રકારો, એનાં વિષયવસ્તુ, એનો કેન્દ્રવર્તી વિચાર, એના સામાજિક સાંસ્કૃતિક સંદર્ભો વગેરેને તપાસી-સંશોધી લેખનસ્વરૂપે મૂકવાનાં હતાં. પ્રત્યેક કૃતિની ક્ષમતા અને એને આધારે સમગ્રલક્ષી સક્ષમતાનાં તારણો કાઢવાનાં હતાં. પ્રત્યેક કૃતિના સર્જનઉન્મેષોને તપાસી એના કેન્દ્રમાં રહેલ સર્જકીય વિભાવનાનો મહિમા જોવાનો હતો.

જોતો ગયો, તપાસતો ગયો, સારવતો ગયો. સર્જનનો અગાધ રાશિ મારી સામે ખડો થયો. કપરું બન્યું કામ.

સર્જકક્ષમતા નોંધપાત્ર રીતે ઊંચી લાગી.... તારવણીઓ મળતી ગઈ.... એમાંથી નવલકથા અને ટૂંકી વાર્તા વિશેનાં પ્રકરણો સ્વાભાવિક રીતે જ પ્રસ્તાર પામ્યાં. નાટક-ચરિત્ર ઇત્યાદિમાં પણ કશું જતું કર્યું નથી. એનો સંતોષ છે... નવલકથાકાર — એ સ્વતંત્ર મહાનિબંધના વિષયો બની શકે એવી ક્ષમતા એમાં છે. ભવિષ્યની પેઢીના કોઈ કામ કરનારને માટે આટલો ઇશારો કરવાનું પ્રલોભન હું આ તબક્કે રોકી શકતો નથી.

જયભિખ્ખુના વિપુલ સાહિત્યસર્જન સંદર્ભે પૂર્ણદર્શન પામવા — પમાડવાનો આ અવસર શ્રમસાધ્ય હોવા છતાં આનંદલક્ષી બન્યો એનો સંતોષ મને થયો છે.... ને એ સ્પષ્ટ અનુભવાયું કે —

— ‘જયભિખ્ખુ’ પાસે સતત ચાલતી કલમ હતી.
— ‘જયભિખ્ખુ’ પાસે સતત સમૃદ્ધ બનતો સાહિત્યિક-સાંસ્કૃતિક આદર્શ હતો.
— એ જીવનધર્મી-જીવનમર્મી સર્જક હતા.
— ‘જયભિખ્ખુ’ સફળ શૈલીબળના સમર્થ સંચાલક હતા.
— આ બધું હતું અને ક્યાંક મર્યાદા પણ હતી, પણ એ મર્યાદાને યુગસંદર્ભ હતો.

— આ બધું તારવી-સારવીને સંશોધવાનું હતું. આ ગ્રંથ આજે તમારા હાથમાં આવે છે ત્યારે એ કાર્ય પૂરું થયાનો તૃપ્તિનો ઓડકાર મને આવે છે. શ્રી ધીરુભાઈ ઠાકરની એક ચિનગારીએ કેટલો મોટો પ્રકાશપુંજ પાથર્યો ! એમનો ઋણી છું.

ઋણસ્વીકાર તો અનેકનો કરવાનો રહ્યો.

જયભિખ્ખુનાં સ્વજનોમાં એમનાં ધર્મપત્ની સ્વ. જયાબેન, એમના પુત્ર અને આ ગ્રંથના પ્રકાશક, જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટના મંત્રી અને મારા પરમસ્નેહી ડૉ. કુમારપાળ દેસાઈ — અ. સૌ. પ્રતિમાબેન.... એ પરિવારે મને જયભિખ્ખુનું ઘણું સાહિત્ય અને એ નિમિત્તે હૂંફ, લાગણી અને પ્રેરણા આપ્યાં.

આ ઉપરાંત કેટલાય જૈન પરિવારોએ, પ્રકાશકોએ અને વિવિધ ગ્રંથાલયોના ગ્રંથપાલોએ મારા આ સાહસને પુરસ્કારીને ખૂબ ખૂબ મદદ કરી છે એ સૌનો આભારી છું.

મારું સંશોધનકાર્ય પૂર્ણ થાય એની વાત જોતા અનેક શુભેચ્છકોનું અહીં ભાવપૂર્વક સ્મરણ કરું છું. ખાસ તો આ કામ હાથમાં-મનમાં લીધું એ પછી આવેલા હૃદયરોગના હુમલાને કારણે ઘણા ચિંતિત બની ગયેલા. એ ગાળા દરમ્યાન સંશોધનપ્રવૃત્તિના ધબકારા ટકાવી રાખનાર મારી સંસ્થાના મિત્રો, અન્ય સાહિત્યકાર-વિવેચક મુરબ્બીઓ-મિત્રો અને વિવિધ શુભેચ્છકોએ જે હૂંફ અને પ્રેરણા આપ્યાં છે એ મારા જીવનનું અવિસ્મરણીય સંભારણું બની રહેશે. હૃદયરોગના હુમલાએ આપેલ ‘ફરજિયાત પથારી’એ પણ આ કાર્યમાં તો ખૂબ મદદ કરી છે.... અને હવે તો ‘સહુ સારા વાનાં’ થયાં છે – પરમેશ્વરનો પા‘ડે.

આ સંશોધન-મહાનિબંધના મારા માર્ગદર્શક – હવે તો પરિવારના સ્વજન-સહોદર સમા ડૉ. ચં. પૂ. વ્યાસ રૂપરેખાથી માંડીને છેક ઉપસંહાર સુધી સદા સતર્ક રહીને મૂલ્યવાન સૂચનો કર્યાં છે. મૂળ ગ્રંથો અને સંદર્ભગ્રંથોના ચયન માટે તથા લેખનના શબ્દે-શબ્દની વડાઈ માટે તેમનો આગ્રહ નોંધપાત્ર રીતે આ શોધનિબંધમાં નિવડી આવ્યો છે. આ શોધનિબંધ આજે ગ્રંથસ્થ થાય છે ત્યારે પણ ‘વનપ્રવેશ પછીની લગન’ એવો નાનકડો

પ્રવેશક એમણે લખી આપ્યો... આભાર એમને ખપશે નહીં, એની મને ખબર છે. મારા સંશોધન અને લેખનકાર્ય દરમ્યાન મારી નાની બહેન ડૉ. પ્રતિભા શાહની દોડધામ ઘણી રહી–સંશોધન અને હૃદયરોગ બન્ને માટે. ઉપયોગી પુસ્તકોના ખડકલા પણ તેણે જ કરી આપ્યા. હસ્તપ્રતને પણ તપાસી લીધી... પત્ની અ. સૌ. નિર્મળા મારી કામગીરીને મૂક ભાવે અવલોકતી રહીને સેવા જ કરતી રહી... એ બંનેને કેમ ભૂલું ?

બિનજરૂરી છતાં એક વાતનો ખુલાસો કરવાનું મન થઈ આવે છે. છેક ઈ. સ. ૧૯૬૩થી પીએચ.ડી. નિમિત્તે સંશોધનકાર્યમાં મારા પ્રયત્નો ચાલતા રહ્યા છે. પચીસ વર્ષના લાંબા સમયગાળાના ચારેક માર્ગદર્શકો સાથે કામ કરતાં કરતાં ત્રણેક વિષયો તો એવી માવજત પામ્યા કે એનાં પુસ્તકો પ્રકાશિત થયાં ને એની એકાધિક આવૃત્તિઓ પણ થઈ ગઈ.... છતાં પેલી પીએચ.ડી.ની પદવી તો વેગળી જ રહી. જોગસંજોગ એવા પડ્યાં કે કામ સરસ અને સંતોષકારક થાય, પણ નિમિત્ત બદલાઈ જાય.... ખેર... પરંતુ પરિણામ તો ઉપર કહ્યાં એમ – સારાં જ – રહ્યાં છે.... અલમ્.

આરંભે થોડીક અંગત વાત.

આ અંગત વાતમાં બીજું ઘણું લખવું છે – લખી શકાય.... હવે પછી આવનારાં પૃષ્ઠોને પણ ઘણું કહેવાનું છે, એનો ખ્યાલ રાખી અટકું છું. પત્રકારી જગતના માણસ તરીકે એક પત્રકારની સાહિત્ય-સેવાઓને, ગજાવાળા એક સર્જકને એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાના સંતોષ સાથે તથા વૃત્તિદૃષ્ટિશક્તિના પ્રમાણમાં ઓછું વિવેચન પામેલા એક સર્જકની પ્રતિભા ગુજરાતને ચરણે આ ગ્રંથરૂપે મૂકવાના આનંદ સાથે વિરમું છું.

પ્રવેશક લખી આપવાની મારી વિનંતિને મુ. ડૉ. ધીરુભાઈ ઠાકરે માન્ય રાખીને આ ગ્રંથ વિષે પરિચય કરાવી આપ્યો ને પૂ. શ્રી યશવંતભાઈ શુક્લનાં આશીર્વચન પ્રાપ્ત થયાં – મારા એ બન્ને ગુરુજનોનો હૃદયપૂર્વક ઋણસ્વીકાર કરી કૃતકૃત્ય થાઉં છું.

૧લી મે, ૧૯૯૧, સં. ૨૦૨૪
ગુજરાત રાજ્ય સ્થાપનાદિન
– નટુભાઈ ઠક્કર
 

વનપ્રવેશ પછીની લગન

આચાર્યશ્રી નટુભાઈ ઠક્કરના શોધપ્રબંધ સંદર્ભે માર્ગદર્શક અને નિર્ણાયકની બેવડી જવાબદારી અદા કરતાં કેવળ પ્રસન્નતાનો અનુભવ કર્યો છે. જયભિખ્ખુ જેવા પત્રકાર-સર્જક વિષે નટુભાઈ કાર્ય કરે, એ તેમની કારકિર્દીના અનુસંધાનમાં સમુચિત લાગ્યું હતું. એ ઔચિત્ય પણ આ શોધપ્રબંધમાં માણી શકાય છે.

વિવિધ કટારોમાં પ્રકાશિત થયા બાદ ગ્રંથસ્થ થતી ગયેલી વિપુલ લેખનસામગ્રી પાછળ નટુભાઈનું વિવેચનકાર્ય ઢંકાઈ ગયું છે. અભ્યાસીઓ જાણે છે કે એ દિશામાં પણ તેમણે સારું કામ કર્યું છે. હવે આ ગ્રંથના પ્રકાશનથી તેમની વિવેચક-સંશોધક તરીકેની લાક્ષણિકતાઓ તારવી શકાશે, એ ખાસ નોંધપાત્ર છે.

જયભિખ્ખુનું લેખનકાર્ય પણ વિપુલ છે. નટુભાઈના માર્ગદર્શક તરીકે કાર્ય કરતાં બે લાભ થયા. છેક કિશોર-યુવાવયના સંધિકાળે જયભિખ્ખુ મુગ્ધરસિક ભાવે વાંચેલા. નટુભાઈના વિશિષ્ટ મુદ્દાઓની ન્યાયતા તપાસવા એનું પુનઃ વાચન આવશ્યક બન્યું. બીજો લાભ એ થયો કે નટુભાઈ જયભિખ્ખુને પામવા પ્રયત્નશીલ હતા એ દરમ્યાન હું નટુભાઈને પામતો ગયો.

જે કામ હાથમાં લીધું એમાં નટુભાઈ વાળ્યાય ન વળે ને હાર્યાય ન વળે. હાર ખમે એ નટુભાઈ નહિ. સંશોધનકાર્ય દરમ્યાન હૃદયરોગનો હુમલો આવ્યો. આ પ્રકારના ચિંતાજનક રોગ પછી પણ નટુભાઈ જમણા હાથે લખે ને ડાબા હાથે દવા પીએ. મારા સ્વભાવ પ્રમાણે લખ-ચેક-ભેંસ-લખ ચાલ્યા કરે. હું થાકું, નટુભાઈ ના થાકે. ધૈર્ય અને ધગશ સમાંતરે કાર્ય કરે. પરિણામે જયભિખ્ખુની વિપુલ સાહિત્યસામગ્રીનું અને વિવિધલક્ષી સાહિત્યિક વ્યક્તિતાનું તેઓ સાચું માપ કાઢી શક્યા.

જયભિખ્ખુ ખૂબ લોકપ્રિય સર્જક હતા, એટલે અજાણ્યા નહોતા. પણ તેઓના સમકાલીન કેટલાક સર્જકો તરફ વિવેચકોના લેન્સ સજ્જડ જામેલા ને તેથી જયભિખ્ખુને ઓછો ન્યાય મળ્યો. આનંદ એ વાતનો છે કે નટુભાઈએ જયભિખ્ખુના સાહિત્યને લગભગ અશેષ કહી શકાય એ રીતે પ્રકાશમાં આપ્યું છે; અને અધૂરામાં પૂરું જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યનો આગવો અભ્યાસ કરવાના મારા આગ્રહને તેમણે પરિતોષ્યો છે.

નટુભાઈનો શોધપ્રબંધ જયભિખ્ખુ ટ્રસ્ટ વતી ડૉ. કુમારપાળ દેસાઈ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરે છે, એ સાર્થ તર્પણ છે એમ માનું છું. ડૉ. કુમારપાળનો અને ટ્રસ્ટનો આભાર નટુભાઈ માનશે, હું તો આનંદપૂર્વક અભિનંદન આપું છું.

દાહોદ
તા. ૧૯-૩-૯૧
– ચંપૂ વ્યાસ
 

પ્રવેશક


જયભિખ્ખુ નામ મેં પહેલવહેલું સાંભળ્યું ત્યારે બીજા અનેકોની જેમ મને પણ ભ્રમ થયેલો કે આ કોઈ જુનવાણી સાધુ હશે. પછી તેમનું એક પુસ્તક હાથમાં આવ્યું, ‘પ્રેમભક્ત કવિ જયદેવ’.

પુસ્તક વાંચતો ગયો તેમ પેલો ભ્રમ ભાંગતો ગયો. વાચનને અંતે ખાતરી થઈ ગઈ કે આટલી રસિક બાની કોઈ સાધુની હોય નહીં, અને જૈન સાધુની તો ખચિત નહીં જ.

શૃંગારની છોળો ઉડાડીને પ્રેમરસ પાનારો આ લેખક તો પેલા મોરના પિચ્છધરનો જ વંશજ, પૂરો ગૃહસ્થી હોવો જોઈએ એમ મનમાં દૃઢ બેસી ગયું.

૧૯૪૬ના જુલાઈ કે ઑગસ્ટમાં જયભિખ્ખુની પહેલીવાર ઓચિંતી મુલાકાત થઈ. શારદા પ્રેસમાં એક ચોપડી છપાતી હતી. તે નિમિત્તે ત્યાં ગયો, તો પ્રેસ-મેનેજરની ખુરશી ઉપર બેઠેલ એક ભાઈ જોશીલી જબાનમાં કોઈની સાથે વાત કરી રહ્યા હતા, માંડીને વાર્તા કહેતા હોય તેમ.

સાંભળનારા પણ વાર્તારસમાં ડૂબી ગયા હતા. વાત પૂરી થયા પછી એમની મને ઓળખાણ કરાવવામાં આવી, બાલાભાઈ દેસાઈ – જયભિખ્ખુ તરીકે.

સહેજ આંચકા સાથે એમનો પહેલો પરિચય થયો. દસ મિનિટમાં જ મારા મને તાળઓ મેળવી લીધો કે જયભિખ્ખુ રંગીલા લેખક છે, સંસારમાં માત્ર ઊંડા ઊતરેલા જ નહીં, તેના રસકસના જાણતલ શોખીન જીવ છે.

હું તેમના ઠીક ઠીક નિકટ સંપર્કમાં આવ્યો છું. એ દરમ્યાન એમની નરવી રસિકતાનો મને અનેકવાર પરિચય થયો છે. એમના તખલ્લુસનો ઇતિહાસ જાણ્યો ત્યારે ખબર પડી કે સિક્કાની બીજી બાજુ રોમાંચક છે. એ નામ પાર્વતી-પરમેશ્વરની માફક એમના દામ્પત્યના અદ્વૈતનું પ્રતીક છે.

નામની માફક તેમનો દેખાવ પણ છેતરામણો હતો. સાદો પોષાક અને શરમાળ કે સંકોચનશીલ દેખાતો ચહેરો. તમે નજીક જાઓ, બે દિવસ સાથે રહો કે સાથે પ્રવાસ કરો ત્યારે ખબર પડે કે ખાનપાન, વસ્ત્રાભૂષણ અને રહેણીકરણીમાં બાદશાહી ઠાઠ એમને જોઈએ.

એકવાર પરિચય થયા પછી તમારા ઉપર તેમના પ્રેમ અને મમત્વનો પ્રવાહ એવો ચાલે કે તમને એમાં વારંવાર સ્નાન કરવાનું મન થાય. સાહસ, જિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહીં. લોહચુંબકની જેમ તમે એમનાથી ખેંચાયા વિના રહો જ નહીં. તેમના વ્યક્તિત્વનો પ્રભાવ એવો કે રાય અને રંક સૌને તે પોતાના કરી શકતા.

ભાવનગરના સદ્‌ગત મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી અને ચંદ્રનગર સોસાયટીનો બચુ પગી બંનેના મનમાં જયભિખ્ખુની પ્રેમાર્દ્ર છબી બેઠેલી હોય. સામેના માણસના પદને કારણે તેની સાથેના વ્યવહારમાં ભેદ કરવાનું એ શીખ્યા નહોતા.

સાચદિલ, નિખાલસ મિત્ર ને માર્ગદર્શક તરીકે સ્નેહીમંડળમાં તેમનું સ્થાન હંમેશાં ઊંચું રહ્યું હતું.

આજના જમાનામાં દીવો લઈને શોધવા જવા પડે તેવા બે ગુણ જયભિખ્ખુની સર્વપ્રિયતાના મૂળમાં પડેલા મને દેખાયા હતા : એક તેમનો પરગજુ સ્વભાવ અને બીજો મનની નિર્મળતા.

જેની સાથે માત્ર બે આંખ મળ્યાનો સંબંધ થયો હોય તેને માટે પણ કશુંક કરી છૂટવું એવી એમની સદ્‌ભાવના હંમેશાં રહેલી. દુઃખિયાનાં આંસુ લૂછવાનું એમને વ્યસન થઈ પડ્યું હતું, એમ કહીએ તો પણ ચાલે. વિવિધ વ્યવસાયના માણસો સાથેનો સંબંધ, એ માણસો પરસ્પર સહાયભૂત થાય તે રીતે તેઓ ખીલવતા.

જયભિખ્ખુની યોજક-શક્તિ પણ અજબ. તેનો ઉપયોગ બીજાને લાભકારી થાય તે રીતે તેઓ કરતા. શરીર અશક્ત હોય, આંખો કામ કરતી ન હોય, છતાં કોઈનું કામ થતું હોય તો પોતે કષ્ટ વેઠવામાં આનંદ માને. તેમના આ સ્વભાવને કારણે તેમને આંગણે તેમની સલાહ સૂચના કે મગગને

માટે અનેક નાનીમોટી તકલીફોવાળાં માણસોનો પ્રવાહ સતત જોવા મળતો. ચંદનની સુવાસ એ રીતે ઘસાઈને વાતાવરણને પવિત્ર રાખે છે.

બીજું તેમના સ્વભાવ બાળકના જેવો નિર્મળ. સાચાદિલી અને સાફદિલી નાના પ્રસંગમાં પણ તેમના વર્તનમાં પ્રગટ્યા વગર રહેતી નહીં. કહેવું કંઈ અને કરવું કંઈ એવી નીતિ પ્રત્યે તેમને નફરત હતી. સાચું લાગ્યું તે પરખાવી દેવાની ટેવને કારણે કવચિત્ કોઈનો અણગમો પણ વહોરવાનો પ્રસંગે ઉપસ્થિત થયો હશે, પણ તેનાથી તે સત્યની વિડંબના થવા દેતા નહીં. કશું છુપાવવાપણું ન હોવાને કારણે મનમાં કશી ભાંજગડ ભાગ્યે જ રહેતી.

ઉપર વર્ણવેલ વ્યક્તિત્વનું સીધઉં પ્રક્ષેપણ તેમના લખાણોમાં જોવા મળે છે. રસપૂર્ણ પણ ગંભીર સાહિત્ય પીરસવાનો તેમનો ઉદ્દેશ હંમેશાં રહેલો. અભિવ્યક્તિ સચોટ હોવી જ જોઈએ, પણ સાથે સાથે ઉત્કૃષ્ટ જીવનભાવનાનું લક્ષ્ય પણ સધાવું જોઈએ એમ તેઓ માનતા. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે જ પોતે સાહિત્યિક કામગીરી બજાવી છે એમ તે કહેતા.

ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. શ્રી જયભિખ્ખુ એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. પ્રાચીન ધર્મકથાને નવીન રસસંભૃત નવલકથારૂપે આસાનીથી યોજી બતાવીને એ દિશામાં તેમણે આદરણીય પહેલ કરી. તેમણે લખેલી ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’, ‘નરકેશ્વરી યા નરકેસરી’, ‘સંસારસેતુ’, ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’, ‘પ્રેમનું મંદિર’, ‘લોખંડી ખાખનાં ફૂલ’ અને ‘પ્રેમાવતાર’ જેવી ઐતિહાસિક તથા પૌરાણિક વસ્તુ પર આધારિત નવલકથાઓએ જૈન સમાજ ઉપરાંત જૈનેતેર સમાજનો પણ સારો ચાહ મેળવ્યો છે.

તેઓ જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વને ગાળી નાંખીને તેને માનવતાની સર્વસામાન્ય ભૂમિકા ઉપર સ્થાપી બતાવે છે. અનેક સંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના માનવવૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર, પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આમ કરવામાં તેમની વેગીલી ને ચિત્રાત્મક શૈલી મહત્ત્વનો ભાગ ભજવે છે.

જયભિખ્ખુની શૈલી સંસ્કૃત સાહિત્યના અભ્યાસથી ઘડાયેલી હોઈ આલંકારિક સુશોભનવાળી હોય છે, પણ તેનામાં નૈસર્ગિક ચેતના છે જે તેને જૂની ઘરેડમાં લુપ્ત થતી બચાવે છે. શિષ્ટતા અને સરસતા તેમના મુખ્ય ગુણો છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન શ્રી જયભિખ્ખુની નવલકથાઓ દ્વારા થાય છે.

વાર્તાકાર તરીકે તેમની ખરી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. ઉપરાંત બાળકો અને પ્રૌઢો માટે લખેલી દીપકશ્રેણી, કૂલશ્રેણી અને રત્નશ્રેણીની પુસ્તિકાઓ ઘણી વંચાય છે.

બાળસાહિત્યના અગ્રણી લેખક તરીકે શ્રી જયભિખ્ખુએ સરકાર અને પ્રજા બંને પાસેથી ઉત્તમ પ્રતિષ્ઠા મેળવી છે.

ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તેની પહેલાં પુસ્તકોને સરકાર તરફથી પારિતોષિક આપવાની યોજના થઈ હતી. ત્યારથી તેમના અવસાનના વર્ષ સુધીમાં ભાગ્યે જ કોઈ વર્ષ એવું ગયું હશે જેમાં જયભિખ્ખુને ઇનામ નહીં મળ્યું હોય. કિશોરોને સાહસ કરવા પ્રેરે તેવી વાર્તાઓ તેમણે ‘જવાંમર્દ શ્રેણી’માં આપેલી છે.

ટી. એસ. એલિયટે એક ઠેકાણે કહ્યું છે કે કોઈ કૃતિને મહાન કલાકૃતિ તરીકે મૂલવવી હોય તો તેની કલાની દૃષ્ટિએ કણસી કરવી ઘટે, પણ જો તેને મહાન કૃતિ તરીકે જોવી હોય તો તેમાંથી પ્રગટ થતી જીવનભાવનાની દૃષ્ટિએ તેની પરીક્ષા કરવી જોઈએ. આ ધોરણે તપાસતાં અવેર, સંપ, સત્ય, પ્રેમ, અહિંસા વગેરેનો સંદેશો લઈને આવતી જયભિખ્ખુની અનેક કૃતિઓ પવિત્ર આનંદ અને સંતોષનો અનુભવ કરાવે તેમ છે.

ડૉ. નટુભાઈ ઠક્કરનો આ મહાનિબંધ મારે માટે અંગત રીતે તેમજ અન્યથા વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. મારે માટે એ રીતે કે નટુભાઈનાં લખાણો વર્તમાનપત્રોની કૉલમમાં પ્રગટ થતાં હતાં તેની વાત કરતાં મારા મિત્ર જયભિખ્ખુનું સ્મરણ થઈ ગયું. મેં તેમને એ મતલબનું કહ્યું કે તમારી કૉલમમાં આવતી પ્રસંગકથા, ઘટના કે શૈલી અમારા બાલાભાઈની યાદ

અપાવે તેવી છે. હું તો એ વાત ભૂલી ગયેલો. પણ મારા શબ્દોએ, નટુભાઈના ચિત્તમાં, એમના કહેવા મુજબ, જયભિખ્ખુનું સાહિત્ય વાંચવાની ચાનક ચડાવી. નવલકથાઓ, વાર્તાઓ, ચરિત્રો, બાળવાર્તાઓ અને નાટ્યાદિ તમામ સાહિત્ય મેળવીને તેમણે જયભિખ્ખુના અક્ષરસ્વરૂપનો ચીવટથી અભ્યાસ કર્યો અને જયભિખ્ખુની સાહિત્યિક શક્તિનો ક્યાસ કાઢી આપતો આ મહાનિબંધ પણ આપ્યો. એ રીતે બે સમાનધર્મી સાહિત્યકારો પરસ્પર નિકટ આવીને ઊભા. પરિણામે જયભિખ્ખુ એક સન્નિષ્ઠ ને સહૃદય ભાવક પામ્યા, તો નટુભાઈએ સિમેન્ટ અને લોહના જંગલની વચ્ચે અપૂજ રહેલા દેવનું અર્ચન-પૂજન કરીને પીએચ.ડી.ની ડીગ્રી મેળવી. કેવો સુભગ સંજોગ !

નટુભાઈ મુખ્યત્વે પત્રકાર છે અને અધ્યાપક પણ છે. તેમની કૉલમોમાં રજૂ થતા કિસ્સાઓ વાચકના ચિત્તને જકડી રાખે તેવા ચોટદાર હોવા ઉપરાંત દરેકમાં કોઈ ને કોઈ પ્રકારે માનવતાની મહેંક હોય છે. પત્રકારી લખાણો મુક્તતાથી લખાતાં હોય છે. તેમાં ઘણુંખરું તારસ્વરે વાત થતી હોય છે. એમ કરતાં નિરૂપણ અતિશયોક્તિમાં ઊતરી પડે અને સત્યનો સમ ઘણીવાર ન સચવાય એવું બનવાનો સંભવ રહેલો છે. પત્રકારને યથાર્થતા, પ્રમાણભૂતતા કે સમતોલતા જાળવવા જેટલો સમય ભાગ્યે જ મળે છે. વહેતા વર્તમાનની ક્ષણની ચકમકને શબ્દ સાથે ઘસીને તણખો ઉત્પન્ન કરવામાં તેનું ઇતિકર્તવ્ય હોય છે. નટુભાઈ પત્રકાર તરીકે આવા તણખાનો ઝગઝગાટ નિપજાવતા રહ્યા છે. પણ આ પુસ્તકથી તેઓ સ્થિર પ્રકાશના પ્રદેશમાં પ્રવેશે છે.

સંશોધન એટલે ચિરકાળ ચાલે તેવા પ્રકાશની શોધ. સાહિત્યક્ષેત્રની વાત કરીએ તો શબ્દના કોડિયામાં સૌંદર્યના સ્નેહમાં બોળેલી સર્જકપ્રતિભાની દીવેટ સત્યની ચિનગારીથી સળગીને સ્થિર પ્રકાશ આપે છે. સંશોધન એટલે એ સત્યની જ્યોતને પામવાનો પ્રયત્ન. નટુભાઈમાં રહેલા અધ્યાપકનો પુરુષાર્થ અહીંથી શરૂ થાય છે.

નટુભાઈની વિશિષ્ટતા એ છે કે તેમણે જયભિખ્ખુના સાહિત્યનો સર્વાગીણ અભ્યાસ કર્યો છે; જયભિખ્ખુએ લખેલો એકેએક શબ્દ વાંચ્યો છે તે આ પુસ્તકમાં સ્થળે સ્થળે મૂકેલાં નાનાંમોટાં દૃષ્ટાંતો દર્શાવે છે. જયભિખ્ખુની

પ્રત્યેક નવલકથાનું તેમણે વસ્તુવિશ્લેષણ, પાત્રપરિચય અને નિરૂપણરીતિને અનુલક્ષીને સમાલોચન કરેલું છે. તેનાં મૂળ તપાસવાનો પણ વ્યવસ્થિત ઉપક્રમ દેખાય છે. પૌરાણિક અને ઐતિહાસિક વસ્તુ પર મંડાયેલી નવલકથાઓની સમીક્ષા કરતી વખતે તેમણે યોગ્ય રીતે જ તેમાંથી ફલિત થતાં પ્રેમ, અહિંસા, કરુણા, અવૈર, અપરિગ્રહ, શૂરત્વ વગેરે મૂલ્યો તારવી બતાવ્યાં છે. શિષ્ટ વિવેચકની ઢબે તેમણે લેખકના પ્રયોજનને લક્ષમાં રાખીને તેમની સર્જક તરીકેની સફળતાનો આંક કાઢવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં તેમની સહૃદયતા અને સમભાવિતા જોવા મળે છે. જોકે અહીંતહીં જોવા મળતી પુનરુક્તિઓ ટાળીને લેખનો બંધ દૃઢ બનાવી શક્યા હોત.

જયભિખ્ખુનો વાર્તાભંડાર વિપુલ છે. ધમકભર્યા વર્ણનો અને રસભરી કથનરીતિને કારણે તેમની વાર્તાઓ વાચનક્ષમ બને છે. પણ તે વાર્તાઓ જૂની પરંપરાની છે એ હકીકત નટુભાઈના ધ્યાન બહાર રહી નથી. ચરિત્રો નાનાં પણ ઊગતી પેઢીના ઘડતરમાં કામ લાગે તેવા છે. જયભિખ્ખુનું સાહિત્ય એકંદરે તંદુરસ્ત જીવનદૃષ્ટિ ઘડી તેવું પ્રેરક છે. માનવતાનાં મૂલ્યોની જિકર કરનાર જયભિખ્ખુનો અવાજ આધુનિકતાના ઘોંઘાટમાં દબાઈ ગયેલો, તેને પુનઃ સંભળાવવાનું પુણ્યકાર્ય કરવા બદલ નટુભાઈ અનેકાનેક અભિનંદનના અધિકારી છે.

અમદાવાદ
એપ્રિલ ૧૨, ૧૯૯૧
– ધીરુભાઈ ઠાકર
 


આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.