જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય/ગદ્યસર્જન અને સર્જનાત્મક ગદ્ય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પત્રકારત્વ – સર્જકનું સમાજલક્ષી સંવેદન જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
ગદ્યસર્જન અને સર્જનાત્મક ગદ્ય
નટુભાઈ ઠક્કર
ઉપસંહાર - પ્રભાવ અને પ્રતિભાવ →


પ્રકરણ ૮

ગદ્યસર્જન અને સર્જનાત્મક ગદ્ય

ગુજરાતી સાહિત્યના સર્જનાત્મક ગદ્યના વિકાસમાં આજે તો અનેકદેશીય પ્રગતિની સોપાનશ્રેણી દેખાય છે. લલિત ગદ્યના નમૂનાઓનું એકાદ સંપાદન તો સુરેશ જોશીએ આ દાયકાના આરંભે જ પ્રકાશિત કર્યું હતું, અને આજે એવાં બીજાં બેત્રણ સંપાદનો તો સહેજે કરી શકાય એવી સ્થિતિ છે. બીજી તરફ એમ પણ કહી શકાય કે ‘સર્જનાત્મક ગદ્યમાં એક ડગલું આગળ’ - એની જાહેરાતો અવશ્ય કરી શકાય, એવો સમય આવ્યો છે ત્યારેય કેટલાક અભ્યાસીઓ-વિવેચકોએ સંતોષજનક હાશકારો દાખવ્યો નથી. આમ એક રીતે વિચારીએ તો સર્જકલક્ષી ગતિવિધિમાં સતત વહેતા રહેતા, અવનવીન પરિણામો દાખવતા રહેતા, સામગ્રી અને સ્વરૂપની વિવિધ શક્યતાઓ તાકતા રહેતા ગુજરાતી પદ્ય વિષે સિદ્ધિદાયી કશુંક તો - એકાદ ડગલું આગળ ગયા જેટલું - અવશ્ય પ્રાપ્ત થયું છે.

અલબત્ત, વિકાસદિશાઓ પ્રતિ સતત ગતિ હોવા છતાં, ગુજરાતી ગદ્યસાહિત્યને કોઈ વિશિષ્ટ રીતે મૂલ્યાંકિત કરી આપવાનું સાહસ ખાસ કોઈ કરતું નથી. ગુજરાતી ગદ્યનો સર્જન પરત્વે પદ્ધતિસરનો આરંભ થયો, ત્યારથી જ નર્મદ કે નવલરામ જેવાઓએ સંપૂર્ણ વફાદારી અને નિષ્ઠાથી એની માવજત કરવા માંડી હતી, એ સ્વીકારવું જ રહ્યું. એ પછી તો ગોવર્ધનરામ, કનૈયાયાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા અને એ પછીના આધુનિક સર્જન સાથે કોઈ વાર વિશિષ્ટ અને કોઈ વાર વિચિત્ર રીતે જોડાયેલા બીજા અનેકોએ સર્જનાત્મક પરિસ્થિતિઓનાં વિવિધલક્ષી પરિણામોમાંથી સુરેશ જોશીએ સારવીતારવીને ખૂબ જ સમજદારીથી - છતાં અનેકવિધ પ્રકારની દહેશતો સમેત - ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન’ પ્રકાશિત કર્યું હતું.

આ પ્રકારની અવઢવનું એક કારણ એ પણ હોઈ શકે કે ગુજરાતી ગદ્યની પાયાની ભૂમિકામાં પાશ્ચાત્ય ગદ્યના સ્પષ્ટ સંસ્કાર છે. વળી ભારતીય સાહિત્યનો અભ્યાસ કરતી વેળાએ આપણી પાસે મોટે ભાગે કાવ્યશાસ્ત્ર'ના જ માપદંડો હતા અને ગદ્યસાહિત્યને ચકાસતી વેળાએ પણ આપણે એ જ માપદંડો - ધારાધોરણો નજર સમક્ષ રાખીને ગદ્યસાહિત્ય વિશે વિચાર્યા કર્યું છે. આ સંજોગોમાં આપણે ‘ગદ્ય માટે ગદ્યશાસ્ત્ર’ના ચોખ્ખા માપદંડો વિષે આજેય બહુ વિચાર્યું નથી, અને એ જ, સર્જનાત્મક ગદ્ય વિષે લખવાની બાબતમાં આપણી દહેશતનો વિષય બનવાનો સંભવ છે. કેમ કે - કયા માપદંડોથી આપણે ગુજરાતીના સર્જનાત્મક ગદ્યને પાળવા મથામણ કરીશું તો પરિણામ વૈજ્ઞાનિક આવશે ? એ પ્રશ્ન, જ્યાં સુધી ગદ્યશાસ્ત્રોનાં તમામ ઓજારો વ્યવસ્થિત રીતે નહિ મૂકાય ત્યાં સુધી ઊભો જ રહેવાનો.

આ બધું સાચું, પણ એની સામે સર્જકોને ન્યાય આપવા માટેય એટલું તો કહેવું જ પડશે કે શું ચિંતનાત્મક કે શું સર્જનાત્મક - ગદ્યલેખનની બાબતમાં - આપણા સર્જકોએ પોતાની રીતે આલેખન કરીને સર્જનાત્મક પરિણામો તો આપ્યાં જ છે. આપણું ગદ્યવિવેચન ભલે સમૃદ્ધ ના હોય પણ આપણું ગદ્યસાહિત્ય - એના આરંભકાળથી જ - એક યા બીજી રીતે સર્જનાત્મક આકર્ષણ તો ટકાવી શક્યું જ છે. ગોવર્ધનરામ જે પ્રશિષ્ટ સર્જક પછી આંગળીને વેઢ કનૈયાલાલ મુનશી જેવા રંગદર્શી મિજાજના સર્જક આવે તો પણ બંનેના આકર્ષણનો સંદર્ભ તો સરખો અને સંતોષજનક રહ્યો છે.

જયભિખ્ખુના સાહિત્ય અંગે ચર્ચાવિચારણા કરતાં આપણે એકાધિક વાર કહ્યું છે કે આ લેખકે સતત લખ્યું છે અને તેઓ તેઓનો સહૃદયવર્ગ પણ ટકાવી રાખી શક્યા છે, એટલું જ નહીં, કેટલાક વિદ્વાન વિવેચકોએ પણ પોતાના સાહિત્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યારેક રસ દાખવ્યો છે. અલબત્ત, જયભિખ્ખુને સાચો ન્યાય મળે, એટલું તેઓના સાહિત્યનું અધ્યયન થયું નથી. ચંદ્રકાન્ત બક્ષી જેવા જબરૂ લખતા સર્જક તો કહેશે કે સફળ લેખકને વિવેચકના અભ્યાસની ખાસ ચિંતા હોતી નથી. વળી આપણે ત્યાં આજે મૈત્રીવિવેચનના કાટલાંથી સાહિત્યિક સમીક્ષાઓનાં વજન જોવાય છે, ત્યારે બક્ષીની વાત વિચારવા જેવી પણ લાગે જ છે. આગળ વધીને એમ કહી શકીએ કે કોઈપણ સફળ સર્જકની કોઈને ને કોઈને તો ક્યારેક ગરજ પડતી જ હોય છે. આ શોધનિબંધ પણ એવી જ કોઈ ગરજનું પરિણામ છે. એવી ગરજ જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યનું અધ્યયન કરતા હોઈએ ત્યારે એના અધ્યયનનાં પરિણામોની ગંભીરતા પણ સ્વાભાવિક રીતે જ ચિત્તસ્થ હોય છે.

આ અભ્યાસ કરતી વખતે, જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યના અનુસંધાનમાં - અલબત્ત, જયભિખ્ખુ પછી ખાસ્સા સમયે પ્રકાશિત થયેલી - સુરેશ જોશીના ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય’ આગળ મૂકેલા અભ્યાસલેખનું સ્મરણ થશે. સુરેશ જોશી લખે છે, ‘આપણા ગદ્ય અર્વાચીન કાળમાં સર્જનાત્મક પ્રકારમાં કથાસાહિત્ય અને નિબંધથી શરૂઆત કરી. આનંદશંકર મણિલાલ સુધી પહોંચતા તો સૂક્ષ્મ દાર્શનિક વિચારણા પ્રાસાદિક રીતે વ્યક્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી. આજે ગદ્યની નવી નવી છટાઓ ખીલી રહેલી જોવા મળે છે. આ બધું અવલોકવું અને એને વિષે આલોચનાત્મક તપાસ કરવી તે હવે અનિવાર્ય બની રહ્યું છે.’ (‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય’- આમુખ-પૃ. ૫).

સુરેશ જોશીએ અવલોકનનો મહિમા સમજાવ્યો છે, એ મહિમા કેવળ તેઓએ આપેલા માપદંડોથી જ તપાસવો એવો તો તેમનો આગ્રહ નહિ હોય. કારણ કે તેઓ પોતે પણ આ સંપાદનમાં જે છે તે શ્રેષ્ટ જ છે, એમ સ્પષ્ટપણે કહી શકતા નથી - કોઈ કહી શકે નહિ. આખરે, તો સાહિત્યસર્જન એ વ્યક્તિગત સંદર્ભમાં જ સર્જનાત્મક રચનાવિધિનાં કર્મકાંડો અને એનાં પરિણામો દાખવે છે. એક સર્જકને અમુક બાબતો પ્રત્યે આકર્ષણ હોય તો બીજાને એ પ્રત્યે રોષ કે કંટાળો પણ હોઈ શકે. આ બધી ચર્ચામાં કે ગુજરાતી સર્જનાત્મક સાહિત્યની વિચારણામાં કોઈએ નામ પાડીને જયભિખ્ખુ વિષે સર્જનાત્મક ગદ્યના અનુસંધાને કશું લખ્યું નથી. તેઓના ગદ્ય વિષે જે સામાન્ય રજૂઆત થઈ છે, તેથી આગળ અહીં કશું રજૂ કરવાનો ઉપક્રમ છે. સૌ પ્રથમ તો જયભિખ્ખુની શૈલીનો પ્રમુખ ગુણ જોઈએ તો તેઓ લેખન પરત્વે માંગલ્યદર્શી પ્રશિષ્ટ સર્જક હોવા છતાં શૈલી પરત્વે રંગદર્શી રહ્યા છે. અત્યંત સામાન્ય કથયિતવ્ય હોય તો પણ એમાંથી કશું નવું - વિશેષ અણધાર્યું સાધવાનો તેઓને અનોખો આનંદ હોય છે. રંગદર્શિતાનો મુદ્દો હાથમાં લીધો છે તો સૌ પ્રથમ ‘શત્રુ અજાતશત્રુ’ ભા. ૧ નવલકથામાંથી આમ્રપાલીના પાત્ર અંગેનું કથનવર્ણન જોઈએ. ‘આમ્રપાલી વિશ્વની યોવનશ્રી લેખાતી. એનું શરદની ચાંદની જેવું રૂપ, પુષ્પની કુમાશને ભુલાવે એવો સ્પર્શ ને મનને કામણ કરે એવો કંઠ લોકવિખ્યાત હતાં. વૃદ્ધો પણ એના અનિંદ્ય સૌંદર્યને એક નજરે નીરખી રહેતા ને ઘેલા ઘેલા થઈ જતા.... આ સોંદર્યફૂલ કોને વરશે ?’ (પૃ. ૧૯૧)

માત્ર નિદર્શનના હેતુથી આ પાત્રના કથાવર્ણનનો આ એક નાનકડો ખંડ આપણે અભ્યાસ માટે લીધો છે. સૌ પ્રથમ તો લેખકે ‘વિશ્વની યૌવનશ્રી’ જેવો પ્રયોગ દ્વારા યૌવનનો, એની સમૃદ્ધિના વિશિષ્ટ અર્થઘટનોનો તથા વૈશ્વિક ચેતના સાથેની એની સૂક્ષ્મ સંલગ્નતાનો સંદર્ભ રચી આપ્યો છે. એ રીતે આરંભથી જ સ્થૂળ શારીરિક સૌંદર્ય સાથે પાત્રના આંતરવૈભવના તાણાવાણા આપોઆપ ગુંથાઈ જાય છે. એ પછી શરદની ચાંદની અને પુષ્પની કુમાશનો ચોખ્ખો સંદર્ભ ભારતીય નારીસૌંદર્ય સાથે સંકળાયો છે. સંસ્કૃત કાવ્યસાહિત્યનો પ્રભાવ પણ એમાં સ્પષ્ટ દેખાયો છે. વૃદ્ધો એને તાકી રહે અને ઘેલા ઘેલા થઈ જાય, એ મુદ્દો બહુ મહત્ત્વનો નથી. પણ એ સૌંદર્યની આગળ ‘અનિંદ્ય’ વિશેષમ મૂકવાથી સમગ્ર પરિસ્થિતિમાં વિશેષ પ્રકારની કલંકરહિતાનું મહત્ત્વ ઉપર તરતું રહે છે. થોડા જ સમય પછી ‘આવતી કાલે ભગવાન બુદ્ધ ભિક્ષુસંઘ સાથે મારે ત્યાં ભોજન લેશે’ (પૃ. ૧૬૨, ભા. ૧) એમ કહેતી આમ્રપાલી ‘આત્માની દૃષ્ટિએ તમે અને હું સમાન છીએ.’ (પૃ. ૧૬૨, ભા. ૧) એમ સમજાવે છે ત્યારે ઉપર તરતા રહેતા કલંકરહિતતાના મહત્ત્વનું મૂલ્ય સહૃદયો સમજે છે. એ પછી ‘આ સૌંદર્ય ફૂલ કોને વરશે ?’- એમ લખાયું છે ત્યારે તરત જ દુષ્યંતના શબ્દોના સંસ્કારનું સ્મરણ જાગે છે. દુષ્યંતે શકુંતલાને સૌંદર્ય વર્ણન કર્યા બાદ કહ્યું હતું: ‘કોણ જાણે આનું નિર્માણ વિધિએ કોના માટે કર્યું હશે ?’ અહીં સંદર્ભ સંપૂર્ણપણે બદલાઈ ચૂકેલો હોવા છતાં એ જ પ્રશ્ન ભિન્ન રીતે કેટલો અર્થઘન બને છે ?

કોઈપણ સર્જક જ્યારે પાત્ર કે પ્રસંગનું આલેખન કરતો હોય છે ત્યારે એના વર્ણનમાં કેવળ શબ્દોની રજૂઆત હોતી નથી પણ શબ્દ સંલગ્ન એકાધિક સંદર્ભો આક્રમણ કરીને એમાંથી યોગ્ય પસંદગી કરવા અને પ્રેરે છે. સર્જક જો પોતે સ્વાધ્યાય-પરિશીલનવૃત્તિ ધારણ કરતો હોય તો એ શૈલીબળે અનેક સાહિત્યિક પરિણામો આપતો રહે છે. ઉપરના આમ્રપાલીના કથનવર્ણનમાં એ પ્રક્રિયા દેખાય છે.

એક બીજો મુદ્દો પણ યાદ રાખવો જોઈએ. સામાન્ય સંજોગોમાં ગદ્ય અને પદ્ય પરસ્પરની ભિન્ન સ્વભાવ-સ્વરૂપનાં છે, એ જાણીતી વાત છે. એવા સંજોગોમાં ગદ્યને મૂલ્યાંકિત કરી આપતી વેળાએ કવિતાનાં ઉપકરણોનો ઉપયોગ કરવાથી ગદ્યનો મહિમા ઘટે છે, એવું સામાન્ય રીતે તારવી શકાય. તેથી, એ પ્રકારનાં આલેખનોને પણ એકદમ પ્રશંસા આપી દેવી યોગ્ય નથી. હવે બીજે છેડેથી વાતને જોઈએ તો ‘સરસ્વતીચંદ્ર’ જેવી નવલકથામાં અવારનવાર કવિતાનું દર્શન થાય છે. એમાં કેટલીકવાર તો સળંગ પાને પાનાં ભરીને કવિતાની રજૂઆત થઈ છે. ગોવર્ધનરામે પાત્રમુખે તો કવિતા મૂકી જ છે. એ ઉપરાંત અન્ય કવિઓની રચનાઓનો ઉચિત વિનિયોગ પણ તેઓએ કર્યો છે. ‘સરસ્વતીચંદ્ર’ની કવિતા વિષે કેટલાક અભ્યાસીઓએ તો અભ્યાસલેખો પણ લખ્યા છે. આ અંગે ભારે સંશોધનની આવશ્યકતા છે. એ થતાં ગદ્યસર્જન સાથે સંકળાતી નવલકથાની કવિતાનું સાચું મૂલ્ય સમજાશે.

જયભિખ્ખુની નવલકથાઓમાં એ રીતે કાં તો કવિતા અથવા તો કવિતાની સામગ્રીનો ઉપયોગ કરીને લેખકે ગદ્યકૃતિને બહુ મહિમાવાન બનાવવાના પ્રયત્નો કર્યા છે. પહેલાં તો તેઓની ‘પ્રેમાવતાર’ ભા. ૨ માંથી ‘બારમાસી’ પ્રકરણ જોઈને એની કવિતાનો અનુભવ કરીએ. આમ તો આખું પ્રકરણ શીર્ષકથી જ સ્પષ્ટ થાય છે, એમ ‘બારમાસી’ કવિતા દ્વારા જ નવલકથાના કાર્યવેગને તેજસ્વી બનાવે છે. રાજ્યશ્રીને નેમિવિરહની વેદનાના વિવિધ ઉપચારો કરવા આવશ્યક બન્યા છે અને એ નિમિત્તે સખીઓ બારમાસી ગાય છે. પ્રકરણના આરંભે જ પ્રણયરસાયણની પ્રક્રિયા આલેખતું ગદ્ય પણ કવિતાસામગ્રીથી કથયિતવ્યને વધુ રમણીય આસ્વાદક બનાવે છે. આ પ્રકરણની કવિતામાં પરંપરાગત બારમાસીનું જ વર્ણન છે અને ઋતુઋતુનાં પરિવર્તનશીલ ઉપચાર-વ્યવહાર-સંચારનું જ એમાં આલેખન છે. લેખકે, બારમાસી ગાતી સખીઓના ગાન સાથે ઋતુસંલગ્ન અભિનયનું દર્શન પણ સુપેરે કરાવ્યું છે. આમ સમગ્ર પ્રકરણ જોતાં એક નવલકથામાં, ગદ્યકૃતિમાં - કવિતાનું આલેખન જરાય કઠતું નથી, બલ્કે, કવિતાના આલેખનથી નવલકથાના નિરૂપણનો મહિમા વધે છે. આ અર્થમાં જોઈએ તો નવલકથાની સ્વરૂપસિદ્ધિ સંદર્ભે, કશી દેખીતી અનિવાર્યતા સિદ્ધ થતી હોય તો, એને કવિતા સાથે બાપે માર્યા વેર હોતાં નથી. આ બાબત અગાઉની બીજી કેટલીક નવલકથાઓની જેમ ‘પ્રેમાવતાર’-૨માં પણ માણી-નાણી શકાય છે.

તેથી જરા ભિન્ન રીતે, ‘ભગવાન ઋષભદેવ’ નવલકથાનું પહેલું પ્રકરણ તપાસવા જેવું છે. એમાં પદ્ય નથી, એમ છતાં કવિતા છે. લેખકે આરંભે મન્વંતર પહેલાની વસંતનું વર્ણન કર્યું છે અને એની સાથે સાથે જ કથારસનો પ્રચાર વહેતો થાય એવું કાવ્યરસિક આલેખન કર્યું છે. વસંત અને એના મિત્ર રસરાજ શૃંગારનો સામટો ઉદય દર્શાવતા આ આલેખનમાં વિલાસની પ્રચૂર માત્રા હોવા છતાં ક્યાંય રસભંગ કે રુચિભંગ થતો નથી, એ એની આગવી વિશેષતા ગણી શકાય. સમગ્ર પ્રકરણ જ દૃષ્ટાંત તરીકે તપાસી શકાય એવું છે. છતાં, એનાં કેટલાંક વાક્યો કે વાક્યખંડો જોઈને સંતોષ લઈએ.

— નાનાં નાનાં મેદાનો પર માતાના સ્તન જેવા મીઠા ડુંગરા પથરાયેલા હતા. (પૃ. ૪)

— બ્રહ્મચર્ય જેવું વ્રત તેમણે કદી જાણ્યું નહોતું ને વ્યભિચાર જેવો ખરાબ શબ્દ એમણે કદી સાંભળ્યો નહોતો. (પૃ. ૬)

— અહીંનો માનવી કવિતા નહોતો કરી જાણતો, પણ કવિતાનું જીવન એ અવશ્ય જીવતો. (પૃ. ૭)

— અહીં તો મૃત્યુ પણ જીવનનું એક અંગ જ છે ને ? (પૃ. ૮)

ધૂમકેતુની ‘પૃથ્વી અને સ્વર્ગ’ વાર્તાનું સ્મરણ કરાવે એવા આ પ્રકરણના અંતે પણ સ્વર્ગસમી પૃથ્વી પર કમનસીબે પાર્થિવતાનું વાતાવરણ પેદા થાય છે, એની ઘટના આલેખાઈ છે. પરંતુ એ પહેલાં જે સ્વર્ગીય વાતાવરણ હતું એનાં યૌવન-પ્રકૃતિ-મસ્તીનાં કથનવર્ણનમાં લેખકે વચ્ચે વચ્ચે મૂકેલાં કેટલાંક વાક્યો આપણે ઉપર અલગ તારવ્યા છે. એ વાંચતા જ, સંપૂર્ણ રસમસ્તીથી તરબતર બનેલા વાતાવરણની એ ખુમારી છતી થવા ઉપરાંત, આટલાં રસમસ્તી હોવા છતાં અનાચાર કે વ્યભિચારને કશો અવકાશ નહોતો એ દાખવવામાં સમગ્ર ગદ્યવિધાન કેટલું મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે ?

રસમસ્તીની સમાંતરે જ રસમસ્તીની સમૂળી વિભાવના-પ્રજોત્પત્તિ-નો સંદર્ભ ઉપર મૂકેલાં દૃષ્ટાંતોમાં સૌ પ્રથમ નજરે તરી આવે છે. શૃંગારનો સંદર્ભ સાચા વાત્સલ્યને પુષ્ટિ આપતો હોય તો દુનિયાની કોઈ તાકાત શૃંગારને હલકો ઠરાવી શકે નહિ. વળી, શૃંગારની મસ્તી એ બ્રહ્મચર્ય- વિરોધીની હશે, પણ તે વ્યભિચાર-વિરોધીની પણ છે જ. પવિત્રતાનો આ બીજો, આગવો પણ મહત્ત્વનો સંદર્ભ પણ ધ્યાનપાત્ર બને છે. કવિતાના જીવનનો સંદર્ભ દાખવતું ત્રીજું વાક્ય રસમસ્તીની શાશ્વત મૂલ્યવત્તાનો મહિમા દાખવે છે. આમ ચોતરફની વિશેષ સમજદારીથી જિવાતું પૃથ્વી પરનું સ્વર્ગ, સ્વર્ગની જેમ જ મૃત્યુંજય પણ છે, કારણ કે મૃત્યુને પણ અહીંના સૌ જીવનનો જ એક ભાગ ગણે છે. એક પ્રકારનાં આ ચાર વાક્યો અહીં સાથે મૂકીને જોવાનો ઉપક્રમ એટલા માટે જ રાખ્યો છે કે તેથી લેખકે દર્શાવેલા એક વિશિષ્ટ પ્રકારના જીવનલક્ષી અનુભવની ઝાંખી કરવાનો યથાશક્ય પ્રયત્ન કરી શકાય. અહીં તો સંક્ષેપમાં આ પ્રકારનાં કેટલાંક દૃષ્ટાંતોથી ચલાવી લીધું છે. ખરેખર તો, કોઈએ આ પ્રકારનાં ગદ્યસર્જનોના અનેક નમૂનાઓ લઈને આ સંશોધનકાર્ય ધપાવવું જોઈએ.

જયભિખ્ખુની નવલકથાઓમાંથી એક નવા સ્વાદનું વર્ણન જોઈએ. ‘ભાગ્યનિર્માણ’માં પ્રેતાત્મા થયેલા હેમનું વર્ણન લેખક કરે છે. ‘અડધું કપાયેલું મસ્તક, ઝેરી સાપની ખૂની આંખ જેવો ચમકતો એક આંખનો ડોળો, બીજી આંખ પર બાંધેલી રક્તરંગી પટ્ટી, ઊભા શિહોળિયા જેવા વાળ, બખ્તર વીંધીને સુગરીના માળા જેવા બહાર લટકતા માંસના લોચા, એક કપાયેલો અડધો હાથ, બીજા હાથમાં રક્તટપકતી તલવાર, ઊંચાઈ તાડ જેવી, દાંત વીજળીના લિસોટા જેવા ચમકદાર ! જોતાં જ જાણે ફાટી પડીએ એવો દેખાવ !’ (પૃ. ૨૬૨).

‘પ્રેમાવતાર’-રનું બારમાસી નામનું પ્રકરણ જેમ શાશ્વત યૌવન અને વસંતનું નવલોપકારક મહિમાગાન કરે છે, એમ ‘ભાગ્યનિર્માણ’નું ‘ભડકામણું ભૂત’ પ્રકરણ આખું અદ્ભુત, ભયાનક અને બીભસ્ત રસના સંયોજનથી સિદ્ધ થયું છે. એની પ્રસંગલીલાઓ અને પાત્રોની ક્રિયા- પ્રતિક્રીયાઓ-એક તદ્દન નવા સ્વાદનો પરિચય કરાવે છે. પ્રેતના વર્ણનનો એક પરિચ્છેદ આપણે ઉપર જોયો. સમગ્ર પ્રકરણ અને નવલકથાના અનુસંધાનમાં પ્રેતના ડોળાનું વર્ણન જોઈશું તો ‘ઝેરી સાપની ખૂની આંખો જેવો ચમકતો એક આંખનો ડોળો’માં ઉપમેય-ઉપમાન લક્ષણ તથા વિશેષણલક્ષણ, ખાસ કરીને આંખ (અને તે પણ એક)ના સંદર્ભમાં કેટલું અર્થાનુસારી બને છે ? લેખક ભલેને એક જ પરિસ્થિતિનું વર્ણન કરતા હોય, પણ એમાં જ એ પૂર્વાપરના તમામ સંદર્ભો સાથે લગા સાંકળીને એ પરિસ્થિતિને સમગ્ર કૃતિના અનુસંધાનમાં જ પ્રયોજતા હોય છે. એ પછી થોડી જ વારમાં ‘ઊંચાઈ તાડ જેવી’ એવી એક ઉપમા અચાનક આવી પડે છે. મસ્તક, આંખ, હાથ, વાળ, દાંત એ સર્વની વચ્ચે ઊંચાઈની આ ઉપમા પ્રેતના આખા દેખાવને અને એના ભૂતકાળને નવું પરિમાણ આપી રહે છે. વળી, તાડની ઊંચાઈનો વિચાર આવતાં જ એકલતા, અંધકાર, પર્ણરવની પિત્રવિચિત્ર અનુભૂતિ વગેરે સામટાં ચિત્ર સમક્ષ ખડા થાય છે. એમ તો આ આખું પ્રકરણ આપણે ઉપર કહ્યું એમ, આ જ પ્રકારના અદભુત-ભયાનક- બીભત્સ રસની લેખકની નિરૂપણ ક્ષમતાનું દ્યોતક બને છે.

જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યના મહાસાગરમાંથી એક માત્ર આચમની ભરેલા દ્રવ્યનો આ અનુભવ છે. આ સર્જક પાસે નોંધપાત્ર ગદ્યરિદ્ધિ છે, એટલું પણ આ પ્રયત્ન દ્વારા સમજાશે તો આટલું કર્યું સાર્થક થશે. હવે, જયભિખ્ખુના સાહિત્યસર્જન પછી ખાસ્સા લાંબા કાળે સુરેશ જોશી સંપાદિત ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય’ ના આમુખનું મહત્ત્વ પણ પ્રસ્તુત લાગશે. નવા સંદર્ભમાં પ્રકાશિત થયેલા અભ્યાસગ્રંથો એ પ્રકાશિત થી ગયેલા સર્જકોના પુનર્મૂલ્યાંકન માટે કેટલીક મહત્ત્વની ભૂમિકા પૂરી પાડે છે, એ પણ આથી સ્પષ્ટ થશે. આમુખમાં સુરેશ જોશીએ સર્જનાત્મક ગદ્યની તપાસ અંગે લખતા કહ્યું છે, ‘સામાન્યરીતે એક પરિચ્છેદને એક એકમ લેખીને ચાલવું જોઈએ. એમાંના વાક્ય વાક્ય વચ્ચેનો સંબંધ કેવો છે, વાક્યો લાંબા છે કે ટૂંકા છે, સમાસબહુલતા છે ખરી, વ્યસ્તક્રમ છે ખરો ને હોય તો શો હેતુ સિદ્ધ કરે છે, પ્રશ્નો તથા ઉદ્દગારો વાગ્છટા સિદ્ધ કરવા માટે છે કે એથી કશુંક સૂક્ષ્મ રસકીય પ્રયોજન ઉદ્દિષ્ટ છે, વાંચતા કશોક લય કાને પડે છે ખરો - આ મુદ્દાઓ વિગતે તપાસવા જોઈએ.’ (પૃ. ૧૧).

હવે માત્ર સુરેશ જોષીના મુદ્દાઓને આધારે જ અહીં નિદર્શનરૂપ આપેલા કેટલાક પરિચ્છેદો વિષે વિચારીશું તો સમજાશે કે એમાંની મોટાભાગની સામગ્રીના અનુસંધાનમાં જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યનો અભ્યાસ થઈ શકે એમ છે. અભ્યાસ અને એમાંનાં તારણો - પદાર્થ વિજ્ઞાનની રીતે - દરેક અભ્યાસી એકસરખાં નહિ આપી શકે. પણ એટલું તો ચોક્કસ કહી શકાય કે આપણે આ નાનકડા અભ્યાસમાં પણ સુરેશ જોશીએ જેને મહત્ત્વનું પ્રયોજન ગણાવ્યું છે એ – ‘સૂક્ષ્મ રસકીય પ્રયોજન’ - વિષે કશુંક સ્પષ્ટ અને ઉલ્લેખનીય દર્શન કરી - કરાવી શક્યા છીએ. સુરેશ જોષીએ જડબેસલાક માર્ગદર્શનની વૃત્તિ રાખી નથી અને આપણે પણ ક્યારેક - ખાસ તો કવિતા અને કવિતાસામગ્રીની વિચારણામાં - તેમની વિચારણાથી ખસીને કાર્ય સાધ્યું છે. અહીં તો એટલું જ પ્રતિપાદન કરવાનું શક્ય બને છે કે ગમે તે સમયે માપદંડોની સમજણ વિકસી હોય, પણ આપણે ધારીએ તો સાચા સાહિત્યને જાણવા માટે સાચા માપદંડનો ગમે ત્યારે વિનિયોગ કરી શકીએ છીએ.

જયભિખ્ખુના સાહિત્યમાંથી લીધેલાં, ઉપરનાં કેટલાંક નમૂનારૂપ દૃષ્ટાંતો આપણા અભ્યાસના આછોતરા લસરકા જેવા છે અને આ શોધનિબંધમાં લેખકના સર્જનાત્મક ગદ્યનો અભ્યાસ એ એક જ અધ્યયનહેતુ નથી. પરંતુ આટલી સમજણ પછી આ દિશામાં વધુ અભ્યાસ કરવાની એક શક્યતા પેદા થઈ છે, એ તો સ્વયંસ્પષ્ટ છે. આપણે જે ગદ્યખંડો જોયા એવા બીજી અનેકવિધ સર્જનાત્મક શક્યતાઓ ધરાવતાં આલેખનો તેઓની ટૂંકી વાર્તાઓમાં અને અન્યત્ર પણ જોવા મળે છે. જયભિખ્ખુના ગદ્યસર્જનની બીજી અનેક લાક્ષણિકતાઓ આપણે જે તે સ્વરૂપ-પ્રકારાદિના કે વિશિષ્ટ પ્રકારની કૃતિઓના અભ્યાસ નિમિત્તે લક્ષમાં લીધી છે અને યથાપ્રસંગ એની ઓછીવત્તી ચર્ચાવિચારણા પણ કરી છે.

આ તો માત્ર, સંખ્યા અને સત્ત્વની દૃષ્ટિએ માતબર કાર્ય કરીને ગુજરાતને સાહિત્ય-સંસ્કારધન્યતા અર્પવામાં ગણનાપાત્ર યોગદાન કરનાર એક સર્જકની વિશિષ્ટ પ્રતિભાને આટલી વિશેષ અંજલિરૂપ કાર્ય કર્યું છે.

એટલું સ્પષ્ટ છે કે આટલા નિદર્શન પછી કોઈની રસવૃત્તિને ચાનક ચઢે ને માત્ર તેઓના સર્જનાત્મક ગદ્યના જ વિશેષ અનુસંધાનમાં કોઈ કાર્ય કરવા પ્રોત્સાહિત થાય તો એની પરિશ્રમવૃત્તિ પરિણામગામી તો બને જ બને; એવું એટલું સામર્થ્ય જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યમાં છે જ.