જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય/પત્રકારત્વ – સર્જકનું સમાજલક્ષી સંવેદન

વિકિસ્રોતમાંથી
← પ્રતિભાનાં અવનવીન પરિણામો - પ્રકીર્ણ સાહિત્ય જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
પત્રકારત્વ – સર્જકનું સમાજલક્ષી સંવેદન
નટુભાઈ ઠક્કર
ગદ્યસર્જન અને સર્જનાત્મક ગદ્ય →


પ્રકરણ ૭

પત્રકાર જયભિખ્ખુ

આજે જયભિખ્ખુનું સાહિત્યસર્જન તપાસવાનું થાય છે ત્યારે એ વાત નોંધારી તરી આવે છે કે સર્જક જયભિખ્ખુ ઉપર પત્રકાર જયભિખ્ખુનો પ્રભાવ ખૂબ મોટો રહ્યો. અતિવ્યાપ્તિનો દોષ કરીને પણ એમ કહેવાનું મન થાય કે પત્રકાર જયભિખ્ખુએ સર્જક જયભિખ્ખુને વિપુલ સાહિત્યસર્જન માટેની ઘણી મોટી સામગ્રી પૂરી પાડી છે, અને એ જમાનામાં બહુખ્યાત સર્જક એ બની રહ્યા એનું કારણ પણ એ જ કે દર અઠવાડિયે કે મહિને આ સર્જકની કોઈ ને કોઈ વાર્તાકૃતિ, પ્રસંગલેખ, કથાઆલેખન દ્વારા વર્તમાનપત્રો કે સામયિકોની થપ્પીઓમાં લોકોના ઘેર-ઘેર એ પહોંચી જતા ને દરેક અઠવાડિયે પખવાડિયે નિયમિત વંચાતા. એનું એક સુંદર પરિણામ એ આવ્યું કે સતત સર્જનલક્ષી વ્યાપાર ચાલતો રહ્યો હોવાથી જયભિખ્ખુ લોકખ્યાત પણ થયા અને કેટલીક નોંધપાત્ર કૃતિઓને આધારે તેઓ કેટલાંક વિદ્વાનોમાં પણ ગણનાપાત્ર તો બન્યા છે.

જે જમાનામાં પત્રકાર જયભિખ્ખુનું બહુવિધ બહુલક્ષી સાહિત્યસર્જન આપણને મળે છે એ જમાનાની તાસીર જરા જુદી હતી. આજે એ તાસીર સાવ બદલાઈ ગઈ છે. પણ એ જમાનાના સર્જકો છાપાંના લેખોની પ્રસિદ્ધિથી અળગા રહેતા. પણ ‘જન્મભૂમિ’ અને ‘મુંબઈ સમાચાર’ જેવાં અતિખ્યાત દેનિકોના દૃષ્ટિવંતા માલિકો અને સંપાદકોએ પ્રજાના સમૂહને વૈવિધ્યવંતુ સાહિત્ય પીરસવાના ઉલ્લાસભર્યા કોડમાંથી કેટલાક સાહિત્યકારોને પોતાનાં દૈનિકોમાં નોકરીએ રાખ્યા અથવા બહારથી લખતા લેખકોને ‘સ્થંભઆલેખકો’ તરીકે નિમંત્ર્યા. એમાંથી ‘મેઘાણી સ્કૂલ’, કકલભાઈ કોઠારી સ્કૂલ જેવી પરંપરામાં ઘણા નામી-અનામી સર્જકો પ્રકાશમાં આવ્યા. ખુદ ગાંધીજી જેવાએ પણ પ્રજાના મોટા સમુહો સુધી પહોંચવા Mas Media એવા આ Pressનો આશરો લીધો. અમૃતલાલ શેઠ જેવાઓએ તો બ્રિટિશ સલ્તનત સામે બાથ ભીડવા પ્રેસને વિકસાવ્યું. એમાંથી ગુજરાતમાં અને ગુજરાતીમાં ઘણી કૉલમો વિકસી.

પત્રકાર જયભિખ્ખુની વાત કરીએ ત્યારે પત્રકારીજગતની પિછાન પણ કરી લેવા જેવી છે. જેને આપણે ‘નિર્ભેળ પત્રકાર’ કહીએ એ વર્ગ છે ‘News Man’નો, જેઓ સંવાદદાતા કે રિપોર્ટર તરીકે કામગીરી બજાવે અને ‘સમાચારો’ના આલેખનમાં જ પોતાની કલમ ચલાવે. એ ‘સમાચાર- પ્રસિદ્ધિ’નું કામ કરનારા પત્રકારો વિગતોના મસાલા સાથે સ્થૂળ-સૂક્ષ્મ ઘટનાઓને આલેખે. અકસ્માતની વાત કરતા હોય ત્યારે બસ કે ટ્રકનો નંબર, ડ્રાઈવરનું નામ, અકસ્માતનું સ્થળ એવી વિગતો પણ ભેગી આવરી લઈને ક્યાંક એ અકસ્માતમાં માર્યા ગયેલા કોઈ લાડકવાયા લાલની માતાનાં આંસુ કે એની પત્નીનાં નંદવાયેલા કંકણની વિગતોનું કલમથી આલેખન કરીને આપણી આંખોને ભીંજવી જાય; ક્યાંક ‘ફન આઈટેમ’ કે ક્યાંક ‘એક્સ્ક્લ્યુઝિવ આઈટેમ’ દ્વારા હસાવી જાય કે સનસનાટી મચાવી જાય. આવા વર્ગની નિષ્ઠા એના શેઠની માન્યતાઓ અને ગમા-અણગમાઓ સાથે સીધી સંક્ળાયેલી હોય અને એ ‘ન્યૂઝ આઈટેમ’ લેવી કે ના લેવી એનો નિર્ણય ક્ષણમાં થઈ જાય. ક્ષણમાં પ્રસિદ્ધ કે ક્ષણમાં કચરાટોપલી એમ એના નિર્ણયો ચાલે.

પત્રકારી જગતમાં બીજો વર્ગ છે. ‘વર્કિંગ જર્નાલિસ્ટો’નો, જે સમાચારો મેળવવા કે લખવા બેસતા નથી પણ આપેલી આઈટેમને કંપોઝ, સેટીંગ, લેઆઉટ, ગેટપ વગેરેથી શણગારીને પ્રજા સમક્ષ મૂકે છે. ત્રીજો વર્ગ છે ‘ડેસ્કમેન’નો જે મોટે ભાગે સૂઝ-સમજદારી અને કૌશલ્યવાળો વર્ગ છે, જે મોટે ભાગે ‘સંપાદનકલા’નો નિષ્ણાત હોય છે. એ ડેસ્કમેન સમાચાર સંપાદન કરે કે લેખ-સંપાદન કરે પણ એમાં એની આગવી રજૂઆત કલા અને ટાઈટલો બાંધવાથી માંડીને ઉઠાવદાર આઈટેમ બનાવવાનું કામ કરે છે. ‘જયભિખ્ખુ’ એ આ પ્રકારનાં કામોમાં પણ પોતાનાં કૌશલ્યો દાખવ્યાં છે જેની વાત આગળ ઉપર આપણે કરવાના છીએ.

ચોથો વર્ગ છે ‘કટારલેખકો’નો જે વર્ગ પ્રેસ સાથે નોકરીના નાતે જોડાયેલો હોતો નથી, પણ પુરસ્કારના ધોરણ પર કે ક્યારેક પુરસ્કાર વિના પણ પ્રેસ સાથે નિયમિત સંકળાયેલો હોય છે. એ રોજ-બરોજ કોઈ ‘હેડપીસ’ (કૉલમના નામનો બ્લોક) નીચે કે અઠવાડિયે પખવાડિયે કે માસિક હોય તો દર મહિને પોતાના સર્જનની કોઈ ને કોઈ સામગ્રી નિયમિત રીતે પીરસતો રહે છે. આ કટારલેખકો નો વર્ગ આજે ખૂબ મોટો છે અને અનેક નામી લેખકોને પોતાનાં વર્તમાનપત્રો કે સામયિકોમાં લખવા લલચાવી શકે એવડા મોટા પુરસ્કારોની ઑફર કરીને આજે નિમંત્રણ આપવામાં આવે છે ને ક્યારેક એકબીજાં વર્તમાનપત્રના કટારલેખકોને પોતાની તરફ ખેંચવા ગળાકાપ સ્પર્ધામાં પણ એના માલિકો, તંત્રીઓ કે સંપાદકો ઉતરતા હોય છે. મોટે ભાગે આવો કટારલેખકોનો એક વર્ગ એક કરતાં વધારે દૈનિકો કે સામયિકોમાં લખતો હોય છે અને પોતાને ‘Fre lance journalist’ તરીકે ઓળખાવે છે. જયભિખ્ખુનો સમાવેશ આપણે આવા પ્રકારના પત્રકારમાં નિ:સંકોચપણે કરી શકીએ.

જયભિખ્ખુએ પોતાના સમયમાં જે કંઈ વિપુલ અને વૈવિધ્યવંતુ સાહિત્યસર્જન આપ્યું એ આ ‘પત્રકારી વ્યક્તિત્વનો પરિપાક છે. એક વાત સ્પષ્ટપણે નોંધવી જોઈએ કે – જો જયભિખ્ખુ પત્રકાર તરીકે લખતા ન થયા હોત તો આટલા મોટા પ્રમાણમાં એની પાસેથી વિપુલ સાહિત્ય મળ્યું એ ન મળ્યું હોત. પત્રકારે મશીન સાથે પોતાની દોડ ચલાવવાની હોય છે. એમાં અનુકૂળતાએ લખવાની મોકળાશ હોતી નથી. અનેક પ્રતિકૂળતાઓ હોય છતાં વર્તમાનપત્રનો ‘વાર’ અને ‘સમય’ ફરજિયાતપણે જાળવવો પડતો હોય છે, કારણ કે મશીનને થંભાવાનું હોતું નથી. એવા સંજોગોમાં ‘ઘણી મર્યાદાઓ’ પણ સાહિત્યકારને નડતી હોય છે, અને સાહિત્યમાં પણ એ ‘મર્યાદાઓ’ વશે કે કવશે આવી જતી હોય છે એની વાત આગળ આપણે કરીશું.

એ જમાનાના પત્રકારત્વની પણ એક તાસીર આપણે અહીં નોંધી લેવી જોઈએ. એ જમાનાના મોટા સર્જકો કે સાહિત્યકારો છાપાંઓમાં લખતા નહીં અથવા ‘કટારલેખક’ તો કોણ થાય ? – એવો છોછ પણ અનુભવતા હતા. આજે એનાથી વિપરીત તાસીર દેખાય છે. છાપાના આશ્રય પછી પણ પ્રસિદ્ધ લેખક થવાય એવી આ ‘સમૂહમાધ્યમ’ની પકડ આવી છે અને સાપ્તાહિક – અર્ધસાપ્તાહિક પૂર્તિઓ દ્વારા અનેક તાજી મઘમઘતી કલમપ્રસાદી આપણને આજે વર્તમાનપત્રો દ્વારા જ મળતી થઈ છે. લગભગ ઘણાબધા નોંધપાત્ર સર્જકો વર્તમાનપત્રોનાં કૉલમો લખવા આગળ આવવા લાગ્યા છે પણ જયભિખ્ખુએ જ્યારે પત્રકારની હેસિયતથી લખવા માંડયું, ત્યારે પત્રકારી મહિમાના અભાવને કારણે છાપાનો લેખક બીજી-ત્રીજી કક્ષાનો ગણાતો એ તાસીર જે હોય તે, પણ જયભિખ્ખુનું પણ મેઘાણીની જેમ પત્રકારક્ષેત્રે આગોતરું આગમન એમની પાસે ઘણું ફરજિયાતપણે લખાવી ગયું. ‘કટારલેખન’માં પણ એકરૂપતાને બદલે વિવિધતા એ જયભિખ્ખુમાં દેખાઈ આવે છે. વાર્તાઓ, પ્રસંગકથાઓ, જીવનચરિત્રો, રેખાચિત્રો અને કેટલીક નવલકથાઓ અને એમના કુલ સાહિત્યસર્જનનો પ૦ ટકા હિસ્સો આ પત્રકારી સાહિત્યનો છે જે જયભિખ્ખુને વિપુલ સાહિત્યસર્જનની અનુકૂળ ભોમ પૂરી પાડે છે.

પત્રકાર જયભિખ્ખુ પાસેથી આપણને વિપુલ પ્રમાણમાં અને વિવિધ સ્વરૂપમાં સાહિત્ય-પરિપાક મળ્યો છે. જો કે અહીં એ વાત નોંધવી જોઈએ કે એમણે સ્વરૂપઆલેખનનો બહુ આગ્રહ સેવ્યો નથી. સૂઝતું ગયું એ લખતા ગયા, જોયું એ લખતા ગયા, અનુભવ્યું એ લખતા ગયા. ઘટના, પ્રસંગ કે બનાવ જે કોઈ સ્ત્રોતમાંથી એમને મળ્યો એનો અક્ષરદેહ આપતા ગયા. આગવી અને વિશિષ્ટ રોચક શૈલી અને શબ્દવિન્યાસ એ સાધતા ગયા ને એમ જયભિખ્ખુ, પત્રકાર જયભિખ્ખુ ઘણાંબધાં પુસ્તકોના લેખક તરીકે પ્રસિદ્ધિ પામતા ગયા. સમયકાલીન પ્રવાહો સાથે એમના કદમ મળતા રહ્યા ને એ અનેકોનું ધ્યાન ખેંચતા ગયા. પ્રવાસો, સંમેલનો, પરિષદો, મિલન- મેળા-મુલાકાતો પણ લખતા ગયા. ગેબી-અણગેબી અનુભવો પણ આલેખતા ગયા. નદીઓ, સરોવરો, પહાડો, ગીરીકંદરાઓ, સાગરખેડુઓની કથાઓ આપતા ગયા. વર્ણનોમાં આગવી તાકાત બતાવતા થયા અને એમ સાહિત્યનું એમનું સર્જન લોકભોગ્ય બની રહ્યું. પરિણામે એ લોકપ્રિય સર્જક બની ગયા. એમનાં અનેક લખાણો ગ્રંથસ્થ થતાં ગયાં. એનાં વિવેચનો થયાં કે નહીં, એને પ્રસિદ્ધિ મળી કે નહીં એની વલવેશ ચિંતા એમણે કદી રાખી નથી પણ એમનાં પુસ્તકો પ્રસિદ્ધ થતાંની સાથે ચપોચપ એની નકલો ઉપડી જતી ને કેટલાંક પુસ્તકોની તો એક કરતાં વધુ આવૃત્તિઓ થઈ એ આ લોકપ્રિય સર્જકની આગવી સિદ્ધિ.

કમલને ખોળે જીવતા અને શબ્દનો વેપલો કરતા સર્જકને અનેકોના હૈયામાં આવું સ્થાન મળે એ જ તો એની મોટામાં મોટી સિદ્ધિ. કોઈપણ જાતનો નોકરી ધંધો સ્વીકાર્યા વગર માત્ર ‘કલમી જીવ’ તરીકે જયભિખ્ખુ આટલા લાંબા ગાળા સુધી મોટા જથ્થામાં સાહિત્ય આપીને પોતાના યોગક્ષેમનું નિર્વહન કરતા રહ્યા. એનાથી મોટી સિદ્ધિ સર્જકને બીજી કઈ જોઈએ ?

જયભિખ્ખુના સર્જક જીવનનો વિચાર કરતાં એમના કવનમાં સાહિત્ય અને પત્રકારત્વ બંનેનું પરોઢ એક સાથે ઊગ્યું છે. એક બાજુ નવલકથાની રચના શરૂ કરી તો બીજી બાજુ ‘જૈનજ્યોતિ’ અને ‘વિદ્યાર્થી’ સાપ્તાહિકમાં એમણે વૈવિધ્યપૂર્ણ લેખો લખીને સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. એથી યે વિશેષ તો આવતી કાલના નાગરિકો સમા વિદ્યાર્થીઓને પોતાની તેજસ્વી કલમ દ્વારા જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો. આ બંને ‘સાપ્તાહિક’નું લેખન એ એમના પત્રકારત્વનો આરંભ ગણાય.

એવામાં ‘રવિવાર’ સાપ્તાહિકનો પ્રારંભ થયો. એના તંત્રી ઉષાકાન્ત જે. પંડ્યા પાસે એક દિવસ લાલ દોરાથી બંધાયેલું નાનું બુકપોસ્ટ આવ્યું. એ બુકપોસ્ટમાં ‘જયભિખ્ખુ’ તખલ્લુસધારી એક લેખકનો રસપાંખડીઓ નામનો લેખ હતો. એની સુવાસ ઉષાકાન્ત પંડ્યાને સ્પર્શી ગઈ અને પછીના ‘રવિવાર’ સાપ્તાહિકમાં એ લેખ પ્રગટ થયો ને ઉષાકાન્ત પંડયાએ એ લેખના મથાળે નોંધ મૂકી – ‘રસપાંખડીઓની સુગંધથી વાચકોના હૃદય મહેકી ઊઠે એવું આમાં છે.’ ને એ તંત્રીએ જયભિખ્ખુને ‘રવિવાર’ સાપ્તાહિકના કાયમી કટાર લેખક તરીકે નિમંત્રણ મોકલ્યું. ગોઠડી જામી - કૉલમ જામી. ‘રવિવાર’ સાપ્તાહિકમાં કાયમી લેખક તરીકે તેઓ લેખ મોકલતા થયા અને સંપાદકીય નોંધો વાચકોમાં ચાહના મેળવતી થઈ. લેખોમાંથી જયભિખ્ખુ વાર્તાઓ તરફ વળ્યા ને એમાં આવતી વાર્તાઓએ આમ જનતામાં એ સાપ્તાહિકને લોકપ્રિય બનાવ્યું. પરિણામ એ આવ્યું કે ‘રવિવારને લીધે જયભિખ્ખુ નહીં પણ જયભિખ્ખુને લીધે રવિવાર’ એમ એ સાપ્તાહિક અને લેખક એકબીજાના પર્યાયવાચક બની ગયા.

જયભિખ્ખુએ લખવાની શરૂઆત કરી ત્યારે ત્રણ ઉપનામથી તેઓ લેખો મોકલતા. પોતે સાયલા (સૌરાષ્ટ્ર)ના વતની હોવાથી એક નામ ‘ભીક્ષુ સાયંલાકર’ રાખ્યું હતું. પ્રેરક કથાઓ લખતા એમાં બીજું ઉપનામ ‘વીરકુમાર’ રાખ્યું હતું ને ત્રીજું જે અતિ લોકપ્રિય બન્યું તે ઉપનામ ‘જયભિખ્ખુ’. એમનું બાળપણનું હુલામણું નામ ભીખાલાલ અને એમનાં ધર્મપત્નીનું નામ જયાબેન. જયાબેનના નામમાંથી ‘જય’ અને ભિખાલાલના નામમાંથી ‘ભિખ્ખુ’ એમ બંનેનું ‘જયભિખ્ખુ’ એમ નામ સર્જાયું. ગુજરાતી સાહિત્યમાં પતિ-પત્ની બંનેના નામ ધરાવતું તખલ્લુસ એ પત્રકાર જયભિખ્ખુની કલ્પનાસરજત છે.

એ જમાનામાં કટારલેખકને પુરસ્કાર આપવાનો રિવાજ બહુ ઓછો હતો. પણ એ નોંધવું જોઈએ કે એક બાજુ કલમને ખોળે જીવતો લેખક અને ‘જયભિખ્ખુ’ ના લખાણોમાંની તાકાત - એનાથી એમને પુરસ્કારો પણ મળતા હતા. આમ ‘જયભિખ્ખુ’ નામ જરા વધારે પ્રચલિત બની ગયું અને પછી તો એ જ નામ કાયમનું બની ગયું.

‘રવિવાર’ પછી વાર્તા માસિક ‘સવિતા’ના વિશિષ્ટ અંકોનું સંપાદન જયભિખ્ખુના હાથે થતું હતું. ‘સવિતા’નો ધર્મકથા અંક એમણે તૈયાર કર્યો હતો. ‘જનકલ્યાણ’ના એક વિશેષાંકનું એમણે અને શ્રી ધૂમકેતુએ થઈને સહ-સંપાદન કર્યું. આને કારણે શ્રી જયભિખ્ખુની ‘સંપાદનકલા’ વિકસી અને પ્રતિષ્ઠા પામી. એ પછી ‘વિશ્વવિજ્ઞાન’ અને ‘વિશ્વમંગલ’ નામના સામયિકોનો ભાર ‘તીર્થકલા વિશેષાંક’, ‘નરનારાયણ વિશેષાંક’, ‘અમદર દામ્પત્ય વિશેષાંક’, ‘પર્વકથા વિશેષાંક’, ‘વિદેશનીતિકથા વિશેષાંક’ સંપાદિત કર્યા.

જયભિખ્ખુની સંપાદનકલાની એ નોંધપાત્ર સિદ્ધિ હતી કે એમના હાથ નીચે સંપાદિત થતા વિશેષાંકોમાં જાણીતા લેખકની કૃતિઓ તો આવતી, પણ સાથે સાથે ઘણા નવોદિત લેખકોને શોધી-શોધીને વિશેષાંકોમાં લખવા એ નિમંત્રણો આપતા. જરૂર પડે એમના લેખોને સુધારી-સુધારીને છાપતા પણ ખરા, એમ ઘણા નવોદિત લેખકોને એમણે પ્રકાશમાં લાવવાનું કામ પણ કર્યું, લખતા કરવાનું કામ કર્યું. ભૂપત વડોદરિયાએ એમની પહેલી ધર્મકથા જયભિખ્ખુના આગ્રહથી લખી હતી, જ્યારે એમને શ્રદ્ધા નહોતી કે પોતે આવું કંઈ કથાસાહિત્ય રચી શકશે.

‘સંદેશ’ દૈનિકમાં કેટલાક નવા વિભાગો શરૂ કરવાના હતા. નવરાત્રિના દિવસોમાં અડોશપડોશના મિત્રો રાતના સાથે ગરબા સમયે બેસતા એ વખતે પડોશમાં રહેતા એ વખતના સંદેશના તંત્રી મંડળના સભ્ય જયંતકુમાર પાઠકે દર અઠવાડિયે એકવાર તેમની કલમનો લાભ ‘સંદેશ’ના વાચકોને આપવા કહ્યું. નાની બેઠકમાં આ સહૃદયી સજ્જનનો પરિચય અને દૈનિકપત્રના વણસ્પર્શેલા વાતાવરણને સ્પર્શવાનો લાભ મળે એ હેતુથી હા પડાઈ. અને એ મૈત્રીનું સીધુ પરિણામ એ ‘સંદેશ’ની કૉલમ ‘ગુલાબ અને કંટક’. દર ગુરુવારે ‘સંદેશ’માં આ ‘ગુલાબ અને કંટક’ વિભાગ આવતો થયો. ધીમે ધીમે એ વિકસતો ગયો ને એમાંથી કેટલાક સુંદર પ્રસંગો પસંદ કરીને એ જ નામે પુસ્તક ગુજરાતને મળ્યું તે ‘ગુલાબ અને કેટક’.

અર્ધશતાબ્દીને આરે પહોંચેલા લેખકના જીવનમાં એમણે કરેલી રઝળપાટી અને અથડામણોમાં કેટલી વીરલ વ્યક્તિઓનાં દર્શન એમને થયાં એનું આલેખન આ ‘ગુલાબ અને કંટક’માં થયું. લેખકે ક્યાંક ગુલાબમાં કંટક ખીલેલાં જોયાં તો ક્યાંક કંટક વચ્ચે ગુલાબ. જીવતરના રણમાં કેટલીક લીલી કુંજારો કે મીઠી વીરડીઓ તો ક્યાંય મીઠી વીરડીઓ અને સુખના ફુવારાઓ વચ્ચે જીવનના સત્ત્વને વેરણછેરણ કરી નાખતા કાંટાઓ એવાં વ્યક્તિ- સમષ્ટિનાં ચિત્રો કયારેક ઊજળાં, ક્યારે વિરોધાભાસી એમાં આવતાં. સંસાર ગુલાબ અને કાંટા એમ બંનેની પથારી છે એ વાત અને એ પ્રતીતિની કથાઓ દર અઠવાડિયે ‘સંદેશ’ના એ ‘ગુલાબ અને કંટક’ વિભાગમાં ગુરુવારે પ્રગટ થતી. દુનિયા જેમ શેતાનનું ઘર છે એમ દેવનું દહેરું પણ છે, એવી વાતો વાચકોને આહ્‌લાદક અને આકર્ષક લાગતી ને એ કૉલમ ખૂબ વંચાતી.

દૈનિકોમાં લખતા થયા ને સૌરાષ્ટ્રના ‘કૂલછાબ’ અને ‘જયહિંદ’માં એમની ધારાવાહિક નવલકથાઓ પણ પ્રગટ થઈ. સૌરાષ્ટ્રના એ વખતે વર્તમાનપત્રોમાં નવલકથાઓ લખતા લેખકોમાં એક મોટું નામ હતું વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીનું. એ સૌરાષ્ટ્રના દૈનિકોમાં ધારાવાહિક નવલકથાઓ ખૂબ લખતા. હવે એમની સાથે બીજું નામ પણ પ્રકાશમાં આવતું ગયું. બાલાભાઈ વીરચંદ દેસાઈનું, પણ એ નામ તો બધાંને અગોચર જ રહ્યું, આગળ રહ્યું, એમનું ઉપનામ ‘જયભિખ્ખુ’. આ ગાળામાં સામયિકો અને દૈનિકોની કૉલમો દ્વારા જયભિખ્ખુ ખૂબ મોટું નામ ઉપસાવી શક્યા હતા.

એક બાજુ સૌરાષ્ટ્રનાં દૈનિકોમાં ધારાવાહિક નવલકથાઓ પ્રકાશિત થતી હતી, તો બીજી તરફ ‘સંદેશ’માં લોકપ્રિય બનેલી કૉલમ ‘ગુલાબ અને કંટક’ એની સોળે કળાએ ખીલી હતી ત્યારે ‘સંદેશ’માં પરિસ્થિતિ પલટાઈ અને જયભિખ્ખુને ‘ગુજરાત સમાચારે’ ઝડપી લીધાં. ‘ગુજરાત સમાચાર’માં ‘ઇંટ અને ઇમારત’ એ કૉલમ લખવાનું એમણે સ્વીકાર્યું. આ કૉલમે વખત જતાં જયભિખ્ખુને ઘેર ઘેર જાણીતા કરી દીધા. રાજકારણ, હાસ્યલેખ, સ્ત્રી- વિભાગ કે બાળવિભાગ અથવા લોકપ્રિય કથાવાર્તામાંથી ભરપૂર એવા પત્રકારત્વમાં ચરિત્રાત્મક પ્રેરક લખાણોનો નવો ચીલો જયભિખ્ખુએ પાડ્યો. એ વખતના વર્તમાનપત્રોમાં એવાં ઘણાં પાના રોકાતા જેમાં પ્રજાના જીવનના બહેકાટ અને બેચેની-અજંપો પ્રગટે એને બદલે જયભિખ્ખુ આવતા અને જીવનલક્ષી બોધદાયી સાહિત્ય પ્રજાને પીરસાતા ‘ઇંટ અને ઇમારત’ કૉલમ ત્રણ ભાગમાં વહેંચાઈ જતી. એક મુખ્ય લેખ જે સમાજકારણ, ધર્મકારણ કે રાજકારણને લગતો હોય તે મુખ્યત્વે એ પ્રસંગકથા કહી જતો હોય, તો બાજુમાં ‘પ્રસંગકથા’ની એક હળવા નર્મમર્મ વ્યંગની કટાક્ષકથા અને લેખના મધ્યમાં એક ઉર્દૂ શેર-શાયરી મૂકાતી, જે વાચકોના દિલ-દિમાગને તરબતર કરી દેતી. હજી આજે પણ આ કૉલમનો ઢાંચો એવો ને એવો અખંડ રહ્યો છે. આજે જ્યારે જયભિખ્ખુ આપણી વચ્ચે નથી ત્યારે આ અતિ લોકપ્રિય બનેલી કૉલમ એમના પુત્ર પ્રા. ડૉ. કુમારપાળ દેસાઈ લખી રહ્યા છે અને પિતાનો એ અમૂલ્ય વારસો અને પરંપરા તેમણે જાળવી રાખ્યા છે. રાજકારણ અને સમાજજીવનનો વેધક કટાક્ષ તથા જીવનને નિર્મળી છાંટી જતાં પ્રસંગોમાંથી પસંદગી પામીને અનેક સંગ્રહો જયભિખ્ખુ પાસેથી આપણને મળ્યા છે.

‘ગુજરાત સમાચાર’ ઉપરાંત એ જ સંસ્થાના બાલ-સાહિત્ય વિભાગ ‘ઝગમગ’માં જયભિખ્ખુએ એના પહેલા પાને કથા-વાર્તા કે ચરિત્ર લખવાનું સ્વીકારેલું. એ દ્વારા બાળકોની એક આખી પેઢીને એમના ભૂતકાળના સંસ્કારવારસાની ઓળખ આપી. એ ટૂંકા ટૂંકા વાક્યોવાળી એમની છટાદાર શૈલી અપનાવવાનો પ્રયાસ કર્યો. ‘માણુમોતી’ નામે ઝગમગમાં એક નાની કહેવતકથા પણ એ લખતા. બાળસાહિત્યની આ રસલહાણમાંથી એમણે કેટલીય બાળકથાઓના સંગ્રહો આપ્યા જેનો ઉલ્લેખ ‘બાળસાહિત્યકાર’ના પ્રકરણમાં આ શોધનિબંધમાં કરેલો છે, એટલે અહીં પુનરુક્તિદોષ કરવો નથી. ‘માણુમોતી’, ‘પાલી પરવાળાં’ ‘બાર હાથનું ચીભડું’ ‘તેર હાથનું બી’ જેવાં મોટા ટાઈપમાં પ્રગટ કરાયેલાં પુસ્તકો આપણને મળ્યાં.

ગુજરાતી પત્રકારત્વને ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યરંગી બનાવ્યું. જયભિખ્ખુએ સાહિત્યિક સ્પર્શ ધરાવતી રંગદર્શી શૈલી સાથે પત્રકારત્વ દ્વારા વ્યક્તિઘડતરનું અને માનવમૂલ્યોની હિફાજત કરવાનું કામ કર્યું. સાહિત્યકારો અને પત્રકારો વચ્ચે એક પ્રકારની જુદાઈ કે ખાઈ પ્રવર્તતી હતી તે પણ જયભિખ્ખુએ ઓછી કરી, એટલું જ નહીં પણ બંનેનું આદાન-પ્રદાન એકબીજાને માટે લાભદાયી છે એમ સિદ્ધ કરી આપ્યું.

ગુજરાતનાં માતબર દૈનિકમાં એ લખતાં એમ માતબર માસિક, સામયિકોમાં પણ લખતાં. એમાં સંત ‘પુનિત’નું ‘જનકલ્યાણ’ અને ‘સસ્તુ સાહિત્ય’ અખંડઆનંદ મુખ્ય ગણી શકાય. એ બંને માસિકોનો કોઈ અંક એવો નહીં હોય જેમાં જયભિખ્ખુની એકાદી સાહિત્યકૃતિ, વાર્તા કે લેખ ન હોય. નડિયાદથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાત ટાઈમ્સ’માં ‘ન ફૂલ ન કાંટા’ કટાર એ નિયમિત લખતા.

પત્રકાર જયભિખ્ખુની વાત કરીએ છીએ ત્યારે અહીં એક વાત ખાસ નોંધવી જોઈએ કે વર્તમાનપત્રોમાં લખતા મોટા ભાગના લેખકો માત્ર કૉલમ લખીને મોકલી આપતા હોય છે. જયભિખ્ખુ ‘મુદ્રણકળાના પારંગત’ હતા. ગુજરાતની જાણીતી પ્રકાશનસંસ્થા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનું ‘શારદા મૂદ્રણાલય’ એ જયભિખ્ખુની કાયમી બેઠક હતી. રોજ એકાદ-બે લેખકો ત્યાં બેસવા આવતા. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનાં પુસ્તકો ત્યાં છપાતાં. પરિણામે લેખકોનાં મિલન-મુલાકાતો અહીં થતાં. પુસ્તકને મુદ્રણકળાના કલા-ઓપ સાથે એ શણગારતા. ટાઈપોલોજી, લેઆઉટ, ગેટપનો સારો એવો મહાવરો અને લાંબો અનુભવ એમને હતો એટલે વર્તમાનપત્રોમાં પોતાની કૉલમનું મેટર મોકલે ત્યારે પણ ‘કેચીહેન્ડીંગ’ અને લેઆઉટ બનાવીને નક્શા સાથે મોકલતા. શબ્દનો શિલ્પી આમ મુદ્રણકળાનો શિલ્પી પણ હતો. શારદા મુદ્રણાલયનું આમ લાંબા સમય સુધીનું સફળ સંચાલન એમના પત્રકારત્વના કાર્ય સાથે સુસંગત અને પૂરક પુરવાર થયું હતું. શારદા મુદ્રણાલયની એ બેઠક એક મજલિસ જેવી બની રહેતી. મસાલાવાળી ચા આવે પછી બાલાભાઈ સોપારી કાતરી આપે, વાતો થતી જાય ને રંગત જામતી જાય.

‘પત્રકાર જયભિખ્ખુ’એ એક આગવા પ્રકારની કૉલમ લખી એનો અહીં ખાસ ઉલ્લેખ કરવો રહ્યો. ‘મુનીન્દ્ર’ સાથેની મુલાકાતોની ભાષામાં ‘જાણ્યું છતાં અજાણ્યું’ કૉલમ ‘મુનીન્દ્ર’ ઉપનામ સાથે એમણે એ જ ગુજરાત સમાચારમાં ઘણા લાંબા સમય સુધી લખી. એના પરિપાકરૂપે એ જ નામના ત્રણ સંગ્રહો પણ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે. આ કૉલમમાં ગેબી જગતને અગોચર પ્રસંગોનું આલેખન તેઓ કરતા. સૃષ્ટિબુદ્ધિ અને મનના વિચારસંતુલનને ગળે ન ઊતરે એવા જગતના બનાવો એમાં તેઓ આલેખતા પણ સાથે એમની એ જાગૃતિ હતી કે આવાં લખાણો વાંચવાથી ક્યારેક સમાજમાં ‘અંધશ્રદ્ધા’ કે ‘વહેમની સૃષ્ટિ’નું નિર્માણ થઈ જતું હોય છે એ બાબતનો જયભિખ્ખુને પણ ખ્યાલ હતો. એટલે એવું કોઈ તત્ત્વ એ પ્રસંગ-આલેખનમાં આવી ન જાય એની તેઓ જાગૃતિ રાખતા.

ઘણા લાંબા ગાળા સુધી જયભિખ્ખુએ એક કરતાં વધારે સામયિકોમાં નિયમિત સ્વરૂપે કૉલમો લખીને મબલખ સાહિત્ય ગુજરાતી સાહિત્યને આપ્યું. એમના સમગ્ર સાહિત્યસર્જનનો ઘણો મોટો ભાગ પત્રકાર જયભિખ્ખુની દેન છે. પણ એ સાહિત્ય પત્રકારી ન રહેતાં ચિરંજીવ બન્યું છે. એમની એ વૃત્તિ-પ્રવૃત્તિમાંથી નવલકથાઓ, વાર્તાઓ, વાર્તાસંગ્રહો, પ્રસંગકથાઓ અને બાળસાહિત્યનાં ઢગલાબંધ પુસ્તકો આપણને મળ્યાં છે. જેનો મુખ્ય સૂર કશું ઊણું-અલૂણું નહીં પણ સત્ત્વશીલ અને બોધદાયક મૂડીવાળું સાહિત્ય છે. જીવનલક્ષી પત્રકાર જીવનલક્ષી સાહિત્ય આપીને અનેકોને પ્રસન્ન કરી ગયા છે.

એક રીતે જોઈએ તો કલમને વહેતી મૂકનાર કોઈ પણ સર્જક સરવાળે તો જીવનલક્ષી જ હોય છે. જીવન જીવતાં મનુષ્યોના અનુભવો અને પોતાના અધ્યાસોને આધારે સર્જક સાહિત્યની રચના કરે છે અને એ દ્વારા જીવન જીવતાં મનુષ્યોને સ્પર્શવાનો એને અભિલાષ હોય છે. આ બાબત પત્રકારને તો અનેકધા લાગુ પડે છે. પત્રકારનું કર્તવ્ય જ સમાજજાગૃતિનું છે. સમાચાર હોય કે કટારલેખન, પત્રકારે સૌ પ્રથમ વ્યવસાયની આદર્શવૃત્તિ જાળવવાની હોય છે. જયભિખ્ખુએ એ આદર્શો જાળવ્યાં છે અને માનવમૂલ્યોની વિવિધલક્ષી પ્રતિષ્ઠાને અદકેરી સિદ્ધ કરી છે.