જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય/પ્રતિભાનાં અવનવીન પરિણામો - પ્રકીર્ણ સાહિત્ય

વિકિસ્રોતમાંથી
← જયભિખ્ખુનું ચરિત્રસાહિત્ય જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
પ્રતિભાનાં અવનવીન પરિણામો - પ્રકીર્ણ સાહિત્ય
નટુભાઈ ઠક્કર
પત્રકારત્વ – સર્જકનું સમાજલક્ષી સંવેદન →




પ્રકરણ ૬

પ્રતિભાનાં અવનવીન પરિણામો - પ્રકીર્ણ સાહિત્ય

નવલકથા, ટૂંકી વાર્તા, નાટક અને જીવનચરિત્ર જેવાં સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં સર્જનપ્રતિભાનાં આગવાં તેજ પાથરનાર જયભિખ્ખુએ શિષ્ટસાહિત્યમાં, લોકસાહિત્યમાં અને સંસ્કૃતિમાં જે કંઈ વિભૂતિમત્ હોય, શ્રીમત્ હોય અને ઊર્જિત હોય તેનો પ્રાથમિક પરિચય સરલ અને રસમય રીતિએ અપાતું સાહિત્ય પણ સારા એવા પ્રમાણમાં આપ્યું છે. બાળકોના ચારિત્રઘડતરમાં, સંસ્કારસિંચનમાં અને વ્યક્તિત્વવિકાસમાં ઉપયોગી બને એવું આ સાહિત્ય આપણે ત્યાં છેલ્લાં ત્રીસેક વર્ષમાં માતબાર પ્રમાણમાં સર્જાયું છે. ભારતની બીજી કોઈપણ ભાષાના આવા સાહિત્યની આપણે ત્યાં સર્જકોએ સ્મરણીય પ્રદાન કર્યું છે. સાચા અર્થમાં બાળમાનસને પારખીને એ દિશામાં પહેલવહેલું સાચું બાલસાહિત્ય આપ્યું ગિજુભાઈએ. એ પછી બાલસાહિત્યને સમૃદ્ધ કરનારા લેખકોમાં નાનાભાઈ ભટ્ટ, જુગતરામ દવે, નટવરલાલ માળવી, રમણલાલ નાનાલાલ શાહ, રમણલાલ સોની, મનુભાઈ જોધાણી, નાગરદાસ પટેલ વગેરેની સાથે જયભિખ્ખનું પ્રદાન પણ નોંધપાત્ર છે.

જયભિખ્ખુનાં આ પ્રકારનાં સાહિત્યમાં બાળકોમાં સુરુચિ અને ઉમદા રસવૃત્તિ જન્મે એવું બાળસાહિત્ય છે, કિશોરોમાં જિંદાદિલી તથા દેશભક્તિ કેળવાય એનું કિશોરસાહિત્ય છે તેમ પ્રૌઢોને ધર્મબોધની સાથે જીવનરસ ટકાવી રાખવાનું બળ મળે એવું પ્રૌઢસાહિત્ય પણ છે. જયભિખ્ખુનું આ સાહિત્ય એમના જીવનઘડતરમાં ઉપયોગી નીવડે, જીવનનો આનંદ પ્રાપ્ત કરાવે એવું ઉચ્ચ કોટિનું અને સત્ત્વશીલ છે. એમની આ પ્રકારની ઘણી બધી કૃતિઓ ભારત સરકાર કે ગુજરાત સરકારનાં વિવિધ પારિતોષિકો મેળવવાનો પાત્ર પણ બની છે.

જયભિખ્ખુનાં આ પ્રકારનાં સાહિત્યમાં સાહસકથાઓ છે, દંતકથાઓ લોકકથાઓ તેમ જ પ્રાણીકથાઓ અને કહેવતકથાઓ પણ છે. એમાં ભારતના સંતો, મહાપુરુષો, શહીદો અને રાજપુરુષોના જીવનરંગો આલેખતાં ટૂંકા પણ પ્રમાણભૂત અને પ્રેરક ચરિત્રો છે તેમ ભારતનાં સંસ્કારતીર્થોનો પરિચય કરાવી તેમની દૃષ્ટિને વિશાળ કરવામાં અને એમનામાં માતૃભૂમિ પ્રત્યે મમત્વ પેદા કરવામાં મદદરૂપ બને એવું સાહિત્ય પણ છે.

જયભિખ્ખુના કુલ સર્જનના ત્રીજા ઉપરાંતના ભાગના આવા સાહિત્યમાં મુખ્યત્વે ‘રત્નનો દાબડો’ ‘હીરાની ખાણ’ ‘મીઠી માણેક’ ‘પાલી પરવાળા’ ‘નીલમનો બાગ’ ‘માણુ મોતી’ ‘આંબે આવ્યા મોર’, ‘ચપટી બોર’, ‘નીતિકથાઓ ભા. ૧, ૨, ૩, ૪’, ‘દિલના દિવા’, ‘દેશના દીવા’, ‘દેવના દીવા’ ‘દેરીના દીવા’ ‘દીવેદીવા’ ‘બાર હાથનું ચીભડું ભા. ૧-૨’, ‘તેર હાથનું બી ભા. ૧-૨’ ‘છૂમંતર’ ‘બકરી બાઈની જે’ ‘નાનો પણ રાઈનો દાણો’ ‘શૂરાને પહેલી સલામ’ ‘ફૂલપરી’ ‘ગરુડજીના કાકા’ ‘ગજમોતીનો મહેલ’ ‘ઢ માંથી ધુરંધર’ ‘મા કડાનું મંદિર’ ‘હિંમતે મર્દા’ ‘ગઈ ગુજરી’ ‘માઈનો લાલ’ વગેરે ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળા શ્રેણી ૧ થી ૧૦માંનાં છાસઠ ચરિત્રો, ‘પ્રતાપી પૂર્વજો' ભાગ ૧ થી પમાંની ચરિત્રગ્રંથિકાઓ અને સદ્‌વાચનમાળા શ્રેણી ૧ થી ૬માંની વિવિધ પ્રેરકકથાઓને સમાવતી પુસ્તિકાઓનો સમાવેશ થાય છે.

બાળકો આપણાં ભાવિ પ્રજાજનો છે અને ભાવિ પ્રજાજીવનને ઉન્નત બનાવવું હોય તો બાળકોમાં શુભ સંસ્કાર પડે એવું સાહિત્ય એમને માટે રચાવું જોઈએ. માત્ર સદાચારનાં પૂતળાં બનાવે એવા નીતિબોધના પાઠોરૂપે કે પુરાણના કથાવસ્તુના થોડા ફેરફાર કરી વાર્તારૂપે બોધ આપવાના પ્રયત્નો કરવાને બદલે બાલસ્વભાવમાં રહેલી અનુકરણવૃત્તિ, જિજ્ઞાસા અને કલ્પનાશક્તિ તથા મહત્ત્વાકાંક્ષાને સંતોષે, બાળકોમાં રસ પડે, તેમના જીવનમાં ઉત્સાહ આવે અને તેઓ નિર્દોષ આનંદનો અનુભવ કરે એવા પ્રકારનું બાલસાહિત્ય જયભિખ્ખુએ વિપુલ પ્રમાણમાં આપ્યું છે.

નાનાં બાળકોને ઊંચી પ્રેરણા મળે એ હેતુથી જયભિખ્ખુએ દીપક શ્રેણીની યોજના કરી એ યોજના હેઠળ એમણે ‘દેવના દીવા’ ‘દિલના દીવા’ ‘દેવના દીવા’ ‘દેરીના દીવા’ અને ‘દેશના દીવા’ એ પાંચ પુસ્તકોનો સંપુટ આપ્યો. મોટે ભાગે ‘ઝગમગ’ બાળવાર્તા સાપ્તાહિકમાં પ્રગટ થયેલી આ શ્રેણીનાં પાંચે પુસ્તકોમાં થઈને કુલ વીસ વાર્તાઓ મળે છે. ‘માથા સાટે માથું’ ‘શિવાજી ને હીરજી’ ‘આંગણે હાથી’ ‘રંગ ગૂજરાતણ’ ‘અક્ષયને અશોકચક્ર મળ્યો’ ‘આઝાદીની જાન’ ‘નામનું શું કામ’ ‘દેહનો દીવો કર્યો’ ‘મારે બાળક બનવું છે’ ‘આ યુગનો ભીમસેન’ ‘એકલસૂરો જગદીશ’ ‘પહેલો સિપાઈ પછી શાહ’ ‘મિયાં મહાદેવનાં જોડાં’ વગેરેમાં આમ તો બાલભોગ્ય શૈલીમાં લખાયેલાં ઉમદા માનવીઓના જીવનના કોઈ પ્રસંગો જ છે પણ એમાં ‘આ યુગનો ભીમસેન’માંનું તિલક મહારાજનું કે ‘એકલશ્રી જગદીશ’માંનું વનસ્પતિમાં પણ જીવ છે એવું પુરવાર કરનાર જગદીશચંદ્ર બોઝનું અને ‘પહેલાં સિપાઇ પછી શાહ’માં હિંદની પ્રજા અને અનેક સુધારા કરનાર મુગલ શહેનશાહ શેરશાહનું ચિત્રણ હૃદ્ય અને અસરકારક બન્યું છે. બાળકોનાં વલણો અને વૃત્તિઓને અનુકૂળ થાય એવી રચનાશૈલી અને ભાષાશૈલીમાં લખાયેલાં દીપક શ્રેણીનાં આ પુસ્તકો સારાં એવા લોકપ્રિય અને બાલભોગ્ય બન્યાં છે. એમાં ય ‘દિલના દીવા’ને તો ભારત સરકારનાં ત્રણ ઇનામો મળ્યાં છે. પહેલાં બાળસાહિત્યમાં એને ઇનામ મળ્યું, એ પછી પ્રૌઢસાહિત્યમાં પારિતોષિક પ્રાપ્ત થયું અને ત્યારબાદ એના અંગ્રેજી ભાષાંતરને પણ પારિતોષિક મળે એ ઘટના નોંધપાત્ર તો છે જ.

જયભિખ્ખુએ માણસે માણસે ફેર એ શ્રેણીના નેજા નીચે કેટલીક બાલોપયોગી કૃતિઓ પ્રગટ કરી. આ શ્રેણીનું પ્રથમ પુસ્તક છે ‘શૂરાને પહેલી સલામ’ જેમાં શૌર્ય, ટેક, દેશાભિમાનનો બોધ આપતી પાંચ પ્રેરક વાર્તાઓ જયભિખ્ખુ આપે છે. આ વાર્તાઓમાં ‘શૂરાકુ પહેલી સલામ’ ‘સાચા રાજા સૂરજમલજી’ અને ‘ટાઢ ટાઢ કરીએ નહીં’ એ ત્રણ વાર્તાઓ સર્જકની છટાદાર લેખનશૈલી અને પ્રેરકબોધની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આ શ્રેણીનું બીજું પુસ્તક છે ‘ફૂલપરી’. ‘ફૂલપરી’માં ‘દલો દેશનો દીવાન’ ‘ફૂલપરી’ ‘સાચો શત્રુંજય’ અને ‘ચાચાજીની તલવાર’ એમ ચાર વાર્તાઓ મળે છે જેમાંની ‘દલો દેશનો દીવાન’ વાર્તાતત્વ તથા રજૂઆતની દૃષ્ટિએ આકર્ષક છે. ‘ફૂલપરી’માં કલ્પનાનું નિરૂપણ રોચકરૂપે થયું છે. બાકીની બેમાંથી સાચો શત્રુંજય'માં પ્રસંગનું તત્ત્વ શિથિલ છે તો ‘ચાચાજીની તલવાર’માં સચોટ નિરૂપણનો અભાવ છે. આ શ્રેણીના ત્રીજા પુસ્તકમાં ‘ગરુડજીના કાકા’ અને ‘શ્રમનો મહિમા’ વાર્તાઓ મળે છે. એમાં ‘ગરુડજીના કાકા’માં ભગવાન વિષ્ણુનો રથ હાંકનાર ગરુડજીને ત્યાં આવેલા તેના કામ કરવામાં આળસુ એવા કાકાના મનમાં જાગેલી પોતાના મૃત્યુ વિષે જાણવાની ઇંતેજારીની કથા વર્ણવાઈ છે. મૃત્યુનો દિવસ જાણવા માટે ગરુડ એમને લઈને ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ત્યાંથી વિષ્ણુની સાથે તેઓ બ્રહ્માજી પાસે, વિધાત્રી પાસે અને છેવટે ચિત્રગુપ્ત પાસે પહોંચે છે ત્યારે જાણવા મળે છે કે ગરુડજીના કાકાનું મૃત્યુ આ બધા એકસાથે ભેગા મળે ત્યારે નિર્માયું હતું અને એ રીતે યમરાજાના હાથમાં તેઓ ઝડપાઈ જાય છે. જે માણસ કામ કરતો નથી એને માણસ ખાઈ જાય છે એ ધ્વનિની સૂચક આ વાર્તામાં વર્તમાન સમયે શેઠ અને નોકર વચ્ચે કામ કરવા-કરાવવા સંદર્ભે પ્રવર્તતા મત-મતાંતરોને પણ હળવા કટાક્ષ સાથે વાર્તાકારે વણી લીધા છે. જ્યારે ‘શ્રમનો મહિમા’ વાર્તા શ્રમના મહિમાને વર્ણવે છે. માણસ ધારે તો ગમે તેવું અઘરું કામ પાર પાડી શકે છે તે ચીનની ઐતિહાસિક દીવાલની રચના કેવા કપરા સંજોગોની વચ્ચે થઈ હતી તેના વાર્તારૂપ નિરૂપણ દ્વારા સર્જકે બતાવ્યું છે. ખાસ કરીને બાળકો અને પ્રૌઢોને લક્ષમાં રાખીને લખાયેલી આ શ્રેણીની વિવિધ વાર્તાઓમાંની ભાષા સરળ છે અને એનું નિરૂપણ રસિક છે. ધ્વનિની ઉત્કૃષ્ટતા અને રજૂઆતની કુશળતાની દૃષ્ટિએ આ શ્રેણીની બધી વાર્તાઓમાં ‘ગરુડજીના કાકા’ ચડિયાતી છે.

જે સમયે સમાજના વડેરાઓ બાળસંસારમાં ઉપયોગી એવા નીતિશિક્ષણ પ્રત્યે બેજવાબદાર બનવા માંડ્યા હતા એવા સમયે બાળકોમાં નાનપણથી નીતિ અને ધર્મના સંસ્કારો અને સદાચારની ભાવના દૃઢ થાય એ હેતુને પૂરક એવી નીતિકથાઓ જયભિખ્ખુએ લખી છે. મોટે ભાગે પ્રસંગાત્મક સ્વરૂપની આ નીતિકથાઓના ચાર ભાગમાં કુલ ૨૨ વાર્તાઓ સાંપડે છે. એમાં ‘મધુબિંદુ’ ‘આંધળો હાથી’ ‘દેહને દાપુ’ ‘સાચી પૂજા’ ‘સંતોનો સંઘ’ પહેલા ભાગની, ‘અન્ન તેવો ઓડકાર’ ‘નાનો ને મોટો’ ‘ચાર રત્નો’ ‘કઠિનમાં કઠિન કામ’ ‘માણસના ચાર પ્રકાર’ બીજા ભાગની, ‘મનનાં કારણ’ ‘વશીકરણ’ ‘વરસાદ કેમ વરસે’ ‘ઘર કરતા ધર્મશાળા સારી’ ત્રીજા ભાગની અને ‘સૌનું એ જીવન નથી’ ‘કાંચળી બળે એમાં સાપને શું ?’ ‘બોલતા તારાઓ’ ‘વિદ્યાનો વિવેક’ ‘દીકરા કે દી-ફર્યા’ ‘ભલાભાઈની ભલાઈ’ ‘સાચો પરાક્રમી’ એ ચોથા ભાગની નીતિકથાઓ છે. આ નીતિકથાઓને ક્યાંક હિંદુ, બૌદ્ધ, જૈન કે મુસ્લિમ શાસ્ત્રોનું પ્રમાણ છે. ‘મધુબિંદુ’માં રજૂ થયેલું રૂપક જયભિખ્ખુની ‘પ્રેમાવતાર’ નવલકથામાં તેમ જ અન્યત્ર વાર્તારૂપે પણ મળે છે. એટલે જયભિખ્ખુનું એ પ્રિય નીતિવિષયક તત્ત્વજ્ઞાન હશે એમ કહી શકાય. જીવનની અનેક વિટંબણાઓની વચ્ચે પણ નાનકડાં ભૌતિક સુખની લાલચવાળા જીવની દશાને એમાં વાર્તાકારે રૂપકાત્મક ઢબે રમતિયાળ ભાષાશૈલીમાં વર્ણવી છે. ‘સાચી પૂજામાં સાચી પૂજા સંપત્તિવાનની નહીં, શ્રમિકની છે એ કથનાત્મક ઢબે વર્ણવાયું છે. તો ‘અન્ન એવો ઓડકાર’માં નીતિવિષયક બોધની સાથે મહાભારતકાળનાં પકવાનો વિષે પણ સર્જક રમૂજી શૈલીમાં માહિતી આપે છે. દરેક વાર્તા હળવી રીતે પણ બોધાત્મક રૂપે આલેખાઈ છે. કેટલેક સ્થળે આ બોધ બોલકો પણ થઈ ગયો છે. સમગ્રતયા, આ વાર્તાઓની શૈલી પ્રવાહી, બાલભોગ્ય અને સુબોધ છે.

કહેવતો એ સંસારની સર્વ શાણી પ્રજાની અનુભવવાણી છે. જીવનના અનુભવોનો નિચોડ અને વ્યવહારુ સૂઝ-શાણપણનો સાર નાનકડી કહેવતમાંથી રજૂ થાય છે. તે માટે ડ નાની કહેવત ઊંચા બોધની દાયક બને છે. જયભિખ્ખુ ‘બાર હાથનું ચીભડું’ ભા. ૧, ૨ અને ‘તેર હાથનું બી’ ભા. ૧, રમાં બાળકો અને કિશોરોને ઉપયોગી નીવડે એવી કહેવતકથાઓ આપે છે. એમાં ‘ભોઈની પટલાઈ’ ‘ચોથ મારવી’ ‘કાશીનાં કરવત’ ‘લાલો લાભે લોટે’ ‘અગમ બુદ્ધિ વાણિયો’ ‘રાઈના ભાવ રાતે થયા’ ‘ચઢ બેટા શૂળી પર’ ‘ટાઢા પાણીએ ખસ ગઈ’ ‘મીઠા ઝાડનાં મૂળ કાઢવાં’ જેવી પ્રચલિત કહેવતોને ટૂંકી કથાઓ દ્વારા સર્જકે સમજાવી છે. ચાર ભાગમાં કુલ ૪૧ કહેવતોને સમજાવવા ૪૧ ટચુકડી કથાઓ તેઓ આપે છે. મોટે ભાગે વર્તમાનપત્રોમાં રાજકીય કટાક્ષો કે પ્રસંગકથાઓ તરીકે પ્રગટ થયેલી આ વાર્તાઓની રજૂઆત સરસ અને ચોટદાર છે. સાદી અને સરળ ભાષામાં રજૂ થએલી આ કહેવતકથાઓ કિશોરોની ભાષાશક્તિ ખીલવવામાં ખૂબ ઉપયોગી થઈ પડે છે.

ત્યાગી, તપસ્વી અને નિઃસ્વાર્થી એવા બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ ધર્મના અગ્રેસરોને જીવનમાં પ્રેમ, સત્ય, સદાચાર અને વિવેકનું મૂલ્ય સમજાવવું, માણસનું સાચું સુખ સુવર્ણમાં નહીં. મહેલમાં નહીં, કીર્તિમાં નહીં. પાંડિત્યમાં નહીં પણ અંતરની પવિત્રતામાં – સદ્‌ગુણોના વિકાસમાં છે, એવું આચરણ કરવાથી માણસ તો શું જાનવરનું પણ કલ્યાણ થઈ જાય. એ પ્રકારના આચરણનો ઉપદેશ આપતી અનેક કથાઓ જે લોકોએ રચી એનો આધાર લઈને જયભિખ્ખુએ ‘બૌદ્ધ ધર્મની પ્રાણીકથાઓ’, ‘હિંદુ ધર્મની પ્રાણીકથાઓ’ અને ‘જૈનધર્મની પ્રાણીકથાઓ’ રચી. પંચતંત્રની શૈલીમાં લખાયેલી આ પ્રાણીકથાઓ જયભિખ્ખુની વાર્તાકલાના ઉત્કૃષ્ટ નમૂના છે. એમાંય તે જૈન ધર્મની પ્રાણીકથાઓ સંપ્રદાયની પરિભાષા તથા સાંપ્રદાયિક રંગોથી મુક્ત રાખીને રજૂ કરનારા તેઓ પહેલા સર્જક છે. માણસને સંસ્કારી બનાવવાના ઉમદા જીવનધ્યેયથી રચાયેલી આ કથાઓ બાળસાહિત્યક્ષેત્રે એમનું વિશિષ્ટ પ્રદાન છે.

એ જ રીતે ‘જૈન બાલ ગ્રંથાવલિ’ની બે શ્રેણીની બાળકોને હોંશે હોંશે વાંચવી ગમે એવી જૈનધર્મની કથાઓને જયભિખ્ખુએ બાલભોગ્ય શૈલીમાં સાંપ્રદાયિકતાના રંગ વગર આલેખી છે. આમ તો ‘વિદ્યાર્થી વાચનમાળા’ અને ‘સદ્‌વાચનમાળા’ની જેમ ‘જૈન બાલ ગ્રંથોવલિ’ એમનું સંપાદન છે પણ એ સંપાદનમાં જેમ તેઓએ કેટલુંક અન્ય લેખકો પાસે લખાવ્યું છે તેમ પોતે પણ લખ્યું છે. બાળકોના ચારિત્રઘડતરમાં મદદરૂપ બને એ હેતુસર ખૂબ માવજતપૂર્વક તૈયાર કરવામાં આવેલી આ શ્રેણીમાં ‘રાજા શ્રીપાલ’ ‘વિમલ શાહ’ ‘શત્રુંજય’ ‘ભગવાન શાંતિનાથ’ ‘સ્થૂલિભદ્ર’ ‘અક્ષયતૃતીયા કથા’ ‘મહામંત્રી ઉદયન’ એ એમણે લખેલી પુસ્તિકાઓ છે. અહીં ઇતિહાસપુરાણના ખ્યાત પાત્રોનાં ચરિત્રો દ્વારા બાળકોનાં કુમળાં મગજ ઉપર તેઓ ઉમદા સંસ્કારનું રોચક શૈલીમાં સિંચન કરે છે.

આ ઉપરાંત ‘નાનો પણ રાઈનો દાણો’માં કુળ, પદવી, ધન, કીર્તિ, શિક્ષણ વગેરેની દૃષ્ટિએ નાના ગણાતા માનવીઓ પણ સમય આવ્યે કેવા મોટાં કામ કરી જાય છે એનાં રસળતાં દૃષ્ટાંતો જયભિખ્ખુએ આપ્યાં છે તો ‘છૂમંતર’માં જાદુગર નથુભાઈ મંછાચંદના જાદુ વિશે ખોટા ભ્રમ દૂર કરે તેવા કેટલાંક પ્રસંગોનું સંકલન આપ્યું છે.

બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પ્રવેશતાં બાળકો એક જાતની મુગ્ધાવસ્થા અનુભવે છે. તેમનામાં એ સમયે સાહસ, શૌર્યની તેમજ કંઈક નવું કરવાની - નવું જાણવાની જિજ્ઞાસા ઊછળવા માંડે છે. એમની ચિત્તસૃષ્ટિને સ્પર્શે અને એમને ઉચ્ચ ભાવનાઓ તરફ પ્રેરે એવું શિક્ષણ અને સાહિત્ય એ સમયે જો એમને મળે તો દેશના ભાવિ નાગરિકોનું ઉચિત રીતે ઘડતર થાય છે. જયભિખ્ખુએ કિશોરોનું માનસ સમજીને એમને મસ્ત જીવનરસ પાય તેવી પ્રેરક કથાઓ પણ ઠીક પ્રમાણમાં આપી છે. એમાંનુ કેટલુંક ‘જવામર્દ’ શ્રેણીના વિવિધ પુસ્તકો જેવાં કે ‘જવામર્દ’ ‘એક કદમ આગે’ ‘હિંમતે મર્દા’ ‘ગઈ ગુજરી’ ‘માઈનો લાલ’ અને ‘ઢ માંથી ધુરંધર’ રૂપે મળે છે.

આપણે ત્યાં કિશોરોને સાહસની પ્રેરણા આપનારાં મોટાભાગનાં પુસ્તકો અનુવાદો કે રૂપાંતરો રૂપે મળતાં હતાં. આ પુસ્તકોના નાયકો જેવા કે ટારઝન, અલીબાબા વગેરે ભારતીય નહોતાં. આવા પુસ્તકોનું પ્રમાણ જે સમયે વધી ગયું હતું એ કાળે જયભિખ્ખુ અને એમના અન્ય કેટલાક સમકાલીન સાહિત્યકારોએ ભારતદેશના જ ખમીરને વ્યક્ત કરનારી મૌલિક સાહસશ્રેણી છે જેમાં જિંદાદિલી, મર્દાનગી અને સચ્ચાઈના કેટલાક લેખકજીવનના તો કેટલાક ઇતિહાસના શેરશાહ-હેમુ જેવા પ્રતાપી પાત્રોનાં જીવનના રંગો કિશોરોને એનું અનુકરણ કરવાની સહેજે ઇચ્છા થાય એ રીતે ઊતર્યા છે. જયભિખ્ખુએ ભારતનો જે લાંબો પગપાળો પ્રવાસ કર્યો હતો એ પ્રવાસના મબલખ રોમાંચક અનુભવોનું નિરૂપણ પણ અહીં છે.

‘કંઈક આપવીતી અને કંઈક પરવીતી’નું સંમિશ્રણ કરીને લખાયેલ આ શ્રેણીનું પ્રથમ પુસ્તક તે ‘જવાંમર્દ’. આ કૃતિમાં નાયકસ્થાને છે અશોક. અશોકની મિત્રમંડળી, એનાં સાહસો, પ્રવાસ ને એ પ્રવાસમાં વાટે મળેલાં પાત્રોની કથાઓ આ કૃતિમાં આવરી લેવાઈ છે. સાહસો અને મોજની આ કથાઓમાં આરંભે નવીન, સોરાબ, જમાલ, જગત જેવા બાળગોઠિયાના સાથમાં અશોકે કરેલી મારામારી, કોઈકને પછાડવાની, ભોંય ભેગી કરવાની ને કણકની જેમ દબાવી ઝૂડવાની કળાઓ આલેખાઈ છે. એક વખત નદી- કિનારે આવેલા સ્મશાને નહાવા જતાં કાકાએ આપેલ ઘડિયાળ કિનારે આવેલા પીપળા ઉપર મૂક્યું. પાછું લેવાનું સ્મરણ ના રહ્યું. તે રાત્રે અંધારામાં લેવા જતાં રીંછ સામે મળ્યું. એ રીંછ સાથે જગતની જીવસટોસટની કુસ્તી અને રીંછના શિકાર પછી ઘડિયાળ લઈ ઘેર આવીને સૂઈ ગયા. સવારે ગામમાં વાત વહેતી હતી કે ‘શેરશાહ ફોજદારે રીંછ માર્યું’ ને ફોજદારને અપાતી શાબાશી વખતે થાકેલા અશોક-જગત ઊંઘતા હતા. ગામમાં જેમની દાદાગીરી ખૂબ હતી એવા ડોસાકાકાનો હિસાબ આ નટખટ કિશોર મંડળીએ કઈ રીતે પતાવ્યો એ પણ સરસ રીતે વર્ણવાયું છે. ગામ આખામાં નટખટ તોફાનોને કારણે જાણીતી બનેલી સાત મિત્રોની ‘સાતનારી’ (પંખીનું નામ) ટુકડી છેવટે છૂટી પડી ગઈ અને જગત જેવા મિત્ર સાથે પગપાળા આગ્રાથી મુંબઈ સુધીનો પ્રવાસ કરવાનો મોકો મળ્યો. માર્ગમાં ડાકુ, લૂંટારા, બદમિજાજી લોકો, ડુંગરા ધોતા આદિવાસીઓ ને અકેન ભયસ્થાનોની વચ્ચે ચાલતા આ પ્રવાસમાં થયેલો ડાકુનો મેળાપ, રસ્તામાં થયેલો વાઘનો ભેટો, અંધશ્રદ્ધાળુઓને જાટ લોકો દ્વારા ‘પાંચ પગાળી ગાય’ બનાવી લુંટવાની પરંપરા, સોનાની સાથે થયેલી મુલાકાત, એના ઉપર વીતેલી યાતનાઓ, સોનાની સાહસિકતા, એમના દ્વારા બુદ્ધાસીંગ બહારવટિયાનું પકડાવું વગેરે ઘટનાઓનું રસિક નિરૂપણ મળે છે.

જવામર્દ શ્રેણીનું આ પ્રથમ પુસ્તક વાંચતા, એમાં આવતા વીંછીયા, વિજાપુર, વરસોડા, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળોના ઉલ્લેખ અશોક દ્વારા થયેલા સાહસો વગેરેમાં લેખકના પોતાના શૈશવજીવનની કથની જ આલેખાતી જણાય છે. અશોક એ જાણે કે બાળ જયભિખ્ખુનું જ કલ્પનારૂપ છે. પ્રસ્તાવનામાં લેખક દ્વારા પણ આ વાતનો સ્વીકાર થયો છે. તેઓ કહે છે કે એ દિવસોની યોજના કેટલાક પ્રસંગો યાદ આવ્યા તે આ રીતે લખી નાખ્યા છે. પોતાના જુવાન ને કિશોર વાચકોને કંઈક મનમોજ કરાવવાના ઇરાદાથી લખાયેલા આ પુસ્તકની રસળતી ભાષાશૈલી, પુસ્તકને આત્મચરિત્રાત્મક રૂપ આપવાને બદલે વાર્તારૂપ આપવાની પદ્ધતિ થોડી ક્ષણો કિશોરોને સાહસથી ભરી ભરી દુનિયામાં લઈ જાય છે.

કિશોરોના સાહસજીવન અને પરાક્રમોની પ્રસંગકથાઓ નિરૂપતી ‘જવાંમર્દ’ શ્રેણીનું બીજું પુસ્તક છે, ‘એક કદમ આગે’ આ કૃતિમાં જયભિખ્ખુ ‘જવાંમર્દ’ના મહત્ત્વના પાત્ર જગતને હિંસક ક્રાંતિકારી બનતો અટકાવી તેના સાહસપ્રેમને દેશપ્રેમને માર્ગે વાળી તેને ‘એક કદમ આગે’ લઈ ગયા છે.

‘એક કદમ આગે’ની સાહસકથા ‘જવાંમર્દ ભા.૧’ થી આગળ વધી, લૂંટો, બહારવટાં અને તોડફોડના ચક્કરમાંથી ઊગતી જુવાનીને બહાર કાઢી ભારતીય આઝાદી અને ઉત્ક્રાંતિના કામમાં લગાડે છે. બાળપણની ટોળીનાં અશોક, જગત, સોના, જમાલખાન જેવાં થોડા મિત્રો હિંસા કે અહિંસા બેમાંથી કયા માર્ગે ફનાગીરી માટે નીકળી પડવું એની મૂંઝવણભરી વિચારણામાં હતા એ વખતે ભગતસિંહની કથા એમને દેશની આઝાદી માટે મરી ફીટવા નીકળી પડવાની પ્રેરણા આપે છે. મિ. બ્રેવ સાથે એક વખત ગોરા હાકેમો માટેનો કાર્યક્રમ જોવા જતાં ‘કૂતરાઓ અને હિંદીઓ અહીં પ્રવેશ કરી શકશે નહિ’ના પાટિયાં વાંચી એક જબરદસ્ત આંચકો અનુભવે છે. હિંદી પ્રજાની સરખામણી એક કૂતરા સાથે થતી નિહાળીને આ ટોળી નિર્ણય કરે છે કે ન ઘેર જવું, ન લગ્ન કરવું, દેશના વિકાસ અર્થે ગામડામાં વસી પશુપાલન, ખેતી, પ્રાથમિક શિક્ષણ, જીવનસુધારણા વગેરે કામો કરવાં. ત્યાં જે ગાડીમાં તેઓ મુસાફરી કરતા હતા તેમાં લૂંટ થાય છે. ક્રાંતિવાદિ તરીકે જાણીતા આ યુવાનો પોતે પકડાય નહીં માટે ‘જીવ્યા મુઆના જયહિંદ’ કહીને છૂટા પડી જાય છે. અલગ અલગ નામો ધારણ કરી લે છે. જગત ‘મિ. ટ્વેન્ટીવન’ નામ ધારણ કરીને માલધારીઓના નેસડામાં આશ્રય લે છે. ‘નાગસુંદરીનો સ્વયંવર’ પ્રકરણમાં વર્ણવાય છે એમ ખડ ભરેલા ઘરમાં નાગોનાં પાંજરા વચ્ચે એને સંતાડાય છે ને પોલીસ પાછી વળી જાય છે. ગામડે ગામડે રઝળપાટ વેઠતાં આ પાત્રો લાકડા કાપવા નીકળેલા બે કઠિયારાને મળે છે. કઠિયારા સાચા મર્દ છે. એમનો મોટો સાથ-સહકાર આ જુવાનિયાઓને મળે છે. જગતને પોતાને આશ્રય આપનાર આ યજમાનો આપત્તિમાં ન મુકાય માટે જતા રહેવું છે. પણ ઘવાયેલા એને જવા દેવા એ લોકો તૈયાર નથી. એમની વાત તો એટલી જ છે કે આવી સ્થિતિમાં તો તેઓ જાનવરને ય ખીલેથી ના છોડે તો પછી જગતને તો કઈ રીતે જવા દે?

જેમને ગુનેગાર કોમો ગણેલી છે એવા આહિરો, કાઠી ગરાસિયા ને બીજી પછાત કોમો – ‘અહીરાવણ અને મહીરાવણ’ રૂપે સલ્તનતને હંફાવે છે. ‘પાંજરામાં પૂરેલા સાપ, અંદર તમારા બાપ, જેવા પ્રજાસમૂહો કોરટ- કચેરીઓ ને પોલીસો સામે એમને એમ જ દેખાય છે. એમાં સાહસિકોનાં દળ, ગ્રામલોકોનાં પંચ, અમલદારી રાજને બદલે પ્રજાના પંચના રાજ, એની પ્રસ્થાપના અર્થે ‘જવાંમર્દી’ના જોહર’ જયભિખ્ખુએ સુંદર રીતે નિરૂપ્યાં છે. બીજી બાજુ સોના એક અલગ ટોળામાં નર્સની કામગીરી બજાવી દયાની દેવી તરીકે પૂજાય છે. આમ જુદા જુદા રસ્તે આ ટોળીનું ધ્યેય એક જ છે અને તે ‘અપને દેશમેં અપના રાજ.’

ક્રાંતિવાદી જગતે એક દિવસે ગાડી ઉડાડી દેવાનું કાવતરું ઘડ્યું. યોજના છેક પરિણામ સુધી પહોંચવાની થઈ એ ક્ષણે અહિંસાનો માર્ગ ઊંચે જણાતા હૃદયમાં પશ્ચાત્તાપ જાગી ઊઠેલો અને આવતી ગાડીને ડ્રાઈવરને ખસેડીને એણે ગાંડાની જેમ રોકી લીધી. દૂર પુલ ઉપર ધડાકો સંભળાયો ત્યારે સહુને ખ્યાલ આવ્યો કે ગાડી દુર્ઘટનામાંથી બચી ગઈ છે. એ જ ગાડીમાં અશોક હતો એની સાથે જગતનો મેળાપ થયો. છુટા પડેલા જવાંમર્દોનો મેળો ફરી ભેગો થયો. છાપાંઓએ આ ટોળીના મિલનમાં ફરી ફરી કાવતરાની ગંધ નિહાળી. ગોરા જનની કોર્ટમાં મુકદ્દમો ચાલ્યો . સ્વદેશાભિમાનની અંગ્રેજ પ્રજાજન તરીકે જગતના દેશાભિમાનને આવકારતા ગોરા જજે કાયદાના બંધનથી બંધાઈને એની સેવા અને કાચી ઉંમરને લક્ષ્યમાં રાખીને ફાંસીને બદલે એને આજીવન કેદની સજા કરી. જગતને જ્યારે એનું અંતિમ નિવેદન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે સ્વરાજ્યપ્રાપ્તિ માટેનો સાચો રસ્તો પોતે ભૂલ્યો એ વાતનો એકરાર કર્યો પણ સાથે સાથે જણાવ્યું કે ‘અપના દેશ- અપના રાજમાં સહુને અન્ન, વસ્ત્ર ને આશ્રય સરખા પ્રમાણમાં મળી રહે. જે એમનું છે એ એમને મળે.’

ઉમદા જીવનકર્તવ્યો લઈને નીકળેલા આ જવાંમર્દોને ‘બડા સાહેબ’ જેવા નિખાલસ ગોરા હાકેમ વંદના કરી અને આંદામાનની જેલમાં ધકેલાઈ જતા જગતને વહાણ ઉપરથી ઉતારી લેવામાં આવ્યો ત્યારે હાજર પ્રજાજનોનો સૂર હતો કે હજી અમારી મંજીલ લાંબી છે.

આમ ‘એક કદમ આગે’ માં જયભિખ્ખુએ જગતને હિંસક, ક્રાંતિકારી બનતો અટકાવી તેના સાહસપ્રેમને દેશપ્રેમને માર્ગે વાળી કર્તા તેની જવાંમર્દીને ‘એક કદમ આગે’ લઈ ગયા છે. અંત ભાગે જતાં જગતને અહિંસાના માર્ગે પણ વળાયો છે અને એ નિમિત્તે ‘અપને દેશમેં અપના રાજ’ તથા સશસ્ત્ર ક્રાંતિવાદને બદલે અહિંસાના માર્ગની ઉત્તમતા બતાવવાની તક પણ જયભિખ્ખુએ ઝડપી લીધી છે.

જયભિખ્ખુના સમગ્ર સર્જનમાં વિષય દૃષ્ટિએ આગવી ભાત પાડતા જવાંમર્દ શ્રેણીમાં આ બે પુસ્તકો તરુણોને ગમી જાય એવી આકર્ષક શૈલીમાં લખાયાં છે. આપણી તરુણ પેઢી આવી કલ્પિત છતાં વાસ્તવજીવનની સાહસકથાઓમાંથી સાહસને પ્રેરણા મેળવે એ હેતુને સિદ્ધ કરતી આ બે કૃતિઓ કિશોરોને પથ્ય વાચન પૂરું પાડે છે.

‘જવામર્દ’ શ્રેણીનાં ત્રીજા પુસ્તક ‘હિંમતે મર્દા’માં સુપ્રસિદ્ધ શેરશાહ અને વિક્રમાદિત્ય હેમુના બાલજીવનના અને કિશોરજીવનના કેટલાક રોમાંચક પ્રસંગોનું નિરૂપણ છે. જોનપુરની લશ્કરી શાળાના બે વિદ્યાર્થીઓ ફરીદ શેરખાન અને હેમુની દોસ્તી, કુસ્તી, સાહસો, એષણાઓની કથા આ કૃતિમાં જુદા જુદા પ્રસંગોરૂપે નિરૂપાઈ છે. બચપણમાં બંનેએ છાના છાના કરેલા પ્રવાસ, બંદૂક ફોડવાની લીધેલી તાલીમ, વાઘ મહારાજનાં થયેલાં દર્શને બંનેમાં જગાડેલી વાઘ મારવાની ઝંખના, પણ એ સાહસ બચપણમાં તો થઈ શક્યું નહીં.

યુવાની બંનેને જુદા જુદા રસ્તે દોરી ગઈ. હેમુને પિતાની મરજીથી ઝવેરાતના ધંધામાં પડવું પડ્યું. ફરીદને કુટુંબફ્લેશને કારણે ઘર છોડવું પડયું. હેમરાજ રાજ-રજવાડાના વેપારમાં ને ઝવેરાતની પરખમાં પડ્યો પણ સાહસના જીવે ફરી પાછી એક બનાવે સાહસની દુનિયામાં પ્રવેશ મેળવી લીધો. દશેક લૂંટારા એક મોગલની ફૂલગુલાબી યુવતીને આંતરી ઊભેલા ને એનાં ઘરેણાં ઉતરાવતા હતા ત્યાં અચાનક ફરીદ અને હેમુ પહોંચી જાય છે અને લૂંટારુઓને ભગાડે છે. શેરખાંના મનમાં બાદશાહ થવાના સ્વપ્નને હેમુ રોપે છે અને એ સ્વપ્ન પૂરું કરવામાં મદદરૂપ પણ બને છે.

અદલ ઇન્સાફીમાં રાજા ભોજના બીજા અવતારનું બિરુદ મેળવનાર શહેનશાહ શેરશાહે અનેક સુધારાઓ કર્યા. ટોડરમલ જેવા ચુસ્ત હિંદુને મહેસૂલી અધિકારી નીમી હિંદુઓને સુખી બનાવ્યા. પણ સુખી શેરશાહની શહેનશાહત લાંબી ટકી નહીં. એક દિવસ કોઈએ આવીને હેમરાજને સમાચાર આપ્યા કે ‘કલિંજરના કિલ્લાની લડાઈમાં યુદ્ધનું સંચાલન કરતાં કરતાં દરુગોળો ફૂટતાં શેરશાહનું મૃત્યુ થયું. શેરશાહના મૃત્યુ પછી જાગેલા કુટુંબકલેશના દાવાનળને બુઝાવવા ફરી હેમરાજે તલવાર લીધી, કુટુંબ કલેશ બુઝાવ્યો ને શેરશાહના કુટુંબીજનોની નબળાઈઓને કારણે મોગલોના હાથમાં દિલ્હીની સલ્તનતને જતી બચાવવા દિલ્હીની ગાદી સંભાળી.

યુવાનોની કલ્પના અને કૌવતના ચકમકને જગાવવા એકાદ નાના પથરાની ગરજ સારવા માટેના નિમિત્તરૂપ બનતી આ કથામાં પ્રસંગોનું નિરૂપણ રોમાંચક રીતે થયું છે, કથામાં આલેખાતા સર્વ પ્રસંગોને બંને મિત્રોની પરસ્પર ગાઢ મૈત્રીની અચલતાનો સુવર્ણકાર સાંકળી લે છે. વસ્તુનિરૂપણ માટે જયભિખ્ખુની ભાષાશૈલી એવી તો આકર્ષક છે કે ખાંડાના ખેલ ખેલતા હોય એનાં વર્ણનોમાં એ વર્ણનો વાંચતા કિશોરો પણ જાણે મેદાનમાં આવી જાય છે.

જવાંમર્દ શ્રેણીનું ચોથું પુસ્તક ‘ગઈ ગુજરી’ એનાં અન્ય પુસ્તકોની જેમ કિશોરાવસ્થાનાં કેટલાંક બોધપ્રદ સંસ્મરણોને રમણીય રૂપે આલેખે છે. કોઈ પણ આપવીતીનાં પ્રસંગો અસામાન્ય ન હોય તોયે એનું નિરૂપણ ઘણું ખરું હ્રહયંગમ બની જાય છે. કારણ કે એમાં સ્વાનુભૂતિની સચ્ચાઈનો આછો ઘેરો રણકાર સંભળાય છે. ‘ગઈ ગુજરી’માં પણ લેખકજીવનના કોઈ પ્રત્યક્ષ અથવા જાતે જીવંત અંશનું પરોક્ષ રૂપનું નિરૂપણ મળે છે. મા વગરનો, માસી પાસે ઊછરેલો, માસીનું મૃત્યુ થતાં મોસાળમાં બીજી વારના મામી પાસે ઉછેર માટે આવેલો કિશોર અશોક જીવનની તડકી - છાંયડી જોતો ગરીબાઈમાં ‘બાર બાદશાહી’થી જીવે છે. મોસાળમાં અને છેલ્લે પિતાજી પાસે જીવતાં બાળકના ચિત્ત પર ભૂતના, ભુવાના, ચોર લૂંટારાઓના, બનાવટોનાં, સાપ-ગારૂડી-નોળિયાની દોસ્તીના ને છેવટે સહુના છોડેલા ‘ગિરજા’ સાથેની મૈત્રીના કરુણ અનુભવના જે સંસ્કારો પડ્યા એનું હૃદ્ય નિરૂપણ છે.

આ કૃતિમાં અન્નજળ ત્યાગીને રઝળપાટ વેઠી બહારવટિયાઓને ભોંય ભેગા કરતાં પાત્રોમાં સૂરીલા આલેખનો છે તો બીજી તરફ મર્દાનગીની પ્રેરણા આપતાં પાલીકાકી અને જીવનસંસ્કારનું ભાથું વહેંચતા નિર્મળાબેન પણ છે. ગામડાગામના સંસ્કારી પણ સાક્ષરી માસ્તરની સાક્ષરની લવરીઓમાંથી ‘મારી કુસુમ’ જેવામાં થતી ગેરસમજો અને મારામારીઓ તથા સાહસવૃત્તિઓનું નિરૂપણ પણ અહીં છે. એમાં ય જીવતા પુસ્તકાલય સમા બાળવિધવા નિમુબહેનનું નિરૂપણ તો જયભિખ્ખુની કલમે એને સજીવ રીતે થયું છે કે કિશોરોના ચિત્ત ઉપર એની અમીટ છાપ પડે જ છે. શહેરનું ગુલાબ એવા નિમુબહેન આમ તો બચપણમાં ઘરભંગ થયેલા, પણ સ્વમાન સાચવવા જતાં છંછેડાયેલા ને બીજે વરેલાં એટલે બ્રાહ્મણની નાતનો કોપ એમની ઉપર હતો પણ કથાસંસ્કારની પ્રવૃત્તિઓ અને યુવાઘડતરની એમની કામગીરીથી ગામના અનેક યુવાનો એવા તો આકર્ષાયેલા કે એ બધા કહ્યાગરા થઈને એમની પાસે બેસી જતા. એમનાં જૂનાં સાસરિયાં એમનું ખૂન કરવા ફરતા એમાં એમના પિતાએ બહારગામ જતાં દીકરીનું ધ્યાન રાખવાની જવાબદારી અશોક અને ગિરજાને સોંપી. એમાં ગિરજો ફૂટલ નીકળ્યો. પોતે જાગે છે એમ કહી ચોકીની જવાબદારી માથે રાખી પોતે જ હુમલાખોર બન્યો પણ બાળસેનાએ બાજી સંભાળી લીધી અને અશોકે કાવતરું પકડી પાડ્યું ત્યારે જીવનનો એક માત્ર મિત્ર ખૂટલ નીકળ્યાની વેદના અશોકને માટે વસમી બની ગઈ. આમ એકથી અગિયાર પ્રકરણમાં આવતી કાલની પેઢીને ઘડવાના ઊજળા ઉદ્દેશવાળી કથાઓ પ્રેરક અને બોધકરૂપે સંઘરાઈ છે.

આખીયે કૃતિમાં ગિરજો, છગુજી, પાલીકાકી, નિમુબહેન વગેરે પાત્રો એમનાં સરળ ગુણોને લીધે કિશોરોના મુગ્ધ હૃદયને ગમી જાય એવાં આલેખાયાં છે. એ જ રીતે ‘ઘેલી મારી કુસુમ’ વાળા પ્રસંગમાં શિક્ષકની સાહિત્યપ્રિયતાએ નિપજાવેલો ગોટાળો અને પાલીકાકીનું પરાક્રમ પ્રસંગનિરૂપણની દૃષ્ટિએ નોંધપાત્ર બન્યાં છે. એવો જ અદ્ભુતરસિક રોમાંચક પ્રસંગ કથાનકના છેલ્લા પ્રકરણમાં જૈન ગોરજીની ભૂતની ઉપાસનાનો છે.

‘જવાંમર્દ’ શ્રેણીનું પાંચમું પુસ્તક ‘માઈનો લાલ’ માનવી અને પશુ વચ્ચેના સંબંધની જંગલજીવનની સુંદર કથાઓ નિરૂપે છે. ૨૬ પ્રકરણની આ કૃતિમાં પ્રતાપ નામનો એક કિશોર જે પશુઓના પ્રેમમાં છે એના પશુપ્રેમે એની પાસે નગરનું સુંવાળું જીવન, કુટુંબનું હૂંફાળવું પ્રેમવિશ્વ છોડાવી કઠોર જંગલજીવનને વહાલું બનાવવા મજબૂર કર્યો એની કથા છે. પશુઓની વચ્ચે જીવતા પ્રતાપને જંગલજીવનમાં અનેક નવા અનુભવો થાય છે. આ અનુભવોમાંથી એની જવાંમર્દી જાગી ઊઠે છે. મર્દાનગીની મશાલ લઈને નીકળેલો, કાળ વંટોળિયા વીંધતો, જંગલજીવન જીવતો, વનભોજન આરોગતો, જંગલી પાડાઓને પાછા પાડતો પ્રતાપ યૌવનને કિનારે આવે છે ત્યારે જુએ છે કે જે દેશમાં એ જન્મ્યો છે એ દેશ ઉપર બીજાઓની - ગોરાઓની - હકૂમત છે. આ હકીકતની સમજ જ્યારે એના ચિત્તમાં પ્રગટે છે ત્યારે એના કાળજે ઘા વાગે છે. દેશમાં વ્યાપેલી વિદેશી સત્તા સામે એ સંઘર્ષ આદરે છે, કાળા-ધોળાના દેખાતા ભેદ અને અન્યાયોની અતિશયતા દેખીને એનો આત્મા કકળી ઊઠે છે ને એને મિટાવવા એના દેહને બલિરૂપે ખપમાં લાવી દે છે. ‘દુનિયા અજાયબીનો ભંડાર’, ‘પ્રતાપની જુબાની’ અને ‘ક્રાંતિકાર કૈલાસ’ પ્રકરણોમાં આ ત્યાગ-સમર્પણની કથાનો સુંદર વણાટ થયો છે. ‘સરકસના ખેલ’થી આરંભાતી આ કથા પ્રતાપ જેવા ‘માઈના લાલ’ના દેશની સ્વાતંત્ર્ય માટેની મથામણમાં બલિ થવા સાથે સમાપ્ત થાય છે. જવાંમર્દીના આ નિરૂપણની સાથે સાથે જયભિખ્ખુએ હિંદુ-મુસ્લિમ-મૈત્રી ભાવના વગેરેનું હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે. આવતી કાલના નાગરિકો નીડર અને સાહસકર્મવાળા બને એવા ઉજમાળા હેતુથી લખાયેલી આ કૃતિ એની રમતિયાળ અને છતાં સરળ, ભાવવાહી લખાવટને કારણે કિશોરોને પ્રિય બને છે.

‘જવાંમર્દ’ શ્રેણીના છઠ્ઠા અને છેલ્લા પુસ્તકમાં આઝાદીની નોબતો સાંભળી ચૂકેલા કિશોરોની કથાઓ છે. નાનપણનાં તોફાની, અટકચાળાં, વિચિત્ર ને કંઈક નિસ્તેજ દેખાતાં પણ મોટપણે નામના કાઢનાર નરવીરોનાં જીવનપ્રસંગો એમાં આલેખાયાં છે.

આજના રમતિયાળ અને છોકરવાદી કિશોર-કિશોરીઓના હાથમાં આવતી કાલનું ભાવિ છે તો એમને કલ્પના, કૌવત અને કર્તવ્યનિષ્ઠા શું છે એની સમજ પ્રાપ્ત થાય તે જોવાની શિક્ષણ અને સાહિત્યની જવાબદારી છે. એવી કંઈક સભાનતાથી આલેખાયેલી ‘જવાંમર્દ’ શ્રેણીની આ સાહસકથાઓના તમામ પુસ્તકો સ્વતંત્ર પુસ્તકો છે પણ ‘જવાંમર્દી’નો એક સૂક્ષ્મ તાર છે કે પુસ્તકોને એક તાંતણે બાંધે છે. આ કથાઓના નિરૂપણમાં ઇતિહાસનો ટેકો જયભિખ્ખુએ લીધો છે પણ ઇતિહાસદર્શન કરાવવા કરતાં એમને એ સત્ય ઘટનાઓમાં રહેલા જવાંમર્દીના અંશનું દર્શન કરાવવામાં વિશેષ રસ જણાય છે.

‘જવાંમર્દ’ શ્રેણીનાં છએ છ પુસ્તકો સાહસ, શૌર્ય અને હિંમતની એક આગવી મુદ્રા ઉપસાવી જાય છે. છએ પુસ્તકોમાંથી એક જ સંદેશ ગુંજે છે. અને તે ‘જોખમમાં જીવો’. પુસ્તકોની પ્રસ્તાવનામાં તેઓ આ સંદર્ભની એક નાનકડી કથા કહે છે તે મુજબ ભગવાન અષો જરથુષ્ટ્ર પહાડ પર એકાંતમાં તત્ત્વદર્શન મેળવીને નવસંદેશ આપવા જગત તરફ આવતા હતા ત્યારે જગતના લોકો એટલા બધા એશઆરામમાં મસ્ત હતા કે એક નટ દોરી ઉપર અદૂભુત નૃત્યપ્રયોગ કરતો હતો એની તરફ પણ એમનું ધ્યાન નહોતું ને એ મરી ગયો. જ્યારે એને મરેલો ભગવાન અષો જરથુષ્ટ્ર નિહાળ્યો ત્યારે કહ્યું કે ‘તેં જોખમનું કામ કર્યું છે માટે મારા હાથથી તને દફનાવીશ’ ને એ દહાડે એક નવસંદેશ એમણે જગતને આપ્યો, ‘જોખમમાં જીવો.’ જ્વાળામુખીની પાસે તમારાં નગર વસાવો ન ખેડવા યોગ્ય નદીઓમાં તમારાં નાવ ચલાવો.. યુદ્ધના વાતાવરણમાં રહો... પૃથ્વીની પ્રતિ વફાદાર રહો’ આ નવસંદેશ જવાંમર્દ શ્રેણીના પુસ્તકોમાં ગુંજે છે.

જે અનુભવોમાંથી કિશોરોને સાહસ, જવાંમર્દીની પ્રેરણા મળે છે. એ અનુભવો આ કૃતિઓમાં કલ્પનાવિહારરૂપે નિરૂપાયા નથી. અહીં એવા મહાનુભાવોના જીવનના પ્રસંગોનું નિરૂપણ છે જેમણે ઠંડી તાકાતથી જવાંમર્દીનું પોતાના જીવનપ્રસંગોમાં કર્તવ્યરૂપે દર્શન કરાવ્યું હોય. છ એ છ પુસ્તકોમાંથી એક વાત અવિરત ગૂંજ્યા કરે છે કે જ્યાં એક એક કદમ કસોટીનું હોય ત્યાં એ કસોટી જ વામન માનવીને વિરાટ બનાવે છે. પિંઢારુ પ્રદેશમાં રાત ગુજારવાની હોય, બે કાંઠે ધસમસતા પૂરવાળી નદી પાર કરવાની હોય, લોહી થીજવી નાંખે એવી ભૂતાવળો વચ્ચે રાત ગાળવાની હોય, ખાવાનું હોય નહીં ને મરુપાટમાં માર્ગ ભૂલ્યા હોઈએ, ચૂડેલો રાસડા લેતી હોય, રાનમાં રાત રોતી હોય, પગમાં સર્પો વીંટાયા હોય, બહારવટિયાઓની તલવાર માથા ઉપર ઝળુંબતી હોય ત્યારે ને એવા વાતાવરણ વચ્ચે જનમ ધરવામાં ને જીવવામાં જવાંમર્દી આ વાત વિધવિધ રૂપના પ્રસંગોમાંથી જયભિખ્ખુએ ઉપસાવી છે. તોફાનો વચ્ચે જીવવામાં તોફાન એ તત્ત્વ હોય કે ન હોય, જીવનનું જોમ તો જરૂર છે; સાહસ એ સત્ત્વ હોય કે ન હોય, જીવનનું જોમ તો જરૂર છે; સાહસ એ સત્ત્વ હોય કે નહીં, શૌર્ય તો જરૂર છે જ એમ માનતા લેખકે જવાંમર્દો નીપજાવવા માટે, મૃત્યુંજયો જન્માવવા માટે, મરજીવા મેળવવા માટે કસોટી કાળના તપને વરદાન ગણાવ્યું છે અને ‘જવાંમર્દો’ જોખમમાં જીવો એ સૂરને સર્વત્ર ગુંજતો કર્યો છે. આમ, કિશોરોને મસ્ત જીવનરસ પાતી આ સાહસશ્રેણી એ જયભિખ્ખુનું મહત્ત્વનું સાહિત્યિક અર્પણ બની રહે છે.

આ ઉપરાંત જયભિખ્ખુએ બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં વ્યક્તિત્વ વિકાસમાં અને બાળકોના સંસ્કારોનું સિંચન કરવાના ઉદ્દેશથી વિદ્યાર્થી વાચનમાળામાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કેટલાક ટૂંકા અને પ્રમાણભૂત ચરિત્રો લખ્યાં છે. ‘વિદ્યાર્થી વાચનમાળા’ની કુલ ૧૦ શ્રેણીના ૨૦૦ પુસ્તકોમાંથી ૬૬ પુસ્તકો જયભિખ્ખુએ પોતે લખ્યા છે. આ પુસ્તકોમાં મહાન અવતારો, ઋષિયો, મહર્ષિઓ, રાજા-મહારાજાઓ, મહાન નેતાઓ, સાહસશૂરાઓ, આપણા કેટલાક નામી કવિઓ, લેખકો, ચરિત્રકારો, કેળવણીકારોનો તથા આપણાં તીર્થધામો, સૌંદર્યધામો, કલાધામો અને બીજાં વિહારધામોનો સૌંદર્યલક્ષી ભૌગોલિક મહિમાયુક્ત પરિચય કરાવ્યો છે.

બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં જેમનાં ચરિત્રો ઉમદા ઉદાહરણો બની શકે એવી વ્યક્તિઓ, ઘટનાઓ અને પ્રસંગો વિષે પ્રકરણ પાંચમાં આપણે વિગતે તપાસ્યું જ છે, એટલે અહીં એનું પુનરાવર્તન નહીં કરીએ પણ વિદ્યાર્થી વાચનમાળા દ્વારા ચરિત્રો ઉપરાંત કેટલાંક શહેરો, પ્રવાસધામો કે ધર્મસ્થાનકોનો જે પરિચય જયભિખ્ખુએ કરાવ્યો છે એને તપાસીશું. આ પુસ્તકોમાં જયભિખ્ખુએ અમદાવાદ, વડોદરા, લખનૌ જેવા શહેરો; આબુ, શત્રુંજય, ગમોટેશ્વર અને ગીરનાં જંગલો જેવાં પર્વતીય અને ધાર્મિક સ્થાનો વિષે બાલભોગ્ય ભાષામાં રસળતી, રસાવહ શૈલીમાં નિરૂપણ કર્યું છે. કોઈ પણ સ્થળનું વર્ણન કરતાં તેઓ જો તેનું ઐતિહાસિક મહત્ત્વ હોય તો એ વર્ણવે છે અને સાથે સાથે એને વિષેની ભૌગોલિક માહિતી, કેટલાંક નામાંકિત સ્થળો, કેટલીક નામાંકિત વ્યક્તિઓની વાત પણ તેઓ સ્થળવર્ણનમાં એવી પ્રસંગાત્મક ઢબે સાંકળી લે છે કે વાંચનારને ખ્યાલ પણ આવતો નથી કે પોતાને કેટલી બધી માહિતી ઘટના વાંચતા વાંચતા સહજ રીતે મળી ગઈ. જયભિખ્ખુની આવી પુસ્તિકાઓમાં દ્વારકા અને અમદાવાદનો પરિચય કરાવતી પુસ્તિકાઓ સુંદર છે. અમદાવાદ વિશે અબુલફઝલને ટાંકતા તેઓ કહે છે કે દિલ્હીની ઊપજ જુવાર અને ઘઉં જ્યારે અમદાવાદની ઊપજ મોતી અને પરવાળાં. આવા નિરૂપણ દ્વારા જયભિખ્ખુ અમદાવાદની સમૃદ્ધિને કેવી સહજ રીતે બાળકો સમક્ષ મૂકી આપે છે ! અમદાવાદનો ઇતિહાસ, ત્યાં આવેલાં મંદિરો, મસ્જિદો એ બધાં વિષે માહિતી આપતો સર્જક, એ સમયે એ શહેરની વસ્તી નવ લાખની હતી એ વિગત દર્શાવવાનું પણ ચૂકતો નથી.

વિદ્યાર્થી વાચનમાળાની આ શ્રેણીની જયભિખ્ખુ માતૃભૂમિના ભાગવત તરીકે ઓળખાવતાં કહે છે કે પોતાનો ઇરાદો આ પુસ્તિકાઓ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી, સામાન્ય જ્ઞાન અને વ્યક્તિ પરિચયો આપીને એ દ્વારા કિશોરકિશોરીઓનું ચારિત્રઘડતર કરવાનો છે. અને એ માટે ‘વિદ્યાર્થી વાચનમાળા’ ગાગરમાં સાગરનું કામ કરે છે.

આપણાં બાળવાર્તાકારોએ ઘણાં લાંબા સમય સુધી કંઠસ્થ સાહિત્યનો ઉપયોગ બાળકોને વાર્તા સંભળાવવામાં કર્યા પછી લાંબા ઉપયોગને કારણે એ ખાણ લગભગ ખણાઈ ગઈ. એમાં સોનાને બદલે કચરો જ મળે એવી પરિસ્થિતિ જ્યારે સર્જાઈ ત્યારે સર્જકોની નજર ઐતિહાસિક લોકજીવન અને સંસ્કૃત-ગુજરાતી ગ્રંથસ્થ સાહિત્ય તરફ વળી. ઐતિહાસિક પ્રસંગો તેમ જ પાત્રોનો આધાર લઈને એક પ્રકારની ચેતનદાયી ગ્રંથાવલિઓ તૈયાર કરવા તરફ બાળસાહિત્યકારો વળ્યા. જયભિખ્ખુએ પણ ધૂમકેતુની સાથે આવી એક ગ્રંથાવલિ તૈયાર કરી તે ‘પ્રતાપી પૂર્વજો’ ભા. ૧ થી ૫. આ બાલગ્રંથાવલિમાં બાળકોને જેમનાં જીવનમાંથી પ્રેરણા, સાહસ, જીવનમૂલ્યો વગેરે મળી રહે એવા રાણા પ્રતાપ, શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, શાહજહાં, સુલતાના ચાંદબીબી, રાણી અહલ્યાબાઈ વગેરેના જીવનપ્રસંગોનું બાળભોગ્ય શૈલીમાં થયેલું નિરૂપણ મળે છે. આજના સંકુલ અને ક્ષોભક જીવનમાં માતાપિતાએ વડીલો પાસેથી બાળકના શીલ, સંસ્કારને ઘડનારી આપણા પ્રતાપી પૂર્વજોની દૃષ્ટિદાયક કથાઓ સાંભળવી એ લહાવો તો હવે ‘ગતકાળની કથા’ - બની ગયો છે. એમાં ય મોટાં શહેરોમાં તો સર્વત્ર જ્યારે આ પરિસ્થિતિ છે ત્યારે આવી કથાઓ જીવનમાં ઉત્તમ પ્રજીવકો જેવી પ્રેરક બની રહે છે.

આ ઉપરાંત ‘બાલાવનામબોધાય’નાં અર્થમાં પણ જે કેટલુંક સાહિત્ય લખાયું છે, અર્થાત્ પ્રૌઢો માટે જે સર્જાયું છે એ સાહિત્ય બાલભોગ્યતાના અંશો પણ ધરાવે છે, એટલે રૂઢાર્થમાં જેને બાલસાહિત્ય ગણવામાં વાંધો નથી એવું સાહિત્ય પણ જયભિખ્ખુ પાસેથી મળે છે એમાં કેટલાક નીતિનો ઉપદેશ આપતા વાર્તાસંગ્રહો સદ્‌વાચનમાળાનાં વિવિધ પુસ્તકો મુખ્ય છે.

પ્રૌઢોને સદાચાર અને નીતિધર્મના બોધપાઠ મળી રહે, કિશોરોને ચારિત્રઘડતરના સંસ્કાર મળે એવા ચૌદ કથાનકો ‘હીરાની ખાણ’માં જયભિખ્ખુ આપે છે. આ કથાનકોમાં સ્વાર્થ અને ભીરુતાની સામે સાહસ, ત્યાગ અને પરમાર્થનું દર્શન કરાવનાર સંસારના નાનામોટા હીરાનાં તેજવર્તુળો ઉપસાવાયાં છે. અહીં દ્રવ્યપ્રેમી નર્તિકાને પવિત્ર સ્ત્રી બનાવનાર પોપટ તોતારામ છે, તો વીર સતી સગઈ સંઘારી છે. દયાધર્મની મૂર્તિ દયાનંદ સરસ્વતી, વિદ્યાપુરુષ આચાર્ય હેમચંદ્ર અને અબ્રાહમ લિંકન છે તો ભગુજી જેવા સાહસિક વીર, આખાબોલા ને સાચાબોલા પ્રજાજન અને ઉસ્તાદ કલાકાર પણ છે. આ કૃતિમાં આવા સંસ્કારપુરુષોની પરાક્રમશીલતા અને ત્યાગની, શીલ અને પવિત્રતાની મહેક સર્વત્ર પથરાયેલી છે. જાણીતી અને અણજાણીતી, દેશની કે પરદેશની, સમાજ-ધર્મ કે રાજ્યજીવનની વ્યક્તિઓનાં જીવનમૂલ્યોનું અહીં બાળકો, કિશોરો અને પ્રૌઢો સહુને માણવું ગમે એવું ભાવ અને ભાષાની મીઠાશયુક્ત નિરૂપણ છે. જ્યારે સરળ અને વેગીલી કથનશૈલીથી, ક્યારેક બોધ અને ચાતુર્યયુક્ત નિરૂપણથી, ક્યારેક કટાક્ષ-વિનોદની ગૂંથણીથી આકર્ષક રૂપ પામેલો દસ વાર્તાઓનો સંગ્રહ ‘માણું મોતી’ કિશોર અને પ્રૌઢ સમુદાયને આનંદ સાથે જીવનશિક્ષણ પણ પૂરું પાડે છે. સંગ્રહની ‘પરોણાગત’ વાર્તા વસ્તુદષ્ટિ અને લખાવટને કારણે શિરમોર સ્થાન મેળવે છે. ‘બોલ ને તોલ’ ‘સગવડ-અગવડ’ વાર્તાઓ પણ સંગ્રહની વિશિષ્ટ વાર્તાઓ ગણી શકાય. દેવોભાઈ, ચતુર મલકચંદ કે ભીમજી જેવાં પાત્રોનું નિરૂપણ અસરકારક રૂપે થયું છે. સમગ્રતયા બાળકો, કિશોરો અને પ્રૌઢોને ગમે તેવી વાર્તાઓનો આ સંગ્રહ જયભિખ્ખુની બાળસાહિત્યકાર તરીકે જામેલી હથોટીનું દર્શન કરાવે છે.

‘માણું મોતી’ની જેમ બાલભોગ્ય શૈલીમાં લખાયેલી છતાં પ્રૌઢને પૂરેપૂરી સંતર્પક એવી સોળ વાર્તાઓનો સંગ્રહ ‘મૂઠી માણેક’ પણ જયભિખ્ખુની અન્ય કૃતિઓની જેમ જીવનના ઘડતર અને ચણતરની વાતો કરે છે. આ સંગ્રહની ‘ઇદનો ચાંદ’ વાર્તામાં દેસાઈ કુટુંબની એક સ્ત્રી હિરણ નદીને કાંઠે આવેલા શીતળામાના મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે એની સાથે એના રક્ષણાર્થે રમજૂમીયાં નામનો ચોકીદાર હોય છે. માર્ગમાં જહાંગીર નામનો એક લૂંટારો ભેટે છે. બીજે દિવસે ઇદ હોય છે એટલે એની નજર બાઈના કડલા ઉપર છે પણ આ બાઈ બાધા કરવા નીકળે છે માટે એની બાધા પતી જાય પછી પોતે જાતે આવીને કડલા પહોંચતા કરશે એવી ચોકીદારની વાત, એમાં લૂંટારુંની સંમતિ અને વચન પ્રમાણે ઇદને દિવસે ચોકીદાર અને લૂંટારું બંનેને અપાતું જમણ વગેરે વાતો વિશ્વાસ અને બોલની શું કિંમત છે એ સચોટ રીતે નિરૂપે છે. ‘મોસાળું’માં એક હરિજન ચમારે રાજવીની આબરૂ વધારી ને ભાણાના મામેરામાં આખું ખસતા ગામ આપી દીધું એ જાણીતી લોકકથાનો વિષય છે જ્યારે ‘ઇંટ કે માથું ?’ જૂનાગઢમાં ધીંગાણાને વાચા આપે છે. ‘ભીખારીનાં ભજન’ સંત પુનિત મહારાજનું જીવનચરિત્ર અને ભજન ભોજનની એમની જીવનવિભાવના વણાઈ છે. કુંવર ઢોલી ઊંચનીચના ભેદભાવોને નિર્મૂળ કરતી ઢોલી અને કુંવરના સાથ સાથેના પાળિયાની કથા છે. ‘વાણિયું ફોફળશા’ જાણીતી લોકકથા ઉપર આધારિત વાર્તા છે. બીકણ વાણિયાને બદલે ફોફળશાએ મર્દાનગી દાખવી લૂંટાતી જાન બચાવીને પોતાના ‘રંગભડી’ ગામને અમર બનાવી દીધું એ પ્રસંગનું તેજીલું આલેખન જયભિખ્ખુએ કર્યું છે. એ જ રીતે ‘જાદુનું જાદુ’ ‘નિંદા ધોબી’ ‘ધમવલ્લોણા ગમ’ ‘ર૪ કલાકની મહેતલ’ વગેરે પણ પ્રસંગના બળકટ પોતાને કારણે વાંચનારને પકડી રાખે છે.

‘પાલી પરવાળા’માં બાળકો, કિશોરો અને પ્રૌઢોને જીવનઘડતરમાં ઉપયોગી નીવડે એવા જીવનપ્રસંગોનાં મોતી છે. આ સંગ્રહની આરંભની વાર્તા ‘વાળી’માં મુંબઈના ધનાઢય શેઠ મોતીશાના દીકરા ખીમચંદે કાઢેલા દેવાળાની વાત છે. દેવાળું તો ઘણાં કાઢે પણ એ વખતે મન મેલું કર્યા વગર પોતાની સઘળી માલ-મિલકત સરકારમાં જાહેર કરનાર ખીમચંદ શેઠની અનોખી સચ્ચાઈને હૃદયસ્પર્શી રૂપે વાર્તાકારે ઉપસાવી છે, તો ‘પહેલી સલામ’માં ગોરા અંગ્રેજની દીકરીના દેશપ્રેમે પિતાની બાજી કેવી ઊંધી વાળી એનું ગરવું નિરૂપણ છે. આત્મકથનાત્મક ઢબે લખાયેલી ‘ઘરમાં ઘડિયાળ’ રમૂજી શૈલીમાં ગામમાં નવું આવેલું ઘડિયાળ કેવું કુતૂહલ જગાવે છે એ નિરૂપે છે. નિર્દોષ ભૂલકાં ચોરી શું ચીજ છે એ જાણતા ન હોય, કુતૂહલ એમના અણુએ અણુમાં વિસ્મય બનીને પથરાયેલું હોય ત્યારે ઘણીવાર નાનકડી વસ્તુની ચોરી કેવા પરેશાન બનાવી દે છે એ કુતૂહલવશ કરેલી ઘડિયાળની ચોરીમાંથી સર્જાતા ફજેતા દ્વારા જયભિખ્ખુએ વર્ણવ્યું છે. ‘એંજિનભાઈ અને ડબ્બાબહેન' બાળકોને પસંદ પડે એવી હળવી શૈલીમાં જ્યોર્જ સ્ટીવન્સને કેવી રીતે કેવા સંજોગોમાં આગગાડીની શોધ કરી એને નિરૂપે છે. ‘નાગમતી’માં સાધુએ અન્યને આપેલો બોધ જ્યારે એમના પોતાના જીવનમાં યોજવાનો આવે છે ત્યારે એ કામ કેવું કપરું છે એની એમને પ્રતીતિ અને છેવટે ઉપદેશ આપ્યા પ્રમાણે આચરવા જતાં મળતું મૃત્યુ વર્ણવે છે. સત્યની દીવાદાંડીને પ્રકાશવંત બનાવનાર સાધુ ‘કહીએ એવું જ કરીએ’નો જીવનસંદેશ આપી જાય છે. જુદી જુદી તેવીસ વાર્તાઓનાં આ પરવાળાં માનવજીવનનાં સુંદર ઘરેણા બની શકે એવાં છે. વાર્તાકાર પ્રસ્તાવનામાં કહે છે, ‘આ વાર્તાઓ દ્વારા બાળકોને દુનિયાનું એક દર્શન કરાવવું છે એ દર્શન તંદુરસ્તીભર્યું હો, જીવનોપયોગી હો, ને સાથે સુરુચિપૂર્ણ હો - એટલી સાવધતા જરૂરી છે.’ (પૃ. ૬)

‘લીલી લીલી વરિયાળી’ની અઢાર વાર્તાઓમાં જયભિખ્ખુએ પુરાણ અને ઇતિહાસમાંથી વસ્તુ લઈને પોતાની મૌલિક રીતે દરેકમાંથી કશુંક પ્રેરક, કશુંક ઉદાત્ત ફલિત કર્યું છે. ‘શેરડીના રસનું પારણું’ પૃથ્વીના પહેલા કલાકાર, પહેલા રાજા, પહેલા ત્યાગી, પહેલા તીર્થંકર ઋષભદેવને એક વર્ષના ઉપવાસ પછી અક્ષયતૃતીયાને દિવસે શ્રેયાંસકુમારે શેરડીના રસથી કરાવેલાં પારણાની કથા છે. વિવેક મોટો ધર્મ છે, વિવેક માણસાઈ છે’ એ આ વાર્તાનો સંદેશ છે તો ‘વેર અને પ્રેમ’ કાર્તવીર્ય અને પરશુરામ વચ્ચેના વેર અને એ વેરને પ્રેમથી દશરથપુત્ર રામે સમાવ્યાની ઘટનાઓ વર્ણવે છે. ‘અડસઠ તીરથની યાત્રા’ ગણેશ દ્વારા શંકર અને પાર્વતીની પૂજાની અને એ દ્વારા અડસઠ તીરથની યાત્રાનું પુણ્ય કમાયાની કથા નિરૂપે છે. એક તરફ અડસઠ તીરથ અને બીજી તરફ માતા-પિતાની સેવા એ બંને સરખા છે એ ધ્વનિને બાળભોગ્ય શૈલીમાં જયભિખ્ખુએ ઉપસાવ્યો છે. ‘ડરવું ને મરવું સરખું’ ભગવાન શ્રીકૃષ્ણના ગોવર્ધન પર્વત તોળ્યાના પ્રસંગને, ‘પ્રેમનો પેગંબર’ ભગવાન બુદ્ધના પ્રેમસંદેશને અને ‘સંન્યાસી ને શૂદ્ર’ શંકરાચાર્યના જીવનસંદેશને આલેખે છે. આપણી ભૂતકાળની પ્રતાપી સૃષ્ટિમાં, પૌરાણિકતાના થડ નીચે, જીવન માટેનું જે પ્રેરણાજળ ધબકે છે, જેનો એકાદ અણસારો પણ જીવનમાં હરિયાળી ક્રાંતિ લાવવામાં મદદરૂપ થાય છે એ પ્રતાપી પાત્રોની જાણીતી વાતો આ સંગ્રહમાં આલેખાઈ છે.

આજના યુવાનોને જીવન જીવવા માટેની નવી દૃષ્ટિ મળે, પ્રૌઢોને આનંદ સાથે સદ્સાહિત્યવાચનનો લાભ મળે એવા ઇરાદાથી જયભિખ્ખુએ ‘સદ્વાચનમાળા'ની છ શ્રેણીઓમાં વિવિધ વાર્તાઓ આપી છે. આવા સાહિત્યને સર્જવા પાછળ સર્જકનો ઇરાદો ચોખલિયો ઉપદેશ આપવાનો નથી જ નથી, એમને તો સર્વ રસની સૃષ્ટિની પરિસમાપ્તિ સાત્ત્વિક રસમાં કરવી છે. આમાંની કેટલીક વાર્તાઓ વિષે વાર્તાકાર જયભિખ્ખુનો પરિચય મેળવતાં વિગતે વાત કરી છે, અહીં એના સિવાયની કેટલીક વિષે જોઈશું. ‘નિર્વંશનું વરદાન’ ગુજરાતના મહામંત્રી વિમલે માંગેલા નિર્વંશના વરદાનની કરૂણકથા કથે છે તો ‘ગજમોતીનો મહેલ’ માણસોના સ્વાર્થને અને પશુના પ્રેમને વર્ણવે છે. ‘રોઝડાનો ટીંબો’ ગામના પશુઓની રખેવાળી કરતા સાપને મારવાથી ગાય ઉપર ઉતરતી આફતોને આલેખે છે. અને ‘અમરકૂંપો’ શ્વેતાંબી નગરીના રાજા સુર્યપ્રભને ભોગવિલાસમાં નહીં, ત્યાગમાંથી અમરકૂંપો પ્રાપ્ત થયાની કથાને કથે છે તો ‘દેવાનંદા’ વૈશાલી નગરીના શાખાનગર કુંડગ્રામની બે સખીઓ બ્રાહ્મણ યુવતી દેવાનંદા અને રજપૂતાણી ત્રિશલાદેવીના ત્યાગભર્યા પ્રેમની કથાને વર્ણવે છે. ‘કાળી પત્ની’ એ આબુ ઉપરના દેલવાડાનાં દહેરાં બંધાવવામાં પ્રેરણાસ્થાન બનેલી અનુપમાદેવીની કથા રજૂ કરે છે તો ‘સાગરસફરી’ ભગવાન મહાવીરના શંકા અને શ્રદ્ધા વિશેના પ્રવચનની વાત છે. સદ્‌વાચનમાળાની ‘રાધા અને કહાન’ ‘કામનું ઔષધ કામ’ ‘સૌભાગ્યસુંદરી’ ‘અઢાર નાતરાં’ ‘ગંગાવતરણ’ જેવી વાર્તાઓ પુનરાવર્તનો છે.

આમ ચારિત્ર્યસાહિત્યને સંપૂરક સાબિત થાય એવું બાલસાહિત્ય, શૈક્ષણિક મૂલ્યોને નજર સમક્ષ રાખીને લખાયેલું કિશોરસાહિત્ય તથા એ બે બાબતોથી ઇતર વિવિધ સંદર્ભોમાં જીવનસંદેશ દાખવતું પ્રૌઢસાહિત્ય એ જયભિખ્ખુની સર્જનપ્રતિભામાંથી પાંગરેલું પ્રકીર્ણ છતાં નોંધપાત્ર સાહિત્ય છે. આ સાહિત્યનું સમગ્રલક્ષી અવલોકન કરતાં જણાય છે કે જયભિખ્ખુએ એમાં ઇતિહાસ, ભૂગોળ, ધર્મ, ચરિત્ર, સંસારદર્શન વગેરે વિષે સરળ, સહજ અને બાળભોગ્ય શૈલીમાં આલેખન કર્યું છે.

સાહિત્યની નાની કે મોટી કોઈ પણ કૃતિના સર્જન સમયે એનું કથાવસ્તુ પસંદ કરતી વખતે જયભિખ્ખુએ હંમેશા બે બાબતોનો ખાસ ખ્યાલ રાખ્યો છે. એક તો એ કૃતિમાં રસને ઝીલવાનું કેટલું સામર્થ્ય છે અને બીજું એમાં માનવતાનું દર્શન કેટલે અંશે થઈ શકે એવું છે ? જો કૃતિના વસ્તુમાં આ બે તત્ત્વો જયભિખ્ખુને ક્ષમતાવાળાં જણાયાં તો પછી એમના દ્વારા એ કથા રસભર અને હૃદયસ્પર્શી બનતી જ બનતી. એમના આ પ્રકરણમાં તપાસેલા બાળ, કિશોર અને પ્રૌઢ સાહિત્યના સંદર્ભમાં તો આ વાત વિશેષ કરીને સત્યરૂપે જોવા મળે છે. નાનકડો કથાપ્રસંગ પણ આ બે તત્ત્વોની ક્ષમતાવાળો હોય તો એમને હાથે રઢિયાળો બની ગયો છે, કલાત્મક રૂપ પણ પામ્યો છે. ‘દેશના દીવા’ ‘શ્રમનો મહિમા’ ‘હીરાની ખાણ’ ‘માણું મોતી’ વગેરેમાં આવા ઘણા પ્રસંગો મળે છે.

જયભિખ્ખુનાં પોતાના જીવનમાં જે જિંદાદિલી, મર્દાનગી અને સચ્ચાઈ હતાં તે એમના આવા સાહિત્યમાં અનાયાસે પ્રતિબિંબિત થયાં છે. તેઓ માનતા કે સાહિત્ય તો એવું હોવું જોઈએ જે માનવીમાં રહેલી સાહસવૃત્તિને ઉત્તેજી જીવનમાં અને વિકાસશીલ બનાવે, એવી માનવતાને પરિમાર્જિત કરે. કિશોરોને શૌર્ય-સાહસની પ્રેરણા મળી રહે એ હેતુથી એમણે ‘જવામર્દ’ શ્રેણીનાં વિવિધ પુસ્તકો લખ્યાં છે એ એમની ઉપર્યુક્ત વિચારસરણીનું પરિણામ છે. આમ તો આપણે ત્યાં કિશોરોને શૌર્ય, સાહસની પ્રેરણા આપતું સાહિત્ય જયભિખ્ખુ પહેલાં પણ સારા એવા પ્રમાણમાં લખાયું છે પણ મોટે ભાગે એવા સાહિત્યના નાયકો ટારઝન કે અલીબાબા વગેરે હતાં. આ પરદેશી કથાસૃષ્ટિનું રૂપાંતર કરીને આપણા કિશોરો સમક્ષ એ સાહસસૃષ્ટિને રજૂ કરાઈ હતી. જયભિખ્ખુ અને એમના સમકાલીન બાળસાહિત્યકારોએ ભારતદેશના જ નવયુવાનોના ખમીરને વ્યક્ત કરતી. સત્ય ઘટનાઓ કે કલ્પનાકથાઓ સાહસકથાઓરૂપે આપવાની શરૂ કરી. જયભિખ્ખુની ‘જવાંમર્દ’ શ્રેણીનું આવું જ એક કિશોરોને અદ્ભુત સાહસસૃષ્ટિની પ્રેરણા આપતું સર્જન છે, જેમાં ભારતની સ્વાતંત્ર્યચળવળ સમયની યુવાનોની જવાંમર્દીનું દર્શન કરાવાયું છે.

જયભિખ્ખુ પહેલાંનું બાળસાહિત્ય કલ્પનાકથામાં વિશેષ રાચતું હતું. પરીઓની સ્વપ્નસૃષ્ટિમાં બાળકોને રમમાણ કરી દેતું બાળસાહિત્ય આપણે ત્યાં ઘણુંબધું સર્જાયું છે પણ ગિજુભાઈની પ્રેરણા પછી બાળસાહિત્યના વિષયક્ષેત્રમાં રહેલી સંભવસમૃદ્ધિ તરફ સર્જકોનું લક્ષ્ય ખેંચાયું. સર્જનશક્તિ અને શિક્ષકદ્રષ્ટિના સમન્વય વડે જ સાચું બાલસાહિત્ય સર્જી શકાય એ દૃષ્ટિકોણ ખીલ્યો. એના પરિણામે જયભિખ્ખુ અને એમના સમકાલીનોએ કલ્પિત પાત્રોની રમૂજી કથાઓ લખવાને બદલે વીર પુરુષોની કથાઓ લખી. બાળકોને પરીઓની સ્વપ્નસૃષ્ટિને બદલે શૌર્યની સૃષ્ટિનો પરિચય કરાવ્યો.

જયભિખ્ખુનું આ સાહિત્ય વિષયદ્રષ્ટિએ પણ વૈવિધ્યયુક્ત છે. એમાં એમણે દંતકથાઓ, લોકકથાઓ તેમ જ ધર્મકથાઓનો ઉપયોગ કરીને એમાંનાં કલ્પના તથા ચમત્કારતત્ત્વને ગાળી નાખીને, આજનો બુદ્ધિજીવી વર્ગ ગળે ઉતારી શકે એ રીતે રોચક ફેરફાર કરીને સરસ વાર્તાઓ સર્જી છે. એમની આ વાર્તાઓ એમાંની ટૂંકા વાક્યોવાળી પ્રવાહી શૈલીને કારણે બાળકોને એક અનોખી રસસૃષ્ટિમાં રમમાણ કરે છે. હિતોપદેશના વિષ્ણુ શર્માની જેમ ભારેખમ બન્યા વગર હળવી શૈલીમાં આ વાર્તાઓ આબાલવૃદ્ધ સૌને જીવન જીવવાનો સાચો રાહ ચીંધે છે અને જીવનનો આનંદ માણવાની દ્રષ્ટિ આપે છે. આ ઉપરાંત કહેવતકથાઓ, પ્રાણીકથાઓ, નીતિકથાઓ પણ જયભિખ્ખુએ બાળકો અને પ્રૌઢોને ધ્યાનમાં રાખીને લખી છે. એમનું આવું સાહિત્ય એમાંના કથાના લઘુક ઘાટને કારણે નોંધનીય બન્યું છે. નાનકડું કથાવસ્તુ પણ જયભિખ્ખુના કથનને એવી સચોટ રીતે ઉપસાવી આપે છે કે એનો મર્મ હંમેશને માટે વાંચનારાના મનમાં વસી જાય છે. જયભિખ્ખુએ આપેલી કહેવતકથાઓ કિશોરોની ભાષાશક્તિને ખીલવવામાં ખૂબ ઉપયોગી થઈ પડે એવી છે. તો એમની પ્રાણીકથાઓને સંપ્રદાયની પરિભાષા તથા સાંપ્રદાયિક રંગોથી મુક્ત રાખીને રજૂ કરનારા તેઓ પહેલા સર્જક છે.

સ્વરૂપદૃષ્ટિએ જોઈએ તો જયભિખ્ખુ પાસેથી મળતા આ સાહિત્યમાં વાર્તાઓ, નાટકો અને ચરિત્રો મુખ્ય છે. એમાં વાર્તાઓ અને ચરિત્રોનું પ્રમાણ તો સારું એવું મોટું છે. જયભિખ્ખુનાં ટૂંકા અને પ્રમાણભૂત ચરિત્રો પણ ચરિત્રને વિષે વ્યક્તિજીવનની પ્રસંગકથા આલેખતા હોવાને કારણે તત્ત્વગત રીતે વાર્તા જ છે.

જયભિખ્ખુ પાસેથી મળતી ‘દીપક’ ‘જવાંમર્દ’ ‘માણસે માણસે ફેર’ જેવી શ્રેણીઓ અને ‘વિદ્યાર્થી વાચનમાળા’ ‘સદ્વાચન’ ‘જૈન બાલગ્રંથાવલિ’ જેવી ગ્રંથમાળાઓમાં ભાલ, કિશોર અને પ્રૌઢો માટે જીવનઘડતરમાં, સંસ્કારસિંચનમાં ઉપયોગી નીવડે એવી અનેક ગ્રંથિકાઓ મળે છે. એમાંથી કેટલાકમાં તો આપણા દેશના તેમ જ પરદેશના વિભૂતિસંપન્ન સ્ત્રી-પુરુષોને રસળતી બાનીમાં પરિચય કરાવવાનો પ્રયાસ છે. પૌરાણિક અને ઐતિહાસિક મહાન પુરુષો તથા સ્ત્રીઓ, અર્વાચીન ભારતના વિધાયકો, કવિઓ, ધર્મસંસ્થાપકો વગેરેનાં ટચુકડા જીવનચરિત્રો વિદ્યાર્થીઓને રસ પડે એવી રીતે જયભિખ્ખુએ વિદ્યાર્થી વાચનમાળામાં લખ્યાં છે તેને આધારે બાળકોને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન વગેરે વિષયોનું જ્ઞાન સરળ અને રસપ્રદ રીતે મળી રહે છે. આ વાચનમાળાઓ દ્વારા એમણે હિંદની મહાન વ્યક્તિઓ, વિવિધ સ્થળો વિષે જાણકારી પૂરી પાડીને કિશોરોમાં સ્વદેશના ગૌરવનું ભાન કરાવ્યું છે.

જીવનમાંગલ્યલક્ષી સર્જકનો હેતુ આવા સાહિત્યના સર્જન પાછળ પણ ઉમદા સાહિત્યના પ્રસાર-પ્રચારનો અને એ દ્વારા માનવીના સંસ્કારઘડતરનો જ છે. આ સંદર્ભમાં તેઓ કહે છે : ‘વિદ્ધદ્‌ભોગ્ય ઘણું ઘણું સાહિત્ય આપણે ત્યાં બહાર પડે છે પણ જૈન તેમ જ જૈનેતર, બાળક વા વૃદ્ધ, સામાન્ય વા વિશિષ્ટ સહુ કોઈને રસ પડે તેવું સરળ લોકભોગ્ય ભાષામાં ને નવીન ઢબથી ઓછું બહાર પડે છે. સાહિત્ય કે સૂત્રનું ધ્યેય કંઈ વાદવિવાદ, પાંડિત્યદર્શન કે ક્લિષ્ટતામાં નથી. એવું ધ્યેય માણસને સંસ્કારી બનાવી જીવનને ઉચ્ચ બનાવવા પૂરતું જ છે. (‘જૈનધર્મની પ્રાણીકથાઓ’, પૃ. ૬).

જયભિખ્ખુનું આ સાહિત્ય જેમ વિષય અને સ્વરૂપની દૃષ્ટિએ વૈવિધ્યવંતુ અને નાવીન્યયુક્ત છે તેમ શીર્ષકોની દૃષ્ટિએ પણ આગવું છે. એમની આ કૃતિઓના શીર્ષકો બાળકો જેવાં રમતિયાળ, કાવ્યાત્મક અને વિષય તરફ બાળકોને આકર્ષવાનું મન થાય એવાં છે. જેમ કે ‘લીલી લીલી વરિયાળી’ ‘આંબે આવ્યો મોર’ ‘નાનો પણ રાઈનો દાણો’ ‘ઢ માંથી ધુરંધર’ ‘રત્નનો દાબડો’ ‘ચપટી બોર’ ‘માણું મોતી’ ‘પાલી પરવાળાં’ વગેરે. તેઓ માનતાં કે બાળસાહિત્યનાં પુસ્તકોને પૂરી ચીવટથી શણગારવાં જોઈએ જેથી બાળકોને એ પુસ્તકો તરફ એક પ્રકારનો પ્રેમભાવ જાગે. આથી જ એમનાં બાળવાર્તાનાં પુસ્તકોનાં મુખપૃષ્ઠ વિવિધરંગી અને આકર્ષક બનતાં.

જયભિખ્ખુના આ પ્રકારના સાહિત્યની સમગ્રલક્ષી મૂલવણી કરતાં ફાધર વાલેસે કહ્યું છે : ‘વસ્તુ સનાતન ને શૈલી આધુનિક - એમાં શ્રી જયભિખ્ખુની ખાસિયત આવી જાય છે. મહાવીર ને બુદ્ધ, પુરાણો ને મહાભારત, ધર્મકથાઓ ને ઇતિહાસકથાઓ – આ બધાંના બોધથી એમની કલમ સમૃદ્ધ થાય, બધાંનો ઉપદેશ એમનાં પાનામાં ઝિલાય, એ શાશ્વત બોધ એ રોચક વેધક શૈલીમાં રજૂ થાય.... એ સચોટ વાક્યો, સૂત્રોની પરંપરા, ક્રિયાપદની કરકસર, અલંકારોનો મેળો : બોધની દોરી પરોવવા અણીદાર શૈલીની કરામત - ને એમ રમતાં રમતાં જીવનના પાઠ ભણાવવાની કલા.’ (‘લીલી લીલી વરિયાળી’ના આરંભે ‘સંસ્કાર-સ્રોત’.પૃ. ૬).

શબ્દોના ભારે કરકસરિયા એવા જયભિખ્ખુનાં વાક્યો ઓછામાં ઓછા શબ્દોથી તૈયાર થાય છે. ઓછામાં ઓછાં વાક્યોથી એમનું કથાનક સર્જાય છે. હળવી રમતિયાળ શૈલીમાં વહેતું જયભિખ્ખુનું ગદ્ય સર્જકના આગવા મિજાજને પ્રગટાવે છે. બાળકોને ગમે એવી, એમના મનમાં કુતૂહલ જન્માવે એવી હથોટીમાં એક કથકની અદાથી તેઓ વાર્તાને માંડે છે.…. મલાવીને આગળ વધારે છે અને ચમત્કૃતિપૂર્ણ રીતે વાર્તાનું સમાપન કરે છે.

આમ, જયભિખ્ખુનું આ સાહિત્ય સંખ્યાષ્ટિએ સમૃદ્ધ છે, રૂપરંગે રઢિયાળું છે, બાલસ્વભાવને અનુરૂપ એવી રચનાઓ એમાં વિપુલ પ્રમાણમાં મળે છે. છતાં એમના બાળસાહિત્યની એક મર્યાદા કઠે પણ છે. એમના બાળસાહિત્યની આટલી મોટી અસાધારણ કહેવાય એવી સંખ્યા હોવા છતાં એમાં બાલકાવ્યો, બાલનાટકો, બાલપ્રવાસો ને બાલપ્રવૃત્તિને લગતા સાચી બાલજિજ્ઞાસાને સંતર્પતાં પુસ્તકોનો અલ્પભાવ જોવા મળે છે. બાળકોને શુદ્ધ વિનોદથી થનગનતા કરી મૂકે એવું સાહિત્ય પણ એમની પાસેથી બહુ મળતું નથી. અલબત્ત, ‘જવાંમર્દ’ શ્રેણીનાં પુસ્તકોમાં એમણે કરેલા પ્રવાસની એ સ્થળોની કેટલીક માહિતી મળે છે ખરી. વળી આબુ, ગિરનાર વગેરે પર્વતો, વડોદરા-અમદાવાદ જેવાં સ્થળો વિષેનાં એમનાં પુસ્તકોએ એ સ્થળનો માહિતીપૂર્ણ રસળતો પરિચય આપે છે પણ જેને શુદ્ધ પ્રવાસસાહિત્ય કે વિનોદસાહિત્ય કહેવાય એવું એમની પાસેથી મળતું નથી. વળી કવિતાના ક્ષેત્રે પણ એમનું પ્રદાન છે નહીં એ રીતે બાળકાવ્યો પણ એમણે સજર્યાં નથી.

બાળકોને મઝા પડે પણ તત્ત્વદર્શનના કે વાસ્તવના અભાવને કારણે જે વ્યવહારજીવનમાં અપ્રગટ રહે એવી પરંપરિત પરીકથાઓ ઇત્યાદિથી તદ્દન ભિન્ન એવું બાલસાહિત્ય, વાસ્તવની ભૂમિકાએ કલ્પનાને ઉત્તેજન મળે એવું કિશોરસાહિત્ય તથા વિવિધ સંદર્ભો દાખવતું પ્રૌઢસાહિત્ય એ જયભિખ્ખુનું પ્રકીર્ણ છતાં ઉલ્લેખનીય સર્જન છે. જીવન વિષેના ચોક્કસ અભિગમથી આસપાસના જિવાતા જીવનમાંથી પ્રાચીન કે ઐતિહાસિક કથાઓના મનનીય અને ચિંતનપ્રેરક પ્રસંગોમાંથી તથા જીવનપોષક કલ્પનાના બળે મનમાં યુવાન તેમ જ પ્રૌઢ વર્ગના સૌ કોઈ વાંચીને કે સાંભળીને પણ માણી શકે એવાં કથાનકો ધરાવે છે. આજના પ્રૌઢશિક્ષણમાં કે શિષ્ટ વાચનમાં ઉપયોગી નીવડે, જીવનલક્ષી માંગલ્ય અને માનવતાનો સંદેશ આપે એવા પ્રકારના આ સાહિત્યમાં જયભિખ્ખુનું શૈલીબળ સાહિત્યિક નિરૂપણની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે.