લખાણ પર જાઓ

જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય/જયભિખ્ખુનું ચરિત્રસાહિત્ય

વિકિસ્રોતમાંથી
← નાટ્યકાર જયભિખ્ખુ જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
જયભિખ્ખુનું ચરિત્રસાહિત્ય
નટુભાઈ ઠક્કર
પ્રતિભાનાં અવનવીન પરિણામો - પ્રકીર્ણ સાહિત્ય →



પ્રકરણ ૫
જયભિખ્ખુનું ચરિત્રસાહિત્ય

નવલકથા, નાટક, ટૂંકી વાર્તા વગેરે સાહિત્યસ્વરૂપોની જેમ ચરિત્રસાહિત્ય પણ માનવજીવનનું અધ્યયન, નિરૂપણ કરતો સાહિત્યપ્રકાર હોવાં છતાં એ બધાથી જુદું એ રીતે પડે છે કે આ બધાં સાહિત્યસ્વરૂપોમાં માનવીનું જીવન પરોક્ષ રીતે એટલે કે કલ્પનાથી નિરૂપાય છે. જ્યારે જીવનચરિત્ર સાચાં, અમુક સ્થળકાળમાં જીવી ગયેલા ચોક્કસ માનવીઓની જીવનલીલા નિરૂપે છે.

જીવનચરિત્રમાં જે વ્યક્તિનું ઇતિવૃત્તિ હોય છે એ સામાન્ય વ્યક્તિ નહીં પણ કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન પામેલી વ્યક્તિ હોય એ જરૂરી છે. અને એટલે જ ડ્રાયડને કહ્યું છે કે જીવનચરિત્ર એ History of Particular man's lives (W. H. Dunnના English Biography પુસ્તકની પ્રસ્તાવના, પૃ. ૭) એમાં ચરિત્રનાયકની પ્રકૃતિ અને પ્રવૃત્તિનું યથાર્થ વૃત્તાંત નિરૂપાવું ઘટે. વળી તે ચરિત્ર વ્યક્તિનાં વાણી-વર્તન ઉપરાંત તેના મનોવ્યાપારોનો પણ યથાયોગ્ય પરિચય કરાવે. જીવનચરિત્રમાં ચરિત્રવિષયક વ્યક્તિના જન્મથી માંડીને મૃત્યુ સુધીની જીવનયાત્રાની સાચી છબી નિરૂપાતી હોવાથી સહજ રીતે જ એની સર્વ પ્રવૃત્તિઓની પશ્ચાદ્ભૂમિ સમાન તત્કાલીન સમાજ અને યુગનું ચિત્ર પણ ઉચિત માત્રમાં ઊપસે. જીવનચરિત્રમાં ચરિત્રકાર ચરિત્રનાયકના જીવન ધ્યેય અને જીવનકાર્યને દર્શાવે છે. આ દર્શાવતી વખતે જીવનકાર્યમાં પ્રાપ્ત થયેલી સફળતા-નિષ્ફળતાનું ઉચિત મૂલ્યાંકન પણ તે કરાવે છે. ઓક્સફર્ડ ડીક્શનેરી જીવનચરિતને ‘સાહિત્યની એક શાખા તરીકે વ્યક્તિના જીવનનો ઇતિહાસ’ કહે છે. (Shorter Oxford English Dictionary, પૃ. ૧૮૦, ૧૯૩૯ની આવૃત્તિ). ત્યાં જીવનચરિત્રમાં ‘ઇતિહાસ’ અને સાહિત્ય’ બંનેનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. જીવનકથા એ નર્યો શુષ્ક ઇતિહાસ કે માહિતીચોપડો બની જાય એ ન ચાલે, એણે રસાત્મક સાહિત્ય પણ બનવું પડે એ વાત એ વ્યાખ્યામાંથી પ્રતીત થાય છે.

ચરિત્રકાર કોઈ હેતુને લક્ષ્યમાં રાખીને ચરિત્રસર્જન કરતો હોય છે. ક્યારેક વીરપૂજાની સાહજિક વૃત્તિમાંથી ચરિત્રસર્જન થતું હોય છે તો ક્યારેક માનવજીવનનું અધ્યયન કરવાના હેતુથી ચરિત્રકાર પ્રેરાય છે. માનવીને અન્યના જીવનમાંથી બોધ લેવો પણ ગમતો હોય છે. જીવનચરિત્રનો આલેખક ચરિત્રનાયકની જીવનકથા દ્વારા તેનો સંદેશ કે બોધ સમાજને ચરણે ધરવા ઇચ્છતો હોય છે. આવો બોધ વાચકોને પ્રેરક બની, તેમની જીવનયાત્રામાં પથદર્શક બને એવી સર્જકની અંતરંગ ઝંખના આવું સર્જન કરવા પાછળ રહેલી હોય છે.

ચરિત્રસર્જન સમયે ચરિત્રકારે કેટલીક સાવધાની રાખવાની હોય છે, જેમ કે –

જીવનચરિત્ર પ્રથમ વિજ્ઞાન છે, પછી કલા. એટલે ચરિત્રકારે વૈજ્ઞાનિકની જેમ ચરિત્રનાયકના જીવનની હકીકતોના સંગ્રહ અને સંશોધનની બાબતમાં વૈજ્ઞાનિક દૃષ્ટિવૃત્તિ રાખવી પડે છે.
ચરિત્રકારે ચરિત્રનાયકના બાહ્યાંતર વ્યક્તિત્વને તેના સાચા સ્વરૂપમાં પ્રત્યક્ષ કરી આપવું રહ્યું.
જીવનચરિત્રનો વિષય બનેલી વ્યક્તિ વિષે સત્યપૂત માહિતી આપવી એ પણ એની સૌથી મહત્ત્વની ફરજ છે.
નવલકથાકારની જેમ અમુક મર્યાદામાં રહીને ચરિત્રનાયકના જીવનની વાસ્તવિક ઘટનાઓનું રસાત્મક નિરૂપણ કરવાનું હોય છે.
ચરિત્રનાયકના વ્યક્તિત્વનું યથાર્થ પ્રગટીકરણ એ એની બીજી મહત્ત્વની ફરજ છે.

જીવનચરિત્રમાં આમ ચરિત્રનાયકના જીવનની સત્ય હકીકતો અને વ્યક્તિચિત્ર સાથે સૌંદર્યનું સંમિલન થયું હોય તો જ તે સર્જનાત્મક અંશોથી દીપતી મનોરમ કલાકૃતિ બની શકે.

આન્દ્રે મોર્વા કહે છે તેમ ‘ચરિત્ર એવો સાહિત્યપ્રકાર છે જ બીજા કોઈ પણ સાહિત્યપ્રકાર કરતાં નીતિ સાથે સૌથી વિશેષ નિકટનો સંબંધ ધરાવે છે.’ Biography is a type of litereature which, more than any other, touches close on morality (Aspects of Biography, p. 121) કોઈ એક વ્યક્તિનાં જીવન, ચારિત્ર્ય અને સિદ્ધિઓ વિષે વાંચતાં જે વિશિષ્ટ ગુણોએ, જે સદ્ અંશોએ તે વ્યકિતને મહાન બનાવી, જે ગુણોને લીધે તેણે પોતાની મુશ્કેલીઓનો હિંમત અને ધૈર્યથી સામનો કર્યો અને તેમના પર વિજય મેળવ્યો એ સર્વ વાચક જાણે છે. વળી આ બધું અનુભવનિવેદન સત્યકથન હોવાથી અને ઉપદેશ કરતાં આચરણ માનવીના ઘડતરમાં વિશેષ પ્રભાવક નીવડતું હોવાથી ચરિત્રગ્રંથ કલ્પનાકથા કરતાં વધારે અસરકારક બને છે. ચરિત્રસાહિત્યના વાચનનો આવો કલ્યાણકારી પ્રભાવ હોવા છતાં એ નીતિશાસ્ત્ર કે ઉપદેશગ્રંથ ન બની જાય એનું પણ ચરિત્રકારે ધ્યાન રાખવું પડે. રસશાસ્ત્રના સીમાડામાં રહીને જ નીતિ અને ઉપદેશ વ્યક્ત કરતું જીવનચરિત્ર કલાકૃતિ બની શકે.

આપણે ત્યાં જીવનચરિત્રનું સ્વરૂપ પાશ્ચાત્ય સાહિત્યના સંપર્ક પછી પાંગર્યું હોવા છતાં પ્રાચીન કાળમાં અને મધ્યકાળમાં ચરિત્રસાહિત્ય હતું ખરું. છેક શ્રુતિકાળથી આરંભીને મધ્યકાળના અંતભાગ સુધી મળતા ચરિત્રસાહિત્યના ઇતિહાસના ઓછાવત્તા અંશો, કલ્પિત કથાનકો, દંતકથાઓ અને છૂટક વ્યક્તિના જીવનના મહત્ત્વના પ્રસંગોના આલેખનો મળે છે. એમાંના બહુ ઓછાં ચરિત્રોમાં સાચા ઇતિહાસનું કે કોઈ પણ લોકોત્તર વ્યક્તિના જીવનની સળંગ ઘટનાઓનું આલેખન થાય છે. આ ચરિત્રોમાં શુદ્ધ ચરિત્રલેખનની દૃષ્ટિએ ઝાઝો કસ જણાતો નથી.

ચરિત્રસાહિત્યમાં એક નવો જ અને અસરકારક મોડ આવ્યો છે. પશ્ચિમની સંસ્કૃતિના અને જીવનદૃષ્ટિના સંપર્ક પછી. ચરિત્રકારની નજર પોતાની આસપાસ જીવતા સફળ વ્યક્તિવિશેષો તરફ ગઈ અને અભિનવ ચરિત્રસાહિત્યનું સર્જન થવા માંડ્યું.

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નર્મદયુગથી જ ચરિત્રસાહિત્ય સર્જાવાની શરૂઆત થાય છે. દુર્ગારામ ‘માનવધર્મસભાનું દફતર’, નર્મદ ‘કવિચરિત્ર’ ‘મહાપુરુષોનાં ચરિત્ર’; મનઃસુખરામ ‘સુજ્ઞ ગોકુળજી ઝાલા ચરિત્ર’ અને ‘ફાર્બસ જીવનચરિત્ર’, મહીપતરામ ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર’, ‘મહેતા દુર્ગારામ મંછારામ ચરિત્ર’ અને ‘પાર્વતીકુંવર આખ્યાન’ આપે છે. એમાં નર્મદે ચરિત્રસાહિત્યનો અભાવ દર્શાવી એક નવી દિશા તરફ પ્રેર્યા. મનઃસુખરામ પાસેથી પહેલું સળંગ ચરિત્રપુસ્તક ‘ફાર્બસ જીવનચરિત્ર’ મળ્યું. ચરિત્રલેખનના શરૂ થયેલા પ્રવાહને પોતાનાં ત્રણ ચરિત્રો દ્વારા મહિપતરામે આગળ ધપાવ્યો. સુધાકરયુગના આ ચરિત્રોમાં ચરિત્રનાયકના વ્યક્તિત્વનું સમગ્રાવલોકન મળતું નથી, ચરિત્રનાયકના જીવનકાર્યનું બયાન જ મુખ્યત્વે આ ચરિત્રસાહિત્યમાં મળે છે. ચરિત્રનાયકના અંગત કે કૌટુંબિક જીવનનું એટલે કે એક માનવમૂર્તિ તરીકેનું ચિત્ર આ યુગના ચરિત્રસાહિત્યમાં ઓછું જ ઊપસ્યું છે. આ ચરિત્રો મુખ્યત્વે માહિતીપ્રધાન છે, કલાકૃતિ તરીકે તેમનું મૂલ્ય અલ્પ છે.

અંગ્રેજી કેળવણીના સંપર્ક પછી ચરિત્રકારોની વિષયપસંદગીનું ક્ષેત્ર વિસ્તર્યું. પંડિત યુગમાં નવલરામ ‘કવિજીવન’, ગોવર્ધનરામ ‘નવલરામ લક્ષ્મીરામની જીવનકથા’ અને ‘લીલાવતી જીવનકલા’, ‘કાન્તિલાલ છ. પંડ્યા’ ‘શ્રીયુત ગોવર્ધનરામ વિનાયક મહેતા’, ‘નંદશંકર જીવનચરિત્ર અને બ. ક. ઠાકોર’ ‘અંબાલાલભાઈ’ આપે છે. પંડિતયુગમાં આમ ચરિત્રસાહિત્ય વિકાસ અને વૈવિધ્ય બંને સાધે છે. ચરિત્રકારની દૃષ્ટિ જીવનના અનેક ક્ષેત્રોમાં ફરી વળે છે અને ધાર્મિક પુરુષો, સમાજસુધારકો, સાહિત્યકારો, સ્વદેશસેવકો, લોકસેવકો એ સર્વને પોતાના ચરિત્રવિષયક બનાવે છે. પંડિતયુગનો ચરિત્રકાર ચરિત્રનાયકના જીવનકાર્ય ઉપરાંત એના અંગત જીવનને આલેખવા તરફ પણ વળે છે. ‘નવલરામ લક્ષ્મીરામની જીવનકથા’ જેવો ચરિત્રાત્મક અભ્યાસગ્રંથ ‘લીલાવતી જીવનકલા’ અને ‘શ્રીયુત ગોવર્ધનરામ’ જેવાં સુંદર વ્યક્તિચિત્રો અને યુગચિત્ર આપતું ‘નંદશંકર જીવનચરિત્ર’ એ પંડિતયુગની ચરિત્રસાહિત્યમાં આગવી સિદ્ધિઓ છે.

ગાંધીયુગમાં કિશોરલાલ મશરૂવાળા ‘રામ અને કૃષ્ણ’ ‘બુદ્ધ અને મહાવીર’ - ‘ઇશુખ્રિસ્ત’ અને ‘સહજાનંદ સ્વામી’, ઝવેરચંદ મેઘાણી ‘હંગેરીનો તારણહાર’ અને દયાનંદ સરસ્વતી, મહાદેવભાઈ દેસાઈ ‘વીર વલ્લભભાઈ’; વિશ્વનાથ ભટ્ટ ‘વીર નર્મદ’; ક. મા. મુનશી ‘નરસૈયો : ભક્ત હરિનો’ અને ‘નર્મદ-અર્વાચીનોમાં આદ્ય’; ન્હાનાલાલ ‘કવીશ્વર દલપતરામ’; ધૂમકેતુ ‘હેમચંદ્રાચાર્ય’; વિજયરાય વૈદ્ય ‘શુક્રતારક’; દુર્ગાશંકર શાસ્ત્રી ‘પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું સંક્ષિપ્ત ચરિત્ર’ ‘સોપાન’ ‘ચલો દિલ્હી’; નરહરી પરીખ ‘મહાદેવ દેસાઈનું પૂર્વચરિત્ર’ અને ‘સરદાર વલ્લભભાઈ’, તથા ‘શ્રેયાર્થીની સાધના’ વગેરે ચરિત્રો જયભિખ્ખુની પહેલાં મળે છે, ગાંધીયુગનું આ ચરિત્રસાહિત્ય મુખ્યત્વે જનતાની અને જન્મભૂમિની, ધર્મ, સ્વદેશ, રાજકારણ, વિજ્ઞાન, ઉદ્યોગ અને કેળવણી એમ વિવિધ ક્ષેત્રોમાં સેવા અર્પનાર સ્વદેશી-પરદેશી સજ્જન સન્નારીઓને આલેખ્ય-વિષય બનાવી સર્જાય છે. આ યુગનાં ચરિત્રકારોની નિરૂપણ-પદ્ધતિમાં રસાળતા આવી છે. ગાંધીયુગનો ચરિત્રકાર સામગ્રીના સંશોધન માટે પરિશ્રમ ઉઠાવે છે. ઉપલબ્ધ સામગ્રીને વિશ્વસનીય રૂપ આપે છે.’ એણે બિનસાંપ્રદાયિક દૃષ્ટિ પણ કેળવી છે. ચરિત્રનાયકના જીવનની અલૌકિક ઘટનાઓનું એ બૌદ્ધિક ભૂમિકા ઉપર અર્થઘટન કરાવે છે. પોતાના ચરિત્રનાયક તરફ એને સમભાવ જરૂર છે. પણ છતાં એકંદરે એના આલેખનમાં સત્યનિષ્ઠાથી એ ચલિત થતો નથી. આ યુગના ચરિત્રકારો નિરૂપણમાં કલામયના લાવીને જીવનકથા પણ નવલકથા જેટલું જ લોકપ્રિય સાહિત્યસ્વરૂપ બની શકે એ વાતની પ્રતીતિ કરાવે છે.

જયભિખ્ખુ પહેલાં આમ ચરિત્રસાહિત્ય સારા એવા પ્રમાણમાં સર્જાયું છે. એમાં વિશ્વનાથ મ. ભટ્ટનું ‘વીર નર્મદ’ તો ચરિત્રસાહિત્યનો ઉમદા આદર્શ પૂરો પાડે એવી કૃતિ બની છે. જયભિખ્ખુ પણ આવા માતબર સાહિત્યસ્વરૂપમાં પોતાનું યથાશક્તિ યોગદાન કરે છે. જયભિખ્ખુ પાસેથી આપણને ત્રેવીસ જેટલાં ચરિત્રગ્રંથો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળામાં કેટલાક બાલભોગ્ય, ટૂંકા અને પ્રેરક ચરિત્રો તેઓ આપે છે. ‘ચરિત્રને ઘડે તે ચરિત્ર’ એવા ચોક્કસ દૃષ્ટિકોણને લઈને રચાયેલા જયભિખ્ખુના આ ચરિત્રો સર્જકની પ્રસંગજમાવટની કલાથી અને રસળતી શૈલીથી આગવાં બની રહ્યાં છે.

જયભિખ્ખુનાં આ ચરિત્રસાહિત્યમાં જૈન સાધુઓને ચરિત્રનાયકપદે સ્થાપીને લખાયેલાં ત્રણ ચરિત્રો મળે છે. જેમાં ‘શ્રી ચરિત્રવિજયજી’ ‘ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી’ અને ‘યોગનિષ્ઠ આચાર્ય’નો સમાવેશ થાય છે. આ ચરિત્રોની ઊડીને આંખે વળગતી વિશેષતા એ છે કે ચરિત્રકારે એમાંથી સાંપ્રદાયિક પરિભાષાને ખૂબ ઓછી કરી નાખી છે. જયભિખ્ખુ પહેલાં રચાયેલા જૈન સાધુઓના ચરિત્રોમાં સાંપ્રદાયિક પરિભાષા, ધાર્મિક ક્રિયાકાંડો વગેરેની વિગતો એટલા મોટા પ્રમાણમાં આવતી કે જૈનેતરોને એને કારણે એમાં રસક્ષતિ થતી. ઘણીવાર તો એ સાંપ્રદાયિક શબ્દોના અર્થઘટન પણ સામાન્ય જનને સુલભ ન થતાં. વળી ચરિત્રકારો મોટે ભાગે આવા જૈન સાધુઓનું વિરલ વિભૂતિ તરીકેનું જ ચિત્ર ઉપસાવતા, જેની તરફ અહોભાવ થતો. પ્રેમ કે પ્રેરણા એમાંથી ન સાંપડતા. જૈન સાધુઓના આવી પરિભાષામાં રચાયેલાં ચરિત્રોમાં જયભિખ્ખુએ પ્રથમ વાર જ પરિવર્તન આણ્યું. એમણે એમનું વ્યક્તિ તરીકે ચિત્ર ઉપસાવ્યું. એને કારણે એમનાં નવાં ચરિત્રોમાં જીવંતતા આવી. વળી આ ચરિત્રોની ભાષા સાંપ્રદાયિક તત્ત્વને ઓગળી લોકગમ્ય પ્રવાહિતા લાવ્યા. ચરિત્રનાયકના માનવ તરીકેના વ્યક્તિત્વનો ઉઠાવ અપાવાને કારણે એમનાં આવાં ચરિત્રો સર્વજનભોગ્ય બન્યાં. જૈન સાધુઓનાં ત્રણ ચરિત્રોમાં સૌથી વિશેષ નોંધપાત્ર બની રહ્યું છે ‘યોગનિષ્ઠ આચાર્ય’. એમાં એમણે ૧૦૮ ગ્રંથોના રચયિતા આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર વિષે વિગતે ચરિત્રચિત્રણ કર્યું છે. આ ચરિત્રમાં આરંભે ચરિત્રનાયકના જન્મ સમયની પરિસ્થિતિ, જન્મસ્થળનું વર્ણન અને ત્યારબાદ માતા-પિતા વિષે તેઓ વાત કરે છે. નવલકથા જેવી રસાળ શૈલીમાં રચાયેલું આ ચરિત્ર વીસમી સદીના પૂર્વાર્ધનો સામાજિક ઇતિહાસ પણ બતાવે છે. એમાં ચરિત્રકારે કરેલું લોકજીવનનું આલેખન તથા સુંદર પ્રકૃતિવર્ણન ચરિત્રકારજયભિખ્ખુ ની નોંધપાત્ર સિદ્ધિ છે. જૈન સાધુઓનાં જીવન પર રચાયેલાં ચરિત્રોમાં આ ચરિત્ર મોખરાનું સ્થાન ધરાવે છે.

ભગવાન મહાવીર વિષે લખાયેલાં ચરિત્રોમાં જયભિખ્ખુનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ અને ‘ભગવાન મહાવીર’ (સચિત્ર) જૈન-જૈનેતરોમાં સૌથી વધુ લોકપ્રિય બનેલાં ચરિત્રો છે. સામાન્ય રીતે તીર્થંકરોનાં ચરિત્રમાં પરિભાષા અને રૂઢ લઢણ જાણીતી છે, પણ જયભિખ્ખુ એનાથી મુક્ત રહ્યા છે. ‘નિગ્રંથ ભગવાન મહાવીર’માં સામાન્ય વાચક પણ રસભેર વાંચી જાય એ રીતે આખી વાત એમણે મૂકી છે. અને છતાં આ ચરિત્રની વિશેષતા એ વાતમાં છે કે શાસ્ત્રોમાં આલેખિત મહાવીરના જીવન વિષેની મુખ્ય મુખ્ય હકીકતોમાંથી એક પણ હકીકત તેમણે છોડી નથી.

મહાવીર સ્વામીના જન્મથી નિર્વાણ સુધીની તેમની આત્મસિદ્ધિની સાધનાનો સળંગસૂત્ર પરિચય કરાવતા પંચાવન પ્રસંગો એમાં એમણે રજૂ કર્યા છે. આ ચરિત્રના પૂર્વ ભાગમાં પ્રસંગોનું નિરૂપણ સચોટ અને હૃદયંગમ છે, ચરિત્રકારની ભાષા પણ સરળ અને સુબોધ છે તથા પ્રસંગો પણ સંક્ષિપ્ત-સચોટ છે, પણ ઉત્તરભાગમાં એવી પ્રવાહિતા જળવાઈ નથી. ભગવાન મહાવીરનો ઉપદેશ, વિચારસરણી અને તત્ત્વચર્ચાને સમજાવતા પ્રસંગો અને સંવાદો દીર્ઘસૂત્રી થાય છે. આખું યે જીવનચરિત્ર એવી છાપ ઉપસાવે છે કે જાણે ચરિત્રકારને ચરિત્રનાયકના વ્યક્તિત્વ કરતાં એની વિચારસરણીમાં તો વધુ રસ નથી પડી ગયો ને ? અલબત્ત, આખાયે ચરિત્રમાંથી સાંપ્રદાયિકતાના તત્ત્વને બને એટલું ગાળી નાંખવાનો જયભિખ્ખુએ ઉમદા પ્રયત્ન કર્યો છે. છતાં રસ અને જ્ઞાન બંનેનો સમન્વય કરવા જતાં ગ્રંથના પૂર્વ વિભાગમાં રસ અને ઉત્તર વિભાગમાં જ્ઞાન વચ્ચે આ કૃતિ વહેંચાઈ ગઈ છે.

ચરિત્ર સાહિત્યક્ષેત્રે ભગવાન મહાવીર વિષે જ્યારે નહીવત કાર્ય થયું હતું એવે સમયે જયભિખ્ખુના આ ચરિત્રે એક દિશાસૂચકનું કામ કર્યું છે એ દૃષ્ટિએ તેમજ જયભિખ્ખુ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હોવાની પ્રતીતિ પણ આ પુસ્તક કરાવે છે, એ રીતે મહાવીર સ્વામીનું એક પ્રમાણભૂત ચરિત્ર બની રહે છે.

જૈન સાહિત્યની વિરલ વિભૂતિઓ ઉપરાંત ઇતિહાસની સુપ્રસિદ્ધ વ્યક્તિઓને નાયક બનાવીને પણ જયભિખ્ખુ ઘણાં બધાં ચરિત્રો આપે છે. આ ચરિત્રોમાં, ‘સિદ્ધરાજ જયસિંહ’ ‘ઉદો મહેતા’ અને ‘મંત્રીશ્વર વિમલ’ વિશેષ નોંધપાત્ર છે. આ ચરિત્રોમાં ચરિત્રકારે સિદ્ધરાજની મહત્તા, ઉદા મહેતાની ધર્મપરાયણતા અને વીરતા તથા મંત્રીશ્વર વિમલદેવની ઉદારતાનું માર્મિક આલેખન કર્યું છે. મુખ્યત્વે કિશોરોને ધ્યાનમાં રાખીને આ ચરિત્રો જયભિખ્ખુએ લખ્યાં હોવાથી એમની દૃષ્ટિ પ્રસંગોની ખિલવટ ઉપર વિશેષ રહી છે. ગુજરાતની અસ્તિમતાના આ ત્રણ ઘડવૈયાઓનાં ચરિત્ર કિશોરો હોંશે હોંશે વાંચે, એમાંથી આગવી રીતે જીવનપ્રેરણા મેળવે એવા બન્યાં છે. શ્રી ક. મા. મુનશીએ પોતાની નવલોમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ધર્મપરાયણ મંત્રી ઉદા મહેતાનું ચિત્ર થોડું વિકૃત બનાવ્યું છે. એને લોભી અને જડ ધર્મપ્રેમી બતાવ્યો છે. જૈન ધર્મ તરફનું ઉદા મહેતાનું વલણ આ નવલમાં વિકૃત ધર્મપ્રેમી માણસ તરીકેનું ઊપસ્યું છે. ઐતિહાસિકતાની દૃષ્ટિએ મુનશીએ આ પાત્રને થોડું વિકૃત બનાવ્યું છે. જ્યારે જયભિખ્ખુ પોતાના ઉદા મહેતાના ચરિત્રમાં ઉદા મહેતાનું જે વ્યક્તિત્વ ઉપસાવે છે તે એક ઉદાર ધર્મપ્રેમી માનવી તરીકેનું છે. આવું ચરિત્ર લખવા પાછળનો ચરિત્રકારનો આશય ગુજરાતના યુવાનને એક ઉમદા ચરિત્રનો આદર્શ પૂરો પાડવાનો છે.

એવી જ રીતે ‘સિદ્ધરાજ જયસિંહ’માં જયભિખ્ખુએ ગુજરાતના સુવર્ણયુગના મહાન અને સમર્થ રાજવીના ઉમદા ચરિત્રને પ્રગટ કર્યું છે. કથાવાર્તાનો રસ જમાવવા જતાં ઘણાં નાટકો, નવલકથાઓ અને ચિત્રપટોએ ગુજરાતના આ સંસ્કૃતિધર રાજવીના ચરિત્રને વિકૃત બનાવી દીધું છે. ચરિત્રકાર આ ચરિત્રમાં એની વિકૃતિને દૂર કરીને, જૂની દંતકથાઓનાં જાળાં-વાળાં ઝપટી નાખીને સુવર્ણયુગના આ મહાન ચક્રવર્તીના ઉજ્જવલ ચરિત્રને દર્શાવે છે. ચરિત્રકારે ઇતિહાસનો આધાર લઈને બતાવ્યું છે કે રાણકદેવી તરફ સિદ્ધરાજની કૂડી નજર નહોતી, અને જસમાનું પાત્ર તો સાવ કલ્પિત છે. તેઓ આ ચરિત્રની પ્રસ્તાવનામાં કહે છે ‘મેં બને તેટલા ઇતિહાસોમાંથી સત્ય તારવવા પ્રયત્ન કર્યો છે. અર્ધસત્યો ને અસત્યોથી દૂર રહેવા યથાશક્ય યત્ન કર્યો છે. ધર્મઝનૂનથી લખાયેલી વસ્તુઓને બને તેટલી ગળી નાખી છે.’ (‘વડ અને વડવાઈ’, પૃ. ૬). આમ આ ચરિત્રોમાં જયભિખ્ખુએ જે તે ચરિત્રનાયકને ઐતિહાસિક ન્યાય મળે એવો પ્રયત્ન કર્યો છે. અને એ દ્વારા મુનશીની જેમ ગુજરાતના ગૌરવને પ્રજા સમક્ષ ઉપસાવી આપ્યું છે.

‘ઇંટ અને ઇમારત’ નામની જયભિખ્ખુની કોલમ દર ગુરુવારે ‘’ગુજરાત સમાચાર’માં પ્રગટ થતી. આ કૉલમમાં પ્રસિદ્ધ થયેલા કેટલાક પ્રસંગોને આધારે જયભિખ્ખુએ ‘કૂલની ખુશબો’, ‘મોસમના કૂલ’, ‘કૂલ વિલાયતી’ અને ‘ફૂલ નવરંગ’ માં સમાજજીવનની પ્રસિદ્ધ અપ્રસિદ્ધ વ્યક્તિઓનાં પ્રેરક ચરિત્રને ઉપસાવતા નાના નાના પ્રસંગો રજૂ કર્યા છે. ‘ફૂલની ખુશબો’માં મહાન પુરુષોના જીવનના પ્રેરક પ્રસંગો છે. ‘મોસમનાં ફૂલ’માં સામાન્ય માનવીઓના જીવનના મહાન પ્રસંગો આલેખાયા છે. તો ‘ફૂલ વિલાયતી’ વિદેશી વ્યક્તિઓના હૃદયસ્પર્શી પ્રસંગોને નિરૂપે છે. ‘ફૂલ નવરંગ’માં પ્રકીર્ણ પ્રસંગો છે. માનવતાનું અત્તર પમરાવતું વ્યક્તિત્વ ધરાવતાં, વિવિધ દેશકાળનાં, નાના-મોટાં, પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ, મહાનુભાવી માનવપુષ્પોના જીવનપ્રસંગની પાંખડીઓ ગૂંથીને પોતાના પ્રિય વાચકવર્ગને એક અનોખો પુષ્પહાર ધરવાનો ઉમદા આશય આ ચરિત્રો પાછળ છે. આ સંદર્ભમાં તેઓ ‘ફૂલ વલાયતી’માં કહે છે : ‘અહીં આ ફૂલશ્રેણીમાં આપેલાં ફૂલની ખુશબો જેવા જીવનપ્રસંગો કંઈક માર્ગદર્શક બની શકે તો બને ! ડૂબતાને કોઈક વાર નાનોમોટો તરણો પણ બચાવી શકે... અહીં તો સારું વાચન-અત્તરનું એક પૂમડું – એક સારું તંદુરસ્ત ચિત્ર આપ્યાનો સંતોષ છે.’ (લેખકનું નિવેદન : પૃ. ૫).

‘ફૂલની ખુશબો’માં સતી થવાની પ્રથાને નિર્મૂળી કરી મહાકષ્ટે સમાજનું આ સૈકાજૂનું કલંક ધોનાર રાજા રામમોહનરાય, સમાજના છેલ્લામાં છેલ્લા વર્ગના માણસ ઉપર નીતિજીવનની નિર્મળી છાંટનાર સ્વામી સહજાનંદ, ધર્મને વ્યવહારમાં આચરી બતાવનાર વણિક યોગી શ્રીમદ્ રાજચંદ્ર, સત્યનિષ્ઠા વેદપાઠી ગાંધીજી, દેશભક્તિની પ્રચંડ મૂર્તિ સમાન વિચક્ષણ રાજપુરુષ વિઠ્ઠલભાઈ પટેલ, વ્યક્તિનું નહીં પણ એની ભાવનાનું સ્મરણ ચિંતન કરીને આદર્શ વર્ષગાંઠ ઊજવનાર પૂ. રવિશંકર મહારાજ અને તેમના અંતેવાસીઓ, સંગીતની સાધના કરતાં કરતાં જીવનને વેદના અને ખુમારીથી ભરી દેનાર સ્વરયોગી સાયગલ, સંસારનાં વિષ પીતાં પીતાં જ્ઞાનના અમૃતની શોધમાં જીવન ખતમ કરી દેનાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી, રાજાની ખુમારીથી ગરીબાઈનો અંચળો ઓઢીને ગૂર્જર ગિરાને લાડ લડાવનાર કવિવર નાનાલાલ અને બાળપણમાં પ્રભુને જીવન સમર્પિત કરીને ‘શ્રેયાર્થીની સાધના’ તરીકે જીવન વિતાવનાર કિશોરલાલ મશરૂવાળા જેવી વ્યક્તિઓનાં પ્રેરક ચરિત્રો આપ્યાં છે. આ નિમિત્તે ચરિત્રકાર આ વ્યક્તિઓને જેબદાર કલમથી અંજલિ આપે છે.

‘મોસમના ફૂલ’ના પેલા બે પ્રસંગો ‘ન ખત-ન ખબર’ અને ‘યહી ઇન્સા હોગા’ લેખકના ખુદના જીવનપ્રસંગો છે. પાકિસ્તાનના પઠાણ ખાન શાહઝરીન સાથેના જયભિખ્ખુના પ્રેમ અને ખાનના ઊજમાળા ચરિત્રનું એમાં નિરૂપણ છે. ‘દિલનો દેવ દુનિયાનો દાનવ’ સૂરતના ઠાકોરભાઈ ઝવેરીની ઇમાનદારી આલેખે છે. ‘પૂરવના કરમ’માં વાર્તાત્મક ઢબે માનવીના પૂર્વે કરેલાં કર્મોનો બદલો કેવો મળે છે એનું નિરૂપણ છે. તો ‘શંભુ મહારાજ’ સ્વ. પઢિયારજીના ચરિત્રને ઉપસાવે છે. ‘ખડિયામાં ખાંપણ લઈને’માં બહારવટિયા રામવાળાની દિલની દિલાવરીની કથા રજૂ થઈ છે. આપણે આગળ જોયું છે તેમ આ ચરિત્રપુસ્તકમાં જેમના જીવનપ્રસંગો રજૂ થાય છે એ વ્યક્તિઓ પ્રખ્યાત નથી. અહીં તો રજૂ થઈ છે નાનકડા માણસોના જીવનની મોટકડી ઘટના. સ્ટેશનમાસ્તર, ટાંગાવાળો, બહારવટિયો કે પઠાણ જેવા માણસોના અંતરની અમીરાત પ્રસંગ આવ્યે કેવી મહોરી ઊઠી હોય છે એનું નિરૂપણ ચરિત્રકાર જયભિખ્ખુની રસળતી કલમે ભાવવાહી રીતે કર્યું છે.

‘કૂલ વિલાયતી’માં વિદેશી વ્યક્તિઓની મહત્તાનો આવેખ મળે છે. આ ચરિત્રપુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ કહે છે, ‘સામાન્ય માન્યતા એવી છે કે પાશ્ચાત્ત લોકો એટલે જડવાદના પૂજારી, તપ સાધનને ત્યાગની તો ત્યાં તમન્ના કોને ? પણ એ ભ્રમ આ પુસ્તક ખોટો ઠેરવે છે.’ (લેખકનું નિવેદન, પૃ. ૬). આ ચરિત્રપુસ્તકમાં કુલ તેર વ્યક્તિઓનાં જીવનના પ્રસંગો જયભિખ્ખુએ ઉપસાવ્યા છે. ‘સત્યનો પૂજારી’ રશિયાના મહાન સાહિત્યકાર અને સત્યભક્ત લીઓ ટૉલ્સ્ટોયના સત્યનિષ્ઠા અને દર્દભર્યા જીવનને આલેખે છે. સત્યભક્ત એવા આ માનવીને કુટુંબ અને સમાજે સત્યનિષ્ઠાના બદલામાં કેવી આકરી સજા કરી અને છતાં જિંદગીના અંતે પણ એના મુખમાં સત્યની જ દુહાઈ કેમ રહી એનું નિરૂપણ છે. ‘લોહીમાંસથી લખાયેલા’માં વિદ્યાર્થી ક્રાંતિકારી ટોમસ ક્લાર્કસનની ક્રાંતિકથા છે. ‘ધૂળનું ફૂલ’માં દુઃખના ગજવેલમાંથી ઘડાયેલી અને જગતજનની બની ઇતિહાસમાં બેસન્ટ મૈયાના નામે પ્રસિદ્ધ થયેલી એની બેસન્ટની કર્મકથા છે. ‘માનવતાની મીણબત્તી’માં સેવાભાવી રેન્કો અને ‘તમન્નાનાં તપ’માં વિલિયમ જોન્સે સંસ્કૃતના અભ્યાસ માટે કરેલા પ્રયત્નોનો આલેખ મળે છે. આખા યે પુસ્તકમાં સહુથી વધુ ઉઠાવદાર બન્યાં છે. બ્રાઝિલમાં ખેડું લીર્નિજેન અને ઇતિહાસકાર કર્નલ ટોડનાં ચરિત્રો. ‘જગતનો તાત ગણાયો’ માં ઉજ્જડ ધરાને ખીલવવા મરજીવો બનીને મથનાર બ્રાઝિલનો ખેડુ લીર્નિજેન કેવું મથ્યો એનું સુરેખ નિરૂપણ છે. જ્યારે ‘અમર ટોડ’ માં રાજસ્થાનના ઇતિહાસને આલેખનાર કર્નલ ટોડના ચરિત્રને જયભિખ્ખુએ ઉપસાવ્યું છે અને ‘ફૂલ નવરંગ’ લોકમાન્ય ટિળક, શહીદ કિનારીવાલા, ઝંડુ ભટ્ટ, ભગવાન બુદ્ધ અને દેવદત્ત વગેરેના જીવનપ્રસંગો રજૂ કરે છે.

આ ઉપરાંત ધૂમકેતુ સાથે ‘પ્રતાપી પૂર્વજો’ ભા. ૧ થી ૪માં જે ચરિત્રલેખન જયભિખ્ખુએ કર્યું છે એમાં વીર નરનારીઓ, સંતો-મહંતો અને ધર્મસંસ્થાપકોના જીવનના એકાદ માર્મિક પ્રસંગ સાથે એમનું જીવનકાર્ય અને સંદેશ ચરિત્રકારે આલેખ્યાં છે. ‘દહીંની વાટકી’ માં ગોપાલ કૃષ્ણ ગોખલે વગેરે કેટલાય મહાપુરુષોના નાના પણ બોધક ને મર્મયુક્ત જીવનપ્રસંગો આલેખાયા છે. ‘યજ્ઞ અને ઇંધણ’ માં જયભિખ્ખુએ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનો જીવંત ચિતાર આપ્યો છે તો ‘મહાન આચાર્ય આર્ય કાલક’ જેના વિષે એમણે બે ભાગમાં નવલકથા લખી છે. એનું આ પુસ્તિકામાં નાનકડું પણ જીવંત ચરિત્ર ઊપસ્યું છે. ‘હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠની જીવન ઝરમર’ ‘ધર્મજીવન’ નાનકડી ચરિત્રપુસ્તિકાઓ છે.

આ ઉપરાંત ‘વિદ્યાર્થી વાચનમાળા’ની દસ શ્રેણીમાં તેમણે કેટલાંક ટૂંકા પણ પ્રમાણભૂત અને પ્રેરક ચરિત્રો લખ્યાં છે તેનો પણ પરિચય લઈ લેવો જોઈએ. બાળકોના ચરિત્રઘડતરમાં, એમના વ્યક્તિત્વવિકાસમાં અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાના ઇરાદાથી એ જમાનામાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં ભણતાં બાળકો માટે એમણે વિદ્યાર્થી વાચનમાળાની યોજના કરી. આ યોજના હેઠળ વિદ્યાર્થી વાચનમાળાની એકથી દસ શ્રેણી અને પ્રત્યેક શ્રેણીમાં ૨૦ પુસ્તિકાઓ એમ ૨૦૦ પુસ્તિકાઓ એમના સંપાદનકાર્ય હેઠળ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે તૈયાર કરી. એમાંથી ૬૬ પુસ્તિકાઓ પોતે જાતે લખી જ્યારે બાકીની લગભગ ૧૩૪ જેટલી પુસ્તિકાઓ એ વખતના સારા ગણાતા બાળસાહિત્યકારો ધીરજલાલ શાહ, માધવરાવ કર્ણિક, રમણલાલ ના. શાહ, ચુનીલાલ વર્ધમાન શાહ, રમણભાઈ સોની વગેરે પાસે લખાવી અને પોતાની નજર તળે સંપાદિત કરીને એમણે મૂકી.

વિદ્યાર્થી વાચનમાળાની આ વિવિધ શ્રેણીઓમાંની પ્રથમ શ્રેણીમાં ‘શ્રીકૃષ્ણ’, ‘ભગવાન બુદ્ધ’, ‘વીર હનુમાન’, ‘ભડવીર ભીમ’, ‘ચક્રવર્તી ચંદ્રગુપ્ત’, ‘રાજા ભરથરી’, ‘ભક્ત સૂરદાસ’, ‘નરસિંહ મહેતા’, ‘મીરાંબાઈ’, ‘લોકમાન્ય ટિળક’; બીજી શ્રેણીમાં ‘આદ્યકવિ વાલ્મીકિ’, ‘મુનિરાજ અગત્સ્ય’, ‘શકુન્તલા’, ‘દાનેશ્વરી કર્ણ’, ‘સ્વામી વિવેકાનંદ’, ‘પંડિત મદનમોહન માલવિયા’; ત્રીજી શ્રેણીમાં ‘વીર દુર્ગાદાસ’, ‘મહારાણા પ્રતાપ’, ‘સિક્કીમનો સપૂત’, ‘દાનવીર જગડૂ’, ‘સિદ્ધરાજ જયસિંહ’, ‘જગત શેઠ’, ‘વીર વિઠ્ઠલભાઈ’, ‘પ્રો. કર્વે’, ‘એની બેસન્ટ’; ચોથી શ્રેણીમાં ‘રસ કવિ જગન્નાથ’, ‘છત્રપતિ શિવાજી’, ‘સમર્થ સ્વામી રામદાસ’, ‘ચાંદબીબી’, ‘મહાત્મા કબીર’, ‘શ્રી ત્રિભોવનદાસ ગજ્જર’, ‘બાબુ રાજેન્દ્રપ્રસાદ’; પાંચમી શ્રેણીમાં ‘મહારાજા કુમારપાળ’, ‘રાજા રણજિતસિંહ’, ‘લક્ષ્મીબાઈ’, ‘શ્રી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર’, ‘શ્રી મહાદેવ ગોવિંદ રાનડે’, ‘શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે’, ‘શ્રી ગોવર્ધનરામ’, ‘શ્રી જવાહરલાલ નહેરુ’, ‘શ્રી સુભાષચંદ્ર બોઝ’; છઠ્ઠી શ્રેણીમાં ‘કર્મ દેવી અને મેવાડની વીરાંગનાઓ’, ‘સર ટી. માધવરાવ’, ‘ઝંડુ ભટ્ટજી’, ‘શિલ્પી કરમાકર’, ‘સ્વ. હાજીમહમદ’, ‘વીર લધાભા’; સાતમી શ્રેણીમાં ‘વીર કુણાલ’, ‘મહામંત્રી મુંજાલ’, ‘જયકૃષ્ણ ઇન્દ્રજિત’, ‘સયાજીરાવ ગાયકવાડ’, ‘મહાવીરપ્રસાદ દ્વિવેદી’, ‘મહાકવિ ન્હાનાલાલ’, ‘પ્રો. રામમૂર્તિ’, ‘અબ્દુલ ગફારખાન’; આઠમી શ્રેણીમાં ‘કવિ નર્મદ’, ‘કસ્તુરબા’; નવમી શ્રેણીમાં ‘વીર બાલાજી’, ‘પંડિત વિષ્ણુ દિગંબર’ અને દશમી શ્રેણીમાં ‘પઢિયારજી’, ‘રાજા રવિવર્મા’, ‘શરદબાબુ’, ‘શ્રી મોતીભાઈ અમીન’ વિશેનાં ચરિત્રો મળે છે.

વિદ્યાર્થી વાચનમાળાની વિવિધ શ્રેણીઓમાં પ્રાપ્ત થતાં આ ચરિત્રોની નામાવલિ બતાવે છે તેમ ચરિત્રકારે પોતાના લેખન માટે મહાન અવતારો, ઋષિઓ, સંતો-મહંતો, રાજા-મહારાજાઓ, મહાન નેતાઓ, સાહસ શૂરાઓ, કેટલાક નામી કવિઓ-સાહિત્યકારો, કેળવણીકારોને ચરિત્રવિષયક તરીકે પસંદ કરી એમના ટૂંકા છતાં સચોટ અને પ્રમાણભૂત ચરિત્રો આપ્યાં છે.

‘શ્રી કૃષ્ણ’, ‘ભગવાન બુદ્ધ’, ‘ભડવીર ભીષ્મ’ વગેરે મહાન અવતારોનાં ચરિત્રોમાં ચરિત્રનાયકોનું માનવીય તત્ત્વ એમણે ઉપસાવ્યું છે. સાથે જે ચરિત્રનાયકના જીવનની મુખ્ય ઘટનાઓને ટૂંકાણમાં છતાં રસળતી શૈલીમાં રજૂ કરી આપી છે.

‘આદ્ય કવિ વાલ્મીકિ’ ‘ભક્ત સૂરદાસ’ ‘નરસિંહ મહેતા’ ‘મીરાંબાઈ’ રસકવિ જગન્નાથ માં આપમઈ પ્રાચીન-મધ્યકાલીન કવિસૃષ્ટિને, એમનાં માર્મિક જીવનને અને તેમનાં ચરિત્ર ઘડતાં ઉમદા ચારિત્ર્યને જયભિખ્ખુએ ઉપસાવ્યાં છે. એમાં ‘ભક્ત સુરદાસ’ માં ચરિત્રકારે અકબરના પ્રીતિપાત્ર એવા સૂરદાસનું ભક્તકવિ તરીકેનું ચરિત્ર ઉપસાવ્યું છે. તો ‘નરસિંહ મહેતા’માં નરસિંહની નાગરી નાત, ભક્તજનની મશ્કરીઓ અને રા’માંડલિકે કરેલી નરસિંહની કસોટીઓ તથા મીરાંબાઈ'માં ‘કાચે તાંતણે મને હરજીએ બાંધી’ કહેનારી મીરાંની કૃષ્ણ તરફની ભક્તિ અને શ્રદ્ધાને હોંશીલી વાણીમાં નિરૂપ્યાં છે.

‘મુનિરાજ અગત્સ્ય’, ‘દાનેશ્વરી કર્ણ’, ‘રાજા ભરથરી’, ‘શકુંતલા’ વગેરેમાં જયભિખ્ખુએ આપણા ઋષિઓ અને પુરાણપ્રસિદ્ધ પાત્રોને બાળકોમાં એમના ઉમદા ચરિત્ર તરફ સદ્ભાવ જન્મે એ રીતે ઉપસાવ્યાં છે.

‘લોકમાન્ય તિલક’, ‘ગોપાલકૃષ્ણ ગોખલે’, ‘શ્રી મહાદેવ ગોવિંદ રાનડે’, ‘શ્રી જવાહરલાલ નહેરુ’, ‘શ્રી સુભાષચંદ્ર બોઝ’, ‘વીર વિઠ્ઠલભાઈ’, ‘બાબુ રાજેન્દ્રપ્રસાદ’, ‘કસ્તુરબા’ જેવા નેતાઓનાં ચરિત્રોમાં બાળભોગ્ય શૈલીમાં જે તે વ્યક્તિનાં સુરેખ અને ચોટદાર ચરિત્રો જયભિખ્ખુએ ઉપસાવ્યાં છે. એમાં સર વિઠ્ઠલભાઈનું મુત્સદ્દીપણું અને એમનામાં થતો સમન્વય ચરિત્રકારે સુપેરે આલેખ્યાં છે, તો ‘બાબુ રાજેન્દ્રપ્રસાદ’ બિહારના ભૂકંપ વખતે માંદગીના બિછાને હોવા છતાં અસરગ્રસ્તોની જે સેવા બજાવી એને વર્ણવે છે. મહાદેવ ગોવિંદ રાનડેના ચરિત્રમાંથી ચરિત્રકારે ચરિત્રનાયકની ન્યાયપ્રિયતાને અને ગોપાલકૃષ્ણ ગોખલેના ચરિત્રમાંથી ગોખલેની દેશભક્તિની ભાવનાને સુરેખ રીતે ઉપસાવી છે.

આવી જ રીતે શિક્ષણ અને સંસ્કારક્ષેત્રે આગવી સેવા આપી સમાજ માટે પથદર્શક બનેલા ઘોંડે કેશવ કર્વે, ત્રિભુવનદાસ ગજ્જર, પં. વિષ્ણુ દિગંબર, શ્રી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, શ્રી મોતીભાઈ અમીન, સર ટી. માધવરાવ વગેરેનાં ચરિત્રો પણ પ્રમાણભૂત રીતે એમણે આલેખ્યાં છે. એ જમાનામાં બંડખોરનું મંડળ સ્થાપનાર અને પુનર્વિવાહ ઉત્તેજન મંડળની સ્થાપના દ્વારા સામાજિક ચેતના જગાડનાર ઘોંડે કેશવ કર્વેનું કસાયેલું પરોપકારી વ્યક્તિત્વ, વનસ્પતિશાસ્ત્રમાં ઊંડું સંશોધન કરનાર શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજિત, ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિને પ્રાણપણે વિકસાવનાર શ્રી મોતીભાઈ અમીન, પ્રો. રામમૂર્તિ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વગેરેનાં ચરિત્રો યાદગાર અને જીવંત રીતે ઉપસાવી આપ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ અને સંસ્કારક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર સયાજીરાવ ગાયકવાડને ચરિત્રકારે ‘ઊગહતા પહોરમાં યાદ કરવા જેવા માણસ’ તરીકે ઓળખાવી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણક્ષેત્રે, બાલકલ્યાણ અને કલાશિક્ષણ માટે એમણે કરેલી પ્રવૃત્તિઓને નાનકડા ચરિત્રમાં બિરદાવી છે.

સમાજસેવકો અને શિક્ષણકારોની જેમ સાહિત્યકારો અને ચિત્રકારોનાં ઉજમાળાં વ્યક્તિચિત્રો પણ આ ચરિત્રોમાં જયભિખ્ખુએ આપ્યાં છે. નર્મદ, ગોવર્ધનરામ, નાનાલાલ, હિન્દી સાહિત્યકાર મહાવીર પ્રસાદ દ્વિવેદી, બંગાળી નવલકથાકાર શરદબાબુ, સુખ્યાત ચિત્રકાર રવિ વર્માને જયભિખ્ખુની રસળતી કલમે જીવંત રૂપ આપ્યું છે. એમાં ય તે રાજકુટુંબો સાથે લોહીના સંબંધોથી જોડાયેલા, રંગપેટીના ખેલંદા ને ત્રાવણકોરનાં મહારાજા ને મહારાણીઓનાં ચિત્રો બનાવી ‘ગજબ ચિતારો થજે’ એવા આશીર્વાદ મેળવનાર રાજા રવિવર્માની ચિત્રકાર તરીકેની સિદ્ધિઓ અને સ્ત્રીપાત્રોને હંમેશાં મરાઠી પોષાકો પહેરાવનાર આ ચિત્રકારનું ચિત્ર ચરિત્રકારની ભાષામાં એવું તો ઊપસ્યું છે કે એક ચિતારો સહજ રીતે જ બાળકોના દિલદિમાગનો કબજો લઈ લે.

સમાજ, સાહિત્ય, શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બજાવનારાઓની જેમ સંસ્કૃતિ - સંસ્કારના ઉદ્દગાતા એવા સ્વામી વિવેકાનંદ કે વિજયધર્મસૂરિ સ્વામીનાં ચરિત્રો પણ ચરિત્રકાર જયભિખ્ખુની સંસ્કારવાંછતી નજરમાંથી વિસરાયાં નથી. ‘સ્વામી વિવેકાનંદ’ના ચરિત્રમાં ટૂંકા ટૂંકા વાક્યોમાં ચરિત્રનાયકના આંતરબાહ્ય વ્યક્તિત્વને જયભિખ્ખુ આલેખે છે તો સર્વધર્મસમન્વયના અહાલેકને જગાડનાર જૈન મુનિ વિજયધર્મસૂરિના વિસરાઈ ગયેલા કાર્યની યાદ એ ચરિત્ર દ્વારા અપાવે છે.

પોતાની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નાટકોમાં ઇતિહાસથાઓનો બહોળો ઉપયોગ કરનાર જયભિખ્ખુએ ચરિત્રોમાં પણ ઇતિહાસકથાઓનો ઉપયોગ ઠીક ઠીક પ્રમાણમાં કર્યો છે. ઇતિહાસના પટલ પર પ્રતાપી પાત્રો તરીકે છવાઈ ગયેલા ‘વિર દુર્ગાદાસ’, ‘મહારાણા પ્રતાપ’, ‘સિદ્ધરાજ જયસિંહ’, ‘ચક્રવર્તી ચંદ્રગુપ્ત’, ‘છત્રપતિ શિવાજી’, ‘ચાંદબીબી’, ‘મહારાજા કુમારપાળ’, ‘વીર કુણાલ’, ‘મહારાણી લક્ષ્મીબાઈ’ વગેરેનાં ચરિત્રો પણ જયભિખ્ખુએ ઉપસાવ્યાં છે. ‘વીર દુર્ગાદાસ’માં રાજસ્થાનના વીર દુર્ગાદાસની વીરતા અને ક્ષમાનું નિરૂપણ કરતો એક પ્રસંગ ઉપસાવ્યો છે એ મુજબ રાણા રાજસિંહ અને ઔરંગઝેબ વચ્ચેના સંઘર્ષમાં ઔરંગઝેબની બેગમ દુર્ગાદાસના હાથે પકડાઈને એને શી સજા કરવી એવા રાજસિંહના પ્રશ્નના પ્રત્યુત્તરમાં દુર્ગાદાસે જવાબ વાળ્યો હતો કે રજપૂતો કદી પતિની શિક્ષા તેમની ઓરતોને કરતા નથી. એવી જ રીતે ‘મહારાણા પ્રતાપ’માં હલદીઘાટી અને ચિતોડગઝના યુદ્ધના ખેલંદા પ્રતાપની શૂરવીરતાને ચરિત્રકારે ઉપસાવી છે. ‘મહારાજા કુમારપાળ’માં પાટણની ડગુમગુ થતી ગાદી બનેવી કહાનડદેવની મદદથી સિદ્ધરાજના મૃત્યુ પછી કેવી રીતે મેળવી તેનું ચિત્ર ઉપસાવ્યું છે. ‘મહારાણી લક્ષ્મીબાઈ’માં મર્દાની રાણી લક્ષ્મીબાઈની શૂરવીરતા ઊપસી છે તો એક ઝંડા નીચે સહુ રાજ્યોને એકત્ર કરી સુંદર અને સુદઢ રાજ અમલ સ્થાપવા માટે મથનાર રાજવીની સંઘર્ષકથા ‘મહારાજા રણજિતસિંહ’માં ચરિત્રાત્મક ઢબે આલેખાઈ છે. ઉત્તર ભારતમાંના નંદરાજાઓના રાજમાંનો ત્યાગી રાજવી ચંદ્રગુપ્ત ‘ચક્રવર્તી ચંદ્રગુપ્ત’માં આલેખાયો છે અને ‘ચાંદબીબી’ સુલતાનોના યુગના તેજસ્વી તારક તરીકે ઊપસે છે. મગધની રાજધાનીના અશોકનો ધર્મવર્ધન નામનો પુત્ર જે કાંચનમાળાની સંગીત સાધનાથી રોટલો રળતો હતો એનું ચરિત્ર ‘વીર કુણાલ’ માં અને રાજમાતા મીનળના વહીવટી રાજકારભારમાં તેજસ્વી કામગીરીનો ઇતિહાસ પૂરો પાડનાર મુંજાલનું ચરિત્ર ‘મહામંત્રી મુંજાલ’માં ઊપસ્યાં છે.

જયભિખ્ખુના સમગ્ર ચરિત્રસાહિત્યને તપાસતાં જણાય છે કે જયભિખ્ખુએ જે ચરિત્રસાહિત્ય આપ્યું છે એમાં ‘નિર્ગ્રંથ ભગવાન મહાવીર’ ‘શ્રી ચારિત્ર્યવિજયજી’ ‘ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી’ કે ‘યોગનિષ્ઠ આચાર્ય’ જેવાં બૃહત્ ચરિત્રોનું પ્રમાણ ઓછું છે. મોટે ભાગે તેઓ ‘ફૂલોની ખુશબો’ ‘ફૂલ મોસમનાં’ ‘ફૂલ વિલાયતી’ કે ‘કૂલ નવરંગ’ અને વિદ્યાર્થી વાચનમાળાની વિવિધ શ્રેણીઓમાં જોવા મળે છે એવાં ટૂંકા પણ પ્રમાણભૂત અને પ્રેરક ચરિત્રો જ વિશેષ પ્રમાણમાં આપે છે.

આવાં ચરિત્રો આપવા પાછળ ચરિત્રકારનો હેતુ ચરિત્રનાયકના જીવન દ્વારા તેનો સંદેશ કે બોધ સમાજ સમક્ષ પહોંચાડવાનો જણાય છે. જેને લેખક ‘માતૃભૂમિનું ભાગવત’ તરીકે ઓળખાવે છે, એવી વિદ્યાર્થી વાચનમાળાની શ્રેણીઓના સંદર્ભમાં તેઓ સ્થળે સ્થળે એક વાત સૂચવે છે કે કુમાર કિશોરીઓના જીવનઘડતરમાં દેશની વિભૂતિઓનાં જીવનચરિત્રોનું વાચન ખૂબ જ જરૂરી છે અને એ હેતુને સાર્થક કરવા માટે જ એમણે આ ચરિત્રો આપ્યાં છે. બાળકોના ચરિત્રઘડતરમાં આ ચરિત્રો ઉમદા ઉદાહરણ બની શકે એ વાતને ધ્યાનમાં રાખીને જ જીવનધર્મી સાહિત્યકારે આ ચરિત્રોનું સર્જન કર્યું છે. સંખ્યાની દૃષ્ટિએ જયભિખ્ખુના સમગ્ર સર્જનમાં લગભગ ચોથો ભાગ રોકતું આ ચરિત્રસાહિત્ય આટલા વિપુલ પ્રમાણમાં સર્જીને જયભિખ્ખુએ સંસ્કારધર્મી સાહિત્યકાર તરીકેના વ્યક્તિત્વની પ્રતીતિ કરાવી છે. બીજા બધા સાહિત્ય પ્રકારોના પ્રમાણમાં આ સાહિત્યપ્રકાર નૈતિક અસર વિશેષ કરે છે અને આવા નૈતિક અસર વિશેષ ઉપજાવતા સાહિત્યસ્વરૂપમાં વધારે ખેડાણ કરીને જયભિખ્ખુએ સંસ્કારઘડતરની સેવા સારા પ્રમાણમાં કરી છે. એમના આ ક્ષેત્રમાંના પ્રદાનના સંદર્ભમાં એમને અવશ્યપણે આપણે ‘જ્યોતિર્ધર’ કહી શકીએ. આપણે આ પ્રકરણમાં આરંભે જોયું છે તેમ દરેક માનવીના આત્મામાં એવું તત્ત્વ રહેલું છે જે તેનામાં ઉદાત્ત આકાંક્ષા પ્રેરે છે. ચરિત્રસાહિત્યનું વાચન આ તત્વને પોષે છે. કોઈ એક વ્યક્તિના જીવન, ચરિત્ર અને સિદ્ધિઓ વિશે વાંચતા જે વિશિષ્ટ ગુણોએ, જે સદ્ અંશોએ એ વ્યક્તિને મહાન બનાવી, જે ગુણોને લીધે તેણે પોતાની મુશ્કેલીઓનો હિંમત અને ધૈર્યથી સામનો કર્યો અને તેમના ઉપર વિજય મેળવ્યો એ સર્વ વાચક ચરિત્ર દ્વારા જાણે છે. આ બધું અનુભવ-નિવેદન સત્યકથન હોવાથી તથા ઉપદેશ કરતાં આચરણનો વિશેષ પ્રભાવ પડતો હોવાથી ચરિત્રગ્રંથ કલ્પિત કથાઓ કરતાં વધારે અસરકારક અને ચોટયુક્ત બને છે. ભાવકના મન ઉપર એ વ્યક્તિવિશેષના સગુણાનો પ્રબળ પ્રભાવ પડે છે. અને એ મહાનુભાવ વ્યક્તિને પોતાનાં મનઃચક્ષુ સમક્ષ રાખીને ભાવક પોતાના ભાવિ જીવન માટે માર્ગદર્શન મેળવી, પોતાની જાતનું ઘડતર કરવા પ્રયાસ કરે છે. ચરિત્રસાહિત્યનો આવો કલ્યાણકારી પ્રભાવ હોવાથી જ જયભિખ્ખુએ વિશેષ પ્રમાણમાં આ સાહિત્ય આપ્યું છે અને એમના સાહિત્યના પ્રચાર અને લોકપ્રિયતાએ એ સિદ્ધ પણ કરી આપ્યું છે કે જયભિખ્ખુ સંસ્કાર પ્રસારણના ક્ષેત્રે નોંધનીય કામગીરી કરી શક્યા છે.

આ ચરિત્રો એ વાતની પણ આપણને પ્રતીતિ કરાવે છે કે પોતાના ચરિત્રવિષયક સંબંધી સામગ્રી સંશોધિત કરવામાં તેઓએ ઠીક પરિશ્રમ ઉઠાવ્યો છે. સર્વ ઉપલબ્ધ સામગ્રીમાંથી વિવેકયુક્ત તારવણી કરી વિશ્વસનીય વિગતો મેળવે છે, અને એને રસયુક્ત બાનીમાં અભિવ્યક્ત કરે છે. ચરિત્રકાર જયભિખ્ખુ બિનસાંપ્રદાયિક છે એ એમના વિવિધ ધર્મોનાં ચરિત્રો જોતાં જણાય છે. પોતાના ‘નિર્ગ્રંથ ભગવાન મહાવીર‘ જેવાં ચરિત્રોમાં અલૌકિક ઘટનાઓનું બૌદ્ધિક ભૂમિકા ઉપર અર્થઘટન કરાવે છે. તો ‘સિદ્ધરાજ જયસિંહ’ કે ‘ઉદા મહેતા’ના ચરિત્રોમાં પ્રવેશી ગયેલી દંતકથાઓને દૂર કરીને ચરિત્રનાયકોનાં પ્રમાણભૂત અને ઇતિહાસસિદ્ધ ચરિત્રો પણ ઉપસાવી આપે છે. એકંદરે એમને પોતાના ચરિત્રનાયકો તરફ સમભાવ છે. પણ એના નિરૂપણમાં તેઓ સત્યનિષ્ઠામાંથી ચલિત થતા નથી. ઘણાં ખરાં ચરિત્રોમાં જયભિખ્ખુ ચરિત્રનાયકના જીવન અને કાર્યનું સમતોલ મૂલ્યાંકન કરાવી નિરૂપણમાં કલાત્મકતા પણ લાવે છે.

એમનાં ટૂંકા ચરિત્રોની એક લાક્ષણિકતા એની આલેખનરીતિ પરત્વે જોવા મળે છે. પહેલાં તેઓ કોઈ પણ એક પ્રસંગથી ચરિત્રનો પ્રારંભ કરે છે, એ પ્રસંગના આલેખન દરમિયાન ચરિત્રનાયકનું નામ જણાવતા નથી, પ્રસંગ પૂરો થાય ત્યારે ચરિત્રનાયક કોણ હતા એની વિગત આપતાં તે કહે છે. ‘આ તોફાની છોકરો તે નરેન્દ્ર, તે જ સ્વામી વિવેકાનંદ’ એ પછી ચરિત્રનાયકના જન્મની, માતા-પિતા, કેળવણી અને પ્રવૃત્તિની વિગત આપીને એના જીવનના મહત્ત્વના પ્રસંગો રજૂ કરે છે.

એમનાં ચરિત્રોમાં જૈન સાધુઓનાં જે ચરિત્રો આપ્યાં છે એમાં જે તે સાધુનું ‘માનવ’ તરીકેનું એમણે જે નિરૂપણ કર્યું છે તેને કારણે તથા એમાંની સાંપ્રદાયિક પરિભાષાને ઓગાળી કાઢીને જે રસળતું છતાં પ્રમાણભૂત ચિત્રણ કર્યું છે તેને કારણે જુદાં તરી આવે છે. એમનાં પહેલાં આવાં ચરિત્રો રચાતાં જે મોટે ભાગે સંપ્રદાય પૂરતાં જ મર્યાદિત બની રહેતાં, એનો હેતુ માત્ર સંપ્રદાયની વ્યક્તિઓને ઉપદેશ, જ્ઞાન કે માહિતી આપવાનો રહેતો. જયભિખ્ખુએ આ ચરિત્રોમાંથી સાંપ્રદાયિક પરિભાષા દૂર કરીને એને જૈન- જૈનેતરોમાં લોકપ્રિય બનાવ્યાં. આમ છતાં આ ચરિત્રો જયભિખ્ખુના જૈન ધર્મના પ્રમાણભૂત જ્ઞાનનો પરિચય કરાવવાનું પણ ચૂકતા નથી એ તેની વિશેષતા છે.

આ ચરિત્રો એવી પણ પ્રતીતિ કરાવે છે કે વાસ્તવિક સત્ય કલ્પિત સત્ય કરતાં સહેજ પણ મોળું નથી. વળી ચરિત્રકારે ટૂંકા ચરિત્રોમાંથી પ્રાસંગિકતાને ગાળી નાંખી હોવાથી તે ભાવકને ચોક્કસ રીતે સ્પર્શી જાય છે. જયભિખ્ખુની કલમમાં એવી સંજીવની છે કે કોઈ પણ વિગત જડ, નિર્જીવ કે કઠોર રહેતી નથી.

જયભિખ્ખુનાં આ ચરિત્રોને રસળતાં બનાવવામાં એમની ગદ્યશૈલીએ પણ સારો ફાળો આપ્યો છે. ચરિત્રકારની ગદ્યશૈલી પાત્રના સ્વભાવની કોમળતા, કઠોરતા, સંવેદનની તીવ્રતા, વિચારની ભવ્યતા કે મિજાજની ખુમારીને સુપેરે પ્રગટાવે છે. શિષ્ટતા, વેગ, ઉત્કટતા, ગાંભીર્ય અને ચિત્રાત્મકતા એ એમની શૈલીના ગુણો છે.

ટૂંકમાં, નવલકથા, ટૂંકી વાર્તાની જેમ વિશાળ પટ પર પથરાયેલું જયભિખ્ખુનું ચરિત્રસાહિત્ય પણ સારું એવું સત્વવંતુ છે. પ્રત્યેક ચરિત્રગ્રંથ પર લેખકના વ્યક્તિત્વની દૃઢ છાપ પડેલી છે.

ચરિત્રકારમાં હોય એવા સ્વાભાવિક ગુણો સત્યશોધ અને સમભાવયુક્ત ચલણવલણનું તેજ જયભિખ્ખુની કલમમાંથી સતત પ્રગટતું અને પ્રમાણાતું જોવા મળે છે એ શોધ અને સમભાવનું સંયોજન ચરિત્રનાયકના વ્યક્તિત્વને પારદર્શક રીતે રજૂ કરે છે અને એને પરિણામે ચરિત્રકારની શૈલીનો લાભ ભાવકચિત્તને પણ પ્રસન્ન કરે છે.